ક્રૂડતેલની તેજીથી ઇન્ફ્લેશન વધવાની ધારણાએ સોનામાં મજબૂતી

10 April, 2019 11:41 AM IST  |  | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ક્રૂડતેલની તેજીથી ઇન્ફ્લેશન વધવાની ધારણાએ સોનામાં મજબૂતી

ગોલ્ડ

ટ્રેડવૉર, બ્રેક્ઝિટ, ગ્લોબલ સ્લોડાઉનનાં કારણોની સાથે સાથે વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોની સતત વધી રહેલી ખરીદીએ સોનાની તેજી માટે બુલંદ આશા જન્માવી છે. હાલ સોનાના ભાવ ધીમી ગતિએ વધી રહ્યા છે, કારણ કે ટ્રેડવોર, બ્રેક્ઝિટ અને ગ્લોબલ સ્લોડાઉન બાબતે અનિશ્ચિતતા વધી રહી છે, પણ એક વખત આ ત્રણેય કારણોની સ્પક્ટતા થયા બાદ સોનામાં તેજીની દશા અને દિશા બન્ને સ્પક્ટ બનશે. ક્રૂડતેલની તેજીને પગલે ઇન્ફ્લેશન વધવાના ચાન્સીસ વધતાં સોનામાં મજબૂતી આગળ વધી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકામાં મૅન્યુફૅક્ચરિંગ ગુડ્ઝના નવા ઑર્ડરમાં માર્ચમાં ૦.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જે જાન્યુઆરી જેટલા જ રહ્યા હતા, પણ માર્કેટની ધારણા ૦.૬ ટકા ઘટાડાની હતી, સૌથી વધુ ઘટાડો ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટમાં થયો હતો. અમેરિકામાં કૉર્પોરેટ રિઝલ્ટની મોસમ શરૂ થતાં અનેક કંપનીઓનાં રિઝલ્ટ ધારણા કરતાં નબળાં આવી રહ્યાં છે. ખાસ કરીને બોઇંગ અને જનરલ ઇલેક્ટ્રિકનાં રિઝલ્ટ નબળાં આવતાં સ્ટૉક ઇન્ડેક્સ ઘટ્યા હતા. ક્રૂડતેલ અને કૉપરની તેજીને પગલે કૉમોડિટી માર્કેટમાં તેજીનો જુવાળ દેખાયો હતો અને ઇન્વેસ્ટરો સ્ટૉક માર્કેટ ઘટતાં ગોલ્ડ સહિત તમામ કૉમોડિટીઝમાં શિફટ થયા હતા. અમેરિકા, યુરોપ સહિત અનેક દેશોનાં સ્ટૉક માર્કેટ તૂટતાં ડૉલર ઘટ્યો હતો અને સોનું સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

લિબિયાની ક્રૂડતેલ સપ્લાયમાં પ્રૉબ્લેમ ઊભા થતાં ક્રૂડતેલના ભાવ પાંચ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા. સામાન્ય રીતે ક્રૂડતેલના ભાવ વધે એટલે દરેક દેશોના ઇન્ફલેશનમાં વધારો થાય છે. ઇન્ફલેશનના વધારા સામે બેસ્ટ હેજિંગ ટુલ્સ તરીકે સોનામાં ડિમાન્ડ વધે છે. આમ, ઇન્ફ્લેશન વધતાં સોનામાં ડિમાન્ડ વધવાની ધારણાએ ઇન્વેસ્ટરો સોના તરફ આકર્ષાયા હતા. વળી છેલ્લાં બે વર્ષથી વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોની ખરીદીએ સોનાની તેજીને મોટો સપોર્ટ આપ્યો છે. ચીને માર્ચ મહિનામાં પણ ગોલ્ડ રિઝવર્વમાં ૦.૬ ટકાનો વધારો કર્યો હતો. તુર્કીએ ૧૭.૧૧ ટન અને ઇક્વાડોરે ૬૩૭ ટન ગોલ્ડ રિઝર્વ વધારી હતી. સેન્ટ્રલ બૅન્કોએ ૨૦૧૮માં રેકૉર્ડબ્રેક ગોલ્ડની ખરીદી કરી હતી અને આ ટ્રેન્ડ ૨૦૧૯ના આરંભથી જ ચાલુ રહ્યો હોવાથી સોનું સતત સુધરી રહ્યું છે. ટ્રેડવૉર, બ્રેક્ઝિટ, ગ્લોબલ સ્લોડાઉન અને સેન્ટ્રલ બૅન્કોની ખરીદી, આ ચાર કારણો સોનાને તેજીને લાંબા સમય સુધી સપોર્ટ કરતા રહેશે.

ભારતની ગોલ્ડ રિઝર્વ પાકિસ્તાન કરતાં દસ ગણી હોવાનો રિપોર્ટ

ભારતની ગોલ્ડ રિઝર્વ વધીને માર્ચના અંતે ૬૦૭ ટન થઈ હોવાનો રિપોર્ટ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે આપ્યો હતો. ગોલ્ડ રિઝર્વ ધરાવવામાં ભારતનો ક્રમ વર્લ્ડમાં ૧૧મો છે, પણ પાકિસ્તાન કરતાં ભારતની ગોલ્ડ રિઝર્વ ૧૦ ગણી છે. પાકિસ્તાનની ગોલ્ડ રિઝર્વ માત્ર ૬૪.૬ ટન છે. વર્લ્ડમાં સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ અમેરિકાની ૮૧૩૩.૫૦ ટનની છે, ત્યાર બાદ જર્મનીની ૩૩૬૭.૭૦ ટન, આઇએમએફ (ઇન્ટરનૅશનલ મૉનેટરી ફંડ)ની ૨૮૧૪ ટન, ઇટલીની ૨૪૫૧.૮૦ ટન, ફ્રાન્સની ૨૪૩૬ ટન, રશિયાની ૨૧૧૯.૨૦ ટન, ચીનની ૧૮૬૪.૩૦ ટન, સ્વિટ્ઝર્લેન્ડની ૧૦૪૦ ટન, જપાનની ૭૬૫ ટન અને નેધરલૅન્ડની ૬૧૨.૫૦ ટનની છે. આ તમામ દેશો પછી ભારતનો ક્રમ આવે છે.

columnists