બચ્ચા-બચ્ચાએ કેમ કરવા જોઈએ યોગ?

14 November, 2019 01:27 PM IST  |  Mumbai | Ruchita Shah

બચ્ચા-બચ્ચાએ કેમ કરવા જોઈએ યોગ?

પ્રતીકાત્મક તસવીર

કેજીમાં ભણતાં બાળકોથી લઈને સ્કૂલ-કૉલેજ સુધી પહોંચેલા યંગસ્ટર્સમાં પણ એક કૉમન ફૅક્ટર કોઈ હોય તો એ સ્ટ્રેસ છે. આજની ડિમાન્ડિંગ એજ્યુકેશન સિસ્ટમ અને નાની ઉંમરમાં મળી રહેલા વધુપડતા મીડિયા એક્સપોઝરે પણ બાળકોની હેલ્થને બહુ મોટા પાયે અસર કરી છે. યોગ તો છોડો આજનાં બાળકો ગાર્ડનમાં રમવા પણ નથી જતાં. ક્યાંક બાળકોની સેફ્ટીનો પ્રશ્ન છે તો ક્યાંક ડિજિટલ ઍડિક્શન અને અભ્યાસના બિઝી શેડ્યુલે બાળકોનો સમય લઈ લીધો છે. એવા સમયે યોગ, પ્રાણાયામ અને ધ્યાન બાળકો માટે છે? જવાબ છે હા. કઈ રીતે એ આગળ જોઈએ.

સહજ છે

જ્યારે જૉયફુલ અને ઊર્જાથી ભરપૂર થવાની વાત આવે ત્યારે બાળકોની તોલે કંઈ ન આવે એમ જણાવીને ઈશા ફાઉન્ડેશનનાં ચિલ્ડ્રન યોગનાં એક્સપર્ટ ટીના જબર કહે છે, ‘તમે જોશો તો ખ્યાલ આવશે કે બાળકો પોતાના પેરન્ટ્સ કરતાં નૅચરલી વધુ ખુશખુશાલ હોય છે. સદ્ગુરુજીએ આ જ બાબત પર ધ્યાન આપીને બાળકોમાં કુદરતી રીતે જે જૉયફુલ સ્ટેટ છે એને વધારવામાં મદદ કરે અને માઇન્ડ તથા બૉડીના વિકાસને વધુ પ્રબળ કરે એવા પ્રોગ્રામ્સ ડેવલપ કર્યા છે.

યોગને કારણે અનેક લેવલ પર બાળકોને ફાયદો થયાનું અમે ઑબ્ઝર્વ કર્યું છે. ફિઝિકલ લેવલ પર સ્પાઇનને વધુ સુદૃઢ કરવાનું, ફ્લેક્સિબિલિટી વધારવાનું અને ઓવરઑલ હેલ્થ સુધારવાનું કામ કરે છે. આજે ઘણા દેશોમાં કૉમન બનેલા ચાઇલ્ડ ઓબેસિટીના પ્રૉબ્લેમને પણ યોગથી કન્ટ્રોલમાં લઈ શકાય છે. અસ્થમા અને ઍલર્જિક કન્ડિશનમાં પણ યોગની ઉપયોગિતા અમે ઑબ્ઝર્વ કરી છે. મેન્ટલ અને બિહેવિયરલ લેવલ પર પણ પેરન્ટ્સ પાસેથી અમને ફીડબૅક મળ્યા છે કે યોગની નિયમિત પ્રૅક્ટિસ પછી બાળકોમાં ગુસ્સાનું પ્રમાણ ઘટ્યું છે. ઓછા પ્રયાસો પછી એ લોકો કૉન્સન્ટ્રેટ કરી શકે છે, મેમરી સુધરી છે અને એક્ઝામ પહેલાંના
તેમના સ્ટ્રેસનું પ્રમાણ ઘટ્યું છે.’

ટીનાના અનુભવ મુજબ યોગ અને ગ્રુપ ઍક્ટિવિટીથી બાળકોની ઓવરઑલ પર્સનાલિટીમાં ઘણો ફરક પડે છે. તે કહે છે, ‘ઑસ્ટ્રેલિયાની નવ વર્ષની સોફિયા નામની એક છોકરી યોગ શિબિરમાં આવી હતી. શરૂઆતમાં તે ખૂબ શરમાળ હતી. સ્ટેજ-ફિયર હતો. જોકે અમારી સાથે તેણે કેટલાક સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લીધો અને ધીમે-ધીમે તેનો ડર નીકળતો ગયો. જેટલી જરૂર હોય એટલું બોલતાં અને લોકો સાથે હળતાં-ભળતાં શીખી ગઈ. સદ્ગુરુજી કહે છે કે બાળકો પર કંઈ પણ થોપી નહીં શકાય. એના કરતાં બહેતર છે કે તમે એવો માહોલ ક્રીએટ કરો કે બાળકો આપમેળે એન્જૉય કરતાં શીખી જાય. આપણે ત્યાં પેરન્ટ્સ અનાયાસ
બાળકોને એ શીખવી દેતા હોય છે કે સફરિંગ તો પાર્ટ ઑફ લાઇફ છે. માનવજાત માટે આ સૌથી મોટો અપરાધ છે. કુદરતી રીતે જ આનંદ જેનો સ્વભાવ છે એ બાળકો આ ખોટી શીખને કારણે જ મોટાં થઈને દુઃખી થઈ જતાં હોય છે. છથી બાર વર્ષની ઉંમરનાં બાળકોને સ્ટેબિલિટી આપે, ફ્લેક્સિબલ બનાવે, બૅલૅન્સ રાખતાં શીખવે અને એકાગ્રતા શીખવે એ પ્રકારની યોગિક પ્રૅક્ટિસ કરાવીએ છીએ.’

સાવધાની બહુ જરૂરી

અહીં બ્લાઇન્ડ અને બોલી-સાંભળી ન શકતાં બાળકોને પણ યોગ કરાવનારો યોગશિક્ષક રતિશ રાઓ કહે છે, ‘મોટાઓને યોગ કરાવવા કરતાં બાળકોને યોગ કરાવવાનું કામ થોડુંક અઘરું છે. બાળકોને યોગ શીખવવા માટે શિક્ષક ખૂબ વધુ ટૅલન્ટેડ અને પોતાની ઇન્સ્ટ્રક્શનમાં સતર્ક હોય એ જરૂરી છે. મોટાઓને ઇન્સ્ટ્રક્શન આપવામાં તમે ઉપરનીચે કરી લીધું તો પણ એ લોકો પહેલાં સેફ્ટી જોશે, કારણ કે તેમને ડર હોય છે. સહેજ પડી જવા જેવું લાગશે ત્યાં તે અટકી જશે. પરંતુ બાળકોમાં એવું નથી. ઇન ફૅક્ટ, તેમને પડવાનો તો જરાય ડર નથી. નાજુક હોવાને કારણે સહેજ વધુ સ્ટ્રેચિંગ થઈ જાય તો ઇન્જરી થવાના ચાન્સ વધુ હોય છે. છ વર્ષથી નાનાં બાળકોને ઇન્વર્ઝનને લગતાં યોગાસનો નહીં કરાવવાની સલાહ અપાય છે, કારણ કે હજી તેમનાં હાડકાં નાજુક હોય છે. બેશક, ચીન જેવા દેશોમાં ખૂબ નાનાં બાળકો પાસે પણ માર્શલ આર્ટ્સની ટ્રેઇનિંગ કરાવાય છે, પરંતુ એ નિયમિત અને સઘન પ્રૅક્ટિસ પછી.’

યોગ બાળકોમાં બૅલૅન્સિંગ, સ્ટ્રેંગ્થ અને ઍરોબિક ક્ષમતા બહેતર કરે છે એવાં અઢળક સર્વેક્ષણો અત્યાર સુધી થઈ ચૂક્યાં છે. છેલ્લાં વીસ વર્ષોમાં થયેલા અભ્યાસોમાં યોગથી મેન્ટલ હેલ્થને ફાયદો થાય છે એ સાબિત થતું રહ્યું છે. યોગથી મેમરી, એકાગ્રતા, સેલ્ફ-એસ્ટીમ અને ઍકૅડેમિક પર્ફોર્મન્સ પણ સુધરે છે.

બાળકોમાં માઇન્ડ-બૉડી કનેક્શન સઘન થવાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે. જોકે ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશ્યન ડૉ. અંજના થડાણી કહે છે, ‘બાળકો જનરલી લાંબા સમય સુધી સ્થિર બેસી નથી શકતાં. એટલે તેમનું યોગ સેશન ખૂબ ઇન્ટરેક્ટિવ અને સતત હૅપનિંગ હોય એ જરૂરી છે. છ વર્ષથી નાનાં બાળકોને યોગ કરાવતી વખતે ખૂબ વધારે સાવધાની રાખવાની જરૂર હોય છે. જો પ્રૉપર ટ્રેઇનર હોય અને બાળકોની સાઇકોલૉજીને સમજીને તેમની પાસે યોગ પ્રૅક્ટિસ કરાવે તો એકાગ્રતા અને બિહેવિયરમાં યોગ રિઝલ્ટ આપે છે.’

સ્માર્ટ થવું પડે

દરેક બાળક અલગ છે. તેમને ટ્રીટ કરવાની પદ્ધતિ પણ અલગ હોય. રતિશ કહે છે, ‘ધારો કે કોઈ બાળક એકદમ શાંત છે અને પોતાની જગ્યા પરથી ઊભા થવામાં પણ તેને જોર પડતું હોય તો તેની પાસે તમે મેડિટેશન અને શાંતિવાળાં આસનો કરાવો તો પરિણામ નહીં મળે. બીજી બાજુ કોઈ બાળક હાઇપરઍક્ટિવ છે તો તેનામાં થોડીક સ્થિરતા આવે એવાં આસનો અને ક્રિયાઓ કરાવવાં જોઈએ. યોગથી બાળકોમાં ડિસિપ્લિન આવે છે. જનરલી અમે શરૂઆત ડિસિપ્લિનથી જ કરીએ છીએ. એક લાઇનમાં ઊભા રાખવાના, હાથ ઉપર-નીચે કરીને સ્ટ્રેચિંગ આપવાની કસરતો કરાવવાની. એ દરમ્યાન જ આઇડિયા આવી જાય કે આમાંથી
કયું બાળક તોફાની છે અને કયાં બાળક શાંત છે અને તમે કહ્યું એ બરાબર ફૉલો કરશે. એ પછી વધુ તોફાની હોય એ બાળકોની આસપાસ ફરતા રહીને તેમને ગમે તેવા અંદાજમાં યોગ કરાવીએ તો તેમને જલસા પડી જાય. થોડાંક આસનો થાય પછી ગેમ્સ રમાડીએ જેમાં તેમની ફિઝિકલ અને મેન્ટલ કો-ઑર્ડિનેશન સ્કિલ્સ અને અટેન્શન ડેવલપ થતાં હોય. છેલ્લે જ્યારે તેઓ પૂરેપૂરાં થાકી જાય એટલે લાઇટ પ્રાણાયામ પણ તેમની સ્ટાઇલમાં કરાવીએ અને મેડિટેશન પણ કરાવીએ જે બાળકો હોંશે-હોંશે કરતાં હોય છે. ઘણા લોકો મને પૂછતા હોય છે કે બાળકો મેડિટેશન કેવી રીતે કરે? તેમને આંખો બંધ કરીને બેસાડવાં મુશ્કેલ નથી
લાગતું? જવાબ છે ના. તેમને આંખો બંધ કરીને બેસાડવાને બદલે તેમને શવાસનમાં મેડિટેશન કરાવીએ, એ પણ તેમની પૂરેપૂરી એનર્જી સમાપ્ત થઈ ગઈ હોય પછી.’

શું ફાયદા થાય?

- એક્ઝામને લગતા સ્ટ્રેસને બાળક મૅનેજ કરી શકે.
- માઇન્ડ-બૉડી કો-ઑર્ડિનેશન વધે, જેથી દરેક કાર્ય બાળકો વધુ નિપુણતાપૂર્વક કરી શકે.
- યાદશક્તિ વધે.
- આત્મવિશ્વાસમાં વધારો થાય અને સેલ્ફ-કન્ટ્રોલ બહેતર થાય.
- ફ્લેક્સિબિલિટી વધે, બ્લડ સર્ક્યુલેશન વધવાથી બહેતર ગ્રોથ થાય.
- ગ્રુપ ક્લાસને કારણે હળીમળીને રહેવું, શૅર કરવું, ટીમવર્ક કરવું જેવા ગુણો વિકસે.
- બાળકોની એકાગ્રતા વધે.
- હાઇપર બાળકોમાં જાતે જ થોડાંક શાંત થવાની આદત કેળવાય.
- સેલ્ફ-ઍક્સેપ્ટન્સ વધે.

columnists