1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ ૭)

18 September, 2022 07:58 AM IST  |  Mumbai | Rashmin Shah

‘ટેન્શન મત કરો સર...’ જે ઘરમાંથી અવાજ આવતો હતો એ ઘર પર નજર રાખી રાઠવા આગળ વધ્યો, ‘આપ બિરયાની કી તૈયારી કરો... અભી ગયા...’

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા

૨૧ માર્ચ, ૧૯૭૧ અને રવિવાર.

સમયઃ ૧૨.૧૦ મિનિટ.

સત્તાવાર રીતે ભારતીય સેનાને ઈસ્ટ પાકિસ્તાનમાં એન્ટર થવાનો આદેશ થયો અને પહેલી વાર એવી પહેલ થઈ કે જેમાં શુભ આશયથી અન્ય દેશમાં દાખલ થવાની પેરવી ભારતે કરી હોય. જો સર્જિકલ સ્ટ્રાઇકને સત્તાવાર ગણવામાં ન આવે તો આ પહેલી અને અત્યાર સુધીની અંતિમ પહેલ હતી જેમાં સેના સત્તાવારપણે અન્ય દેશમાં દાખલ થવાની હતી. દાખલ થવાની હતી અને જરૂર પડે તો ત્યાં જ રહેવાની હતી.

‘એ કોઈ ચડાઈ નહોતી, બચાવનો ભાવ હતો...’ પૂર્વ પાકિસ્તાનમાંથી બંગલાદેશ બન્યા પછી પહેલી વાર જ્યારે આ બાબતમાં ખુલાસો કરવાનો આવ્યો ત્યારે ઇન્દિરા ગાંધીએ આ સ્પષ્ટતા કરી હતી, ‘બીજાનું રક્ષણ એ ભારતીય પરંપરા રહી છે અને આ જ પરંપરા સેના દ્વારા પાળવામાં આવે છે. આગળ પણ આ જ નીતિ ભારત અને ભારતીય સેના અકબંધ રાખશે.’

ઈસ્ટ પાકિસ્તાનમાં દાખલ થયેલી ભારતીય સેનાનું એક જ મિશન હતું. જ્યાં પણ અને જે રીતે પણ કબજો લઈ શકાય એ જગ્યાનો કબજો લઈ પાકિસ્તાન આર્મીને ધકેલવી.

આ આખી પ્રક્રિયા ટેક્નિકલી બહુ વિકટ હતી. એક દેશ પાસેથી એવી જગ્યા ખાલી કરાવવાની હતી જે અલ્ટિમેટલી એની જ જગ્યા હતી. ખાલી કરાવીને એ જગ્યા તેમને જ સોંપવાની હતી, જેના માલિક એ જ હતા પણ ભારત પાસે બીજો કોઈ ઑપ્શન હતો નહીં અને એટલે જ તેણે એ કામ ચાલુ રાખ્યું.

પેપર પર બિનજરૂરી કહેવાય એવા આ વૉરના કારણે ભારતને પણ પારાવાર ખર્ચ પણ થયો. જોકે આ સંઘર્ષ દરમ્યાન ભારતે પૂર્વ પાકિસ્તાનની અવામનો વિચાર કરવાનો હતો એટલે ભારતે કોઈ જાતની પીછેહઠ કરી નહીં. એવું નથી કે આ મુદ્દો ક્યારેય બહાર આવ્યો નહીં. આ બાબતમાં લોકસભામાં મુદ્દો મોરારજી દેસાઈએ ઉઠાવ્યો હતો અને પ્રશ્ન કર્યો હતો કે આ પ્રકારે તો અનેક દેશને આપણી જરૂર પડશે, મદદ માગશે. આપણે એ સમયે શું કરીશું? 

‘અગર બાત રક્ષા કી હોગી તો જબ તક મૈં હૂં, દેશ કી સેના વો કામ કરેગી...’

ઇન્દિરા ગાંધીની વાત સાવ નકારી કાઢવા જેવી પણ નહોતી. ભારતીય સેનાએ એ જ પર્ફોર્મન્સ દાખવ્યો હતો જેની સૂચના તેમને આપવામાં આવી હતી.

lll

ઈસ્ટ પાકિસ્તાનમાં દાખલ થયા પછી ભારતીય સેનાએ રીતસર છાવણીઓ બનાવવા માંડી હતી. પૂર્વ પાકિસ્તાનમાં દાખલ થવા માટે ભારતીય સેનાએ નદીનો માર્ગ પસંદ કર્યો હતો અને સિત્તેરથી એંસી ટકા નદી પાર કર્યા પછી તરત જ બિનસત્તાવાર યુદ્ધનો આરંભ કરી દેવામાં આવ્યો હતો. 

ઇચ્છામતીના રસ્તે કોઈ એ વિસ્તારમાં ન પ્રવેશે એ મનસૂબો મનમાં રાખનારી પાકિસ્તાની સેના સામે નદીમાંથી પણ ભારતીય સેનાએ પ્રચંડ પ્રતિકાર કર્યો અને સૌથી પહેલો એ આખો તટ વિસ્તાર ખાલી કરાવવાનું કામ કરવામાં આવ્યું અને એ જગ્યાનો કબજો સૌથી પહેલો લેવામાં આવ્યો. 

એ કબજો લીધા પછી ભારતીય સેના દ્વારા એ વિસ્તારના લોકો પરથી કરફ્યુ હટાવવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું, જેમાં અનેક ઘટનાઓ એવી પણ ઘટી કે ભારતીય સેનાએ પણ બૅકફુટ પર આવવું પડે. ઇચ્છામતીના તટ પર બનાવેલી ભારતીય સેનાની છાવણીઓ પર હુમલા પણ થયા તો જેમ-જેમ ભારતીય સેના આગળ વધતી ગઈ એમ-એમ પણ એના પર હુમલાઓ થયા. 

સીધી, સાદી અને સરળ ભાષામાં કહીએ તો આ પારકી પંચાતમાં ભારતીય સેનાના હજારો સોલ્જર ઘવાયા અને સેંકડો માર્યા ગયા. જોકે એનાથી ભારતીય સરકારના મનોબળમાં કોઈ ફરક નહોતો પડ્યો અને એણે પોતાના નિર્ણય પર ફેરવિચારણા કરવા વિશે મીટિંગ સુધ્ધાં કરી નહીં. ભારત સરકાર દ્વારા હેલ્પ ચાલુ રહી અને એટલું જ નહીં, પૂર્વ પાકિસ્તાનમાં કરફ્યુ દૂર કરવાની અને એ વિસ્તારના લોકોને સુખરૂપ શાંતિ આપવાની જહેમત પણ સેના ઉઠાવતી રહી તો સાથોસાથ પૂર્વ પાકિસ્તાનમાં ભારતે મેડિકલ, ફૂડ જેવી બીજી હેલ્પ મોકલવાનું પણ શરૂ કરી દીધું. આ ઉપરાંત ભારતે સત્તાવાર રીતે શરણાર્થીઓને સ્વીકારવાનું કામ પણ શરૂ કરી દીધું. ભારતની આ માનસિકતાએ જ શ્રેષ્ઠ રિઝલ્ટ પણ આપ્યું અને બાર જ દિવસમાં પૂર્વ પાકિસ્તાનમાં નવેસરથી શાંતિ પ્રસરવાનું શરૂ થઈ ગયું.

ભારતીય સેના નદીના માર્ગે પૂર્વ પાકિસ્તાનમાં પ્રવેશી એ તો તમે વાંચ્યું પણ એ નદી કઈ હતી એની ચર્ચા કરી નથી. જો તમને એમ હોય કે ભારતીય સેના ઇચ્છામતી નદીના રસ્તે પૂર્વ પાકિસ્તાનમાં દાખલ થઈ તો એ તમારી ભૂલ છે.

lll

પૂર્વ પાકિસ્તાન અને ભારત વચ્ચે ગંગા નદી છે. આ નદીની સાઇઝ જો તમે નકશામાં જુઓ તો એ બહુ નાની છે પણ એની તાકાત બેસુમાર છે. ઇચ્છામતી હોડી દ્વારા પસાર કરવા માટે પરમિશન પામેલી નદી છે, જ્યારે આ ગંગામાં ઊતરવા પર પ્રતિબંધ છે અને આ પ્રતિબંધ અત્યારના બન્ને દેશો એટલે કે ભારત અને બંગલાદેશ બન્ને દ્વારા મૂકવામાં આવ્યો છે. જોકે એ સમયે એ નદીમાં પ્રવેશ કરવા પર માત્ર ભારત દ્વારા જ પ્રતિબંધ હતો, પાકિસ્તાને ગંગા તરફ દુર્લક્ષ સેવ્યું હતું અને એનો જ લાભ ભારત સરકારે લીધો હતો.

lll

તમને કહ્યું એમ, બન્ને દેશો વચ્ચેથી પસાર થતી ગંગાની એ વહેણ તોફાની છે અને એ વહેણમાં ઊતરવાનું કામ પણ અતિશય જોખમી છે. ગંગાનું આ વહેણ બંગાળની ખાડી સાથે ભળે છે. આ આખેઆખી ગંગાનો જે પ્રવાહ છે એ પ્રવાહની જગ્યા ઢોળાવવાળી છે. આ જે ઢોળાવ છે એ ઢોળાવ પણ ચોક્કસ જગ્યા પર પહોંચ્યા પછી છેક નેવું ડિગ્રીનો આકાર લઈ લે છે, જેને લીધે ગંગાના પાણીમાં ગજબનાક તાકાત આવી જાય છે અને ગુરુત્વાકર્ષણ બળના આધાર પર એ પાણી તમને બંગાળની ખાડી તરફ લઈ જવાનું કામ નથી કરતું, પણ રીતસર ફેંકવાનું કામ કરે છે.  

ભારતીય સેના આ ગંગા કિનારેથી જ પૂર્વ પાકિસ્તાનમાં દાખલ થઈ પોતાનું કામ કરતી હતી. એકસાથે મોટી સંખ્યામાં આર્મીને મોકલવાનું કામ આસાન નહીં હોવાથી ઍરફોર્સનો પણ ભારત સરકારે ભરપૂર ઉપયોગ કર્યો હતો. 

ભારતીય લશ્કરની આર્મી અને ઍરફોર્સ એ બબ્બે ફોર્સ ઉમેરાવાથી સંજોગો એવા નિર્મિત થયા કે પાકિસ્તાને બધું ભૂલીને પોતાનું બધું ધ્યાન પૂર્વ પાકિસ્તાન પર કેન્દ્રિત કરી દીધું અને એણે પૂર્વ પાકિસ્તાનમાં સેનાબળ વધારી દીધું.

સીધા શબ્દોમાં કહેવાનું હોય તો કહી શકાય કે આ એક એવી પરિસ્થિતિ હતી કે જેમાં એક દેશના વિભાજિત એવા એક ટુકડાને આઝાદ થવું હતું અને આઝાદી માટેનો એ જંગ બીજે ક્યાંય નહીં પણ સ્વતંત્ર થવા માગતી જમીન પર જ શરૂ થયો હતો. ઇન્ટરનલ ક્લૅશની આ લડાઈમાં મોટી સંખ્યાના ઈસ્ટ પાકિસ્તાનીઓને ઇન્ડિયાની હેલ્પ જોઈતી હતી અને આ જ કારણે ભારત પણ બહુ સહજ રીતે મદદ કરવા પહોંચી શક્યું હતું.

પૂર્વ પાકિસ્તાન ક્યાંક અને ક્યાંક ભારત પ્રત્યે રહેમદિલી ધરાવતું હતું એની પાછળનાં કારણોમાં શેખ મુજીબુર રહેમાન તો જવાબદાર હતા જ હતા પણ તેમની સાથોસાથ બંગાળની સરકાર પણ એટલી જવાબદાર હતી. 

પૂર્વ પાકિસ્તાનથી હિજરત કરીને આવનારાઓનો બંગાળની પ્રજા વિરોધ કરતી હતી પણ કેન્દ્ર સરકાર સાથેના સીધા સંબંધોના કારણે બંગાળની રાજ્ય સરકાર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં નહોતાં આવતાં. પરિણામે હિજરતીઓ પાસેથી મળતી એ માહિતી પૂર્વ પાકિસ્તાનમાં બહુ રાહતનું કરતી હતી તો સાથોસાથ ભારત માટે પણ લાગણીઓ જન્માવનારી પુરવાર થઈ હતી. કહેવાનું તાત્પર્ય એ કે પૂર્વ પાકિસ્તાનમાં ભારતે માત્ર પાકિસ્તાની સેના સામે જ જંગ લડવાનો હતો. સામા પક્ષે સ્થાનિક લોકો તરફથી તેમને બહુ સારો પ્રતિસાદ મળતો હતો, જેનો ભારતને ભરપૂર લાભ મળ્યો.

અનેક ઘટનાઓ એવી પણ ઘટી જેમાં ભારતીય સેનાને સ્થાનિક લોકોએ પોતાના ઘરમાં સ્થાન આપ્યું હોય અને એટલું જ નહીં, ભારતીય સેનાને પૂરતી મદદ પણ કરી હોય.

lll

પ્રશ્ન ફરી એક વાર યુનાઇટેડ નેશન્સ ઑફ ઑર્ગેનાઇઝેશન સામે આવ્યો.

યુનોમાં વાત પહોંચી કે પૂર્વ પાકિસ્તાનમાં ભારતીય સેના દાખલ થઈ ચૂકી છે. યુનો સુધી વાત કોણે પહોંચાડી એ ક્યારેય બહાર આવ્યું નહીં પણ અનુમાન એવું મૂકવામાં આવે છે કે અહીં ભારતે ઇન્ટરનૅશનલ પૉલિટિક્સનો સહારો લીધો હતો.

lll

ભારત સરકારે નેપાલની મદદ લઈ પૂર્વ પાકિસ્તાનમાં ચાલતી હરકત વિશે માહિતી પહોંચાડવાનું કામ કર્યું હતું અને એવો આરોપ મૂક્યો હતો કે જો ભારતને અટકાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં ભારત તેના અન્ય પાડોશી દેશોમાં પણ આ જ રીતે ગેરકાયદે ઘૂસણખોરી કરી શકે છે.

આ ઍપ્લિકેશન કોણે કરી હતી એની માહિતી યુનાઇટેડ નેશન્સે ક્યારેય જાહેર કરી નહીં એ પણ એટલું જ સાચું છે.

lll

ઍપ્લિકેશનના આધારે ભારત અને પાકિસ્તાન બન્નેને યુનાઇટેડ નેશન્સનું કહેણ આવ્યું અને મીટિંગમાં બન્ને દેશના ફૉરેન અફેર્સ મિનિસ્ટ્રીના અધિકારીઓ હાજર રહ્યા. મુકાયેલા આક્ષેપનો ભારતે તરત જ સ્વીકાર કર્યો અને પૂર્વ પાકિસ્તાનમાંથી સેનાને પાછી બોલાવી લેવાની તૈયારી પણ એણે દેખાડી પણ યાહ્યાખાન આણિ મંડળીએ ગેમ રમી અને પાકિસ્તાને એ વાત સ્વીકારવાનો ઇનકાર કરી દીધો કે પૂર્વ પાકિસ્તાનમાં ભારતીય સેનાની હાજરી છે! 

આવું કરવા પાછળ પણ રાજકારણ જવાબદાર હતું.

lll

જો પૂર્વ પાકિસ્તાનમાં ભારતીય સેનાની હાજરી સાબિત થાય તો બે ઘટના ઘટે. 

એક, ઈસ્ટ પાકિસ્તાન પાકિસ્તાનના કન્ટ્રોલમાં નથી એ આંતરરાષ્ટ્રીય સ્તરે પુરવાર થાય અને જો એવું પુરવાર થાય તો યુનાઇટેડ નેશન્સ પૂર્વ પાકિસ્તાનના ઇશ્યુમાં હસ્તક્ષેપ કરી ત્યાં સર્વેનો આદેશ આપે અને જો એવું બને તો પૂર્વ પાકિસ્તાનને સ્વતંત્ર દેશનો દરજ્જો મળે એ શેખ મુજીબુર રહેમાનની માગને સત્તાવારપણે સ્વીકારી યુનો પાકિસ્તાનને એ ભાગ આઝાદ કરવાની અપીલ કરે. 

બીજું, જો એવું પુરવાર થાય કે ભારતની સેના પૂર્વ પાકિસ્તાનમાં છે તો ભારતીય સેનાના જે કોઈ સૈનિકોની હત્યા કરવામાં આવતી હતી એ કે પછી સેનાના જે જવાનોને બંદી બનાવવામાં આવતા હતા એ કામ પાકિસ્તાને રાતોરાત બંધ કરવું પડે અને એ પાકિસ્તાનને બિલકુલ મંજૂર નહોતું. ભારત પ્રત્યે આમ પણ ખુન્નસ મનમાં હતું અને પૂર્વ પાકિસ્તાનમાં ભારતીય સેનાના ઑપરેશનના કારણે હવે એમાં જબરદસ્ત વધારો થયો હતો. આ જ કારણ હતું કે ભારતીય સેનાને સબક શીખવવાની નીતિ મનમાં રાખીને પાકિસ્તાને પહેલી વાર સાવ વિપરીત સ્ટેટમેન્ટ કરીને એવું જાહેર કર્યું કે પૂર્વ પાકિસ્તાનમાં ભારતીય સેનાનો એક પણ જવાન નથી!

અલબત્ત, ભારત માટે તો આ બન્ને વાતો સંપૂર્ણપણે લાભદાયી હતી. જો પાકિસ્તાન સ્વીકારે અને ભારતીય સેના તેમના દેશમાં છે એ બાબતમાં હા પાડે તો એનું નાક કપાય અને જો ના પાડે અને ભારતીય સેનાની ગેરહાજરી દર્શાવે તો એનો હાથ કપાય. 

ચિત ભી મેરી ઔર પટ ભી મેરી.

આ નીતિ વચ્ચે ભારતીય સેના પણ પોતાનું કામ અદ્ભુત રીતે કરતી હતી.

lll

ઢાકા આજે બંગલાદેશનું કૅપિટલ છે, જોકે એ સમયે પણ ઢાકા આટલું જ મહત્ત્વ ધરાવતું હતું. પૂર્વ પાકિસ્તાનનું સંસદભવન ઢાકામાં જ બનાવવામાં આવ્યું હતું અને વિધાનસભા ભવનનું પણ ઢાકામાં નિર્માણ થયું હતું. ઢાકા પર પાકિસ્તાન આર્મીએ કબજો લઈ લીધો હતો અને એકધારા બેતાલીસ દિવસ સુધી ઢાકાના લોકોને ઘરની બહાર નહોતા નીકળવા દીધા, ખાધાખોરાકીની ચીજવસ્તુઓ માટે પણ નહીં!

ગંગાના રસ્તે પૂર્વ પાકિસ્તાનમાં દાખલ થયેલી ઇન્ડિયન આર્મી ઢાકામાં દાખલ થઈ અને એક પછી એક રસ્તો ક્લિયર કરી ઢાકામાં આવેલા પાકિસ્તાન વિધાનભવન પર કબજો લીધો. વિધાનભવનનો કબજો લીધા પછી અટકવાને બદલે ઇન્ડિયન આર્મીએ ઢાકામાં રહેતા પણ પાકિસ્તાની આર્મીની કેદમાં આવી ગયેલી ફૅમિલીને બહાર કાઢવાનું અને એ બધી ફૅમિલીને વિધાનભવનમાં શિફ્ટ કરવાનું શરૂ કર્યું.

લગભગ ૧૪ હજાર ફૅમિલીને પાકિસ્તાની આર્મીની ચુંગલમાંથી છોડાવ્યા પછી ભારતીય સેનાએ પાકિસ્તાન આર્મીને ઢાકામાંથી હટાવવાનું શરૂ કર્યું. અલબત્ત, આ આખી પ્રોસેસમાં પાકિસ્તાની આર્મી પણ કંઈ બેઠી નહોતી રહી. એનો પણ હુમલો સતત ચાલુ હતો. આ હુમલામાં જો ભારતીય સેનાના કોઈ સોલ્જરનું મોત થાય તો રીતસર પાકિસ્તાની આર્મી જશન મનાવતી.

lll

‘જશ્ન નહીં, જેહાદ કો ખતમ કરો...’ યાહ્યાખાને પૂર્વ પાકિસ્તાનની જવાબદારી સંભાળતા અશફાક ખાનને સૂચના મોકલી હતી, ‘જેહાદ તબ ખતમ હોગી જબ લોગોં કો યકીન હોગા કિ કાફિર કુછ નહીં કર પાએંગે... કાફિરોં કો મારો ઔર મર જાએ તબ જશ્ન નહીં મનાઓ પર ઉનકે ઉપર ખાના બનાઓ. તાકિ લોગોં કો સમજ મેં આએ, આજ ભી પાકિસ્તાન હી ઉસકા આકા હૈ...’

lll

આદેશ મળ્યા પછી પાકિસ્તાની આર્મી હેવાનિયતની ચરમસીમા પર પહોંચી.

જો કોઈ ભારતીય સૈનિક તેમના દ્વારા માર્યો જાય તો પાકિસ્તાની આર્મી એ લોકો સોલ્જરના હાથ-પગ કાપી તેના ડેડ-બૉડીને ઇલેક્ટ્રિકના થાંભલે લટકાવવા લાગ્યા એટલું જ નહીં, લટકતા એ બૉડીની નીચે પોતાનું ખાણું પણ બનાવવા માંડ્યા. 

ચૂલાની આગ ઉપર કબાબ બનતા હોય અને એની ઉપર ભારતીય સૈનિકનો મૃતદેહ ટિંગાતો હોય. લોહી ઊકળી જાય એવો એ નઝારો જોઈને કેવી રીતે ઇન્ડિયન સેના શાંત રહી શકે? જવાબદારીથી આગળ વધતી સેના આવાં દૃશ્યો જોઈને વધારે ઊકળવા માંડી. 

આ વાત ભારત સરકાર સુધી પણ પહોંચી અને ઉકળાટ પ્રાઇમ મિનિસ્ટર ઑફિસમાં પણ શરૂ થયો. જોકે મહામહેનતે એને અંદર ધરબાવી રાખવામાં આવતો હતો, પણ એક ઘટના એવી ઘટી કે એ ઉકળાટ બહાર આવી ગયો.

lll

ભારતીય સેનાના સોલ્જર બંકિમસિંહના સાથી એવા હિંમતસિંહ રાઠવાને એક ઘરમાંથી એક ફૅમિલીને છોડાવવાની જવાબદારી આપવામાં આવી. સાંકડી ગલીના કારણે કાફલો અંદર દાખલ થઈ શકે એમ નહોતો, જેને લીધે હિંમતસિંહ એકે જ ઘરમાં દાખલ થવાની તૈયારી દાખવી અને તે આગળ વધ્યા.

હકીકત એ હતી કે ભારતીય સેનાના જાંબાઝ સૈનિકને ફસાવવાની આ ચાલ હતી અને એ પાકિસ્તાનની સેના દ્વારા રમવામાં આવી હતી.

lll

એકધારી આગળ વધતી જતી ભારતીય સેનાને એક બંધ ગલીમાંથી બાળક રડવાનો અવાજ સંભળાયો. રડતું બાળક સતત મદદ માટે ચીસો પાડતું હતું.

‘પાજી, સબ તો અંદર નહીં જા સકેંગે...’ હિંમતસિંહ સામે જોઈને બંકિમસિંહે કહ્યું, ‘જાના અકેલા હી પડેગા...’

‘મૈં તૈયાર હૂં...’ જે ઘરમાંથી અવાજ આવતો હતો એ ઘર તરફ જોતાં રાઠવાએ કહ્યું, ‘અભી ગયા ઔર અભી આયા...’

‘બચ્ચા એક હી ક્યૂં રો રહા હૈ?’ બંકિમસિંહના મનમાં શંકા જાગી, ‘નાપાક હરકત કરનેવાલે કી ચાલ લગ રહી હૈ.’

‘દિમાગ તો હોના ચાહિએના ઉનકે પાસ...’ રાઠવાથી રહેવાતું નહોતું, ‘પાજી, બચ્ચા ચીખ રહા હૈ.’

બંકિમસિંહ કંઈ કહે એ પહેલાં જ રાઠવાએ પગ ઉપાડ્યા.

‘અભી ગયા, અભી આયા...’

‘પર...’

વૉર ફ્રન્ટ હતું આ. રાડ પાડીને તો કોઈ આદેશ કે સૂચના આપી ન શકાય. બંકિમસિંહનો અવાજ દબાયેલો હતો પણ એ દબાયેલો અવાજ પણ રાઠવા સાંભળી ગયા.

‘ટેન્શન મત કરો સર...’ જે ઘરમાંથી અવાજ આવતો હતો એ ઘર પર નજર રાખી રાઠવા આગળ વધ્યો, ‘આપ બિરયાની કી તૈયારી કરો... અભી ગયા...’

બાળકની ફરીથી આવેલી ચીસ વચ્ચે રાઠવાના બાકીના શબ્દો દબાઈ ગયા. 

વધુ આવતા રવિવારે

columnists Rashmin Shah