ઇન્દ્રિયના કડકપણા માટે વાયેગ્રા લઈ શકું?ક્યારે અને કેવી રીતે લેવાય?

24 February, 2021 11:52 AM IST  |  Mumbai | Dr.Ravi Kothari

ઇન્દ્રિયના કડકપણા માટે વાયેગ્રા લઈ શકું?ક્યારે અને કેવી રીતે લેવાય?

પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર ૬૧ વર્ષ છે અને લગભગ એક દાયકાથી બ્લડ-પ્રેશરનો દરદી છું. દવાથી બધું કન્ટ્રોલમાં રહે છે. મને છેલ્લા ચારેક મહિનાથી છાતીમાં ક્યારેક ઝીણો દુખાવો થાય છે. ફૅમિલી-ડૉક્ટરનું કહેવું છે કે ઍન્જાઇનાનું પેઇન છે. જ્યારે આવું થાય ત્યારે એક ગોળી લેવા આપી છે. તમને પૂછવાનું કારણ એ કે હમણાંથી ક્યારેક સેક્સ દરમ્યાન અચાનક જ જાણે છાતી ભારે થઈ ગઈ હોય એવું લાગે છે. એવા સમયે પેલી ગોળી લઈ લઉં છું. જોકે અધવચ્ચે એમ કરવા જતાં ઇન્દ્રિયમાં ઉત્તેજના આવે એ પછી તરત જ ઇન્દ્રિય પણ ઢીલી પડી જાય છે. સેક્સ દરમ્યાન ઍન્જાઇના જેવો દુખાવો નથી હોતો; પણ ભાર, બેચેની, પસીનો અને બેબાકળાપણું લાગે છે. ડૉક્ટરે લોહી પાતળું કરવાની દવા આપી છે એની સાથે શું હું ઇન્દ્રિયના કડકપણા માટે વાયેગ્રા લઈ શકું? આ ગોળી ક્યારે અને કેવી રીતે લેવી જોઈએ?
જવાબ : જ્યારે પણ છાતીમાં દુખાવો, ભાર અને બેચેની જેવાં લક્ષણો હોય ત્યારે વાતને હળવાશથી ન લેવાય. તમારી સમસ્યા માત્ર સેક્સલાઇફને લગતી જ છે એવું માની ન લેવું જોઈએ. વર્ષોથી હાઇપરટેન્શન રહે છે અને ઍન્જાઇનાનું પેઇન પણ થાય છે એ બતાવે છે કે હાર્ટની કામગીરીમાં કોઈક ગરબડ છે. ધારી લઉં છું કે આ માટે તમે માત્ર ફૅમિલી-ડૉક્ટર નહીં, પણ કાર્ડિયોલૉજિસ્ટને જ બતાવતા હશો. આ ઉંમરે હૃદયની સમસ્યાઓનાં લક્ષણો હોય તો હૃદયરોગના નિષ્ણાત પાસે હાર્ટનું યોગ્ય ચેક-અપ નિયમિત સમયાંતરે કરાવતા રહેવું અને તેમણે પ્રિસ્ક્રાઇબ કરેલી દવાઓ નિયમિત લેવી જરૂરી છે.
તમે કહો છો કે સેક્સ દરમ્યાન તમને ઍન્જાઇના જેવો દુખાવો નથી થતો, પણ આ હૃદયનો મામલો છે એટલે તમને ચેક કર્યા સિવાય આ બાબતે તારણ પર આવી જવું એ ઉતાવળ ગણાશે. મારી સલાહ છે કે આ સંજોગોમાં તપાસ વિના વાયેગ્રા લેવાનું ચાલુ કરી દેવું યોગ્ય નથી. નિષ્ણાત પાસે પ્રાથમિક પરીક્ષણો ઉપરાંત સ્ટ્રેસ-ટેસ્ટ પણ કરાવો. તમામ નિદાન-પરીક્ષણ પછી જો તમારી સ્ટ્રેસ-ટેસ્ટ નૉર્મલ હોય તો સેક્સલાઇફ માણી શકો છો. સમાગમમાં ઓછી તકલીફ પડે એ માટે જમીને તરત જ સેક્સ ન કરવું, પણ માત્ર હળવો નાસ્તો કે લાઇટ ડિનર જ લેવું. બેડરૂમની અંદર ઍર-કન્ડિશનર હોય તો વધારે સારું. સ્વસ્થતા માટે રોજ પોણો કલાક ચાલવાનું તેમ જ એક-બે માળના દાદરા ચડવા-ઊતરવાનું રાખવું.

dr ravi kothari sex and relationships columnists