મિસ્ટર ચાણક્યઃ આપણે માટે ઇતિહાસ મનોરંજન છે અને એ વાત જ ખેદજનક છે

16 September, 2020 01:35 PM IST  |  Mumbai | Manoj Joshi

મિસ્ટર ચાણક્યઃ આપણે માટે ઇતિહાસ મનોરંજન છે અને એ વાત જ ખેદજનક છે

અમેરિકામાં ‘ચાણક્ય’ના શો કર્યા છે અને એ નાટકને દેશમાં રિસ્પૉન્સ મળે એના કરતાં અનેક ગણો રિસ્પૉન્સ અમેરિકામાં જોયો છે

જો તમે એવું ધારતા હો કે અમેરિકામાં ચાણક્યને કોઈ ન ઓળખે તો તમે ભૂલ કરો છો. અમેરિકામાં ‘ચાણક્ય’ના શો કર્યા છે અને એ નાટકને દેશમાં રિસ્પૉન્સ મળે એના કરતાં અનેક ગણો રિસ્પૉન્સ અમેરિકામાં જોયો છે. બે વર્ષ પહેલાં આ જ સમયગાળામાં નાટકના શો અમેરિકામાં ચાલતા હતા અને એ જોવા માટે માત્ર ગુજરાતી કે ઇન્ડિયન જ નહીં, એશિયન અને અમેરિકન સુધ્ધાં આવતા હતા.
ધાર્યું ન હોય એ રીતે અને ધારણા નહોતી એ પ્રકારનો ‘ચાણક્ય‘ને પ્રતિસાદ મળ્યો હતો. એ પ્રતિસાદને જોઈને મારા મનમાં એક જ વાત આવી હતી કે હિન્દુસ્તાન ચાણક્યને માન આપે છે અને અમેરિકામાં તેમને બહુમાન મળે છે. નાટક જોવા આવ્યા પછી મોબાઇલ સ્વિચ-ઑફ થવો જોઈએ એવું કોઈને કહેવું નથી પડતું અને એને માટેનું કારણ નાટકની ડિસિપ્લિન નહીં, પણ ચાણક્ય હતા. નાટક જોઈને વખાણ કરવા, તાળીઓ પાડવી કે પછી સ્ટૅન્ડિંગ ઓવેશન આપવું એ એક પ્રથા હોઈ શકે, પણ અમેરિકામાં જ્યાં પણ આ નાટક જોવા માટે જેકોઈ આવ્યા હતા તેઓ બધા ચાણક્ય વિશે પૂરતું જ્ઞાન ધરાવતા હતા એ જાણીને, એ જોઈને વધારે ખુશી થતી હતી. બે વર્ષ પહેલાં જ્યારે આ નાટકને અમેરિકા લઈ જવાની વાત આવી ત્યારે મને આછોસરખો ડર હતો કે અમેરિકન આ નાટકને કેવી રીતે જોશે અને કઈ રીતે લેશે?
આપણે ત્યાં ચાણક્યને મનોરંજનના રૂપમાં લેનારાઓનો તોટો નથી, જ્યારે અમેરિકા અને બ્રિટનને તો ચાણક્યના આગળપાછળના ઇતિહાસની પણ જાણ નથી. એવા સમયે ચાણક્ય જેવા સિદ્ધપુરુષના વિષયને દુનિયા કેવી રીતે રીઍક્ટ કરે એ ભય જન્માવે એવો પ્રશ્ન મનમાં હોય એ સ્વાભાવિક હતું, પણ આ ભય ખોટો હતો, ગેરવાજબી હતો. કહ્યું એમ, ચાણક્યને ત્યાં બહુમાન મળે છે. અનેક સરકારી ઑફિસર પણ ચાણક્યની જીવની જોવા આવ્યા હતા. આ એવા લોકો હતા જેમને હિન્દી આવડતું નથી અને એ પછી પણ તેઓ સૌ નાટક જોવા આવ્યા, કારણ કે તેમને નાટકમાં કે ક્રાફ્ટમાં કે સેટમાં રસ નહોતો, તેમને ચાણક્યએ આપેલી નીતિરીતિમાં વધારે રસ હતો. તમને એક કિસ્સો કહું.
એક અંગ્રેજ અધિકારીએ આખું નાટક જોયા પછી રૂબરૂ મળવાનો ટાઇમ લીધો. આપેલા ટાઇમે તે મહાશય પોતાના જુનિયરના મોટા ટોળાને લઈને હોટેલ પર રૂબરૂ મળવા પણ આવી ગયા. મળવા આવ્યા પછી તેમણે ચાણક્યના જીવન વિશે અને ચાણક્યની નીતિ વિશે એટલી ચર્ચા કરી કે ખરેખર અમેરિકનો માટે માન જાગી જાય કે જે કરવા માગે છે એ કામમાં કેવી દિલચશ્પી રાખીને આગળ વધે છે. નાનામાં નાની વાત અને નાનામાં નાની ઘટના વિશે તે વાકેફ હતો. લાંબી એવી એ મીટિંગ પૂરી થયા પછી જતી વખતે તેણે ફરીથી હાથ મિલાવ્યા અને પછી ધીમેકથી પૂછ્યું પણ ખરું કે તમને હું મિસ્ટર ચાણક્ય કહું તો વાંધો નથીને?
એ સમયે તો મેં વાંધો નહોતો ઉઠાવ્યો પણ આજે, બે વર્ષે મને થાય છે કે તેને ના પાડવાની જરૂર હતી. ચાણક્યની આછીસરખી વાત પણ આપણે ત્યાં કોઈ જાણતા નથી, જ્યારે એ માણસ તો ચાણક્ય પર લખાયેલાં ૪૦ પુસ્તકોથી વધુ પુસ્તકો પોતાની સાથે લાવ્યો હતો. આ ચાણક્યનો પ્રભાવ હતો અને એ પ્રભાવ વચ્ચે તે ચાણક્યને જીવી રહ્યો હતો. હકીકત તો એ હતી કે આપણે એ અંગ્રેજને ‘મિસ્ટર ચાણક્ય’ કહેવો જોઈએ.

manoj joshi columnists