બિલ્લીબાઈ તો પુરુષોને પણ લાગે વહાલી

08 August, 2022 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દુનિયામાં કેટલાક એવા વિરલાઓ પણ હોય છે જેઓ ફક્ત વિકલ્પ જ નથી હોતા, પરંતુ ઉદાહરણરૂપ પણ હોય છે. ફાલ્ગુની જડિયા ભટ્ટ મળ્યાં કેટલાક એવા પુરુષોને જેઓ બિલાડીઓની મદદ કરવા કોઈ પણ હદ પાર કરવા હંમેશાં તૈયાર રહે છે

આમને જોઈને બીજા લોકો પણ હવે બિલાડીને ખવડાવતા થઈ ગયા : ચિન્મય વિપુલ શાહ

વર્લ્ડ કૅટ ડે  સામાન્ય રીતે ઘરે કોઈ જાનવર પાળવાની વાત આવે એટલે પુરુષોને કૂતરાઓ જ યાદ આવે. એમાંય પોમેરેનિયન કે પુડલ જેવા વાળવાળા ક્યુટ દેખાતા કૂતરા નહીં, પરંતુ ડોબરમૅન અને હસ્કી જેવા મહાકાય કૂતરા. બિલાડી જેવું નાનું અને શાંત પ્રાણી તો તેમના વિશલિસ્ટમાં ક્યારેય હોય જ નહીં. છતાં દુનિયામાં કેટલાક એવા વિરલાઓ પણ હોય છે જેઓ ફક્ત વિકલ્પ જ નથી હોતા, પરંતુ ઉદાહરણરૂપ પણ હોય છે. ફાલ્ગુની જડિયા ભટ્ટ મળ્યાં કેટલાક એવા પુરુષોને જેઓ બિલાડીઓની મદદ કરવા કોઈ પણ હદ પાર કરવા હંમેશાં તૈયાર રહે છે

આમને જોઈને બીજા લોકો પણ હવે બિલાડીને ખવડાવતા થઈ ગયા : ચિન્મય વિપુલ શાહ

મૂળ માંગરોળના પણ ફોર્ટમાં રહેતા માંગરોળી જૈન ૨૯ વર્ષના ચિન્યમ શાહ બાળપણથી જ બિલાડીપ્રેમી રહ્યા છે. તેઓ કહે છે, ‘સ્કૂલના દિવસોથી હું મારા બિલ્ડિંગની બિલાડીઓને દૂધ પીવડાવતો આવ્યો છું. એમ છતાં મારી અંદરનો બિલાડીઓ માટેનો સાચો પ્રેમ જાગૃત કરવાનું શ્રેય હું મારી પત્ની વિધિને આપીશ. પહેલાં હું ફક્ત બિલાડીઓને દૂધ જ પીવડાવતો હતો, પરંતુ તે તો બાળપણથી કૂતરાઓનું ધ્યાન રાખતી આવી છે. તેથી તેણે મને બીજી કઈ-કઈ પ્રકારે બિલાડીની સેવા કરી શકાય એ શીખવ્યું.’
પરિણામે છેલ્લાં બે વર્ષથી આ દંપતી પોતાના ઘર પાસે આવેલી ફોર્ટ ફાયર બ્રિગેડની આસપાસ ફરતી ત્રણ-ચાર બિલાડીઓ ઉપરાંત સેન્ટ્રલ લાઇબ્રેરીની પાછળ ફરતી આઠ- દસ બિલાડીઓને દૂધ ઉપરાંત ખાસ એમના માટે બનેલું કૅટ ફૂડ આપવા જાય છે. આ ઉપરાંત કોઈ બિલાડી બીમાર હોય તો એને હૉસ્પિટલમાં લઈ જવી, કંઈ વાગ્યું હોય તો એની મલમપટ્ટી કરવી, દવા પીવડાવવી જેવાં સેવાકાર્યો કરે છે. સાથે જ કોઈ બિલાડીએ બચ્ચાંને જન્મ આપ્યો હોય તો એમની આવશ્યકતા અનુસાર એમને ખોરાક આપવાની જવાબદારી પણ નિભાવે છે.  
ફોર્ટમાં પોતાની ટ્રાવેલ એજન્સી ચલાવતા ચિન્મયભાઈ દર મહિને બિલાડીઓની આ સેવા પાછળ પાંચથી સાત હજાર રૂપિયાનો ખર્ચ કરે છે. તેઓ કહે છે, ‘બિલાડીઓનું ધ્યાન રાખીને મને જે આનંદ મળે છે એની સામે ખર્ચની કોઈ કિંમત નથી. મારા ઘરની પાસે અમે જે બિલાડીઓને ખાવાનું આપીએ છીએ એમાંની એક બિલાડી હું જ્યારે પણ ઑફિસથી પાછો આવું ત્યારે જ્યાં હોય ત્યાંથી દોડી આવીને મારા સ્કૂટર પર બેસી જાય છે. આ બિલાડી મને પોતાને હાથ લગાડવા દેતી નથી, પરંતુ રોજ રાતના મારા આગમન સમયે મારી પાસે આવીને એ જાણે પોતાનો આભાર વ્યક્ત કરવાનું ચૂકતી નથી.’
ચિન્મયભાઈનો આ બિલાડીપ્રેમ જોઈને હવે તેમના ઘરની નીચે આવેલા એક ચાવાળા ઉપરાંત નજીકમાં આવેલા એક હોટેલવાળાએ પણ બિલાડીઓને રોજ ખાવાનું આપવાનું શરૂ કરી દીધું છે. 

૨૦થી ૨૨ બિલાડીઓને બેડરૂમ આપીને લિવિંગરૂમમાં રહે છે આ ભાઈ : મિતન શાહ

મૂળ ધ્રાંગધ્રાના મિતન શાહનો બિલાડીપ્રેમ આપણને ખરેખર આશ્ચર્ય પમાડે એવો છે. ૩૧ વર્ષના વકીલ મિતનભાઈ હાલ વાલકેશ્વર ખાતેના પોતાના ઘરે ૨૦થી ૨૨ બિલાડીઓનું ધ્યાન રાખી રહ્યા છે. આ આખી પ્રક્રિયાની શરૂઆત કેવી રીતે થઈ એની માંડીને વાત કરતા મિતનભાઈ કહે છે, ‘એક દિવસ ક્યાંકથી બિલાડીઓનો એક આખો પરિવાર મારા ગૅરેજમાં આવી ગયો. મને આ પરિવાર જોતાંની સાથે જ બહુ ગમી ગયો. તેથી મેં એમને રોજ ખાવાનું તથા પાણી આપવાનું શરૂ કર્યું. ધીરે-ધીરે મને આ કામમાં એટલો રસ પડવા માંડ્યો કે મેં પ્રિન્સેસ સ્ટ્રીટની ઇલેક્ટ્રિક માર્કેટ, સ્મૉલ કૉઝ કોર્ટ, લુહાર ચાલ વગેરે જેવા વિસ્તારોમાં જઈને ત્યાંની બિલાડીઓને પણ રોજ ખવડાવવાનું શરૂ કરી દીધું.’
મિતનભાઈનો બિલાડીઓ માટેનો આ પ્રેમ જોર પકડી જ રહ્યો હતો એવામાં એક દિવસ તેમના ગૅરેજમાં આવતો એક બિલાડો ક્યાંક જખમી થઈને આવ્યો. મિતનભાઈથી એની પીડા સહન ન થતાં તેઓ એને પોતાના ઘરે લઈ આવ્યા. ઇરાદો તો એવો હતો કે બિલાડો પાછો તંદુરસ્ત થઈ જતાં એને ફરી બહાર છોડી આવશે, પરંતુ એની સાથેના થોડા દિવસના સહવાસે મિતનભાઈનું એવું હૃદયપરિવર્તન કરી દીધું કે ત્યાર બાદ તેઓ ક્યારેય એ બિલાડાને પોતાનાથી અલગ કરી શક્યા નહીં. અહીંથી તેમની અંદરના બિલાડીપ્રેમે નવું સ્વરૂપ પકડ્યું. એમ કરતાં-કરતાં હાલ મિતનભાઈના ઘરે ૨૦થી ૨૨ બિલાડીઓ ભેગી થઈ ગઈ છે. મિતનભાઈ પોતે એ બિલાડીઓને ખવડાવવા-પીવડાવવા ઉપરાંત એમની સાફસફાઈની જવાબદારી પણ પૂરી નિષ્ઠાથી નિભાવે છે. એટલું જ નહીં, આ બિલાડીઓને ઘરમાં પૂરતી જગ્યા મળી રહે એ માટે તેમણે પોતાનો બેડરૂમ પણ આ બિલાડીઓને રહેવા આપી દીધો છે અને પોતે લિવિંગરૂમમાં સૂઈ જાય છે. આ બિલાડીઓ જરાસરખી પણ બીમાર ન પડે એ માટે એ બેડરૂમને રોજ સાફ કરવાનું કામ પણ તેઓ પોતે કરે છે. સાથે જ એમની સેવા કરવામાં જરાસરખી પણ ચૂક ન થાય એ માટે છેલ્લાં છ વર્ષથી તેઓ ક્યાંય બહારગામ પણ ગયા નથી. 
તેમના આ સેવાકાર્યમાં તેમનાં માતા-પિતા તથા જોડકી બહેન તેમને ખૂબ મદદ કરે છે. સાથે કેટલાક સ્વજનો, ડૉક્ટરો તથા જીવદવાપ્રેમીઓ પણ તેમને ખૂબ સહકાર આપે છે. હવે તેમની ઇચ્છા એક શેલ્ટર હોમ ખોલવાની છે, જ્યાં તેઓ ન ફક્ત આ બિલાડીઓની પરંતુ અન્ય જાનવરો અને પંખીઓની પણ નિરાંતે સેવા કરી શકે. 

રોજ મોડી રાત સુધી બિલાડીઓને ખવડાવે છે : ડરાયસ કાવસમાનેક

કફ પરેડમાં રહેતા પારસી ડરાયસ કાવસમાનેકનું નામ જેટલું અલાયદું છે એટલું જ તેમનું કામ પણ અલાયદું છે. ૭૦ વર્ષના આ પારસી જેન્ટલમૅન રસ્તે રખડતાં જાનવરો અને એમાંય ખાસ કરીને બિલાડીઓ માટે કાવસમાનેક ઍનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન (કેએડબ્લ્યુએફ) નામની બિનસરકારી સંસ્થા ચલાવે છે. કેમિકલ્સનો બિઝનેસ કરતા ડરાયસ આ ઉંમરે પણ રોજ રાતના એક વાગ્યા સુધી પોતાની ઑફિસમાં કામ કરે છે. ત્યાર બાદ સવારના પાંચ વાગ્યા સુધી રસ્તે રખડતા કૂતરાઓ અને ખાસ કરીને બિલાડીઓને ખાવાનું નાખવા દક્ષિણ મુંબઈના વિસ્તારોમાં ફરતા રહે છે. 
છેલ્લાં દસ વર્ષથી તેમણે પોતાની સંસ્થા કેએડબ્લ્યુએફ હેઠળ મોટા પાયે રસ્તે રખડતાં જાનવરોની સેવા કરવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું છે. આ સંસ્થામાં તેમણે બે ફીડિંગ વૅન વસાવી છે, જે રોજ રાતના મુંબઈના દોઢસો જેટલા વિવિધ વિસ્તારોમાં ફરીને આ મૂક જાનવરોને ખોરાક ખવડાવે છે. વળી આ ખાવાનું બહારથી વેચાતું લેવા ઉપરાંત તેમણે ડોમ્બિવલી ખાતે માત્ર ઍનિમલ ફૂડ બનાવતું પોતાનું એક ખાસ કિચન પણ શરૂ કર્યું છે, જ્યાં તેઓ બિલાડીઓ માટે રોજનાં ૪૦૦૦ ફૂડ-પૅકેટ્સ તૈયાર કરાવે છે. આ ઉપરાંત તેમની સંસ્થામાં એક ઍમ્બ્યુલન્સ પણ તેમણે રાખી છે, જે બીમાર કે જખમી જાનવરોને હૉસ્પિટલમાં લઈ જવા માટે હંમેશાં તૈયાર રહે છે. પોતાની બે ગાડી પણ તેમણે આ કામ માટે વાપરવા આપી દીધી છે. તેમની સંસ્થાનો એક મૅનેજર હંમેશાં પરેલની એસપીસીએ હૉસ્પિટલમાં તહેનાત હોય છે. અહીં તેઓ બિલાડીઓની નસબંધી પણ કરાવતા રહે છે. આ પ્રક્રિયામાં લેવા પડતા ટાંકા માટે તેઓ સરકારી હૉસ્પિટલને તેમના ૭૫ રૂપિયાના સાદા દોરા પણ વાપરવા દેતા નથી. બલ્કે બિલાડીઓને હેરાનગતિ ન થાય એ માટે ૫૦૦ રૂપિયાના એક અઠવાડિયામાં જાતે જ ડિઝૉલ્વ થઈ જતા દોરા સામેથી આપે છે. આ બધા પાછળ થતો અંદાજે એકાદ કરોડ રૂપિયાનો માસિક ખર્ચ ડરાયસ એકલા હાથે ભોગવે છે. ડરાયસ કહે છે, ‘અમે પારસીઓ બાળપણથી જ નૉન-વેજ ખાવા માટે ટેવાયેલા હોઈએ છીએ, પરંતુ આ જાનવરોની પીડા જોઈને હું સંપૂર્ણ શાકાહારી બની ગયો છું. હવે હું કોઈ જાનવરને મરતું કે કપાતું જોઈ શકતો નથી.’

columnists falguni jadia bhatt