સ્ત્રીઓ શ્રાદ્ધ કરી શકે?

13 September, 2022 02:56 PM IST  |  Mumbai | Jigisha Jain

સમાજમાં આવેલો આ બદલાવ કોઈ નાનોસૂનો તો નથી જ. હાલમાં ચાલતા શ્રાદ્ધ પક્ષમાં મળીએ એવી સ્ત્રીઓને જેમણે આ બધાં કાર્યો પોતાનો હક સમજીને કર્યાં છે

સ્ત્રીઓ શ્રાદ્ધ કરી શકે?

કેમ નહીં? એક સમય હતો જ્યારે સ્ત્રીઓને અંતિમ વિધિ કે શ્રાદ્ધવિધિમાં સામેલ કરવામાં આવતી નહીં. સ્મશાનમાં તે જતી નહીં  પરંતુ આજે સમય બદલાઈ ગયો છે. સ્ત્રીઓ નનામીને કાંધ આપવાથી લઈને મુખાગ્નિ સુધી, દોણી પકડવાથી લઈને શ્રાદ્ધ કરવા સુધીનાં બધાં કાર્યો હિંમતથી કરે છે. સમાજમાં આવેલો આ બદલાવ કોઈ નાનોસૂનો તો નથી જ. હાલમાં ચાલતા શ્રાદ્ધ પક્ષમાં મળીએ એવી સ્ત્રીઓને જેમણે આ બધાં કાર્યો પોતાનો હક સમજીને કર્યાં છે

પિતૃતર્પણ માટે કરાવવામાં આવતી શ્રાદ્ધની વિધિનું મહત્ત્વ આપણે ત્યાં ઘણું છે. આપણા વડીલો જે આપણને છોડીને જતા રહ્યા છે તેમને યાદ કરીને અંતરમનથી શ્રદ્ધાસુમન અર્પિત કરીએ ત્યારે પિતૃઋણ ચૂકવાતું હોય છે, પરંતુ આ ઋણ ચૂકવવાનો હક વર્ષોથી પુરુષો પાસે જ હતો. શ્રાદ્ધ હંમેશાં પુરુષો જ કરતા અને ઘરના પુરુષના હાથે થયેલું શ્રાદ્ધ જ સફળ માનવામાં આવતું. ઘણાં ઘરોમાં દીકરો ન હોવાનો અફસોસ પણ એટલે જ થતો કે મને કાંધ દેવાવાળો, મને મુખાગ્નિ દેવાવાળો કે મારું શ્રાદ્ધ કરવાવાળો ઘરમાં કોઈ દીકરો નથી. આવી પરિસ્થિતિમાં પછી તેમનાં સગાં-વહાલાંનો દીકરો કે પાસપડોશનો દીકરો બધી વિધિઓ કરતો, પરંતુ આજે સમાજમાં ઘણાં એવાં ઘરો છે જ્યાં દીકરા નથી અને એ ઘરની દીકરીઓ પોતાનાં માતા-પિતા કે વડીલોની અંતિમ ક્રિયાઓ ખૂબ હિંમત સાથે, પ્રેમ અને સન્માનથી કરે છે. એક સમયે જ્યારે સ્મશાનમાં સ્ત્રીઓને એન્ટ્રી જ નહોતી ત્યાં આજે ઘરની સ્ત્રીઓ સ્મશાન સુધી પણ જતી થઈ જ છે. સમાજનું આ પરિવર્તન નાનુંસૂનું તો ન કહી શકાય. પિતૃતર્પણ માટેની વિધિઓ પણ હવે તો સ્ત્રીઓ કરતી થઈ છે ત્યારે મળીએ કેટલીક એવી સ્ત્રીઓને જેમણે પોતાનું કાળજું કઠણ કરીને શાલીનતા સાથે પોતાના આપ્તજનોની અંતિમ ક્રિયા અને શ્રાદ્ધવિધિ નિભાવી છે.

કોઈ બીજું શું કામ? 
કાંદિવલીમાં રહેતાં નેહા યાજ્ઞિક ત્રણ બહેનો છે. તેમનાં મમ્મી અને પપ્પાની દરેક અંતિમ વિધિ અને શ્રાદ્ધ આ ત્રણેય બહેનોએ મળીને જ કર્યાં છે. તેમની લાગણી જણાવતાં તેઓ કહે છે, ‘એ અમારાં માતા-પિતા છે. અમારાથી નજીકનું તેમના માટે કોણ હોય? ફક્ત પુરુષો આ બધી વિધિઓ કરશે એમ કરીને કોઈ પણ કુટુંબના કે પાસપડોશના છોકરાઓ એ કરે તો એ તો ઔપચારિકતા થઈ. અમે જે ભાવ સાથે અમારાં માતા-પિતાને છેલ્લી વિદાય આપીએ કે તેમની મુક્તિ માટે શ્રાદ્ધ કરીએ એ ભાવ કોઈ બીજી વ્યક્તિ ન જ લાવી શકે. એ પ્રશ્ન તો ચોક્કસ ઊભો થાય, જે ઘરમાં દીકરીઓ જ છે એ ઘરમાં આ બધું કોણ કરશે. અમારે પણ થયો હતો, પરંતુ અમે દૃઢ હતાં કે અમે જ આ કરીશું.’ 

મારે જ કરવાનું છે
નેહાબહેનનાં મમ્મી હાલમાં કોરોનાકાળમાં ગુજરી ગયાં. ઘરના જ લોકો તેમની અંતિમયાત્રામાં હતા ત્યારે નેહાબહેનની ભાણેજ ફક્ત ૧૮ વર્ષની રૈના દીક્ષિતે આગળ દોણી પકડેલી અને અસ્થિવિસર્જન પણ તેણે જ કરેલાં. આ વિશે અતિ ભાવુક થઈને રૈના કહે છે, ‘શરૂઆતમાં મને ડર લાગેલો કે છોકરી તરીકે આ વિધિ મારે કરાય કે નહીં, પણ પછી લાગ્યું કે ના, આ મારે જ કરવાનું છે. મારા નાની સાથે મારે ખૂબ અંતરંગ સંબંધ હતો. હું એમની ખૂબ નજીક હતી. હું ખુદને સદ્ભાગી માનું છું કે હું એ કરી શકી.’ 

કાળજું કઠણ કરવું પડે 
વાલકેશ્વરમાં રહેતાં સુધાબહેન મર્ચન્ટનાં મમ્મી સાત મહિના પહેલાં જ ગુજરી ગયાં. તેમને પણ ભાઈ નથી. ઘણાં વર્ષો પહેલાં જ્યારે તેમના પપ્પા ગુજરી ગયા એ સમયે એ લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા એટલે તેમના કોઈ કઝિને તેમના પિતાની વિધિઓ કરી હતી, પરંતુ તેમના મમ્મીની બધી વિધિ સુધાબહેને જ કરી. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારી મમ્મીની જ ઇચ્છા હતી કે તેની બધી વિધિઓ હું જ કરું, કોઈ બીજું નહીં. ખરું કહું તો સ્ત્રી તરીકે આ વિધિઓ કરતી વખતે કાળજું કઠણ કરવું જરૂરી છે. જ્યારે તેમને અગ્નિદાહ દીધો ત્યારે હું અંદરથી હલી ગઈ હતી, કારણ કે મને એવું લાગતું હતું કે મારી માને હું હર્ટ કરી રહી છું. એ સ્વીકારવું અઘરું છે કે હવે એ મા નથી, ફક્ત તેનું શરીર છે. હિંમત ભેગી કરીને મેં આ કામ કર્યું, પણ એ સમયે સમાજના ચહેરા યાદ કરું તો દરેકની આંખમાં મેં એ પ્રશ્ન જોયો હતો કે આ કરી શકશે? ખરું કહું તો ૧૦ ટકા જ પુરુષો છે, જેઓ માને છે કે સ્ત્રીઓ પણ આ કરી શકે. બાકીનામાંથી અમુક પુરુષો જો માનતા પણ હોય તો તેઓ સ્વીકારતા નથી કે હા, સ્ત્રીઓ પણ એ કરી શકે છે. મને જોકે એનાથી ફરક પડતો નથી. મેં એ જ કર્યું જે એક દીકરી તરીકે મારે કરવાનું હતું.’ 

એકસરખો હક 
જે ઘરમાં પુરુષ ન હોય એ ઘરમાં જ સ્ત્રીઓ આ વિધિઓ કરે એવું નથી. પુરુષ હોવા છતાં પણ સ્ત્રી આ વિધિ કરી શકે છે. આવી પ્રોગ્રેસિવ વિચારસરણી ધરાવતાં જુહુમાં રહેતાં કેતકીબહેન મહેતાના પેરન્ટ્સ જ્યારે ગુજરી ગયા ત્યારે તેમના ભાઈનો દીકરો પણ હતો જે આ વિધિઓ કરી શકે એમ હતો, પરંતુ ફક્ત તેના હાથે વિધિઓ ન કરાવતાં કેતકીબહેને પોતાની દીકરી ઋજુતાના હાથે બધી વિધિઓ કરાવી. આ વિશે વાત કરતાં કેતકીબહેન કહે છે, ‘મારાં મમ્મી-પપ્પાએ મારા ભાઈના દીકરાને અને મારી દીકરીને એકસરખો પ્રેમ આપ્યો. બંનેનો ઉછેર પણ એકસરખો કર્યો અને બંને બાળકોનું મહત્ત્વ તેમને મન ખૂબ. બંને બાળકો પણ તેમની સાથે એટલાં જ જોડાયેલાં તો પછી એકને જ અંતિમ ક્રિયા કે શ્રાદ્ધનો હક આપીએ એ બરાબર નથી. બંનેને એકસરખો હક મળવો જોઈએ. આ વિચારે એ બંને ભાઈ-બહેને મળીને બધી વિધિઓ કરી.’

સજોડે કરવાની શી જરૂર? 
નાની ગુજરી ગયાં એ સમયની વાત કરતાં કેતકીબહેનના દીકરી ડૉ. ઋજુતા મહેતા કહે છે, ‘મને તો કોઈ મૃત્યુ પામે ત્યારે શું કરવાનું, શું જરૂરી છે એવી કશી જ ખબર નહીં, પરંતુ બીજું કોઈ હતું નહીં એટલે જવાબદારી મારે જ નિભાવવી પડે એમ હતું. નનામી અને સુખડનો હાર પણ હું જ લાવેલી. જ્યારે શ્રાદ્ધ કરવાનું હતું ત્યારે અમારા પંડિતજીએ કહ્યું કે છોકરીઓ શ્રાદ્ધ કરી શકે, પણ સજોડે હોય તો વધુ સારું. મેં તેમને કહેલું કે પંડિતજી આમ તો તમે કહો છો કે એકલા જ આવ્યા છીએ અને એકલા જ જવાના અને તમે અત્યારે સજોડે બેસવાની વાત કરો છો? શા માટે મારાં નાનીની વિધિ માટે કોઈની પણ જરૂર પડે? હું છુંને એટલું પૂરતું છે.’ 

સમાજ માટે થઈ રહ્યું છે સહજ
ઘાટકોપરમાં રહેતાં રોહિણીબહેન વ્યાસ અને દક્ષિણાબહેન શેઠ બંને બહેનોને ભાઈ નથી. એટલે જ્યારે ૨૦૦૬માં તેમના પપ્પાનું અવસાન થયું ત્યારે અંતિમ વિધિ કોણ કરશેનો પ્રશ્ન ઊભો થયો. એ સમયને યાદ કરતાં રોહિણીબહેન કહે છે, ‘આ બધી વિધિઓ પુરુષો જ કરતા આવ્યા છે, જે ઘરોમાં ફક્ત દીકરીઓ હોય એ ઘરોમાં જમાઈ આ ભૂમિકા ભજવે છે, પરંતુ મારા પતિએ એ સમયે મને કહ્યું કે આ હક તારો છે, તારે જ કરવું જોઈએ, જે મારા માટે ખૂબ મોટી વાત છે. તે અમારી સાથે જ હતા, પણ ક્રિયાઓ અમે જ કરી. પુરુષો પણ સ્ત્રીના આ હકને સમજે છે જે આ સમયની મહાનતામાં જ ખપાવી શકાય. પિતાજીની અંતિમ ક્રિયા એ વખતે પણ અમે બંને બહેનોએ કરી. તેમના શ્રાદ્ધ માટે મમ્મીની ઇચ્છા હતી કે અમે નાશિક જઈને જ બધું કરીએ. તો ત્યાં જઈને જરૂરી વિધિઓ પણ અમે જ કરી. મમ્મી ૨૦૧૧માં મૃત્યુ પામ્યાં ત્યારે તેમની પણ બધી વિધિઓ અમે જ કરી.’

આ બાબતે દક્ષિણાબહેન શેઠ કહે છે, ‘આને અમે અમારું સદ્ભાગ્ય જ માનીએ છીએ. આમ પણ અત્યારે સમય ઘણો બદલાઈ ગયો છે, જે ખૂબ સારું છે. લોકો પુરુષ અને સ્ત્રીમાં કોઈ ભેદ ગણતા નથી. અમે આ બધું જ કર્યું તો પણ સમાજમાંથી કોઈનેય આ બાબતે વાંધો હતો નહીં. ઊલટું એવું હતું કે અમારા માટે આ જેટલું સહજ હતું એટલું જ તેમના માટે પણ.’

મમ્મીની જ ઇચ્છા હતી કે તેની બધી વિધિઓ હું જ કરું, કોઈ બીજું નહીં. ખરું કહું તો સ્ત્રી તરીકે આ વિધિઓ કરતી વખતે કાળજું કઠણ કરવું જરૂરી છે.ખરું કહું તો ૧૦ ટકા જ પુરુષો છે, જેઓ માને છે કે સ્ત્રીઓ પણ આ કરી શકે. - સુધા મર્ચન્ટ

columnists Jigisha Jain