1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ-૨૦)

25 December, 2022 07:47 AM IST  |  Mumbai | Rashmin Shah

‘તે બધાયને હેરાન કરી દેશે...’ કલેક્ટર સાથે આવેલા તેમના અસિસ્ટન્ટને મુખીએ પૂછ્યું એટલે તેણે સમજાવ્યું, ‘ઉપર પ્લેનમાંથી જ્યાં-જ્યાં લાઇટ દેખાય છે ત્યાં-ત્યાં અત્યારે હુમલો કરવામાં આવે છે. જો ઉપરથી તાપણું દેખાઈ ગ્યું તો...’

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા

‘મુખી... કૈસે હો?’
ગોપાલસ્વામી જેવા ગામની વાડીમાં દાખલ થયા કે મુખીએ આવકારો આપ્યો અને આવકારો મળતાં જ કચ્છના કલેક્ટર ગોપાલસ્વામીએ મુખીને કહ્યું...
‘ઉપરવાળાની દયા ને માતાજીના આશીર્વાદ ભેળાં હોય ન્યાં લગી ક્યાં કંઈ તકલીફ પડવાની...’
પછી ગોપાલસ્વામીએ હાજર રહેલા સૌને સંબોધતાં કહ્યું...
‘ટેન્શનની વાત નહીં મળે... ચિંતા નહીં કરવાની. બસ, થોડું સાચવવાના. એકાદ દિવસમાં તો બધી શાંતિ થઈ જવાની.’
‘સાચું કઉં સાયબ, મરદ છીએ ન્યાં લગી રૂંવાડુંય ફરકવાનું નથી. સામેવાળા અંદર આવી ગ્યા તોય એ કોઈને માધાપરની સીમ વટવા નઈ દઈ...’ મુખીનો શ્વર સહેજ દબાયો, ‘ગામમાં ઓરતની સંખ્યા વધારે એટલે જરાક અંદરખાને ઉચાટ રયે...’
‘કહેવાનાને, કોઈ ચિંતા નહીં કરવાના... બધું બરાબર ચાલવા.’
નાથાલાલ સહેજ આગળ આવ્યા. માધાપર છોડીને તેમને નીકળી જવાની ઇચ્છા ક્યારની હતી. દીકરાઓ રાજકોટ રહેતા અને પોતે બૈરી સાથે માધાપરમાં. મનમાં હતું કે જો વાત વધી ગઈ તો છોકરાંવને લાશની ભાળ પણ નહીં મળે.
‘હું શું કહું છું...’ નાથાલાલને અણસાર આવી ગયો હતો કે મુખી તેમની સામે જુએ છે. એમ છતાં પણ તેમણે હિંમત કરી લીધી, ‘થોડાક દી’ નીકળી ગ્યા હોય તો હું લૂંટાઈ જાવાનું... પછી પાછા આવી જાવાનું.’
‘એવું કરવાની જરૂર નથી... ઍરપોર્ટ સિવાય ક્યાંય કશું નથી ને મુખી...’ ગોપાલસ્વામી મુખી તરફ ફર્યા, ‘ઍરપોર્ટનો રનવે તૈયાર થઈ ગયો છે... સવાર સુધીમાં તો ચાલુ પણ થઈ જશે. ઉપર પણ કહેવાઈ ગયું છે.’
ગોપાલસ્વામીએ સામે ઊભેલા દરેકના ચહેરા પર નજર કરી અને પછી તેમણે આંખો મુખી પર માંડી...
‘કચ્છમાં હવે શાંતિ છે... અને આ શાંતિ અકબંધ...’
ધડામ...
દૂરથી અવાજ સંભળાયો, જે ગોપાલસ્વામીની વાતને ખોટી પુરવાર કરવા માટે પૂરતો હતો. 
ધડામ... 
પહેલાં એક અને પછી બીજો.
જે બીજો અવાજ આવ્યો એ પહેલા અવાજ કરતાં માધાપરની નજીક હતો.
પાકિસ્તાને નવેસરથી હુમલો શરૂ કરી દીધો હતો, જેમાં દિવસભર જહેમત ઉઠાવીને તૈયાર કરવામાં આવેલો રન-વે ફરીથી નેસ્તનાબૂદ કરી નાખવામાં આવ્યો હતો.
lll
કલેક્ટર ગોપાલસ્વામી માધાપરમાં હતા એ રાતે પાકિસ્તાને કચ્છ ઍરપોર્ટ તથા એની આસપાસના વિસ્તારો પર ફરી હુમલો કર્યો હતો.
બૉમ્બના અવાજથી માધાપર ગામની વાડીમાં સન્નાટો પ્રસરી ગયો હતો. પાકિસ્તાની પ્લેન એવી રીતે કચ્છ પરથી ઊડતાં હતાં જાણે એમને કોઈના બાપની પરવા ન હોય. એકધારું બૉમ્બાર્ડિંગ ચાલુ હતું અને એકધારા થઈ રહેલા હવાઈ હુમલાને કારણે ધરતી રીતસર ધ્રૂજવા માંડી હતી. દિવસ આખો શાંતિ રહેતાં સ્વાભાવિક રીતે સરકારી અધિકારીઓના મનમાં રાહત પ્રસરી હતી, પણ અત્યારે અચાનક જ નવેસરથી હુમલો શરૂ થતાં સૌ ગભરાયા હતા અને એમાં ગોપાલસ્વામી પણ બાકી નહોતા. 
ધડામ...
ત્રીજો બૉમ્બ ભુજ અને માધાપરની વચ્ચેની સીમમાં પડ્યો હોય એવું અવાજની તીવ્રતા પરથી લાગતું હતું તો જાણે કે આ જ વાતમાં હોંકારો પુરાવવામાં આવતો હોય એમ માધાપરના આકાશ પરથી એકસાથે પાંચથી વધારે ફાઇટર પ્લેન પસાર થવાનો અવાજ પણ ગુંજી ઊઠ્યો. ભારતીય ઍરફોર્સ લાચાર હતી એ ગોપાલસ્વામી જાણતા હતા એટલે તેમણે સહજ રીતે જ અનુમાન બાંધી લીધું કે પ્લેન પાકિસ્તાની છે.
એ જ સમયે ગોપાલસ્વામીની નજર વાડીના ભોંયતળિયાના ભાગ પર આવેલા હૉલમાં ટમટમતા ફાનસ પર ગઈ.
‘જલદી ઓલવો આને...’
‘પણ આ તો...’
દલીલ કરનારાનો જવાબ પણ ગોપાલસ્વામીને સાંભળવો નહોતો...
‘પહેલાં એ બંધ કરો... ફાસ્ટ...’
મુખીએ આંખના ઇશારે જ ફાનસ બંધ કરવાનો આદેશ આપ્યો અને બીજી જ સેકન્ડે આખા હૉલમાં અંધકાર પ્રસરી ગયો. નરી આંખે હાથ પણ જોઈ ન શકાય એવા અંધકાર વચ્ચે બારીની બહારનું દૃશ્ય પણ કાળુંભમ્મર લાગતું હતું.
ગોપાલસ્વામી જગ્યા કરતાં-કરતાં આગળ આવ્યા અને બારી પાસે ઊભા રહીને તેમણે માધાપરના પાછળના ભાગમાં નજર કરી. દૂર આગની સાવ ધીમી આંચ દેખાતી હતી. જાડા ગ્લાસનાં ચશ્માં વચ્ચે આંખો ચૂંચી કરીને ગોપાલસ્વામીએ એ આગ તરફ જોયું. 
બને કે બૉમ્બાર્ડિંગ દરમ્યાન કોઈ તણખો ઊડીને એ જગ્યાએ પડ્યો હોય અને સૂકા ઘાસે આગ પકડી હોય.
આગ ઓલવવી પડશે, જો ત્યાં સૂકા ઘાસની ગાંસડીઓ હશે તો દુર્ઘટના...
મનમાં ચાલતા વિચારોને કોઈ માર્ગદર્શન મળે એ પહેલાં ગોપાલસ્વામીના કાનમાં દૂરથી આવતો ગણગણાટ પડ્યો.
મથુરાના રાજા થ્યા છો, 
ગોવાળોને ભૂલી ગ્યા છો
માનીતાને ભૂલી ગ્યા છો રે...
ગોપાલસ્વામીએ કાન એ શબ્દો પર માંડ્યા, પણ તેમની આંખો મુખીને શોધતી હતી. અંધકારથી ટેવાયેલી એ આંખો હવે મોંસૂંઝણી થઈ હતી. મુખી સહેજ આગળ આવ્યા કે ગોપાલસ્વામીએ અવાજની દિશામાં આંગળી કરીને પૂછ્યા વિના જ પ્રશ્ન કરી લીધો.
‘માધ્યો ગાતો લાગે છે...’ મુખીએ કહ્યું, ‘સવારથી દેખાણો નથી. હમણાં આવ્યો લાગે છે...’
કલેક્ટરે ફરી બારીની બહાર નજર કરી નજર દૂર ફેલાવી.
એક વાર ગોકુળ આવો,
માતાજીના મોઢે થાવો.
ગાયોને હંભાળી જાઓ રે
હે ઓધાજી, મારા વ્હાલાને વઢીને કે’જો...
શિટ...
ગોપાલસ્વામીના મોઢામાંથી અંગ્રેજી ગાળ નીકળી ગઈ.
આગ તણખાને કારણે લાગી નહોતી. કોઈ ત્યાં બેસીને તાપણું બનાવતો હતો.
ઉતાવળા પગલે, કહો કે રીતસર ભાગતા કલેક્ટર બહારની તરફ ગયા. હૉલમાં એકઠા થયેલા સૌકોઈ પણ આપોઆપ રસ્તો કરતા ગયા. દરવાજા પાસે પહોંચ્યા પછી તેમણે દરવાજો ખોલવા માટે પણ કહેવું નહોતું પડ્યું. તે જેવા ત્યાં પહોંચ્યા કે દરવાજા પાસે ઊભેલા શખ્સે કલેક્ટરને દરવાજો ખોલી દીધો અને કલેક્ટર દોડતા વાડીની બહાર નીકળીને તાપણાની દિશામાં ભાગ્યા.
‘શું થ્યું આમને?!’
‘તે બધાયને હેરાન કરી દેશે...’ કલેક્ટર સાથે આવેલા તેમના અસિસ્ટન્ટને મુખીએ પૂછ્યું એટલે તેણે સમજાવ્યું, ‘ઉપર પ્લેનમાંથી જ્યાં-જ્યાં લાઇટ દેખાય છે ત્યાં-ત્યાં અત્યારે હુમલો કરવામાં આવે છે. જો ઉપરથી તાપણું દેખાઈ ગ્યું તો...’
મુખી પણ ઉતાવળા પગલે બારી પાસે આવ્યા.
માગશર સુદ ચૌદશની રાતે પૂર્ણ કળાએ પહોંચવા માટે તડપતા ચંદ્રના પ્રકાશમાં દોડીને આગળ વધતા કલેક્ટર દેખાતા હતા અને હવામાં ભજન પ્રસરેલું હતું...
મારા વ્હાલાને વઢીને કે’જો જી...
માને તો મનાવી લેજો જી
હે ઓધાજી, મારા વ્હાલને વઢીને કે’જો જી... 
lll
‘ક્યાં હતો અલ્યા... કેટલો ખોળ્યો તને?’ 
માધવ જેવો વાડીમાં આવ્યો કે તરત તેને વઢવા માટે માધાપરની મહિલાઓ આગળ આવી ગઈ. માધવ દિવ્યાંગ હતો, મનથી અને એમ છતાં તેનું મન, હૃદય અને જીવ એવાં તે પવિત્ર હતાં કે ગામની એકેએક મહિલા માધવમાં દીકરા કે ભાઈનાં દર્શન કરતી. માધાપરમાં આવ્યા પછી તે ક્યારેય ભૂખ્યો નહોતો રહ્યો. ગામવાસીઓ ભાણે બેસતાં પહેલાં માધવને શોધે. સૌકોઈને એવો વહાલો કે માધવ જોવા ન મળે તો એકબીજાને પૂછી પણ લે...
‘માધ્યો ક્યાં છે?’
‘હમણાં જ ગ્યો...’ પૂછનારાને જવાબ આપનારું કહે પણ ખરું, ‘ચિંતા મેલી દેજો. મારી ન્યાં જમીને ગ્યો એ...’
માધાપર નહોતો આવ્યો ત્યાં સુધી માધવ ‘ગાંડો’ હતો, પણ માધાપરે તેને રોટલો-ઓટલો અને નામનો ઓઘો ત્રણેય આપ્યું. 
માધવને આ નામ ગામનાં બૈરાંઓએ જ આપ્યું હતું. તેને બોલાવવો કઈ રીતે એવી વાત નીકળી અને નીકળેલી એ વાત વચ્ચે સૌએ તેને નામ પૂછ્યું. નામ વિનાનું જીવન ધરાવતો માધવ શું જવાબ આપે?
‘તારું નામ આજથી માધવ...’ મોટી ઉંમરનાં માજીએ માધવના માથે હાથ મૂકીને કહ્યું, ‘ઉપરવાળો માધવ જેમ અમારા બધાયનો, એવી રીતે તુંય અમારા બધાયનો...’
lll
ભટકવું માધવનું કામ અને ભટકતો-ભટકતો તે ક્યારેક ભુજ પણ પહોંચી જાય, પણ રાત પડ્યે પાછો પણ આવી જાય. માધાપર વિના માધવને ચાલે નહીં.
ગામ ખાલી છે એવું તો માધવે ધાર્યું નહોતું, પણ એવું અનુમાન માંડી લીધું હતું કે બધા સૂઈ ગયા છે એટલે તે પાદરના ઓટલે આવીને થોડી વાર ત્યાં બેઠો. જોકે ઊંઘ આવતી નહોતી એટલે બસ એમ જ ચક્કર મારતો ગામની પાછળની સીમ સુધી ગયો અને પછી ત્યાં જ બેસીને તે ભજન લલકારતો તાપણું તાપવા માંડ્યો.
વધતી જતી ઠંડી વચ્ચે માધવને આકાશમાંથી વરસતી ગરમીની જાણે કે કોઈ પરવા સુધ્ધાં નહોતી. 
માધવ પાસે જઈને કલેક્ટરે સૌથી પહેલાં તો તાપણું ઓલવ્યું હતું. ધૂળ નાખીને તાપણું ઓલવ્યા પછી માધવનો હાથ પકડીને કલેક્ટર તેને વાડી સુધી લઈ આવ્યા. માધવને આ હરકતમાં પણ કોઈ પ્રશ્ન નહોતો. તે તો પોતાના ભજનમાં વ્યસ્ત હતો.
વાડીએ પહોંચી, અંદર ગયા પછી કલેક્ટરે જેવો શાંતિનો શ્વાસ લીધો કે બીજી જ ક્ષણે કાન ફાડી નાખતો અવાજ આવ્યો, જેણે માધાપરના તમામેતમામ ગામવાસીઓને ધ્રુજાવી નાખવાનું કામ કર્યું. 
પાકિસ્તાને એ જ જગ્યાએ બૉમ્બ ફેંક્યો હતો જ્યાં માધવ તાપ શેકતો હતો!
વાડીથી માંડ સાતસો મીટરના અંતરે.
એ રાતે પાકિસ્તાને ફેંકેલો આ ઓગણીસમો બૉમ્બ હતો અને હજી બે બૉમ્બ કચ્છ પર ફેંકાવાના હતા.
એ રાતે પાકિસ્તાને હિન્દુસ્તાન પર કરેલા હુમલામાં બે થિયરી પર જ કામ કર્યું હતું. એક, ઍરપોર્ટને સાબૂત ન થવા દેવું અને બે, એ તમામ જગ્યા પર હુમલો કરવો જ્યાં માનવ-વસાહતનો અણસાર મળે.
lll
એકધારા બૉમ્બાર્ડિંગ અને એને લીધે ઊભા થયેલા કાન ફાડી નાખતા અવાજો વચ્ચે માધાપરની ગાય-ભેંસોએ હવે દેકારો મચાવ્યો હતો.
ગામ આખું જ્યારે સાથે રહેવાનું હતું એવા સમયે ઢોરને કેવી રીતે એકલાં મૂકી શકાય અને મૂકે પણ કોણ?
માધાપરવાસીઓએ પોતાનાં તમામ ઢોરને એક જગ્યાએ, એ જ વાડામાં ભેગાં કરીને રાખ્યાં હતાં. ગાયોને બાંધવામાં નહોતી આવી, પણ વાડો બહારથી બંધ હતો. 
મોડી રાતે પાકિસ્તાને ફરી હુમલો શરૂ કરતાં વાડામાં બંધાયેલી ગાયો હવે અકળાઈ ગઈ હતી. મૂંગો જીવ. કહે કેમ? બોલે કેમ?
માધવ જ્યાં હતો એ જગ્યાથી ગાયનો આ વાડો માંડ હજાર મીટર દૂર હતો. છેલ્લો બૉમ્બ વાડાની નજીક ફૂટ્યો હતો એટલે ગાયોની અકળામણ હવે ચરમસીમા પર હતી. ગામ આખું જ્યારે કલેક્ટરને સાંભળતું અને માધવને જોતું ઊભું હતું ત્યારે કુંદનના કાનમાં ગાયો-ભેંસોના ભાંભરડા પહોંચતા હતા.
જેમ-જેમ ઢોરની અકળામણ વધતી હતી એમ-એમ કુંદનનો વલોપાત પણ વધતો જતો હતો, પણ તેઓ બોલી નહોતાં શકતાં.
lll
‘તારે જાવાનું છે...’ 
શ્યામે ખભા ઉલાળીને ના પાડી. બાજુમાં બેઠેલી કુંદન તેને એકધારી કહેતી હતી, પણ શ્યામને બાપુની બીક હતી.
‘ડાયો થામા...’ કુંદને શ્યામને સહેજ ચીંટિયો ભર્યો, ‘જાવાનું છે તારે...’
‘બા-બાપુ ​​ખીજાશે...’
‘નહીં ખીજાય... ગાયુનું કામ છે...’
કુંદનને એમ હતું કે તેની વાત કોઈએ સાંભળી નથી, પણ તે ખોટી હતી. શ્યામની બા ક્યારની કુંદનની વાત સાંભળતી હતી. તેને ખબર હતી કે ગાયોના વાડાને ખોલવા માટે કુંદન શ્યામને મોકલવા માગે છે.
‘ખીજાશે. મારી બા છે, હું ઓળખું...’
બોલતાં-બોલતાં અચાનક જ શ્યામનું ધ્યાન બા તરફ ગયું. બા પોતાની સામે જુએ છે એ જોઈને શ્યામ ચૂપ થઈ ગયો. પણ આ શું, બાએ તો સામેથી હા પાડી અને પાછું હોઠ પર હાથ મૂકીને ઇશારાથી કહી પણ દીધું કે હું નહીં ખીજાઉં.
શ્યામે કુંદન સામે જોયું. કુંદનની નજર પણ શ્યામની બા સામે જ હતી અને બાએ દીકરાને ઇશારાથી આપેલી છૂટ તેણે પણ જોઈ લીધી હતી.
‘તને કંઈ નહીં થાય...’ કુંદન શ્યામની નજીક આવી, ‘મા આશાપુરાના સમ...’
શ્યામે નજરથી હા પાડી એટલે બન્ને પોતાની જગ્યાએથી ઊભાં થયાં. કુંદને ધીમેકથી બારી પર લગાડેલો લાકડાનો આગળિયો ખોલ્યો અને ઠંડી હવા પ્રસરી આખા હૉલમાં પથરાઈ ગઈ.
બારી ખૂલી એટલે બધાનું ધ્યાન એ તરફ ગયું.
‘કોણ છે ન્યાં...’ મુખીએ સહેજ મોટા અવાજે કહ્યું, ‘બારી બંધ કરો...’
‘ના... બારી ભલે ખૂલી રહી.’ ગોપાલસ્વામીએ ગણિત સમજાવ્યું, ‘ત્યાંથી ગામનો મેઇન રોડ દેખાવા... એ બારીને ખૂલી રાખો એ બેનિફિટમાં રહેવા...’
કુંદને મનોમન માતાજીનો પાડ માન્યો.
માવડી, બસ આમ જ, છેલ્લે સુધી રખોપું કરી લેજે...
પુરુષોમાં ફરીથી વાતો શરૂ થઈ અને તમામ મહિલાઓએ એ બાજુએ કાન આપ્યા એટલે કુંદન સહેજ આગળ આવી. શ્યામ ધીમેકથી પાછળના પગે સરકીને કુંદનની પાછળ ગોઠવાઈ ગયો. હવે તેને 
કોઈ જોઈ શકતું નહોતું. સળિયા વિનાની ખુલ્લી બારીમાંથી સુકલકડી શ્યામ સહેલાઈથી બહાર નીકળી 
શકે એમ હતો. તેણે ઊંડો શ્વાસ 
લીધો અને દબાયેલા અવાજે 
કુંદનને કહ્યું...
‘ઉધરસ ખાજે... નહીં તો ઠેકડો મારીશ એ સંભળાશે.’
પોતે સાંભળી લીધું છે એના પુરાવારૂપે કુંદને પહેલી ખાંસી અત્યારે જ ખાઈ લીધી.
આઠ વર્ષનો શ્યામ આ ઇશારો સમજી ગયો. ઊંડો શ્વાસ લઈને તેણે પોતાના પગની પેની પર વજન આપ્યું અને આખું શરીર છતની દિશામાં ઊંચું કરીને તેણે બારીની બહાર છલાંગ મારી દીધી.
lll
બારની બહાર આવીને શ્યામે સૌથી પહેલાં તો પોતાનાં કપડાં ખંખેર્યાં અને પછી બારી તરફ જોયું. બારીમાં કુંદનનો હાથ હતો.
શ્યામે એ હાથ પાસે જઈને જરા મોટા અવાજે કહ્યું.
‘જાઉં છું...’
કુંદને પોતાના હાથનો પંજો એવી રીતે હલાવ્યો જાણે કે આવજો કહેતી હોય. પરવાનગી મળી ગઈ એટલે શ્યામ સીધો ઢોરવાડાની દિશામાં ભાગ્યો. વાડીના મકાનથી ઢોરવાડા સુધી પહોંચવામાં શ્યામને રોકડી પાંચેક મિનિટ લાગી હશે, પણ ત્યાં દસ મિનિટ ખર્ચ્યા પછી પણ તેનાથી વાડનો આગળિયો ખૂલ્યો નહીં.
અંદર મૂંગા જીવ બરાબર અકળાયેલા હતા. વાડાના દરવાજા પર ઢીંક મારવાનું એમણે ચાલુ કરી દીધું હતું તો હજારો કિલોમીટર દૂર બેઠેલા દુશ્મન જીવે પણ હવામાંથી હિન્દુસ્તાનને ઢીંક મારવાનું ચાલુ રાખ્યું હતું.
‘અબ સબ આરામ કરો...’ ગોપાલસ્વામીએ બધાને છૂટા પાડતા કહ્યું, ‘થોડા જાગવાના અને બીજા બધા સૂઈ જવાના...’
મુખીએ તરત બધાની સામે જોયું.
‘બાયું બધી રસોડા બાજુએ જાય ને મરદ બધાય આ બાજુએ રહે...’

આ પણ વાંચો: 1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ-૨૦)

વધુ આવતા રવિવારે

columnists Rashmin Shah