1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ-૨૫)

22 January, 2023 07:34 AM IST  |  Mumbai | Rashmin Shah

‘વાર તો તમે નઈ કઈ શકો, પણ જો મરદ હો તો આ જે આકાશમાંથી વાર થાય છે એમાં અમે બચેલા રે’શું એનું વચન દ‍્યો...’ મહિલાએ ચોખવટ પણ કરી દીધી, ‘બાકી અમને અમારા મરદ ભેળા હાલતા થાવા દ‍્યો...’

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા

‘કાવતરાની ક્યાં વાત કરો છો સાયબ...’ ડાબી અને જમણી બન્ને કૂખમાં એક-એક બાળક તેડીને દેવજી ચૌહાણ આગળ આવ્યો, ‘જરાક અમસ્તો અવાજ થાય ને છોકરાંવના જીવ તાળવે ચોંટી જાય છે... કાલ રાત અમેય જોઈ ને તમેય જોઈ... નધણિયાત જેવા હાલ છે. ભૂંગામાં હોય તો થાય કે હમણાં ધડાકો થાશે ને ભૂંગો ધરાશાયી થાશે... ને બા’ર બેસીએ તો ભારાડીનાં પ્લેન ઉપર ઊડાઊડ થાય. જીવ બચાવવા કરવાનું શું અમારે?’
ગોપાલસ્વામી પાસે શબ્દો નહોતા અને જો હોત તો પણ ગામવાસીઓ તેને બોલવા દેવાના મૂડમાં નહોતા.
‘સાયબ, બોયલું-ચાયલું માફ હોં, પણ અમારું કચ્છ છેને નધણિયાત થઈ ગ્યું છે.’
‘ક્યો, કે દી’ બધુંય સરખું થાશે?’ 
પહેલી વાર મહિલાનો અવાજ સંભળાયો એટલે બધાએ એ દિશામાં જોયું. જોકે મુખી અને અન્ય વડીલોની હાજરીની આમન્યા સાથે લાજ કાઢેલો એ ચહેરો સ્વાભાવિક રીતે કોઈને દેખાયો નહીં, પણ તેના શબ્દો સૌકોઈના હૈયા-સોંસરવા નીકળી ગયા.
‘વાર તો તમે નઈ કઈ શકો, પણ જો મરદ હો તો આ જે આકાશમાંથી વાર થાય છે એમાં અમે બચેલા રે’શું એનું વચન દયો...’ મહિલાએ ચોખવટ પણ કરી દીધી, ‘બાકી અમને અમારા મરદ ભેળા હાલતા થાવા દયો...’
lll
અઢીથી ત્રણ મિનિટ સુધી સન્નાટો છવાયેલો રહ્યો. જાણે કે પાકિસ્તાન-પ્રેરિત વાગ્બાણ ફેંકાયાં હોય. ગોપાલસ્વામી હતપ્રભ હતા અને એવી જ અવસ્થા મુખીની હતી. શું બોલવું, શું કહેવું અને શું ફરમાન કરવું એ બેમાંથી કોઈની સમજમાં આવતું નહોતું.
પથરાયેલા એ યુગ જેવા લાંબા સન્નાટાને તોડવાનું કામ માધવના અવાજે કર્યું.
દૂરથી આવતા એ અવાજના શબ્દો સ્પષ્ટપણે સૌકોઈના કાનમાં પડતા હતા.
રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટી માહે માનવ થઈને ભાખ્યાં...
માધવનો અવાજ સ્પષ્ટ હતો. એ અવાજની દિશામાં સૌથી પહેલું જોવાનું કામ બીજા કોઈએ નહીં, કુંદને કર્યું. કુંદનના મનમાં એ સમયે એક વિચાર પ્રસરી ગયો હતો.
સૌકોઈ નીકળી જશે તો માધવનું શું? તે કોની સાથે જશે?
lll
માધવ. 
ક્યાંથી આવ્યો અને કેવી રીતે આવ્યો એ માધાપરમાં કોઈ જાણતું નહોતું.
ગામમાં આવ્યો ત્યારે તે એક પાગલ હતો. ગાંડો. ફાટેલાં કપડાં અને વર્ષોથી નહીં કપાવેલા વાળ સાથેના માધવનું કોઈ નામ પણ નહોતું. બે દિવસ સુધી તે પાદર પર સૂઈ રહ્યો હતો. મુખી આવે ત્યારે ડરીને જગ્યા ખાલી કરી આપે અને જ્યાં સુધી ચોરા પર લોકોની અવરજવર રહે ત્યાં સુધી એ જગ્યાએથી દૂર રહે, પણ જેવું પાદર ખાલી થાય કે ફરી ઓટલે ચડીને બેસી જાય અને પછી રાત પણ ત્યાં જ પસાર કરી નાખે.
માધવ તરફ કોઈનું ધ્યાન ન ગયું હોત જો કુસુમ સાથે પેલી અઘટિત ઘટના ન ઘટવાની હોત.
એ રાત યાદ કરતાં આજે પણ માધાપર આખું ધ્રૂજી ઊઠે છે.
lll
‘બા, જાવું પડશે...’ રાતના દોઢેક વાગ્યે કુસુમે તેની બાને જગાડી હતી, ‘બહુ કસીને લાગી છે.’
આઠ વર્ષની કુસુમ આમ તો એકલી રાતે જઈ આવી હોત, પણ દીકરીના વધતાં કદ-કાઠી જોઈને બાએ જ તેને તાકીદ કરી હતી કે તારે એકલા ક્યાંય નથી જવાનું.
‘થોડી વાર દબાણ કરી લે...’
શિયાળાની રાત વચ્ચે કુસુમથી એ કામ અઘરું હતું એટલે તેણે નાછૂટકે કહ્યું...
‘નહીં રોકાય બા...’ કુસુમે બા સામે ત્રાગું પણ કરી લીધું, ‘પછી પથારીમાં થઈ જાશે તો કાલે ગામના બધાય તને જ...’
‘મૂંગી મર...’ કડકડતી ઠંડી વચ્ચે નસકોરાં બોલાવતા પતિ સામે જોઈને બા ઊભી થઈ, ‘થા ઊભી જલ્દી...’
કુસુમ અને બા બન્ને ઘરની બહાર નીકળ્યાં અને ચાલતા સીમ ભણી આગળ વધ્યાં. બન્નેમાંથી કોઈને ખબર નહોતી કે તેઓ અત્યારે કેવી મુસીબતમાં ફસાઈ રહ્યા છે.
થોડાં ડગલાં ચાલ્યા પછી બાએ પાછળ જોયું. ગામ દેખાતું બંધ થઈ ગયું હતું એટલે બાએ જ દીકરીને કહ્યું...
‘હવે કરી લે... ઝાડીની પાછળ જઈને.’
દીકરીએ પહેલાં બાવળની ઝાડી અને પછી બાને જોઈ. મનમાં ડર હતો, પણ એ ડર વચ્ચે પણ એકલા આગળ વધવા સિવાય છૂટકો નહોતો. તેણે પગ ઉપાડ્યા અને આગળ વધી. બાથી તે ઝાડી પચાસેક ફુટ દૂર હતી. ચાલતાં-ચાલતાં જ કુસુમે દબાયેલા અવાજે રાડ પાડીને બાને તાકીદ કરી...
‘ન્યાં જ રે’જે...’
ઊંઘની લપેટમાં બરાબરની અટવાયેલી બાએ જવાબ આપવાને બદલે હાથથી જ ઇશારો કરી દીધો એટલે કુસુમ હિંમત કરીને ઘોર અંધકાર ધરાવતી ઝાડી તરફ આગળ વધી. કુસુમ કે બા બેમાંથી કોઈને ખબર નહોતી કે જ્યારે તેઓ સીમ તરફ જતાં હતાં ત્યારથી અર્ધપાગલ એવા ગામના પાદરે બેસી રહેતા શખ્સનું ધ્યાન પણ એ દિશામાં જ હતું અને તે ઝાડની ડાળીમાંથી બનાવેલી લાકડી લઈને ઊભો થઈને તેમની પાછળ આવતો હતો.
કુસુમ આગળ વધી અને આગળ વધતી કુસુમે ઝાડીમાં પ્રવેશતાં પહેલાં પાછળ ફરીને એક વાર બાને જોઈ લીધી. 
બા ઊભી છે એ વાતની ધરપત સાથે તે ઝાડીમાં પ્રવેશી અને જેવી તે ઝાડીમાં દાખલ થઈ કે તરત તેના પર ત્રણથી ચાર ડાઘિયા કૂદી પડ્યા. પહેલાં પગ પર અને કુસુમે છૂટવા માટે હાથનો ઉપયોગ કર્યો એટલે હાથ પર તૂટી પડેલા એ કૂતરાઓથી છૂટવા માટે કુસુમ હવાતિયાં મારતી રહી અને હવાતિયાં મારતી કુસુમના ગળામાંથી ચીસો નીકળતી રહી, પણ એ ચીસ પોતાની બાથી આગળ પહોંચવાની નહોતી.
કુસુમનો અવાજ સાંભળીને બા દોડતી ઝાડી પાસે પહોંચી, પણ તેના પગ થંભી ગયા. જાણે કે જોડીદાર હોય એમ ઝાડીમાંથી બીજા ત્રણ ડાલમથ્થા કૂતરાઓ બહાર આવ્યા અને કુસુમની બાનો રસ્તો રોકીને ઊભા રહી ગયા.
હવે કરવું શું?
બા માટે યક્ષ પ્રશ્ન હતો. ઉતાવળ કરે તો જેવા હાલ કુસુમના છે એવા જ હાલ પોતાના થાય અને જો ધીરજ સાથે કામ લે તો ડાઘિયાઓએ ચૂંથેલો કુસુમનો મૃતદેહ ઘરે લઈ જવો પડે એવી હાલત સર્જાય.
સ્થિર થઈને કૂતરા સામે ઊભી રહી ગયેલી બાએ આંખથી જ આજુબાજુમાં નજર કરી. તેની આંખો લાંબી લાકડી શોધતી હતી, જેના આધારે તે કૂતરાઓને દૂર ધકેલી શકે. જોકે લાકડી કે એવું કંઈ આજુબાજુમાં પડ્યું નહોતું જેનો ઉપયોગ કરીને તે પહેલાં પોતાનો અને પછી કુસુમનો જીવ બચાવે.
ઝાડીની પાછળથી કુસુમનો કાન ફાડી નાખે એવો અવાજ આવતો હતો. કૂતરાઓએ કુસુમનાં કપડાં ફાડવાનું શરૂ કરી દીધું હતું અને પ્રતિરોધની તાકાત પણ હવે કુસુમમાં રહી નહોતી. કૂતરાઓને દૂર ભગાડવા માટે મથતી રહેલી કુસુમનાં કાંડા અને બાવડાં પર હવે કોઈ પણ ઘડીએ કૂતરાઓના તીક્ષ્ણ દાંત ભીંસાવાના હતા અને એની શરૂઆત થાય એ પહેલાં જ...
‘એય...’
કુસુમના મસ્તક પછવાડેથી જોરથી અવાજ આવ્યો અને અવાજની સાથે જ હવામાં અવાજ પણ ગુંજવા લાગ્યો.
ઝૂપ... ઝૂપ...
ફરતી લાકડી એ ઝડપે હવામાં ઝૂમતી હતી કે કૂતરાઓ પણ એના પર આંખ માંડી નહોતા શકતા. કુસુમ પર હુમલો કરનારા એ ચાર ડાઘિયા એકઝાટકે પાછળ હટ્યા અને એ જેવા પાછળ હટ્યા કે હવામાં લાકડી ફેરવતો શખ્સ એ જ મુદ્રા સાથે આગળ વધ્યો.
ઝૂપ... ઝૂપ...
હવામાં વીંઝાતી લાકડીની ઝડપ પણ ઘટી નહોતી અને આગળ વધવાની પ્રક્રિયામાં પણ કોઈ ફરક નહોતો પડ્યો.
શરીર પર ભીંસાતા કૂતરાના એ દાંતની પીડામાંથી મુક્ત થયેલી કુસુમે અંધકાર ભરેલા વાતાવરણમાં એ શખ્સને જોવાની, તેને ઓળખવાની કોશિશ કરી જે અત્યારે, આ સમયે દેવદૂત બનીને ઊભરી આવ્યો હતો.
‘નીકળ તું...’ ઝૂપ-ઝૂપ કરતી હવામાં વીંઝાતી લાકડીના ઘા સાથે તે દેવદૂતનો અવાજ આવ્યો, ‘ભાગ...’ 
- અને જાણે કે આદેશ આવ્યો હોય એમ કુસુમ ઊભી થઈ અને સીધી ઝાડીની બહાર નીકળી. જેવી તે ઝાડીની બહાર નીકળી કે તેને બા સામે જ મળી. બા સીધી કુસુમને વળગી ગઈ અને બન્ને ગામ તરફ ભાગ્યાં, પણ જેવાં બે ડગલાં આગળ વધ્યાં કે તરત કુસુમના પગ અટકી ગયા.
દેવદૂત પાછળ હતો. હવે તે સાવ એકલો હતો અને સામે... સામે સાતથી આઠ ડાઘિયા હતા. 
કુસુમ પાછી ફરી અને બીજી જ ક્ષણે બા પણ પાછળ ફરી. કહ્યા વિના, વણમાગી સલાહ સાથે બન્નેની નજર આસપાસમાં દોડવાની શરૂ થઈ અને નસીબજોગે બન્નેની નજર લગભગ સમાન ચીજ પર જ પડી.
ત્રણ ફુટ લાંબી ઝાડની ડાળી પર.
કુસુમ અને બાએ ડાળી ઉપાડી અને એકબીજા સામે જોયું.
આંખના ઇશારે જ બન્ને વચ્ચે વાત થઈ હોય એમ હાથમાં ડાળી પકડીને ઘડીના છઠ્ઠા ભાગમાં બન્ને એકસાથે ઝાડીમાં ઘૂસી અને હવામાં એ ડાળી વીંઝાવી શરૂ થઈ ગઈ. જો એ સમયે તે બન્ને ઝાડીમાં ન ઘૂસી હોત તો પેલા અર્ધપાગલની લાશ બીજી સવારે મળવાની હતી, પણ કુદરત કંઈક જુદું ઇચ્છતો હતો એટલે જ બા અને કુસુમ રણ છોડીને સલામત રીતે નીકળવાને બદલે પેલા અજાણ્યા શખ્સની વહારે આવ્યાં અને પેલાનો જીવ બચ્યો.
lll
‘નામ તો કે’ તારું...’ મુખીએ લગભગ ચોથી વખત પૂછ્યું હતું, ‘તને બોલાવવાનો કયા નામે અમારે?’
પેલા શખ્સે છેક કાનને અડી જાય એ સ્તર પર હોઠ ફેલાવ્યા અને પછી કહ્યું...
‘ગાંડો... મને ગાંડો ક્યો, મને ચાલશે હં...’
પહેલી વખત એવું બન્યું હતું કે સામે ઊભેલા લોકોમાંથી એક પણ માણસ આ જવાબથી હસ્યો નહોતો અને એ પેલા ગાંડા માટે પણ નવાઈની વાત હતી. એટલે જ તો તેણે ફરીની બધાની સામે જોયું હતું. જોયું પણ હતું અને કહ્યું પણ હતું...
‘તમતમારે હસો હં... મને કાંય વાંધો નથી.’
‘વાંધો અમને છે...’ કુસુમ આગળ આવી, ‘તમને કોઈ ગાંડો ક્યે એનાથી વાંધો અમને છે અને એટલે આજ પછી તમને કોઈ ગાંડું ઈ ક્યે...’
‘એમ?!’ 
તે શખ્સ રીતસર કુસુમની નજીક આવ્યો અને પછી કુસુમના માથાના વાળથી છેક પગના અંગૂઠા સુધી નજર કરીને જવાબ આપ્યો...
‘આપણને આદત છે હોં. કાંય પણ ક્યે, આપણને વાંધો નથી.’
‘કીધું તો ખરા, અમને વાંધો છે...’
‘તો પછી ઈ તમારો પોબ્લેમને...’ જરાક અમસ્તું ખોટું અંગ્રેજી બોલીને તે શખ્સ ઉભડક પગે પાદરમાં બેસી ગયો, ‘આપણે એમાં ટકોય લેવાદેવા નો મળે હં...’
‘તમારું કોઈ નામ નથી?’ હવે કુમુદ સામે આવી, ‘પાક્કુંને?’
એ જ રીતે પેલાએ કુમુદને જોઈ જે રીતે તેણે થોડી વાર પહેલાં કુસુમને જોઈ હતી.
માથાના વાળથી છેક પગના અંગૂઠા સુધી અને એ પછી તેણે એકસાથે એટલી વાર ના પાડી કે કુમુદે તેનું માથું પકડવું પડ્યું.
‘હવે હાઉં કરો... માથું ઊતરી જાશે.’
‘મારું કે તમારું?’
સવાલ પરથી જ કુમુદ સમજી ગઈ કે આ શખ્સને જવાબ આપવામાં ધ્યાન રાખવું પડશે, નહીં તો તે સામેવાળાને તેના જ શબ્દોમાં અફળાવી દેશે. કુમુદ એ પણ સમજી ગઈ હતી કે એ સાવ જ વાહિયાત માણસ નથી. ભણેલો છે અને એટલે જ ખોટું તો ખોટું પણ અંગ્રેજી બોલી લે છે.
‘આપણા બેયનું હોં...’ કુમુદ તેની નજીક આવી, ‘પહેલાં ઊભા તો થાવ.’
‘એમ...’ 
તે શખ્સ ઊભો તો થયો, પણ પછી એવી જ રીતે વર્ત્યો જાણે કે તે અછૂત હોય. તે કુમુદથી એવી રીતે દૂર થયો જાણે કે કુમુદમાંથી ઝાળ નીકળતી હોય.
‘આઘા ઊભા રે’વું છે?’
‘જરાક...’ 
તે શખ્સની આંખ ભીની થવા માંડી એટલે આગળની વાત કહેતાં પહેલાં તેણે પોતાના હાથ કરતાં પણ લાંબી બાંય ધરાવતા બુશકોટથી આંખો સાફ કરી અને પછી જવાબ આપ્યો...
‘ગાંડાથી આઘા સારા...’ વાત તેની પૂરી નહોતી થઈ, ‘ગાંડો હું હં, તમે નઈ... તમે તો ભણેલા-ગણેલા... ગામમાં રે’તા મા’ણાં... તમે જરાક મારાથી આઘા સારા...’
‘ના રે, તમે તો મારા ભાઈ છો...’ 
કુમુદની વાત કુસુમે ઉપાડી લીધી.
‘ને તમે મારા મામા... જેણે બધું ભૂલીને ખાલી ને ખાલી મારો જીવ બચાવ્યો એ મામાનું નામ તો ખબર હોવી જોઈને...’ કુસુમે કુમુદની સામે જોયું, ‘હેંને કુમુદબેન...’
‘સાચી વાત. નામ વિના કેવી રીતે ખબર પડે કે રાતે બહાદુરીનું કામ કર્યું તે વીર પુરુષ કોણ?’
વીર પુરુષ...
જાણે કે આ શબ્દનું મહત્ત્વ ખબર હોય એ રીતે પેલાએ પોતાનો કૉલર ઊંચો કર્યો અને પછી આછોસરખો ખોંખારો પણ ખાધો એટલે કુમુદે કહ્યું...
‘ખોંખારો પછી ખાજો, પહેલાં નામ ક્યો અમને....’
‘નામ?’ શખ્સની ત્યાર પછીની વર્તણૂક એવી હતી જાણે કે તેને દુનિયાનો સૌથી અઘરો કોયડો પૂછવામાં આવ્યો હોય, ‘નામ... કોનું મારું?’
બધાએ હા પાડી એટલે તેણે જવાબ આપ્યો...
‘ગાંડો... ગાંડો ક્યો, આપણને વાંધો નથી...’ અચાનક જ તે શખ્સનો અવાજ ભારે થયો, ‘બસ, ખાલી બોલાવજો. દી’માં એકાદ વાર, પણ બોલાવી લેજો... જરાય વધારાનો નથી હું હોં...’
અને કુમુદની આંખો પણ ભરાઈ ગઈ.
કોઈ જાતના શેહ કે સંકોચ વિના તે પેલાની નજીક આવી અને અજાણ્યા એવા તે શખ્સને તેણે સ્નેહપૂર્વક બથ ભરી, પણ જેવી બથ ભરી કે પેલો શખ્સ ચોધાર આંસુએ રડી પડ્યો. તેનાં આંસુની સાથે હાજર રહેલા સૌની આંખો ભીની થઈ ગઈ.
ભીની થાય પણ શું કામ નહીં. આ જ એ શખ્સ હતો જેણે ક્ષણવારનો વિચાર કર્યા વિના ડાલમથ્થા એવા એ ડાઘિયાઓની સામે ગામની દીકરી માટે બાથ ભરી લીધી હતી. બાથ ભરી લીધી હતી એટલું જ નહીં, એ ડાઘિયા સામે લડી પણ લીધું હતું અને લડીને દીકરીને ક્ષેમકુશળ રીતે ઉગારી પણ લીધી હતી.
ઉગારવા જતાં કૂતરાઓ તેના પર તૂટી પણ પડ્યા હતા અને આખી રાત તે કહરાતો પાદર પર પડ્યો પણ રહ્યો અને એ પછી પણ મોઢામાંથી એક વખત પણ તેણે ફરિયાદ નહોતી કરી.
‘તમે લગીરે વધારાના નથી...’ કુમુદે પ્રેમથી કહ્યું, ‘ને ગાંડા પણ નથી. તમે તો બધાયના ભાઈ છો ને આ અમારી કુસુમ છેને એના માટે તો તમે માધવ છો માધવ. એ માધવ જેણે ભરીસભામાં દ્રૌપદીની લાજ લૂંટાતા બચાવી હતી...’
‘એમ?!’ 
તે શખ્સે જમણા હાથની પહેલી આંગળી ઊંચી કરી અને પછી જાણે કે એમાં સુદર્શન ચક્ર પંખાની જેમ ફરતું હોય એવો મોઢામાંથી અવાજ કાઢવાનો પણ શરૂ કર્યો.
‘આઘા રે’જો આઘા... સુદર્શન છૂટું મૂકી દઈશ... આઘા...’
તે શખ્સની નિર્દોષતા અને તેની પ્રામાણિકતા સૌકોઈને સ્પર્શી ગઈ અને એટલે જ કુસુમનાં બાએ આગળ આવીને કુસુમના કાનમાં ઇશારો કર્યો, જેને કુમુદે એકઝાટકે સ્વીકારી લીધો.
‘આપણે બધાય આમને આજથી નામ સાથે બોલાવીશું...’
હજી પણ જમણા હાથની પહેલી આંગળી ઊંચી કરીને ગોળ-ગોળ ફરતા તે શખ્સને પકડીને કુમુદે ઊભો રાખ્યો.
‘માધવ. હા, માધવ તેમનું નામ...’ કુમુદે પ્રેમથી કહ્યું, ‘મારા જેવડી માટે તે ભાઈ, મારાથી મોટી માટે બેન ને મારાથી નાની માટે...’
કુસુમ લગભગ ચિલ્લાઈ હતી.
‘મામા...’

આ પણ વાંચો: 1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ-૨૪)

વધુ આવતા રવિવારે

columnists