કોઈ સમજાવશે કે આ ઓટીટીનો ડર શું કામ છે?

30 April, 2022 08:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે જે બેનિફિટ થયા છે એના પર કોઈએ ધ્યાન આપ્યું નથી. ડિજિટલ પ્લૅટફૉર્મે પાયરસી માર્કેટ સાવ જ ખતમ કરી નાખી તો આ જ ડિજિટલ પ્લૅટફૉર્મના કારણે ફિલ્મોને નવું ઑડિયન્સ પણ મળ્યું છે

કોઈ સમજાવશે કે આ ઓટીટીનો ડર શું કામ છે?

આપણે ત્યાં થોડા સમયથી એવી કમ્પ્લેઇન શરૂ થઈ ગઈ છે કે ઓટીટી આવવાને કારણે હવે થિયેટર અને ઑડિટોરિયમ પર ખતરો ઊભો થયો છે, જોખમ આવી ગયું છે. જોકે તમને હું એક વાત કહું. ઓટીટી આપણા માટે નવું છે કે પછી હમણાં જ આવ્યું હોય એવું આપણને લાગે છે, પણ ઍક્ચ્યુઅલમાં એનું પેનિટ્રેશન ઇન્ટરનૅશનલ માર્કેટમાં તો દશકાઓ જૂનું છે. તમે એક વાર વિકીપીડિયા પર જઈને નેટફ્લિક્સની હિસ્ટરી જુઓ, ઍમેઝૉન પ્રાઇમની હિસ્ટરી ચકાસો તો તમને સમજાશે કે એ કંપનીઓ માર્કેટમાં આવ્યાને કેટલો સમય થઈ ગયો અને એની સ્ટ્રેન્ગ્થ પણ કેવી ગજબનાક હતી. ઇન્ડિયામાં ઓટીટી નવું-નવું આવ્યું એવું કહી શકાય; પણ અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં તો આ પ્લૅટફૉર્મ ઑલરેડી કામ કરતું જ હતું અને એનું પેનિટ્રેશન ત્યાંની માર્કેટમાં ગજબનાક રીતે થઈ જ ગયું હતું. આ થઈ એક વાત. હવે તમે બીજી તરફ જુઓ.
નેવુંના દશકના એન્ડમાં આવેલી નેટફ્લિક્સ કે પ્રાઇમ વિડિયોને કારણે હૉલીવુડ ખતમ નથી થયું. હા, એની મોડસ ઑપરેન્ડી ચેન્જ થઈ એ સો ટકા સાચી વાત છે. ત્યાં પણ થિયેટરમાં એ જ ફિલ્મો ચાલે છે જે ફિલ્મો લાર્જર ધેન લાઇફ છે. નાના બજેટની ફિલ્મો કે પછી જેને સિનેમા કહો એવી ફિલ્મો ત્યાં પણ સીધી ઓટીટી પર રિલીઝ થતી હતી અને કાં તો ઓટીટી પર આવે એની રાહ જોવાતી હતી. કહેવાનો ભાવાર્થ એટલો જ કે આપણે ખોટા પૅનિક થઈએ છીએ. એ સાચું કે ઇન્ડિયામાં ઓટીટીનું પેનિટ્રેશન થોડું સ્પીડમાં થયું. પૅન્ડેમિકને કારણે આપણે ત્યાં ટીવી-શો બંધ થઈ ગયા, થિયેટરો બંધ થઈ ગયાં અને આપણું ઑડિયન્સ એવરી વીક કશુંક જોવા માટે ટેવાયેલું છે એટલે એ ઑડિયન્સ ઓટીટી તરફ ડાઇવર્ટ થયું અને ઓટીટી પ્લૅટફૉર્મને એન્ટર થવા માટે મોટી વિન્ડો મળી ગઈ, જેને લીધે એવું ટેન્શન ડેવલપ થયું કે ઓટીટી પ્લૅટફૉર્મ થિયેટરોને ખાઈ જશે. ના, હું એવું માનતો નથી અને મને એવું બિલકુલ લાગતું પણ નથી કે એવું બને.
મારા મતે અત્યારે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનો ટ્રાન્ઝિટ પિરિયડ ચાલે છે. એવો જ ટ્રાન્ઝિટ પિરિયડ જે આઠ-દસ વર્ષ પહેલાં હૉલીવુડમાં આવ્યો હતો. આ ટ્રાન્ઝિટ પિરિયડને કારણે બન્યું એવું કે માસને અપીલ કરે એવી ફિલ્મો માટે લોકો થિયેટર સુધી ગયા અને પછી એ જ આદત પડી ગઈ. આપણે ત્યાં જે પ્રકારનો સિનારિયો છે એ જોતાં લાગે છે એવું જ કે લાર્જર ધેન લાઇફ કે પછી ફૅન્ટસી વર્લ્ડની જે ફિલ્મો હશે એ જોવા તો લોકો થિયેટરમાં જ જશે અને જે થિયેટરમાં જઈ નહીં શકે એ ઓટીટી પર ફિલ્મ આવે ત્યારે જોશે. હવે તમને અહીં હું બીજી પણ એક વાત કહીશ. ઓટીટીને કારણે ઑડિયન્સ વધ્યું છે, જેના પર બહુ ઓછા લોકોનું ધ્યાન છે.
ઓટીટી પર એકાદ મહિનામાં ફિલ્મ રિલીઝ થઈ જાય છે એટલે એવું ઑડિયન્સ પણ એ ફિલ્મ જુએ છે જે પોતાની ફૅમિલી સાથે બે હજાર રૂપિયા ખર્ચીને થિયેટર સુધી જઈ શકતું નથી. એક્ઝામ્પલ સાથે સમજાવું. ‘સ્પાઇડરમૅન : નો વે હોમ’ કે પછી હમણાં આવેલી ‘પુષ્પા’ કે ‘આરઆરઆર’ જેવી ફિલ્મ બધાને જોવી છે અને થિયેટરમાં જઈને જોવી છે, પણ જરૂરી નથી કે બધા પાસે બજેટ હોય. ઇચ્છાથી તો કંઈ નથી થવાનું, ફિલ્મ જોવા માટે પૈસા પણ ખર્ચવાના છે. આ જે લિમિટેડ બજેટ સાથેનું ઑડિયન્સ છે એ ઑડિયન્સને ઓટીટી પ્લૅટફૉર્મનો બેનિફિટ મળ્યો અને એવું જ એ ફિલ્મો સાથે થયું. જેનો હાથ ખેંચમાં છે એવા ઑડિયન્સે ઇચ્છા હોય તો પણ ફિલ્મ જતી કરવી પડતી, પણ ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે હવે તેણે એકાદ મહિનો જ રાહ જોવી પડે છે અને પછી પોતાની ફૅમિલી સાથે બેસીને આરામથી ફિલ્મ જોઈ શકે છે. આપણે વાત કરી એવા ઑડિયન્સની જેને ફિલ્મ જોવાની ઇચ્છા છે, પણ આપણે એ લોકોને પણ અવૉઇડ ન કરવા જોઈએ જેમની પાસે બજેટ હોવા છતાં પણ ઍક્ટર કે ઍક્ટ્રેસ ગમતાં નહોતાં એટલે તેઓ ફિલ્મ જોવા જવા રાજી નહોતા. આવું જે ઑડિયન્સ છે એ ઑડિયન્સ પણ ઘરમાં બેઠાં ફિલ્મ જોવા મળે છે એટલે જોઈ લે છે.
મારું કહેવું એ છે કે ડિજિટલ પ્લૅટફૉર્મનો ડર રાખવાની જરૂર નથી. ઊલટું આ પ્લૅટફૉર્મને લીધે બહુબધા બેનિફિટ પણ થયા છે. ઓટીટી પ્લૅટફૉર્મને કારણે અત્યારે પાઇરસી માર્કેટ ઑલમોસ્ટ બંધ થઈ ગઈ છે. એક સમયે પાઇરસી માર્કેટથી આખું બૉલીવુડ પરેશાન હતું, પણ આજે એ લગભગ ખતમ થઈ ગયું છે. એક સમયે ઇન્ડિયાનું પાઇરસી માર્કેટ વર્લ્ડમાં બદનામ હતું. પાઇરેટેડ ડીવીડી આપણે ત્યાં ગૃહઉદ્યોગની જેમ બનતી અને લારીઓમાં વેચાતી, પણ ઓટીટી પ્લૅટફૉર્મને કારણે કન્ટેન્ટ ઈઝી અવેલેબલ બન્યું અને એને ઑડિયન્સ પણ મળ્યું. આ દૃષ્ટિએ જોઈએ તો ઓટીટી પ્લૅટફૉર્મનો બહુ મોટો ફાયદો થયો છે. ઑડિયન્સને સમજાઈ ગયું કે બસ્સોની પાઇરટેડ ડીવીડી લેવા કરતાં બેટર છે કે વર્ષનું પાંચસો-સાતસો રૂપિયાનું સબસ્ક્રિપ્શન લઈને આખું વર્ષ કન્ટેન્ટ માણીએ. આ ઉપરાંત પણ ડિજિટલ પ્લૅટફૉર્મનો બીજો મોટો ફાયદો એ થયો કે વર્લ્ડ કન્ટેન્ટ ઈઝી અવેલેબલ થયું અને સોને પે સુહાગાની જેમ એ કન્ટેન્ટ પણ આપણી લૅન્ગ્વેજમાં ડબ થવા માંડ્યું. ‘મની હાઇસ્ટ’ નામની વેબ-સિરીઝ ઓરિજિનલી સ્પૅનિશમાં હતી અને મેં એ જ લૅન્ગ્વેજમાં સૌથી પહેલાં જોઈ. જોકે પૅન્ડેમિકને કારણે આ પ્લૅટફૉર્મને પણ સમજાયું કે એમના કન્ટેન્ટને ઇન્ડિયામાં પૉપ્યુલર કરવું હશે તો ઇન્ડિયન લૅન્ગ્વેજમાં લાવવું પડશે. જુઓ તમે, ‘મની હાઇસ્ટ’ હિન્દી તો થઈ જ, સાથોસાથ તામિલમાં પણ એને ડબ કરવામાં આવી. જો આમ જ ચાલતું રહેશે તો એવું બની શકે છે કે ભવિષ્યમાં એ ગુજરાતીમાં પણ ડબ થવા માંડે.
ગુજરાતી પરથી યાદ આવ્યું કે આપણે ગુજરાતી ફિલ્મોની બાબતમાં પણ અમુક બાબતમાં સજાગ થવું જરૂરી થઈ ગયું છે. હું અહીં બન્ને સાઇડ એટલે કે ઑડિયન્સ અને મેકર્સ બન્નેને સચેત કરવાનું પસંદ કરીશ. 
ગુજરાતી ફિલ્મનું ઇગ્નૉરન્સ જોખમી છે, પણ એમ છતાં કહેવું પડે કે છેલ્લા થોડા સમયમાં સારી કહેવાય એવી ગુજરાતી ફિલ્મો આવે છે અને એ ફિલ્મો આગળ-પાછળ રિલીઝ થઈ હોય તો પણ ચાલી જ છે. ‘હેલ્લારો’ અને ‘ચાલ જીવી લઈએ’ એક જ વર્ષે રિલીઝ થઈ અને બન્ને ફિલ્મો ચાલી. કહેવાનો મતલબ એ કે સારું કન્ટેન્ટ હોય તો ગુજરાતી ફિલ્મ ચાલે જ છે. મતલબ કે મેકર્સ સૌથી વધારે ભાર સારા કન્ટેન્ટ પર આપે એ જરૂરી છે. સારું કન્ટેન્ટ આપવું એટલા માટે જરૂરી છે કે સાઉથ કરતાં આપણે ત્યાં ઑપ્શન વધારે છે. એકસરખા ટિકિટ-રેટ્સ વચ્ચે ઑડિયન્સને હિન્દી અને અંગ્રેજી એમ બન્ને ઑપ્શન મળે છે. પ્રોડક્શન વૅલ્યુમાં તો આપણે કમ્પૅરિઝન કરી જ નથી શકવાના તો પછી કન્ટેન્ટ એવો ફોર્ટે છે જેના પર વધારે ધ્યાન આપવામાં આવે એ ઇમ્પોર્ટન્ટ છે. 
ઑડિયન્સે પણ સમજવાની જરૂર છે કે ફિલ્મ જોવા જાય. ઇગ્નૉરન્સ બહુ ખરાબ છે. બહેતર છે કે ફિલ્મ જોઈને એને ફ્લૉપ કરે, પણ ન જોવા જઈને એને ફ્લૉપ ન કરે. અફકોર્સ, આઇ ઍમ લક્કી કે મારી બન્ને ફિલ્મ જોવા ઑડિયન્સ આવ્યું છે અને ફિલ્મો તેમને ગમી છે. જોકે આવું બધા સાથે બને અને લોકો ફિલ્મ જોવા જાય એ બહુ જરૂરી છે. 
ગવર્નમેન્ટ પણ ગુજરાતી ફિલ્મો પ્રત્યે થોડી સજાગ બને એ પણ જરૂરી છે. ઑડિયન્સને તમામ ફિલ્મો માટે એકસરખા રેટની ટિકિટ લેવી પડે એ મને યોગ્ય નથી લાગતું. ગુજરાતી ફિલ્મોની ટિકિટના રેટમાં ગવર્નમેન્ટ સબસિડી આપે એ જરૂરી છે. જો એવું બનશે તો જ ઑડિયન્સને ગુજરાતી ફિલ્મ અટ્રૅક્ટ કરશે અને એ પોતાની પરસેવાની, મહેનતની જે કમાણી છે એ કમાણી ખર્ચવાની હિંમત કરશે. તમે સાઉથની ઇન્ડસ્ટ્રી જુઓ. ત્યાં આજે પણ રીજનલ ફિલ્મની ટિકિટના રેટ એવા છે જે ત્યાંનો નાનામાં નાનો માણસ અફૉર્ડ કરી શકે. આ ઇન્ડસ્ટ્રી બચાવવાની નીતિ છે અને જો ઇન્ડસ્ટ્રી બચશે તો આપોઆપ એ આખા રીજનને મોટું કરી દેખાડશે. સાઉથની ઇન્ડસ્ટ્રીની આજની જે સ્ટ્રેન્ગ્થ છે એની પાછળ ગવર્નમેન્ટ પણ એટલો જ જશ લઈ શકે છે. આપણે પણ આ બાબતમાં જાગૃત થવું જોઈએ એવું મને લાગે છે.

 ‘હેલ્લારો’ અને ‘ચાલ જીવી લઈએ’ એક જ વર્ષે રિલીઝ થઈ અને બન્ને ફિલ્મો ચાલી. કહેવાનો મતલબ એ કે સારી કન્ટેન્ટ હોય તો ગુજરાતી ફિલ્મ ચાલે જ છે. મતલબ કે મેકર્સ સૌથી વધારે ભાર સારી કન્ટેન્ટ પર આપે એ જરૂરી છે. સારી કન્ટેન્ટ આપવી એટલા માટે જરૂરી છે કે સાઉથ કરતાં આપણે ત્યાં ઑપ્શન વધારે છે.

columnists saturday special