ગ્લોબલ સ્લોડાઉનનો ભય ઘટતાં સોનું સતત ચોથા દિવસે ઘટ્યું

17 April, 2019 10:55 AM IST  |  | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ગ્લોબલ સ્લોડાઉનનો ભય ઘટતાં સોનું સતત ચોથા દિવસે ઘટ્યું

ગોલ્ડ

અમેરિકા-ચીનના છેલ્લા એક સપ્તાહમાં આવેલા તમામ ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવતાં ગ્લોબલ સ્લોડાઉનનો ભય ઘટ્યો હતો તેમ જ આ સ્ટ્રૉન્ગ ડેટાની અસરે ઇમર્જિંગ દેશોનો ઇક્વિટી ઇન્ડેક્સ ૧૦ મહિનાની ટોચે પહોંચતાં અમેરિકી ડૉલર સુધર્યો હતો અને સોનું સતત ચોથા દિવસે ઘટ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનમાં નવાં મકાનોના ભાવ માર્ચમાં ૧૦.૭ ટકા વધીને બે વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા જે ફેબ્રુઆરીમાં ૧૦.૪ ટકા વધ્યા હતા અને માર્ચમાં નવાં મકાનોનો ભાવવધારો સતત ૪૭મા મહિને જોવા મળ્યો હતો. ભારતની ટ્રેડ ડેફિસિટ માર્ચમાં ઘટીને ૧૦.૮૯ અબજ ડૉલરે પહોંચી હતી જે ગયા વર્ષે માર્ચમાં ૧૩.૫૧ અબજ ડૉલર હતી. જોકે માર્કેટની ધારણા ટ્રેડ ડેફિસિટની ૧૦.૩૦ અબજ ડૉલરની હતી જેના કરતાં ટ્રેડ ડેફિસિટ વધુ આવી હતી. ભારતની એક્સપોર્ટ માર્ચમાં ૧૧.૦૨ ટકા વધી હતી અને એની સામે ઇમ્ર્પોટ ૧.૪૪ ટકા જ વધતાં ટ્રેડ ડેફિસિટ ઘટી હતી. અમેરિકા અને ચીન, વર્લ્ડની સૌથી મોટી બે ઇકૉનૉમીના ડેટા સુધરતાં છેલ્લા એક સપ્તાહથી ગ્લોબલ સ્લોડાઉનનો ભય ઓછો થતાં સોનું ઘટવા લાગ્યું છે. સોનું મંગળવારે સતત ચોથા સેશનમાં ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી મુન્ચીને ટ્રેડ-વૉર ખતમ થવા વિશે જણાવ્યું હતું કે ‘બન્ને દેશો ટ્રેડ ડીલની ઘણા જ નજીક પહોંચી ગયા છે અને બન્ને દેશો વચ્ચેની ટ્રેડ-વૉરને ખતમ કરવાનો પ્રોગ્રેસ ઘણો જ પૉઝિટિવ છે. મુન્ચીનની કમેન્ટ બાદ વર્લ્ડનાં તમામ સ્ટૉક માર્કેટ સુધર્યાં હતાં. ગ્લોબલ ઇમર્જિંગ દેશોની ઇક્વિટી માર્કેટને દર્શાવતો મૉર્ગન સ્ટેનલી કૅપિટલ ઇન્ટરનૅશનલ ઇન્ડેક્સ જુલાઈ ૨૦૧૮ પછીની ઊંચાઈએ પહોંચ્યો હતો. અમેરિકા અને ચીનના ઇકૉનૉમિક ડેટા સુધરતાં ગ્લોબલ સ્લોડાઉનનો ભય ઓછો થતાં સ્ટૉક ઇન્ડેક્સ સુધર્યા હતા અને ડૉલર પણ સુધર્યો હતો જેને કારણે સોના પર દબાણ વધ્યું હતું. હવે ચાલુ સપ્તાહે ચીનના ફસ્ર્ટ ક્વૉર્ટરના ગ્રોથ ડેટા અને અમેરિકા, જપાન, ચીન, યુરોપિયન દેશોના ઍડ્વાન્સ મૅન્યુર્ફક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ડેટા જાહેર થશે જે વર્લ્ડની ઇકૉનૉમિક કન્ડિશનને વધુ સ્પક્ટ કરશે. સેન્ટ્રલ બૅન્કોનું ગોલ્ડ બાઇંગ અને ક્રૂડ તેલની તેજીને કારણે ઇન્ફલેશનનો વધારો, આ બે કારણો હજી સોનાની તેજીને સપોર્ટ કરનારાં હોવાથી સોનું વધુ પડતું ઘટી જવાની સંભાવના નથી.

સોનાની ટૅરિફ-વૅલ્યુ યથાવત્, ચાંદીની ટૅરિફ-વૅલ્યુ ચાર ડૉલર ઘટી

કેન્દ્ર સરકાર દ્વારા દર પંદર દિવસે બદલાતી ટૅરિફ-વૅલ્યુમાં ૧૬ એપ્રિલથી અમલમાં આવે એ રીતે સોનાની ટૅરિફ-વૅલ્યુ પ્રતિ ૧૦ ગ્રામ ૪૧૭ ડૉલર પર જાળવી રાખી છે, જ્યારે ચાંદીની ટૅરિફ પ્રતિ કિલો ચાર ડૉલર ઘટાડીને ૪૮૬ ડૉલર પ્રતિ ટન કરી છે. ચાંદીના ભાવ વર્લ્ડ માર્કેટમાં ઘટી રહ્યા હોવાથી એની ટૅરિફ-વૅલ્યુ ઘટાડી હતી, જ્યારે સોનાની ટૅરિફ-વૅલ્યુ યથાવત્ રાખવામાં આવી હતી.

columnists