ડાયાબિટીઝને કારણે ઉત્થાનમાં સમસ્યા થઇ શકે ખરી?

23 October, 2020 07:35 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

ડાયાબિટીઝને કારણે ઉત્થાનમાં સમસ્યા થઇ શકે ખરી?

પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી ઉંમર ૪૩ વર્ષ છે. થાક, વજન વધવું અને તરસ ખૂબ લાગવા જેવી જનરલ સમસ્યાઓ માટે ફૅમિલી ડૉક્ટરને બતાવવા ગયેલો અને તેમણે બ્લડ-શુગર ચેક કરવા કહેલું. સાચે જ મારું બ્લડ-શુગર ખરેખર ખૂબ વધુ આવ્યું. અત્યારે તો તેમણે દવા આપી છે. તેમનું કહેવું છે કે માત્ર ડાયટ અને એક્સરસાઇઝથી કન્ટ્રોલ નહીં થાય, શરૂઆતમાં દવા લેવી જ પડશે. મેં એવું સાંભળ્યું છે કે ડાયાબિટીઝની દવાની આડઅસરને કારણે સેક્સ-લાઇફમાં આગળ જતાં પ્રૉબ્લેમ થઈ શકે છે. મારા ઘણા મિત્રોને ડાયાબિટીઝ પછી ઉત્તેજનામાં તકલીફ આવી રહી છે. આવી આડઅસર ન થાય એ માટે શું કરવું? મને હજી સુધી ઉત્તેજના આવવામાં તકલીફ નથી. ડાયાબિટીઝ થયા પછી કેટલાં વર્ષમાં સેક્સ-લાઇફ ખલાસ થઈ જાય?
જવાબ- તમે જે સાંભળ્યું છે એ અધકચરું છે. ડાયાબિટીઝની દવાની આડઅસરને કારણે કદી સેક્સ-લાઇફમાં પ્રૉબ્લેમ નથી થતો, પણ ડાયાબિટીઝ થવાને કારણે તકલીફ થાય છે. જો ડાયાબિટીઝની યોગ્ય સારવાર કરીને બ્લડ-શુગર કન્ટ્રોલ ન કરવામાં આવે તો એનાથી સેક્સ-લાઇફમાં તકલીફ ઊભી થઈ શકે છે. તમે આડઅસરની બીકે દવા ન લેતા હો તો એ જોખમી સાબિત થશે. નિયમિત લેવાનું શરૂ કરી દો. ડાયાબિટીઝને કારણે બ્લડપ્રેશરની સમસ્યા પણ આવે છે જેને કારણે લાંબા ગાળે શિશ્નમાં રક્તભ્રમણમાં ઓટ આવવાથી ઉત્થાનમાં તકલીફ થાય છે.
બીજું, ડાયાબિટીઝ થયા પછી અમુક-તમુક ચોક્કસ વર્ષે સેક્સલાઇફ ખતમ થઈ જાય એવું નથી હોતું. ઘણા લોકોને ડાયાબિટીઝ વિના પણ ઉત્થાનમાં તકલીફ આવે છે તો જે લોકો ડાયાબિટીઝ કાબૂમાં રાખે છે તેમની સેક્સ-લાઇફ લાંબી મજાની ચાલે છે. તમે બ્લડ-શુગર લેવલ કન્ટ્રોલમાં રાખીને તમારી રક્તવાહિનીઓને સ્વસ્થ રાખો એ હેલ્ધી સેક્સ-લાઇફ માટે જરૂરી છે.
ભલે ડાયાબિટીઝ માટે દવાઓ લેવાની હોય, ખાવાપીવામાં કાળજી અને એક્સરસાઇઝમાં નિયમિતતા જરૂરી છે. ફાઇબરવાળાં શાકભાજી, આખાં ધાન્યો વધુ લો. પ્રિઝર્વેટિવ્સ, કેમિકલ્સ કે આર્ટિફિશ્યલ કલર્સ વગેરેનું સેવન સદંતર બંધ કરો. એ બધા ઉપરાંત રોજ દિવસમાં ૪૫ મિનિટ હળવી કસરતો અને યોગાસન કરો. રોજ જમ્યા પછી ઓછામાં ઓછું દસ મિનિટ હળવું વૉક લો. હાર્ટ-રેટ વધે એવી કસરત કરતા રહેવાથી ડાયાબિટીઝ પણ કન્ટ્રોલમાં રહેશે.

dr ravi kothari columnists