હોટેલમાં સ્વાદિષ્ટ વ્યંજનો પીરસતા શેફ પાસેથી પત્નીઓ કેવી ડિમાન્ડ કરે છે

09 April, 2020 06:14 PM IST  |  Mumbai | Shailesh Nayak

હોટેલમાં સ્વાદિષ્ટ વ્યંજનો પીરસતા શેફ પાસેથી પત્નીઓ કેવી ડિમાન્ડ કરે છે

ફાઈલ ફોટો

સામાન્ય રીતે જ્યારે લોકો ઉત્સવની ઉજવણી કરતા હોય ત્યારે પણ હોટેલના શેફ બહુ જ વ્યસ્ત હોય કેમ કે લોકો ઘરે કિચન બંધ રાખીને હોટેલોમાં ખાવા નીકળી પડતા હોય, પણ અત્યારે તમામ હોટેલો બંધ છે ત્યારે બારેમાસ વ્યસ્ત રહેતા શેફ્સને પણ નવરાશની પળો મળી છે. ગ્રાહકોને સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં વ્યસ્ત રહેતા કલિનરી એક્સપર્ટ્‍સને અત્યારે પરિવારજનો સાથે ક્વૉલિટી ટાઇમ ગાળવાનો અમૂલ્ય સમય મળ્યો છે ત્યારે હવે તેઓ ફૅમિલીની ડિમાન્ડ પર હોંશે-હોંશે બનાવી રહ્યા છે ડેલિશ્યસ ફૂડ.

‘અરે જરા સુનો તો, આજ તુમ લંચ મેં કોઈ અચ્છી સબ્ઝી બના દો ના.’

‘અચ્છા બતાઓ, કૌનસી સબ્ઝી ખાનેમેં

પસંદ કરોગી.’

‘અરે આપ તો હોટેલમેં કિતની સારી સબ્ઝી બનાતે હો તો કોઈ ભી આપકી પસંદ કી બના દો ના.’

ભલે અહીંનો સંવાદ કાલ્પનિક છે, પરંતુ રોજ હોટેલોમાં સેવન કોર્સ મીલ તૈયાર કરતા શેફ અત્યારે ઘરમાં રિલૅક્સ્ડ ટાઇમ ફરમાવી રહ્યા છે ત્યારે તેમની પત્નીઓ પણ કદાચ આવી જ ડિમાન્ડ કરતી હશે.

લૉકડાઉનના કારણે આજે બધા જ નાગરિકો પોતાના ઘરમાં પરિવાર સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે ત્યારે સ્વાદના શોખીનો માટે અવનવી ડિશિસ સર્વ કરતા હોટેલોના શેફ્સ પોતાના ઘરે ફૅમિલીની ડિમાન્ડ પર હોંશે-હોંશે ડેલિશ્યસ ફૂડ બનાવી રહ્યા છે અને ફૅમિલીને હેલ્પફુલ બની રહ્યા છે. ફૅમિલી માટે પોતે કંઈક કરી રહ્યાનો આત્મસંતોષ મેળવી રહ્યાં છે.

લૉકડાઉનના કારણે ધંધા રોજગાર બંધ છે ત્યારે દેશની મોટી હોટેલોમાં કામ કરતા શેફ પણ ઘરે બેઠા અવનવા પ્રયોગો કરી રહ્યા છે. કોઈ શેફ સ્પૉટ કુકિંગ કરી રહ્યા છે તો કોઈ બનાવી રહ્યા છે પનીર બટર મસાલા, પનીર પાલક. તો કોઈ શેફ બનાવી રહ્યા છે પાણીપૂરી, ભેળ તો કોઈ પોહા એટલે કે પૌંઆ, પૂરણપોળી, રાઈતું બનાવી રહ્યા છે તો કોઈ દાલ-સબ્ઝી અને જાતજાતનાં સૅલડ બનાવી રહ્યા છે. કેટલાક શેફ તેમના ઘરે ફૅમિલીને મદદ કરી રહ્યા છે. રસોઈકામમાં મદદ કરે છે, શાકભાજી સમારી આપે છે, ચા બનાવી આપે છે એ ઉપરાંત બાળકોને અભ્યાસ કરાવે છે, તેમની સાથે રમીને મજા કરે છે.

ફાઇવ સ્ટાર હોટેલ અને ગુજરાતી થાળમાં જઈને સ્વાદના શોખીનો જેમના હાથની રસોઈ જમીને ધરાતા નથી તેવા શેફના હાથની રસોઈ જમવાનો મોકો લૉકડાઉનના કારણે હવે તેમના ફૅમિલીને મળ્યો છે. શેફ પણ ઉત્સાહપૂર્વક તેમની ફૅમિલીની ડિમાન્ડને ધ્યાનમાં લઈને રસોઈ બનાવીને હેતપૂર્વક જમાડે છે. લૉકડાઉનના કારણે શેફ પણ પોતાના પરિવાર સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે.

ઘરે સ્પૉટ કુકિંગ કરવાની મજા આવે છે ઃ સુરેશ ખન્ના, એક્ઝિક્યુટિવ શેફ, ફૉર્ચ્યુન લૅન્ડમાર્ક હોટેલ

તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં આવ્યા ત્યારે તેમના અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે સાબરમતી આશ્રમમાં ડેલિશ્યસ સ્નૅક્સ તૈયાર કરનાર અમદાવાદમાં આવેલી ફૉર્ચ્યુન લૅન્ડમાર્ક હોટેલના એક્ઝિક્યુટિવ શેફ સુરેશ ખન્ના કહે છે ‘લૉકડાઉનના કારણે ઘરે બેઠા છીએ. બહાર નીકળી શકતા નથી એટલે ઘરે બેસીને ખાવાનું બનાવીએ છીએ. ક્રીએટિવિટી સાથે હું હોમલી ફૂડ બનાવું છું. ગુડ કી રોટી એટલે કે પૂરણપોળી જેને હરિયાણામાં મન કહે છે એ સ્વીટ ટાઇપની હોય છે એ હું બનાવું છું. અલગ-અલગ સૅલડ અને સૂપ બનાવું છું. આ ઉપરાંત સ્પૉટ કુકિંગ કરું છું જેમાં ફ્રિજ ખોલું અને સામે જે નજરમાં આવે એ લઈને કુક કરું છું.’

છેલ્લાં ૩૬ વર્ષથી શેફ તરીકે વીવીઆઇપી સહિતના ગ્રાહકોને ડેલિશ્યસ ડિશિસ બનાવી આપનાર સુરેશ ખન્નાને પૂછ્યું કે કોઈ વાનગી બનાવવા માટે વાઇફની કોઈ ડિમાન્ડ હોય છે કે કેમ? ક્યારેક નહીં, રોજ કંઈક નવી ડિમાન્ડ હોય છે એમ જણાવતાં શેફ સુરેશ ઉમેરે છે, ‘આજે જ કહ્યું હતું કે ચાલો પોહા બનાવી આપો અને મેં વેજિટેબલ નાખીને પોહા બનાવી આપ્યા હતા. વાઇફની ડિમાન્ડ રહે છે અને રસોઈ સારી બને એટલે મારાં વાઇફ રજની મારી તારીફ પણ કરે છે અને કહે છે સારું બનાવ્યું છે. હું પણ તેની રસોઈની તારીફ કરું છું.’

સુરેશ ખન્નાએ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામ, અમિતાભ બચ્ચન, શિલ્પા શેટ્ટી સહીતની સેલિબ્રિટી માટે પણ હેલ્ધી અને ટેસ્ટી વ્યંજનો બનાવ્યાં છે.

હું રોટલી બનાવું છું ને મારી વાઇફ જોતી હોય ઃ મહેન્દ્ર પુરોહિત, ગુજરાતી થાળ

સ્વીટ, ફરસાણ, શાક, રોટલી, પૂરી, ભાખરી, દાળ–ભાત, કઢી–ખીચડી, કચુંબર, છાશ સહિત સ્વાદના શોખીનોને ગુજરાતી થાળનો રસથાળ પીરસતા અમદાવાદમાં આવેલા મહેન્દ્ર થાળવાળા મહેન્દ્ર પુરોહિત કહે છે કે ‘લૉકડાઉનના કારણે ઘરે છું ત્યારે મારાં પત્ની સરોજ કહે એ રીતે તેને નાની-મોટી હેલ્પ કરું છું. શાકભાજી સમારી આપું, ઘઉં વીણી દઉં અને એવાં કામ કરીને પત્નીને મદદ કરુ છું. લૉકડાઉનમાં ઘરની બહારનીનિકળતા નથી. એક દીકરો અને એક દીકરી છે તેમની સાથે ટાઇમપાસ કરીએ છીએ. રામાયણ અને મહાભારત સિરિયલ જોઈએ છીએ. હાલમાં તો બન્ને ટાઇમ ઘરમાં જમીએ છીએ. હોટેલ અને ઘરની રસોઈમાં ઘણો ફરક હોય છે. ઘરે હલકુંફૂલકું અને લાઇટ ખાવાનું હોય.’

વીસ વર્ષથી ગોરધન થાળમાં કામ કરતા અને હવે ત્રણ વર્ષથી પોતાનો મહેન્દ્ર થાળ શરૂ કરનારા મહેન્દ્ર પુરોહિત કહે છે, ‘અત્યારે બાળકો સાથે સમય ગાળવા મળ્યો છે તો તેમની  ડિમાન્ડ પર પાણીપૂરી, ભેળ બનાવી દઉં છું. આ ઉપરાંત તેમને વિવિધ રાઈતાં પણ બહુ ભાવે છે જે હું બનાવું છું. ઘરમાં ચા પણ બનાવું છું. હું રોટલી બનાવું ત્યારે મારી વાઇફ એ જોતી હોય છે.’

ફૅમિલી માટે ગ્રીન અને ફ્રૂટ સૅલડ જેવી હેલ્ધી ચીજો બનાવું છું: મનીષકુમાર ઇસ્તવાલ, શેફ, ધ ઉમેદ હોટેલ

અમદાવાદમાં આવેલી હોટેલ ધ ઉમેદમાં શેફ તરીકે કામ કરી રહેલા મનીષકુમાર ઇસ્તવાલે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉનમાં ઘરે છીએ ત્યારે ઘરકામમાં મારાં વાઇફ શ્વેતાને હું હેલ્પ કરું છું. જમવાનું બનાવવાનું હોય કે ઘરનાં અન્ય કામો હોય એમાં તેને સપોર્ટ કરુ છું. આ ઉપરાંત મારી બે દીકરીઓ છે તેમની સાથે રમું છું, તેમને અભ્યાસ કરાવું છું. ઘરે છું ત્યારે ફૅમિલી માટે હું હેલ્ધી ફૂડ બનાવું છું. કોરોના વાઇરસના કારણે અત્યારે આપણને વિટામિન સી વધુ જોઈએ જેથી બ્રેકફાસ્ટમાં તેમ જ જમવાનું બનાવવામાં એનું ધ્યાન રાખું છું. હું બ્રેકફાસ્ટ બનાવું, ગ્રીન સૅલડ બનાવું છું, ફ્રૂટ સૅલડ બનાવું છું તેમ જ વાઇફને સબ્ઝી સમારી આપું છું.’

છેલ્લાં ૧૪ વર્ષથી શેફ તરીકે ગ્રાહકોને વરાઇટી ફૂડ બનાવી આપતા મનીષકુમારે કહ્યું, ‘પોતાની પસંદગીની રસોઈ બનાવવા માટે મારાં મિસિસ શ્વેતાની ડિમાન્ડ હોય છે. અલગ -અલગ રસોઈ બનાવી આપવા માટે મને કેટલીયે વાર ડિમાન્ડ કરી છે. હમણાં જ તેની ડિમાન્ડ પર પનીર બટર મસાલા, પનીર પાલક અને સૅલડ બનાવી આપ્યું હતું. તેમ જ પોહા બનાવી આપ્યા હતા. આ ઉપરાંત લૉકડાઉનના આ દિવસોમાં દાલ–સબ્ઝી બનાવીને જમાડી છે. હાલમાં જે સ્થિતિ છે એમાં અમે લાઇટ લંચ કરીએ છીએ.’

indian food mumbai food columnists shailesh nayak