અમેરિકા જઈને મારા મામા રહે છે ત્યાંની કોઈ યુનિવર્સિટીમાં ઍડ‍્મિશન લઉં તો ચાલે?

26 May, 2023 05:15 PM IST  |  Mumbai | Dr. Sudhir Shah

જો આ વાત ઇમિગ્રેશન ખાતાની જાણમાં આવશે તો તમારા વિઝા કૅન્સલ કરવામાં આવશે અને ફરી પાછો તમને અમેરિકામાં કોઈ પણ પ્રકારના વિઝા ઉપર પ્રવેશ ન આપવો એવી પાબંદી લાગી જશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મેં અમેરિકામાં વધુ અભ્યાસ કરવા માટે સાત યુનિવર્સિટીઓમાં અરજી કરી હતી. સાતેય યુનિવર્સિટીઓ જુદા-જુદા સ્ટેટમાં આવેલી છે. એકેય સ્ટેટમાં મારાં કોઈ અંગત સગાં રહેતાં નથી. મારા મામા અમેરિકામાં રહે છે. એમની ત્યાં એક મોટેલ છે. મારા એજન્ટે મને ભારપૂર્વક જણાવ્યું હતું કે મારે મામા જ્યાં રહેતા હોય એ સ્ટેટમાં આવેલી કોઈ પણ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરવી નહીં. એટલે મેં એ પ્રમાણે કર્યું છે. મને સાતમાંથી ત્રણ યુનિવર્સિટીએ પ્રવેશ આપેલો છે અને ફૉર્મ આઇ-૨૦ મોકલાવેલું છે. એક યુનિવર્સિટીએ મારી અરજી રિજેક્ટ કરેલી છે અને બાકીની ત્રણનો જવાબ હજી સુધી આવ્યો નથી. મને જે યુનિવર્સિટીઓએ પ્રવેશ આપ્યો છે એમાંની એક પસંદ કરીને હું સ્ટુડન્ટ વિઝા મેળવીને અમેરિકા જઉં અને પછી એ યુનિવર્સિટીમાં ન ભણતાં મારા મામા જ્યાં રહે છે એ શહેરની એક કમ્યુનિટી કૉલેજમાં ભણવા જાઉં તો એમાં કંઈ વાંધો આવી શકે?

તમે જે કરવા ઇચ્છો છો એને છેતરપિંડી કહેવાય. એવું જણાય છે કે તમારો ઇરાદો ભણવાનો નથી પણ ભણવાના બહાને અમેરિકામાં પ્રવેશવાનો છે અને પછી તમારા મામાને ત્યાં જઈને નામ પૂરતી કૉલેજમાં પ્રવેશ મેળવીને મામાને ત્યાં કામ કરવાનો છે. જો આ વાત ઇમિગ્રેશન ખાતાની જાણમાં આવશે તો તમારા વિઝા કૅન્સલ કરવામાં આવશે અને ફરી પાછો તમને અમેરિકામાં કોઈ પણ પ્રકારના વિઝા ઉપર પ્રવેશ ન આપવો એવી પાબંદી લાગી જશે. તમે જે વિચારો છો એવું કરવામાં સફળ થાઓ પછી વર્ષ-બે વર્ષ પછી ગમે ત્યારે ઇન્ડિયા આવો કે અમેરિકાની બહાર કશે જાઓ અને પાછા અમેરિકામાં પ્રવેશવા ચાહો તો તમને તમારું આ કૃત્ય નડશે. તમારા આ પગલાને લીધે તમારાં માતાપિતા કે ભાઈબહેન જો અમેરિકાના કોઈ પણ પ્રકારના વિઝાની માગણી કરશે તો કદાચ એ નકારવામાં આવશે.

ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ હાલમાં રોકાણ કરવાની રકમ કેટલી છે? રોકાણની રકમ ઉપરાંત બીજો કોઈ છૂપો ખર્ચો છે? અને ગ્રીન કાર્ડ કેટલા સમયમાં મળી શકે છે?

ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ રીજનલ સેન્ટરમાં આઠ લાખ ડૉલરનું રોકાણ કરવાનું રહે છે. આ ઉપરાંત રીજનલ સેન્ટર ૭૦થી ૭૫ હજાર ડૉલર ઍડ્મિનિસ્ટ્રેટિવ ફીના લે છે. ૧૫થી ૨૫ હજાર ડૉલર એમના ઍટર્નીઓ એમની પ્રોફેશનલ ફીના લે છે. એક હજાર ડૉલર ઇન્ટિગ્ર‌િટી ફીના અને બીજા લગભગ ચાર હજાર ડૉલર ફાઇલિંગ ફીના આપવાના રહે છે. ઇન્ડિયામાં જો તમે કોઈનું આ બાબતમાં માર્ગદર્શન મેળવતા હશો તો તેઓ પણ એમની ફી લેશે. આ બધી ફીના પૈસા પાછા આપવામાં નથી આવતા અને તમારે એક વાત ખાસ જાણી લેવી જોઈએ કે તમે જે આઠ લાખ ડૉલરનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ ઇન્વેસ્ટમેન્ટ ‘ઍટ રિસ્ક’ હોય છે. જોખમમાં હોય છે. જો રીજનલ સેન્ટર નાદારી નોંધાવે, હાથ ઊંચા કરી દે, છેતરપિંડી કરે તો તમારી રોકાણની રકમ કદાચ પાછી ન મળે. આની પૂરતી તૈયારી રાખજો. ગ્રીન કાર્ડ મળતાં આજે ભારતીયોને લગભગ ૪-૫ વર્ષ લાગે છે.

columnists united states of america