બુલબુલે ખુશી કે જૈસે હૈં, જરા સંભલ કે રહના...

07 May, 2021 03:11 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

‘એક મૈં ઔર એક તુ’ના આ અદ્ભુત ગીત પર જો કોઈનું ધ્યાન ન ગયું હોય તો એને માટેનાં બે કારણો છે; એક ફિલ્મનું ટાઇટલ-સૉન્ગ હિટ થયું, જેની આડશમાં આ ગીત દબાઈ ગયું, તો બીજું કારણ એ કે ફિલ્મ ફ્લૉપ ગઈ, જેને લીધે આ ગીત માસ સુધી પહોંચ્યું નહીં

બુલબુલે ખુશી કે જૈસે હૈં, જરા સંભલ કે રહના...

આસમાન સે બરસે ભર ભર કે, નીલે પીલે હર કલર કે
તુ ખેલે જી ભર કે, અય દિલ તુઝે પતા હૈ
અય દિલ તુઝે પતા હૈ, યે લમ્હેં ઔર ક્યા હૈ
જાન લે કિસ્મ કિસ્મ કે હૈં ગુબ્બારે...
જેન્યુઇનલી અદ્ભુત, સિમ્પલી સુપર્બ. આગળ જુઓ આ ગીતના શબ્દોને પહેલાં, પછી આપણે એ ગીતની વધારે વાત કરીએ.
કોઈ થોડા ઝ્‍યાદા પ્યારા હૈ, કોઈ ઢીલા ફૂસ પડા હૈ
હવા પે ખડા હૈ, હર એક મેં મઝા હૈ
અય દિલ તુઝે પતા હૈ યે લમ્હેં ઔર ક્યા હૈ
જાન લે કિસ્મ કિસ્મ કે હૈં ગુબ્બારે...
આપણે વાત કરીએ છીએ ફિલ્મ ‘એક મૈં ઔર એક તુ’ના ગીત ‘ગુબ્બારે’ની. ગીતના શબ્દોમાં જે ફિલોસૉફી છે, જે ફીલિંગ્સ છે, જે ભાવ છે અને જે વાત છે એ ખરેખર અદ્ભુત છે. તમે જ જુઓને, હજી તો ગીત શરૂ થયું છે ત્યાં જ ચોથી લાઇનમાં કેટલી સરસ વાત આવી ગઈ, ‘કોઈ થોડા ઝ્‍યાદા પ્યારા હૈ, કોઈ ઢીલા ફૂસ પડા હૈ...’ એવું જ હોય છેને, આપણી લાઇફમાં પણ. કોઈ વધારે વહાલું લાગે એવું, કોઈ થાકી-હારીને ઢીલું પડી ગયું હોય એવું. કોઈ સાવ સફેદ પડી ગયું હોય એવું 
અને કોઈના ચહેરાની રોનક રંગબેરંગી છે તો 
કોઈ લાલચોળ છે. ગુબ્બારે... માણસ પણ એના જેવો જ છે ફુગ્ગા જેવો. બસ, તેણે જીવવાનું છે મન ભરીને.
‘એક મૈં ઔર એક તુ’નું આ ગીત ત્રણ સિંગર્સે ગાયું છે; અમિત ત્રિવેદી, શિલ્પા રાવ અને નિખિલ ડિસોઝા. લિરિસિસ્ટ છે અમિતાભ ભટ્ટાચાર્ય અને મ્યુઝિક આપ્યું છે અમિત ત્રિવેદીએ. ૨૦૧૨માં રિલીઝ થયેલી આ ફિલ્મ ફ્લૉપ, ના સુપરફ્લૉપ હતી, પણ એનાં સૉન્ગ્સ, માશાલ્લાહ... મજા પડી જાય એવાં ગીતો અને એમાં પણ આ ‘ગુબ્બારે’ સૉન્ગ તો અદ્ભુત. હું કહીશ કે આ ગીતની બે કમનસીબી હતી; એક, ફિલ્મ ચાલી નહીં અને એને લીધે એનું આ ગીત પણ લોકો સુધી પહોંચ્યું નહીં અને બીજી કમનસીબી, ફિલ્મનું ટાઇટલ સૉન્ગ. એ કર્ણપ્રિય હતું અને એનું એટલું પ્રમોશન થયું કે બધાને મોઢે ચડી ગયું, જેને લીધે આ ગીતને જોઈએ એવું પ્લૅટફૉર્મ મળ્યું નહીં. 
૨૦૦૦ની સાલ શરૂ થયા પછી બૉલીવુડમાં ઘણા ચેન્જિસ આવ્યા. નવી ટૅલન્ટ આવી, નવી વાતો અને નવા વિચારો આવ્યાં અને આ નવા વિચારોને પ્લૅટફૉર્મ મળે એવાં મલ્ટિપ્લેક્સ પણ આવ્યાં. મલ્ટિપ્લેક્સને કારણે સમય જતાં ‘મલ્ટિપ્લેક્સ સિનેમા’ જેવો સિનેમાનો નવો પ્રકાર પણ સામે આવ્યો. તમે જોશો તો તમને દેખાશે કે પહેલાં જે ફિલ્મો નહોતી બનતી એવી ફિલ્મો બૉલીવુડમાં ઘણી બનવા માંડી. આ ફિલ્મ મલ્ટિપ્લેક્સ ઑડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. જો એવી ફિલ્મોની વાત કરીએ તો ‘અન્જાના-અન્જાની’, ‘આઇ હૅટ લવ સ્ટોરીઝ’, ‘શાદી કે પહલે’, ‘બ્રેક કે બાદ’, ‘આયેશા’ અને એવી અનેક ફિલ્મોને એમાં સમાવી શકાય. આ ફિલ્મોમાંની વાત જુદી હતી, એને કહેવાની સ્ટાઇલ જુદી હતી અને એ કહેવા માટે જે આવતા એ આખી ટીમ યંગ હતી. ઍક્ટર્સથી લઈને ડિરેક્ટર સુધ્ધાં અને સિનેમૅટોગ્રાફર, કોરિયોગ્રાફર પણ. આ જ પિરિયડે આપણને ‘રોમ-કોમ’ કહીએ એવી જોનરની ફિલ્મો પણ આપવાનું શરૂ કર્યું.
રોમ-કોમ, રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ.
‘એક મૈં ઔર એક તુ’ એવી જ એક રોમ-કોમ છે. છે રાહુલ અને રિહાનાની. રાહુલ એટલે ઇમરાન ખાન અને રિહાના એટલે કરીના કપૂર. રાહુલ એક બોરિંગ અને સાવ નિરસ કહેવાય એવો આર્કિટેક્ટ છોકરો અને રિહાના બિન્દાસ અને હરફનમૌલા, આજમાં જીવનારી છોકરી, પ્રોફેશનલી હેરડ્રેસર. રાહુલ અને રિહાના મળે છે, ફ્રેન્ડ્સ બને છે અને પછી બન્ને એક દિવસ દારૂના નશામાં મૅરેજ કરી લે છે. સવાર પડે એટલે ખબર પડે કે ભૂલ થઈ ગઈ છે એટલે બન્ને પોતાની ભૂલ સુધારવાનો પ્રયત્ન કરે છે. બન્ને ઇચ્છે છે કે ડિવૉર્સ લઈને છૂટાં પડી જઈએ, પણ આ જે ડિવૉર્સ લેવાની પ્રક્રિયા છે એમાં બન્નેને ધીમે-ધીમે એકબીજા માટે પ્રેમ થઈ જાય છે અને ડિવૉર્સનો દિવસ નજીક આવે ત્યારે બન્નેને સમજાય કે ભૂલ સુધારવાની લાયમાં બન્ને જણ મોટી ભૂલ કરી રહ્યાં છે. ‘એક મૈં ઔર એક તુ’ હૉલીવુડની સુપરહિટ ફિલ્મ ‘વૉટ હેપન્સ ઇન વેગસ’ની ઑફિશ્યલ રીમેક છે. હૉલીવુડની ફિલ્મમાં જે ઑથેન્ટિસિટી હતી એ ઑથેન્ટિસિટીનો અભાવ ‘એક મૈં ઔર એક તુ’માં દેખાતી હતી. ફિલ્મમાં ‘મૈં’ અને ‘તુ’ને દૂર કરીને ‘હમ’ બનવાની વાત જે અસરકારકતાથી કહેવાવી જોઈતી હતી એવી અસરકારકતા ઊભી નહોતી થઈ. કરીના કપૂર ‘જબ વી મેટ’ની ફ્લેવરમાંથી બહાર નહોતી આવી તો ઇમરાન ખાન ફિલ્મમાં સતત પરાણે ખેંચાતો હોય એ રીતે આગળ વધતો હતો. ધર્મા પ્રોડક્શન્સ અને યુટીવીએ સંયુક્ત રીતે બનાવેલી આ ફિલ્મનું ડિરેક્શન શકુન બત્રાએ કર્યું હતું તો મ્યુઝિક આપણા ગુજરાતી મ્યુઝિક ડિરેક્ટર અમિત ત્રિવેદીનું હતું. શકુને કરીઅરની શરૂઆત આશુતોષ ગોવારીકરના અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી, તો અમિત, તેની તો યાર વાત જ શું કરવી. 
મલ્ટિટૅલન્ટેડ. સંગીતકાર, ગીતકાર અને ગાયક પણ. અમિત ત્રિવેદીના મ્યુઝિકની એક ખાસિયત કહું તમને. તેના સંગીતમાં નવી ટેક્નૉલૉજીનો ઉપયોગ થયો હોવા છતાં એ મ્યુઝિક તમારા દિલને સ્પર્શી જાય એવું હોય છે. આ ખાસિયત જો કોઈનામાં હોય તો એ આપણે ત્યાં એ. આર. રહમાનમાં છે. રહમાન પણ નવી ટેક્નૉલૉજીનો ભરપૂર ઉપયોગ કરે છે અને એ પછી પણ તેના મ્યુઝિકમાં આત્મીયતા અકબંધ હોય છે. અમિતને બૉલીવુડમાં ઓળખ મળી ફિલ્મ ‘દેવ ડી’થી, એના ‘તૌબા તેરા જલવા, તૌબા તેરા પ્યાર...’ ગીતે તો દેશ ગજવી નાખ્યો હતો. ‘દેવ ડી’ માટે અમિતને નૅશનલ અવૉર્ડ પણ મળ્યો.
હટકે ફિલ્મો બનાવનારા અનુરાગ કશ્યપ 
સાથે અમિત ત્રિવેદીએ કામ કર્યું અને તેની સાથે એ જબરદસ્ત સફળ થયો અને એ પછી તો 
અમિત માટે સ્કાઇ ઇઝ ધ લિમિટ જેવું થઈ ગયું. જોકે એ બધા વચ્ચે પણ અમિતે દિલને ટચ કરે એવાં ગીતો આપ્યાં. ‘વેકઅપ સીડ’નું ‘ઇકતારા’ ગીત હોય કે પછી અમિતને ફિલ્મ ફેર અવૉર્ડ અપાવનારું ફિલ્મ ‘ઉડાન’નું મ્યુઝિક હોય. ‘આયેશા’, ‘નો વન કિલ્ડ જેસિકા’ અને ‘ચિલ્લર પાર્ટી’નું મ્યુઝિક હોય કે પછી આપણે વાત કરીએ છીએ એ ‘એક મૈં ઔર એક તુ’નું મ્યુઝિક હોય. 
મ્યુઝિક પણ અને ગીતના શબ્દો પણ. આ રેર કૉમ્બિનેશન તમને અમિતના મ્યુઝિકમાં અચૂક જોવા મળે. બહુ દૂર જવાની જરૂર નથી, આ જ ‘ગુબ્બારે...’ ગીત જ જોઈ લો તમે.
બુલબુલે ખુશી કે જૈસે હૈં
જરા સંભલ કે રહના, ગમોં કા પિન ચૂભે ન
કહી ન ફૂટ જાએ, ધત તેરી!!!
યે પ્યારે સે ગુબ્બારે, ન ફિર મિલેંગે સારે...

 અમિત ત્રિવેદીના મ્યુઝિકની ખાસિયત એ છે કે એમાં નવી ટેક્નૉલૉજીનો ઉપયોગ થયો હોય અને છતાં એ મ્યુઝિક તમારા દિલને સ્પર્શી જાય એવું હોય. આ ખાસિયત જો કોઈનામાં હોય તો એ એ. આર. રહમાન છે. રહમાનના મ્યુઝિકમાં પણ નવી ટેક્નૉલૉજીનો ભરપૂર ઉપયોગ દેખાય અને એ પછી પણ મ્યુઝિકમાં આત્મીયતા અકબંધ હોય.

columnists