હરિ ઉઘાડો સાંકળ

01 August, 2021 05:22 PM IST  |  Mumbai | Hiten Anandpara

જૂના જમાનામાં દરવાજાની ઉપરની તરફ લાગેલા ખીલામાં સાંકળ ભેરવાતી

પ્રતીકાત્મક તસવીર

દરવાજા પરની સાંકળ એક રક્ષાકવચ છે. એ ઘરને સાચવતી લક્ષ્મણ-સાંકળ છે. અજાણી વ્યક્તિને ઘરમાં પ્રવેશતાં રોકે. જૂના જમાનામાં દરવાજાની ઉપરની તરફ લાગેલા ખીલામાં સાંકળ ભેરવાતી. મોટા ભાગે ત્રણ-ચાર કડી જોડેલી આ લોઢાની સાંકળ સલામતીનો અહેસાસ આપતી. સાંકળ વાસવાની સાથે એવો ભાવ થતો જાણે અજાણી દિશાએથી આવનારી આપત્તિ પણ વસાઈ ગઈ. સાઇઝમાં નાની પણ મહત્ત્વમાં મોટી એવી ઘણી ચીજો આપણી જિંદગીનો અંતરંગ હિસ્સો હોઈ શકે છે. અશરફ ડબાવાલા સાથે આપણે થૅન્ક યુ કહી દઈએ...

નકામી ઠરી છે એ ચળવળને વંદન

ને ખૂલતી નથી એય સાંકળને વંદન

હું પૂજક છું પથ્થર ને પાલવનો અશરફ

કરું છું હું કાબા ને કાજળને વંદન

લિસ્ટ બનાવવા બેસીએ તો એવી ડઝનબંધ વસ્તુઓ મળી આવે જે આપણને સાચવતી હોય. સાંકળ અને તાળાની જુગલબંધી બંધ ઘરનું રખોપું કરી જાણે. ગામડામાં મોટી બંગડી કે મસમોટા કડા જેવી સાંકળ પણ વપરાતી. માત્ર બે જ કડી હોય, પણ ૧૨ માથાભેરનો ભાર ઝીલે એવી જોરૂકી હોય. શહેરોમાં સાંકળનું સ્થાન બદલાયું છે. એ સેફ્ટી ચેઇનમાં સમાઈ ગઈ છે. અહીં દરેકનું એક કર્તવ્ય અને એક પ્રયોજન હોય છે. એમાં કોઈ ખોટકો આવે તો ખટકો આંખોને લાગે. વિનોદ નગદિયા ‘આનંદ’ બંધિયારપણાને હડસેલવા નિર્દેશ કરે છે...

બંધ કવર છું, ખોલ મને તું

તારી ખબર છું, ખોલ મને તું

સાંકળ આંખોની શીદ ખખડાવે

તારું જ ઘર છું, ખોલ મને તું

સાંકળ લાંબા સમય સુધી ખૂલે નહીં તો એનો વિષાદ બાવાજાળામાં પથરાતો જાય. નગર કે કસ્બામાં જૂની હવેલી ટાઇપનાં ઘરો આ વિષાદને સૌથી વધુ જાણે છે. માલિક સપરિવાર પરદેશ હોય ત્યારે ઘરઝુરાપો સાંકળને પણ વળગીને બેઠો હોય. ખાંસતો સમય રસ્તા પરના વાહનમાંથી કોઈ ઓળખીતું ઊતરે છે કે નહીં એની ખાતરી કરી-કરીને આથમી જાય. ભગવતીકુમાર શર્માથી વધારે સારી રીતે કોણ આ વિષાદને ઓળખી શકે...

આ છાંયડાના કસુંબાઓ ગટગટાવી લ્યો

નગરનું વૃક્ષ છું, કોઈ પણ ક્ષણે વઢાઈ જઈશ

કોઈ તો સ્પર્શો ટકોરાના આગિયાથી મને

કે જીર્ણ દ્વારની સાંકળ છું હું, કટાઈ જઈશ

જે વપરાતું નથી એ કટાતું જાય છે. લૉકડાઉનને કારણે ઘરે બેઠાં-બેઠાં પગ સાવ નિકમ્મા થઈ ગયેલા. સ્નાયુઓ વપરાય નહીં એને કારણે નબળા પડે અને સાંધામાં સણકા ઊપડે. સર્જક અને આયુર્વેદનિષ્ણાત ડૉ. પ્રીતિ જરીવાળાની સલાહ લીધી તો તેમણે ચપટી વગાડતાં ઇલાજ કરી આપ્યો. ઉપરથી એક અચરજભર્યું અવલોકન શૅર કર્યું કે જે લોકો ક્રૉસવર્ડ પઝલ ભરતા હોય એ લોકોને અલ્ઝાઇમર થતો નથી. સિમ્પલ, મગજ કસાતું રહે એટલે ઘસાતું અટકી જાય. આ નિઃશુલ્ક જ્ઞાન પ્રાપ્ત કરી એટલું સમજાયું કે શરીર હોય કે સંવેદના, જો એનો વપરાશ ન થાય તો એ કટાવાની પૂરી શક્યતા છે. અન્ય એક ડૉક્ટર અને છોગામાં મનોચિકિત્સક શાયર મુકુલ ચોકસી પાસેથી પણ પ્રિસ્ક્રિપ્શન મેળવી લઈએ...

વતાવી ના શકો તો એ સર્વસ્વ છે અને

વિતાવી જો શકાય તો આ પળ કશું નથી

દીવાલ સોંસરા જો પ્રવેશી શકાય તો

દ્વારો કશું નથી અને સાંકળ કશું નથી

આ પ્રિસ્ક્રિપ્શનમાં દવા નથી, પણ દવાની ગરજ સારે એવી સમજણ છે. એવી જ એક મહામૂલી સમજણ રઈશ મનીઆર પૂરી પાડે છે...

હું દિવ્યતાની શોધમાં દેવળ સુધી ગયો

પ્રત્યેક બંધ દ્વારની સાંકળ સુધી ગયો

મંદિર કે મસ્જિદો સુધી અટકી ગયા સહુ

જિજ્ઞાસાવશ જરાક હું આગળ સુધી ગયો

તાગ મેળવવા તળિયે જવું પડે. કવરપેજ જોઈને પુસ્તક તરફ આકર્ષાઈએ, પણ એને પામવા માટે તો પાનાંઓમાં પ્રવેશવું જ પડે. આપણી ભૂલ એ થાય છે કે જ્યાં બ્રેક મારવાની હોય ત્યાં ઍક્સેલરેટર પર પગ મુકાઈ  જાય અને જ્યાં ઍક્સેલરેટર પર પગ મૂકવાનો હોય ત્યાં બ્રેક મરાઈ જાય. મેહુલ પટેલ ‘ઈશ’ ડૉક્ટર કે મનોચિકિત્સકની ડિગ્રી ન હોવા છતાં એવી માનદ્ ડિગ્રી આપવાનું મન થાય એવી વાત છેડે છે...

જિંદગાની આખરે છળ નીકળે

ઝાંઝરી સમજો ને સાંકળ નીકળે

એક સુરંગ જાય છે ઈશ્વર સુધી

એક સુરંગ એથી આગળ નીકળે

એક ઝાંઝરી જરૂર સાંકળ બની જાય જ્યારે કોઈ એકના દિલમાં પ્રવેશવાને બદલે અનેકના ઓશિયાળા થઈ અત્યાચાર વેઠવો પડે. પેટની આગ ઠારવા પ્રેમ અને પરિવારની ઝંખનાને સાંકળથી બાંધી દેવી પડે. બેડીઓથી બંધાયેલી પ્રત્યેક જિંદગીનો ઊંહકારો બધાને સંભળાતો નથી. એ ચાર દીવાલોની વચ્ચે જ કણસતો રહી જાય. બિની પુરોહિતની પંક્તિઓમાં આ પીડા વર્તાશે...

દ્વારને ધક્કો તમે માર્યો નથી

હાં, અમે ઊભા હતા સાંકળ વગર

આ જગત ડૂમો નહીં સમજી શકે

આંખ કોરી છે આ મારી જળ વગર

કોરી આંખોમાં છુપાયેલો ભેજ સહજતાથી નજરે ચડતો નથી. કોઈ પોતાની મંજિલ સુધી પહોંચી જાય તો કોઈકનો પ્રવાસ માત્ર પ્રયાસ બનીને રહી જાય. અનંત રાઠોડ પ્રણય કબૂલાત કરે છે...

સાંકળ ને દ્વાર ખુલ્લાં, પણ ના શક્યો પ્રવેશી

હા, એટલું ખરું કે ઉંબર સુધી ગયો’તો

હા, મેં અશક્યતાઓ ફંફોસી જોઈ બદ્ધે

હું શોધમાં નદીથી સાગર સુધી ગયો’તો

ક્યા બાત હૈ

હરિ ઉઘાડો સાંકળ

દરવાજે દીધા આગળિયા ને અંદર હાંફળફાંફળ

ઓરા આવી હરિ હેતથી ઉઘાડોને સાંકળ

 

તાંબું ટીપો લોટી થાશે, માટીમાંથી નાંદ

પંચતત્ત્વનાં પૂતળાંઓમાં શું ગાજે સંવાદ

રણકારે પરખાતી મારી લોટી આગળપાછળ

 

દિવસ આથમે કાયા ઘડતા ઊગતા પહોરે શ્વાસ

પળના ધાગે દીધા પરોવી ઝળહળના અજવાસ

પવન વહે ત્યાં શ્વાસ અને હો પર્ણ ઢળે ત્યાં ઝાકળ

 

પળને જો પારખતી હાલું ગુંજે નાદ નિરંતર

રામ-રહીમા અચલ પંથમાં શાને દેખું અંતર

ઝીણા તારે ચાદર ઓઢી ખૂટી રહ્યાં છે અંજળ

 - હર્ષિદા ત્રિવેદી

ગીતસંગ્રહ: હુંથી હરિ

columnists