યંગ બાય હાર્ટ તે આનું નામ

13 January, 2021 11:41 AM IST  |  Mumbai | Darshini Vashi

યંગ બાય હાર્ટ તે આનું નામ

યંગ બાય હાર્ટ

વડીલો માત્ર પારિવારિક, ધાર્મિક કે કોઈ માઇથોલૉજિકલ શો જ જુએ એવી સદીઓ જૂની માનસિકતા આજના વડીલોએ બદલી છે. યંગસ્ટર્સને ગમે એવા શો પણ તેઓ હોંશે-હોંશે જુએ છે. કોઈ રિપીટ ટેલિકાસ્ટમાં પણ ડબ્લ્યુડબ્લ્યુએફ જુએ છે તો કોઈએ ઘરમાં ફાયર સ્ટિક વસાવી છે તો કોઈએ જમવાનો સમય બદલી નાખ્યો છે. આજે એવા જ કેટલાક અલ્ટ્રા મૉડર્ન વડીલોને મળીએ.

યંગસ્ટર્સની સિરિયલ યુવાનોને ગમતી હોય એ વાતમાં કોઈ નવાઈ નથી, પરંતુ આ સિરિયલ કે શો જ્યારે સિનિયર સિટિઝન્સને એના ચાહક બનાવી દે ત્યારે વાતમાં કંઈ દમ છે એવું લાગે. ટીવી ચૅનલ્સ પર યુવા વર્ગને કેન્દ્રમાં રાખીને ઢગલાબંધ શોઝ આવે છે. બિગ બૉસ, રોડીઝ, ખતરોં કે ખિલાડી, સ્પ્લિટ વિલા, ડબ્લ્યુડબ્લ્યુએફ વગેરે-વગેરે. પરંતુ જાણીને નવાઈ લાગશે કે ઘણા એવા સિનિયર સિટિઝન્સ છે જેમને આ બધા શો જોવા ખૂબ જ ગમે છે એટલું જ નહીં, છેલ્લાં કેટલાંય વર્ષોથી યંગસ્ટર્સને ગમે એવી સિરિયલના જબરદસ્ત ફૅન બની રહ્યા છે. તો ચાલો, મળીએ એવા કેટલાક વરિષ્ઠ નાગરિકોને અને જાણીએ તેમની પાસેથી કે શું કામ તેમને આ શોઝ ગમે છે.

બિગ બૉસ જોવા મળે એટલે ફાયર સ્ટિક વસાવી છે : વિજય કોઠારી, સાનપાડા

હું અને મારી પત્ની અમે બન્ને બિગ બૉસના દીવાના છીએ, બિગ બૉસ જ્યારથી શરૂ થયું છે એટલે કે છેલ્લાં ૧૪ વર્ષથી અમે નિયમિતપણે બિગ બૉસ જોઈએ છીએ એમ જણાવતાં સાનપાડામાં રહેતા ૬૭ વર્ષના વિજય કોઠારી આગળ કહે છે, ‘બિગ બૉસ અમારો ફેવરિટ શો છે. એનું એક કારણ તો એ છે કે અમને બન્નેને ફિલ્મો જોવાનો ખૂબ રસ અને આ શોમાં ફિલ્મનો બધો મસાલો ભરેલો છે એટલે જોવાની મજા પડે અને બીજું કારણ એ પણ છે કે મારા મિત્ર સર્કલમાં મૉડલ અને ટેલિવિઝન ક્ષેત્રની સાથે સંકળાયેલા ઘણા લોકો છે જેને લીધે મેં આ શો જોવાનું શરૂ કર્યું હતું, પરંતુ પછી તો મને એમાં એવો રસ પડવા લાગ્યો કે એક પણ એપિસોડ હું જોવાનું ચૂકતો નહીં. અત્યારે હું નિવૃત્ત છું પરંતુ જ્યારે હું કામ કરવા જતો ત્યારે મારા અમુક એપિસોડ જોવાના ચૂકી જવાતા હતા એટલે મેં ઘરે જ ફાયર સ્ટિક વસાવી લીધું હતું અને બેડરૂમમાં પણ ટીવી લગાવી દીધું જેથી શાંતિથી બિગ બૉસને માણી શકાય.’

ગૉસિપ કરવા માટે સિરિયલ જોવાનું શરૂ કર્યું હતું પરંતુ હવે તો ન જોઉં તો ઊંઘ નથી આવતી: રોહિણી નાયક, દહિસર
દહિસરમાં રહેતાં ૭૦ વર્ષનાં નિવૃત્ત શિક્ષિકા રોહિણી નાયક કહે છે, ‘જ્યારે હું સ્કૂલમાં ભણાવતી હતી ત્યારે બ્રેકમાં કે ફ્રી પિરિયડમાં સ્ટાફ રૂમમાં નવી જનરેશનના ટીચરો તેમના એજની સિરિયલની વાતો કરતાં હતાં. તેમની વાતો સાંભળીને મને સિરિયલ જોવાનો રસ પડ્યો. પછી તો અમે ભેગાં ગૉસિપ કરવા લાગ્યાં. આ ઉપરાંત ઘરમાં પણ યંગ જનરેશન હોય એટલે તેઓ પણ તેમને ગમે તેવી સિરિયલ કે શો જોતા હોય એટલે તેમની સાથે હું પણ જોઈ લેતી. અત્યારે તો હું નિવૃત્ત છું એટલે બધી ગમતી સિરિયલ જોઈ નાખું છું. ખતરોં કે ખિલાડી અને સ્પ્લિટ વિલા પણ જોતી આવી છું અને મને આ શો ગમે છે એવું કહેવામાં કોઈ શરમ પણ નથી.’

જમવાના સમય અને મેનુમાં પણ ફેરફાર થઈ જાય છે જ્યારે બિગ બૉસ અને ખતરોં કે ખિલાડી શરૂ થવાના હોય : શૈલેશ મહેતા, બોરીવલી

બોરીવલીમાં રહેતા ૬૪ વર્ષના શૈલેશ મહેતા કહે છે, ‘બિગ બૉસ અને ખતરોં કે ખિલાડી મારી ફેવરિટ સિરિયલ છે. આ સિરિયલની સીઝન ચાલતી હોય ત્યારે અમે અમારા જમવાના સમયમાં પણ ફેરફાર કરી દઈએ છીએ એટલે શાંતિથી એપિસોડ માણી શકાય. આ સિવાય ઘણી વાર શનિવાર અને રવિવારે જ્યારે સ્પેશ્યલ એપિસોડ ટેલિકાસ્ટ થતા હોય ત્યારે અમે ફાસ્ટ ફૂડ બનાવી દઈએ અથવા તો જોતાં-જોતાં ખાઈ શકાય એવી આઇટમ પણ બનાવી દઈએ છીએ. હું, મારી વાઇફ અને મારી ડૉટર આ સિરિયલના ટાઇમે ટીવીની સામે ગોઠવાઈ જ જઈએ છીએ. ખાસ કરીને ખતરોં કે ખિલાડી વખતે. આ શોઝ પસંદ પડવા પાછળનું કારણ એમાં બતાવવામાં આવતા સ્ટન્ટ અને પ્રતિયોગીઓને આપવામાં આવતી ચૅલેન્જિસ છે જે જોવાની મજા પડે છે.’

રોડીઝ જેવા યંગસ્ટર્સના શો મને કામ કરવાની એનર્જી આપે છે : હંસા મહેતા, કાંદિવલી

મને ઘણા જણ એવું કહેનારા પણ મળ્યા છે કે આ ઉંમરે આવી બધી સિરિયલ જોવાની શું મજા આવે છે? પરંતુ મને તેમના સ્ટેટમેન્ટથી કોઈ ફરક પડતો નથી એમ જણાવતાં કાંદિવલીમાં રહેતાં ૭૩ વર્ષનાં હંસા મહેતા આગળ કહે છે, ‘સાસ-બહૂની સિરિયલ જોઈને ઘરે વાસણ ખખડાવવા એના કરતાં સાહસિક અને એનર્જેટિક સિરિયલ જોઈને પોતાની જાતને સ્ટ્રૉન્ગ કરવી એ મને વધારે યોગ્ય લાગે છે. રોડીઝમાં જે આજની જનરેશનની એનર્જી બતાવી છે, જે સાહસ બતાવ્યું છે એ મને ગમે છે. આવી સિરિયલ મને એનર્જી પૂરી પાડે છે અને તમે જે ઇચ્છો છો એ તમે કરી શકો છો એ મને શીખવે છે. એવી જ રીતે બિગ બૉસ જોઈને લોકોના અસ્સલ સ્વભાવ વિશે જાણવા મળે છે કે કેવી રીતે લોકો સામે સારા બને છે અને પાછળ છૂરા ભોંકવાનાં કામ કરે છે. આજથી નહીં પરંતુ આ શો શરૂ થયો હતો ત્યારથી હું એને જોતી આવી છું.’

હું ૮૪ વર્ષે ને મારી પુત્રી ૬૧ વર્ષે રોજ ડબ્લ્યુડબ્લ્યુએફ જોઈએ છીએ : ભગવાનદત્ત શર્મા

મલાડમાં મોટા સંયુક્ત પરિવારમાં રહેતા ૮૪ વર્ષના ભગવાનદત્ત શર્મા કહે છે, ‘મારી પુત્રી માયા વર્ષોથી ડબ્લ્યુડબ્લ્યુએફ જુએ છે. તેને જોતાં જોઈને મેં પણ એ જોવાનું ચાલુ કર્યું અને ખબર નહીં ક્યારે મને પણ ડબ્લ્યુડબ્લ્યુએફમાં એટલો બધો રસ પડવા લાગ્યો કે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી હું સ્પોર્ટ્સ ચૅનલ પર આવતો આ શો રોજ બેથી ત્રણ કલાક જોઉં છું જેમાં રિપીટ ટેલિકાસ્ટનો પણ સમાવેશ થઈ જાય છે. ડબ્લ્યુડબ્લ્યુએફમાં ફાઇટ કરતા લોકો શું બોલે છે એ મને સમજાતું નથી પરંતુ તેમની ફાઇટની ઍક્શન સીક્વન્સ જોવાનું ગમે છે.’

ભગવાનદત્તની ૬૧ વર્ષની દીકરી માયા શર્મા કહે છે, ‘‍મારાં બાળકો નાનાં હતાં ત્યારે તેઓ સ્કૂલથી આવીને નાસ્તો કરતાં-કરતાં ડબ્લ્યુડબ્લ્યુએફ જોતાં હતાં ત્યારે તેમને ખવડાવતી વખતે હું પણ એ શો જોવા બેસી જતી હતી. પછી તો હું આ શોની સાથે ઇમોશનલી એવી રીતે જોડાઈ ગઈ કે છેલ્લાં ૨૦ વર્ષથી હું આ શોની ફૅન બની ગઈ છું અને એના દરેક એપિસોડ જોઉં છું.’

columnists darshini vashi