પાંજરે પુરાયેલો માનવી અને મુક્ત વિહરતાં પશુ–પંખી

05 April, 2020 04:51 PM IST  |  Mumbai | Kana Bantwa

પાંજરે પુરાયેલો માનવી અને મુક્ત વિહરતાં પશુ–પંખી

પ્રકૃતિએ માત્ર ૧૦ જ દિવસમાં કેટલું રિપેરિંગ કરી નાખ્યું. કેટલુંય નવસર્જન કરી નાખ્યું. જો એને થોડાં વર્ષ મળી જાય તો? માણસ થોડાં વર્ષ પ્રકૃતિને આપે તો?

માત્ર ૧૦ જ દિવસમાં પ્રકૃતિએ પોતાની તાકાત બતાવી આપી છે. મુંબઈના માર્ગો પર મોર ફરવા માંડે, પેરિગ્રીન ફાલ્કન અમદાવાદમાં બિનધાસ્ત ઉતરાણ કરે, હરદ્વારમાં હાથી માર્ગો પર મહાલે, શહેરોના માર્ગો પર દીપડા ફરવા માંડે, શિયાળ શહેરની ભાગોળે રસ્તા પર દેખાય. માત્ર માણસ નામનું પ્રાણી ઘરમાં પુરાયું એટલામાં તો અન્ય પ્રાણીઓ-પંખીઓ દેખાવા માંડ્યાં. જેને માણસ પાંજરે પૂરે છે એ બધાં મુક્ત છે અને માનવી ઘર નામના પીંજરામાં કેદ છે. પ્રકૃતિનો આ ન્યાય છે. આ તો માત્ર ૨૧ દિવસ માણસ પુરાયેલો રહેવાનો છે ત્યાં પ્રકૃતિ સક્રિય થઈ ગઈ છે, માનવીએ આપેલા હજારો વર્ષના જખમ ભરવા માટે. જો પ્રકૃતિને આવી જ છૂટ મળે અને માણસ આમ જ પુરાયેલો રહે તો કુદરત માત્ર પાંચ–દસ વર્ષમાં જ માણસે સદીઓમાં કરેલું નુકસાન ભરપાઈ કરી લે. આ કૉન્ક્રીટના જંગલની આસપાસ લીલીછમ વનરાજી ફેલાવી દેતાં તેને વાર લાગે નહીં. સ્કાય-સ્ક્રૅપર્સના પૅન્ટહાઉસ સુધી લીલીછમ વેલને પહોંચી જતાં બહુ સમય ન લાગે. આ આસ્ફાલ્ટ અને સિમેન્ટના રોડને ફાડીને કૂણી-કૂણી કૂંપળો બહાર ડોકાવા માંડે બહુ થોડા સમયમાં. પ્રકૃતિ સામેની લડાઈમાં માણસ હંમેશાં જીતતો આવ્યો છે, કારણ કે કાળા માથાનો માનવી પરાજયથી હતોત્સાહ થતો નથી, પડીને ફરી ઊભો થઈને તે લડે છે, ફરી પડે છે, ફરી લડે છે. માનવ પ્રકૃતિ સામે નિર્મમ થઈને લડે છે, ક્રૂરપણે લડે છે. પ્રકૃતિ લડતી નથી, સામે પ્રહાર કરતી નથી. તે પોતાના લયમાં વહેતી રહે છે. કુદરત ધારે તો જેમ ‘અવેન્જર્સ ઃ ઇન્ફિ‌નિટી વૉર’ ફિલ્મમાં થેનોસે ચપટી વગાડીને દુનિયાની અડધી વસ્તીને ખતમ કરી નાખી હતી એ જ રીતે માનવજાતને ચપટી વગાડતાંમાં જ પૂરેપૂરી ખતમ કરી દઈ શકે અને માણસે આ બાબતમાં જરાય ફાંકો રાખવાની જરૂર નથી, પણ પ્રકૃતિ માણસની જેમ વિધ્વંશક નથી. માણસની જેમ સ્વાર્થી નથી. માણસની જેમ વેરવૃત્તિથી વર્તનાર નથી. પ્રકૃતિ માટે સર્જન અને વિસર્જન બન્ને સમાન છે. લય, વિલય, પ્રલય એને સમાન છે. જીવન અને મૃત્યુ બન્ને તેને માટે સરખાં જ મહત્ત્વનાં છે. માણસ તો કુદરતની વિશાળ રચનામાં માત્ર એક સૂક્ષ્મ  હિસ્સો હતો, છે. માણસે પોતાના સ્વાર્થ માટે પૃથ્વીનો કબજો કરી લીધો. સમુદ્રને મથી નાખ્યા. પહાડોને તોડી પાડ્યા. હિમાચ્છાદિત ધ્રુવોને ઓગાળી નાખ્યા. વાતાવરણને પ્રદૂષિત કરી નાખ્યું. નદીઓને સૂકવી નાખી. ભૂગર્ભનું જળ પી ગયો. માટીને કચરાથી ઢાંકી દીધી. જંગલો સાફ કરી નાખ્યાં. પ્રાણીઓની પ્રજાતિઓને નામશેષ કરી નાખી. જીવ–જંતુઓનો સફાયો કરી નાખ્યો. ખનિજ ખોદીને ધરતીને સત્ત્વહીન બનાવી દીધી. પ્રકૃતિનો એક નાનકડો પુરજો, માણસ એનાથી સ્વતંત્ર થઈને પોતે રાજા બની બેઠો. આખી ધરતીનો સુવાંગ ધણી થઈને બેઠો. સર્જનહાર બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા માણસ નામના પુરજાને પ્રકૃતિએ એકવીસ હજાર કે એકવીસ લાખ વર્ષ મનમાની કરવા દીધી અને પછી માત્ર ૨૧ દિવસમાં તેની ઔકાત પર લાવીને મૂકી દીધો. માત્ર ૧૦ દિવસમાં પ્રદૂષણ એટલું ઘટી ગયું કે જલંધરથી હિમાલય દેખાવા માંડ્યો.

માણસ બિચારો બનીને ઘરની બારીઓમાંથી ગગનમાં મુક્તપણે વિહરતાં પંખીઓને અને જમીન પર વિચરતાં પ્રાણીઓને જોઈ રહ્યો છે. માણસ સિવાય કોઈ પ્રાણી કે પંખીને કોરોનાનો ખતરો નથી. પ્લેગ જેવી કેટલીક મહામારીઓ ઉંદર વગેરે પ્રાણીઓમાં પહેલાં ફેલાય છે, કોરોના પણ પ્રાણીઓમાંથી આવ્યો હોવાનું કહેવાય છે, પણ પ્રાણીઓને એનાથી ખતરો નથી. પ્રકૃતિના નિયમ પ્રમાણે જીવનાર બધાં પ્રાણી, પક્ષી, જંતુ સુરક્ષિત છે. માણસ એકલો અસુરક્ષિત છે. પાંજરેપુરાવાનું દુ:ખ હવે માણસ અનુભવી રહ્યો છે, પણ માણસ સુધરી જશે એમ માનવાનું કોઈ કારણ નથી. માણસ કોઈ બોધપાઠ નહીં લે. અત્યારે માણસ પ્રકૃતિની સર્વોપરિતાની જે વાતો કરે છે એ સ્મશાનવૈરાગ છે. ખતરો છે એટલે માણસને ડહાપણ સૂઝ્‍યું છે. ખતરો ટળતાં જ આ ડહાપણ વિસ્મૃત થઈ જવાનું છે. ભય નાબૂદ થતાં જ માણસ સાવ નફ્ફટ થઈને ફરી એ જ બધું કરશે જે તેણે અત્યાર સુધી કર્યું છે. પોતે જ બનાવેલી દુનિયાની જાળમાં માણસ એવો ફસાયો છે કે આ વિશ્વમાં જીવવું હોય તો તેણે પ્રકૃતિ વિરુદ્ધનાં કામ કરતા જ રહેવું પડે. શહેરોમાંથી જે પૈસાદારો ગામડે ભાગી ગયા છે તેઓ કાંઈ પ્રકૃતિના ખોળે રમવા માટે નથી ગયા. જન્મભૂમિનો સાદ પડ્યો એટલે નથી ગયા. કોરોનાથી બચવા માટે આશરો લેવા ગયા છે. શહેરોમાં મોતનો ભય છે એટલે ગયા છે. ગામડે જઈને ફેસબુક અને બીજાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર કુદરતી વાતાવરણનાં વખાણ કરતી પોસ્ટ મૂકનારાઓમાંથી કોઈ ત્યાં હંમેશાં રહેવાના નથી. અહીં જરા પરિસ્થિતિ સુધરશે એટલે તેઓ પાછા આવી જવાના છે, કારણ કે તેમને અહીંની પાર્ટીઓ, મોજમજા અને મનોરંજન વગર ચાલવાનું નથી. પાછા આવીને તેઓ તેમનું કોરોનાથી રક્ષણ કરનાર કુદરતનું રક્ષણ કરશે એવું બનવાનું નથી. તેઓ ભૂલી જશે કુદરતને. કારણ કે માણસે અત્યાર સુધી જે મેળવ્યું છે, જે વિકાસ કર્યો છે એ બધું પ્રકૃતિની સામે લડીને, એના નિયમો તોડીને મેળવ્યું છે અને મનુષ્ય આ કશું જ જતું કરી શકે એમ નથી.

 હા, પ્રકૃતિની તાકાતનો પ્રચંડ પરચો મળી ગયો એટલે માણસ થોડો જાગ્રત થશે ખરો એવી અપેક્ષા છે. આ અપેક્ષા એટલા માટે છે કે માણસને પ્રકૃતિએ સતત શીખતું રહેતું પ્રાણી બનાવ્યું છે. અચિંત્યનું ચિંતન કરવાની, ન જોયેલું કે ન અનુભવેલું વિચારવાની, ન જાણેલું જાણવાની શક્તિ પ્રકૃતિએ માણસને જ આપી છે એટલે માણસ થોડો વિચારતો થશે. બાકી બીજો કોઈ મોટો ફરક પડી જવાનો નથી. આ કોઈ પ્રથમ પરાજય નથી માનવજાતનો. આવા તો લાખો પરાજય મનુષ્યએ જોયા છે અને દરેક પરાજય પછી પ્રકૃતિએ માણસને હાથ ઝાલીને બેઠો કર્યો છે. આખરે તો મનુષ્ય તેનું સૌથી શ્રેષ્ઠ સર્જન ખરુંને અને એ ઊભો થયેલો માણસ કુદરતને વશ થઈ જવાને બદલે સામે થયો છે, પડકાર ફેંક્યો છે, લડવા પ્રવૃત્ત થયો છે. વશ થવાની પ્રકૃતિ જ પ્રકૃતિએ માનવમાં મૂકી નથી, માનવ પ્રકૃતિની સામે અવિરત યુદ્ધરત છે.

 આ લડાઈ હંમેશાં એકપક્ષી રહી છે. લડાઈ હંમેશાં ડેવિડની ગોલિયાથ સામેની રહી છે. લડાઈ હંમેશાં વામનની વિરાટ સામેની રહી છે. લડાઈ હંમેશાં સશસ્ત્રની સામે નિ:શસ્ત્રની રહી છે. લડાઈ હંમેશાં યુદ્ધખોર સામે અયુદ્ધમાનની રહી છે. લડાઈ હંમેશાં ધારદાર શાસ્ત્રો, વિનાશક અસ્ત્રોની સામે નાજુક કુંપળો, કોમળ પાંખડીઓની રહી છે. પ્રહાર, માણસ દ્વારા એકપક્ષી જ થાય છે. બચાવ માટે પ્રકૃતિ કોઈ ઢાલનો ઉપયોગ કરતી નથી. કોઈ પ્રતિકાર કરતી નથી. પ્રતિકાર એ પ્રકૃતિની પ્રકૃતિ જ નથી. એનો સ્વભાવ નથી. એટલે જો કોઈ એમ માનતું કે કહેતું હોય કે કુદરત બદલો લઈ રહી છે તો એ સંપૂર્ણ ખોટી વાત છે. કુદરત બદલો લે જ નહીં. બદલો લે તો એને કુદરત કહી શકાય નહીં. એને માટે તો સત અને અસત, સારું અને ખરાબ બધું જ સમાન હોય છે. તેને કોઈ શત્રુ કે મિત્ર નથી હોતું. કોઈ મારું કે તારું નથી હોતું. એને માટે બધા સમાન છે. એ નથી કોઈનો દ્વેષ કરતી કે નથી કોઈને પ્રેમ કરતી. એને કોઈ આકાંક્ષા નથી કે એણે કશું આપવું નથી. એ માત્ર પોતાનામાં જ રમમાણ છે. આત્મારામ છે. એને કોઈ આસક્તિ નથી કે વિરક્તિ નથી અને એટલે જ કુદરતને પરબ્રહ્મ સમાન કે પરમાત્માનું રૂપ જ ગણી લેવામાં આવે છે. તેને વેરવૃત્તિ રાખવાનું કારણ જ ન હોય. બધું જ તેના જ ઇશારે, તેના જ દ્વારા, તેના જ નિયંત્રણમાં થતું હોય ત્યારે કોઈની સામે બદલો લેવાની કોઈ શક્યતા જ ન હોય. સમજવાનું માણસે છે. પ્રકૃતિનો આદર કરતાં, તેને જાળવતાં શીખશે તો માણસ સુખથી જીવી શકશે.

kana bantwa weekend guide columnists