સસ્તામાં સેલિબ્રિટી બ્રાઇડની ફીલ આપશે રેન્ટલ જ્વેલરી

26 May, 2022 06:09 PM IST  |  Mumbai | Jigisha Jain

ટીવી-સિરિયલોમાં તૈયાર થયેલી પોતાની ફેવરિટ આર્ટિસ્ટને જોઈને મોટા ભાગની છોકરીઓનું સપનું હોય છે કે હું પણ આવી જ બ્રાઇડ બનું

ટીવી સિરિયલોમાં માનસી મનોજની ડિઝાઇન કરેલી આ જ્વેલરીઓ ખૂબ ફેમસ થઈ છે જે દુલ્હનો માટે ટ્રેન્ડસેટર છે

ટીવી-સિરિયલોમાં તૈયાર થયેલી પોતાની ફેવરિટ આર્ટિસ્ટને જોઈને મોટા ભાગની છોકરીઓનું સપનું હોય છે કે હું પણ આવી જ બ્રાઇડ બનું. લાખો રૂપિયા ખર્ચીને સોનાનો કે હીરાનો સેટ એક વાર ખરીદ્યા પછી લૉકરમાં પડ્યો રહે તો શું કામનું એવા ગણિત સાથે આજની ઇન્ટેલિજન્ટ બ્રાઇડ્સ દાગીના ભાડેથી લેવાનું પસંદ કરે છે. એ દિવસનો રિચ લુક પણ સચવાઈ જાય અને અઢળક પૈસા ખર્ચ થતાં બચી જાય છે

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં અક્ષરાની મોર ડિઝાઇનવાળી નથ હોય કે અનુપમા સિરિયલમાં કિંજલનો ચોકર સેટ, ટીવીની બ્રાઇડ્સનાં ઘરેણાં ટ્રેન્ડ સેટર્સ હોય છે. દરેક છોકરી માટે એ સ્ટાઇલ અને ગ્લૅમરનું પરિમાણ સેટ કરતાં હોય છે. એક સમયે લગ્નમાં કઈ જ્વેલરી પહેરવી એ મમ્મી અને દાદીએ દીકરી માટે જે સાચવેલાં ઘરેણાં હોય એમાંથી નક્કી થતું. એ પછી સોનાના સેટ ખરીદવાનું ચલણ શરૂ થયું અને છેલ્લાં વીસ વર્ષમાં આ બધા ચલણને પાછળ રાખી દઈને ટીવીમાં પોતાની ફેવરિટ વહુને જોઈને ઘરેણાં નક્કી થવા લાગ્યાં અને છોકરીઓને ખુદને લાગવા લાગ્યું કે હું તો ‘કસૌટી ઝિંદગી કી’ની પ્રેરણા જેવી જ નવવધૂ બનીશ. એ સમયથી લઈને આજ સુધી દરેક મુખ્ય પાત્રનાં લગ્ન વખતે એમનું સ્ટાઇલિંગ અતિ મહત્ત્વનું બની રહે છે. ટીવી સિરિયલોના ફૅમિલી ડ્રામામાં લગ્નો ખૂબ મહત્ત્વનાં હોય છે અને એમાં બ્રાઇડનો જે લુક હોય એ લુકની ચર્ચાઓ મહિનાઓ અને ક્યારેક વર્ષો સુધી થતી હોય છે. ટીવીએ બ્રાઇડને એકદમ હેવી લુક આપ્યું. નહીંતર આપણી ગુજરાતી નવવધૂઓ તો ગળામાં એક હાર જ પહેરતી પરંતુ ટીવી સિરિયલોએ એ ટ્રેન્ડ શરૂ કર્યો કે દુલ્હન તો ઘરેણાંઓથી લદાયેલી જ સારી લાગે. ત્યારથી ગુજરાતી નવવધૂઓ પણ ત્રણ-ચાર હાર, કાનમાં ભારે લટકણ અને રાજસ્થાની લુકની નથ પહેરવા લાગી છે. 
જો તમે સોના-હીરાનાં ઘરેણાં પહેરો તો નૅચરલ છે કે કેટલાં ઘરેણાં પહેરી શકવાનાં? એની એક લિમિટ તો ખરી જ. હાથમાં પોંચા, બાજુબંધ, મોટાં કડાં, કંદોરો અને માથાપટ્ટી જેવાં ઘરેણાંઓ સોનાના બનાવવાની ભૂલ આજની ઈન્ટેલીજન્ટ બ્રાઇડ કરે નહિ. કારણકે એ ઘરેણાઓ તો એમનેમ પણ પહેરાવાનાં નથી. વળી આવાં ઘરેણાં ન પહેરે તો બ્રાઇડલ લુક ફીકો લાગે એ પણ એક સમસ્યા છે. એક સોનાનો સેટ પહેરે અને બાકી આર્ટિફિશ્યલ પહેરે તો પણ સારું ન લાગે. આમ જો હેવી લુક જોઈતો હોય તો આર્ટિફિશ્યલ ઘરેણાં જ પહેરવાં પડે. આર્ટિફિશ્યલ જ્વેલરી પણ સારી ક્વૉલિટી અને ડિઝાઇનની લેવા જાઓ તો ૨૫-૫૦ હજાર રૂપિયા એમાં જતા રહે અને ફરી પાછું તો પહેરવાના જ નથી એ પ્રશ્ન તો ઊભો જ રહે. તો બધા પ્રશ્નોનું એક સોલ્યુશન નીકળ્યું અને એ છે રેન્ટલ જ્વેલરી. લગ્નના એક દિવસ માટે ઘરેણાં ભાડે લઈ આવો. આજની તારીખે ભાડું લગભગ ૧૫૦૦ રૂપિયાથી શરૂ થઈને ૨૫,૦૦૦ રૂપિયા સુધીનું હોય છે. જેવી જ્વેલરી એવું ભાડું. 
ટીવીનો ટ્રેન્ડ 
આ રેન્ટલ જ્વેલરીનો ટ્રેન્ડ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ વધુ જૂનો નથી જે વિશે વાત કરતાં હાલમાં ૧૦ જેટલા ટીવી શોઝમાં જ્વેલરી રેન્ટ પર આપતા, સેલિબ્રિટીઝનાં જ્વેલરી ડિઝાઇનર માનસી મનોજ કહે છે, ‘પહેલાં આર્ટિસ્ટ પોતાની જ જ્વેલરી વાપરતા, કારણ કે સેટ પર અપાતી જ્વેલરી મોટા ભાગના ઍક્ટર્સને ગમતી નહીં. બીજું એ કે જ્વેલરી જે પ્રોડક્શન હાઉસ ખરીદીને રાખતું એનું મેઇન્ટેનન્સ એમને ભારે પડતું. ત્યારે શરૂ થયો જ્વેલરી રેન્ટ પર લેવાનો સિલસિલો, જેને વીસેક વર્ષથી વધુ નહીં થયાં હોય. હકીકત એ છે કે પહેલેથી મીડિયા અને ગ્લૅમર વર્લ્ડ લોકોને આકર્ષિત કરતાં આવ્યાં છે. ઝીનત અમાન જેવી મોટી બાલીઓ અને હેમા માલિની જેવા ગળાબંધ ચોકર સેટ કે નેકલેસ દરેક છોકરીને પહેરવા ગમતા. એવું જ સિરિયલોની બ્રાઇડ્સનું છે. આ પાત્રો લોકોને એટલાં સ્પર્શી ગયાં કે પછી એ પાત્રોનું સ્ટાઇલિંગ પણ એટલું મૅટર કરવા લાગ્યું. સિરિયલોની બ્રાઇડનાં કપડાં અને ઘરેણાંની અસર ટીઆરપી પણ પડવા લાગી અને 
આ પૉપ્યુલારિટીએ લગ્નોમાં ઘરેણાં પહેરવાની આખી પરંપરાઓ જ બદલી નાખી, જેને લીધે જન્મ થયો રેન્ટલ જ્વેલરીની માર્કેટનો.’ 
રિપીટ કરવી ગમતી નથી 
શ્રી શૃંગાર ફૅશન સ્ટુડિયો, વિલે પાર્લેનાં યોશિતા પોદાર તેમનાં મમ્મી રજની પોદાર સાથે મળીને ઑનલાઇન તેમ જ ઑફલાઇન જ્વેલરી વેચવાનો અને રેન્ટ પર દેવાનો બિઝનેસ ચલાવે છે જેમાં એમના કહેવા મુજબ ૮૦-૯૦ ટકા બ્રાઇડલ જ્વેલરી રેન્ટ પર જ જાય છે. માત્ર ૧૦ ટકા છોકરીઓને જો જ્વેલરી ખૂબ ગમી જાય તો એ ખરીદી લે છે. લગ્નના એક દિવસ પહેલાં જ્વેલરી ભાડે જાય છે અને એક દિવસ પછી એને સુપરત આપવાની હોય છે. આખા દેશમાં ઑનલાઇન પણ જ્વેલરી રેન્ટ પર બુક થાય છે જેમાં તેઓ શિપિંગ ચાર્જ લેતા નથી. 
લગ્નસરામાં ફક્ત બ્રાઇડ જ નહીં, લગ્નમાં જનારી બીજી સ્ત્રીઓ પણ રેન્ટલ જ્વેલરી જ પસંદ કરતી હોય છે; કારણ કે બધાને જ આજકાલ ટ્રેન્ડી દેખાવું હોય છે એમ જણાવતાં યોશિતા પોદાર કહે છે, ‘જે રીતે દરરોજ સ્ટાઇલિંગના ટ્રેન્ડ બદલતા રહે છે. લોકો કશું વસાવવા માગતા જ નથી, કારણ કે આજે જે વસ્તુનો ટ્રેન્ડ હોય એ બે વર્ષમાં એટલા લોકોએ પહેરી લીધી હોય કે તરત જ એ જૂની થઈ જાય છે. આમ એક વખત વસાવેલી જ્વેલરી જો ઘરજમાઈ થઈને પાડી જ રહેવાની હોય તો એના કરતાં રેન્ટલ જ્વેલરી વધુ સારી એવું માનતા લોકોની સંખ્યા વધી છે. વળી ઇન્સ્ટાગ્રામના જમાનામાં એક વખત જે જ્વેલરી પહેરી એ ફરીથી રિપીટ કરવી કોઈને ગમતી નથી, કારણ કે જે બધાએ જોઈ લીધી હોય એ ફરીથી શું પહેરે એમ વિચારીને પણ લોકો રેન્ટલ જ્વેલરી વધુ પસંદ કરવાના એ હકીકત છે.’ 
ભવિષ્ય 
આર્ટિફિશ્યલ જ્વેલરીથી તૈયાર થતા આ સ્ટાઇલિંગવાળા લુક્સ એટલા પૉપ્યુલર થઈ ગયા છે કે મોટા-મોટા જ્વેલર્સ પણ એમના ઓરિજિનલ દાગીના એ પ્રકારની ડિઝાઇન્સમાં બનાવવા માંડ્યા છે. રેન્ટલ જ્વેલરીનો ટ્રેન્ડ અત્યારે તો છે પરંતુ એનું ભવિષ્ય શું હશે? એ વિશે વાત કરતાં માનસી મનોજ કહે છે, ‘કોવિડે લોકોને ઘણા પાઠ ભણાવ્યા છે જેમાંથી એક બચતનો પાઠ છે. ભવિષ્યમાં પણ મને નથી લાગતું કે લોકો કૉસ્ચ્યુમ અને જ્વેલરી પાછળ રોકાણ કરવાનું વિચારે. સીધું ગણિત એ કહે છે કે રેન્ટલ બિઝનેસ ભવિષ્યમાં વધશે. બીજું એ કે મુંબઈ જેવા શહેરમાં જ્યાં જગ્યાઓ ઓછી અને કોઈપણ વસ્તુના મેઇન્ટેનન્સ માટે સમય પણ ઓછો હોય ત્યારે લોકો એક વખત પહેરીને પાછું આપી દેવાનું વધુ યોગ્ય માને એમાં કંઈ ખોટું નથી.’

રૂલ્સ ટુ બી ફૉલોવ્ડ

ભાડે જ્વેલરી ખરીદતી વખતે બ્રાઇડે શું ધ્યાન રાખવું એની સલાહ આપતાં માનસી મનોજ કહે છે, ‘ઘણી વખત એવું થતું હોય છે કે હેવી લુક માટે છોકરીઓ જ્યારે રેન્ટ પર ઘરેણાં ખરીદે છે ત્યારે ભાડું સસ્તું છે એમ માનીને બિનજરૂરી ઘણીબધી જ્વેલરી સાથે લઈ લે છે અને પછી બધી જ એકસાથે લાદી દીધી હોય એમ પહેરી લે છે. દરેક જ્વેલરીનું પોતાનું મહત્ત્વ હોય છે. કેટલું વધુ અને કેટલું ઓછું એ જ તો મુખ્ય વાત છે. જો કપડાં ખૂબ હેવી હોય તો જ્વેલરી થોડી લાઇટ રાખવી. સસ્તું મળે એટલે બધું પહેરી લેવું એવું હોતું નથી. ઘણી વખત કૅમેરામાં જે સારું લાગતું હોય એ સામસામે એટલું સારું ન પણ લાગે. એટલે થોડી સમજ વાપરીને જ્વેલરી પહેરવી. વળી બ્રાઇડની પોતાની પર્સનાલિટી પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. જે ઘરેણાં પહેરીને તમે તમે ન લાગતાં આખાં બદલાયેલાં લાગો તો એ જ્વેલરી તમારા કામની નથી. ઘરેણાં તમારી શોભા વધારવા માટે છે, તમને ધરમૂળથી અલગ બતાવવા માટે નહીં.’ 

columnists Jigisha Jain