કિતાબ-ઘર: હવે જ્ઞાન વેચાય છે રસ્તા પર

07 June, 2020 09:43 PM IST  |  Mumbai | Bhavya Gandhi

કિતાબ-ઘર: હવે જ્ઞાન વેચાય છે રસ્તા પર

એક સારું પુસ્તક એક સારા મિત્રથી સહેજ પણ ઓછું નથી. એક સારી બુક તમને ઍડ્વાઇઝ આપવાનું કામ કરી શકે, તમારું વિઝન ખોલવાનું કામ પણ કરે અને એક સારી ચોપડી તમારા જીવનમાં પ્રકાશ લાવવાનું કામ પણ કરી શકે. મેં હમણાં જ એક ફ્રેન્ડ પાસે બુક્સ માટે ખૂબ સરસ વાત સાંભળી. મારા એ ફ્રેન્ડ જર્નલિસ્ટ છે અને અમે બન્ને નિયમિત વાતો કરીએ છીએ. તેમણે મને એક સવાલ પૂછ્યો કે પૈસાદાર અને ધનવાન વચ્ચે શું તફાવત હોય છે?

આમ તો બન્ને સમાનાર્થી જ શબ્દ છે, પણ એમ છતાં મને એ સવાલમાં કંઈ અજુગતું લાગ્યું અને મેં જવાબ માટે મહેનત કરી, પણ મને જવાબ મળ્યો નહીં એટલે મેં તેને જ પૂછ્યું તો મને જે જવાબ મળ્યો એ અદ્ભુત હતો. તેમણે કહ્યું, ‘જેની પાસે આલીશાન ગાડી હોય તે પૈસાદાર છે અને જેના ઘરમાં લાઇબ્રેરી હોય એ ધનવાન.’

મારા ઘરમાં લાઇબ્રેરી નથી અને એ વાતનો મને અફસોસ આ જવાબ સાંભળ્યા પછી થયો હતો. લાઇબ્રેરી મુંબઈમાં કોઈના ઘરમાં હોય એ માનવું કે વિચારવું જ અજુગતું છે. મુંબઈમાં તો બુક્સ ઘરમાં ખરીદીને લઈ આવવામાં આવે એ વાત જ મને થોડી અજુગતી લાગવા માંડી છે. અજુગતી લાગતી આ વાતમાં જેન્યુઇનલી તથ્ય છે. લોકો અત્યારના લૉકડાઉનમાં એવી વાતો કરે છે કે ભવિષ્યમાં ઑનલાઇન ન્યુઝપેપર જ વંચાશે. ના, મને નથી લાગતું. પ્રિન્ટ કૉપી મળતી નથી એટલે લોકો નાછૂટકે ઑનલાઇન પેપર વાંચે છે, બાકી પેપર હાથમાં લીધા વિના એ વાંચ્યાની ખુશી થાય જ નહીં. હું નથી માનતો કે આજના સમયમાં ન્યુઝપેપર પણ મગાવવાનું ઓછું થઈ શકે, પણ લોકો એવી દલીલ કરે છે અને એ દલીલ જ નથી, એ લોકો સાચે જ ઑનલાઇન ન્યુઝ વાંચી લેતા હોય છે અને તેમને એમાં મજા પણ આવતી હોય છે. ઑનલાઇન કે પછી ઍપમાં વાંચી લેવાથી ન્યુઝપેપર કે પછી બુક વાંચ્યાનો આનંદ લેવાઈ જતો હોય તો નૅચરલી બુક્સ હવે શૉપમાંથી બહાર નીકળીને ફુટપાથ પર જ વેચાવા માટે આવી જાય.

આજના આર્ટિકલ સાથે એક ફોટોગ્રાફ છે. આ ફોટોગ્રાફ ફુટપાથ પર વેચાઈ રહેલી બુક્સનો છે. મુંબઈમાં આ રીતે બુક્સ વેચાય છે અને જ્યારે મેં પહેલી વાર આ દૃશ્ય જોયું ત્યારે મને ખૂબ દુઃખ થયું હતું. અત્યારે તો લૉકડાઉન વચ્ચે એવું બને કે એ બુકવાળો ત્યાં ન બેઠો હોય, પણ મને ખાતરી છે કે જેવું લૉકડાઉન ખૂલશે એટલે થોડા સમયમાં ત્યાં બુક્સ ફરીથી વેચાવા માંડશે. બુક્સ વેચાય એમાં એ બુકવાળા ભાઈનો કોઈ વાંક નથી. ના, જરાય નહીં. વાંક આપણો છે. એ બુકવાળાને જોયા પછી મને પહેલો વિચાર એ જ આવ્યો હતો કે હવે નૉલેજ રસ્તા પર આવી ગયું છે.

આ બાબતમાં આપણે રિયલી સિરિયસ થવાની જરૂર છે અને વૉટ્સઍપ-વાંચનમાંથી બહાર આવવાની જરૂર પણ છે. આપણે વૉટ્સઍપ પર આવતા જોક અને એના પર આપવામાં આવતા ફિલોસૉફિકલ રીડિંગને વાંચીને આનંદ માણી લઈએ છીએ અને સંતોષ પણ લઈ લઈએ છીએ જે ગેરવાજબી છે, ખોટી વાત છે. રીડિંગની સાચી મજા બુક્સમાંથી અને ન્યુઝપેપરમાંથી જ આવે અને એ જ સાચી રીત પણ છે. તમે જમવા માટે પ્લેટમાં રોટલી મૂકો અને પછી સામે પીત્ઝાનો ફોટો રાખીને એવું અનુમાન ન લઈ શકો કે તમે અત્યારે પીત્ઝા ખાઓ છો. પીત્ઝા ખાવા હોય તો મારે પીત્ઝા જ મગાવવા પડે અને એ જ ખાવા પડે. આપણે બુક વાંચવાનો ડોળ કરીએ છીએ, પણ એ વાંચીએ છીએ ત્યારે માત્ર સમય પસાર કરતા હોઈએ છીએ અને ટાઇમપાસના હેતુથી જ એ રીડિંગ થતું હોય છે, પણ જે સમયે આપણે બુક લઈને વાંચવા માટે બેસીએ છીએ એ સમયે આપણે ખરેખર રીડિંગના હેતુથી જ વાંચવા માટે બેસતા હોઈએ છીએ.

રીડિંગ-પેપર પર હોય એ જ સાચું એવું આજ સુધીનો મારો એક્સ્પીરિયન્સ કહે છે અને મારો આ જે એક્સ્પીરિયન્સ છે એ સાચું કહેતો હશે એવું પણ મને લાગે છે. કદાચ આ જ કારણે કિન્ડલ દુનિયામાં હજી પૉપ્યુલર નથી થયાં. ટેક્નિકલી અને લૉજિકલી બુક કરતાં કિન્ડલ વધારે કમ્ફર્ટેબલ છે અને એમાં સુવિધાઓ પણ ખૂબ બધી છે, પણ હું કહીશ કે એ બધા પછી પણ કિન્ડલ માર્કેટમાં જોઈએ એટલાં વેચાતાં નથી. એની પ્રાઇઝને કારણે નહીં, પણ એ વાંચવાની જે મજા આવવી જોઈએ એ નથી આવતી એને કારણે. કિન્ડલ નવું-નવું આવ્યું ત્યારે બધા એવું બોલવા માંડ્યા હતા કે હવે પ્રિન્ટેડ બુકનો જમાનો ગયો અને હવે તો બધા આ ઈ-બુક લઈને જ બેસશે, પણ તમને કહીશ તો તમે માનશો નહીં, મેં અત્યાર સુધીમાં હાર્ડલી બેથી ચાર વ્યક્તિને કિન્ડલ વાંચતા જોયા છે અને એ પણ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પેલા ધોળિયાઓને. એકની સાથે તો મેં વાત પણ કરી હતી.

ઇન્ટરનૅશનલ ફ્લાઇટમાં તે મારી બાજુની સીટમાં જ આવ્યો અને ફ્લાઇટ ટેક-ઑફ થઈ ગઈ પછી ફરીથી કિન્ડલ કાઢીને વાંચવા માંડ્યો. મેં તેને પૂછ્યું કે આમાં વાંચવાની મજા કેવી આવે છે, તો મને કહે કે ના, જરાય નહીં. બુક વાંચવાની સાચી મજા તો પેલી પ્રિન્ટ થયેલી બુકમાં જ આવે. હાથમાં લીધેલી બુક હોય અને એનાં પેજ ચેન્જ કરતાં જવાનાં એ મજા જુદી છે. મેં તરત જ તેને પૂછ્યું કે તો પછી આ કિન્ડલ શું કામ વાંચો છો?

જવાબમાં તેણે મારી સામે કિન્ડલ ધરી દીધું અને મેં એની સ્ક્રીન પર જોયું. ફ્રેન્ચ અક્ષરો લખાયેલા હતા. તેને ફ્રેન્ચ સિવાય કંઈ વાંચતાં નહોતું આવડતું એટલે તે કિન્ડલ પર ફ્રેન્ચ બુક વાંચતો હતો. ઇન્ડિયામાં ફ્રેન્ચ બુક મળે નહીં એટલે તે પોતાની સાથે એ લઈને આવ્યો હતો અને અત્યારે ફ્લાઇટમાં વાંચતો હતો. આવા સંજોગોમાં આ પ્રકારનું વાંચવું વાજબી હોઈ શકે છે, પણ જ્યારે તમને બુક મળે છે ત્યારે તમે એ વાંચો નહીં અને એ વાંચવાનો સમય પણ ફાળવો નહીં તો કેમ ચાલે?

મારે બીજી પણ એક નાનીઅમસ્તી સ્પષ્ટતા કરવી છે કે બુક વાંચવી, ન્યુઝપેપર વાંચવું અને મૅગેઝિન વાંચવું એ બધું એકબીજાથી સાવ જ ડિફરન્ટ છે. ન્યુઝપેપર તમે તમારી આજુબાજુ શું બની રહ્યું છે એ જાણવા માટે અને તમારી આજથી અપડેટ રહેવા માટે વાંચતા હો અને એ જ રીતે વાંચવાનું હોય. મૅગેઝિન કે પછી ન્યુઝપેપર સાથે આવતી સપ્લિમેન્ટ તમે જનરલ નૉલેજ માટે વાંચતા હો છો, જ્યારે બુક્સ તમે આઇક્યુ અને ઈ-ક્યુ ડેવલપ કરવા માટે વાંચતા હો છો. જો આઇક્યુ ઓછો હોય તો નહીં ચાલે અને જો ઈ-ક્યુ ઓછો હશે તો તમારા અંગત જીવનમાં કંઈ કરી નહીં શકો. મારા ધ્યાનમાં આવ્યું છે કે જે ફૅમિલીમાં રીડિંગ અને ખાસ તો બુક્સ વાંચવાનું પ્રમાણ નહીંવત છે અને કાં તો છે જ નહીં એ ફૅમિલીમાં સૌથી વધારે ઝઘડા અને કજિયા થતા હોય છે. આ મારું પર્સનલ ઑબ્ઝર્વેશન પણ છે. સ્પોર્ટ્સને લીધે તમારામાં સ્પોર્ટ્સમૅન સ્પિરિટ આવે એવી જ રીતે રીડિંગથી પણ તમારામાં સ્પોર્ટ્સમૅન સ્પિરિટ આવતું હોય છે. એક જ જગ્યાએ રહીને તમારે દુનિયાભરની સફર કરવાનો અનુભવ જો લેવો હોય તો એને માટે રીડિંગ ડેવલપ કરવું પડે. જો તમે આ એક જ લાઇફમાં બીજી અનેક લાઇફ જીવવા માગતા હો તો તમારે નૉવેલ વાંચવી પડે. જોવાતી ટીવી-સિરિયલ કરતાં વંચાતી નૉવેલ તમારી લાઇફમાં ઘણા પૉઝિટિવ સુધારા કરતી હોય છે અને તમે જ્યારે પણ કોઈ પ્રૉબ્લેમમાં અટવાઈ જાઓ ત્યારે એ જ તમને બહાર નીકળવાનો રસ્તો પણ ચીંધતી હોય છે. શાહરુખ ખાનથી માંડીને દિલીપ જોષી સુધીના સ્ટાર્સ નિય‌મિત વાંચે છે. મને યાદ છે કે પોતાની ફિલ્મના પ્રમોશન માટે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર આવેલા શાહરુખ ખાનના હાથમાં એ સમયે એક બુક હતી. ટાઇટલ હતું એનું ‘લાઇફ ઑફ પાઇ’. એ બુક જોયાનાં લગભગ સાતેક વર્ષ પછી એ ફિલ્મ આવી અને બાકીના લોકોને આ બુક વિશે ખબર પડી. આ બુકને કૅપેસિટી છે અને એ કૅપેસિટી આપણે પણ રીડિંગ દ્વારા ડેવલપ કરી શકીએ છીએ. હમણાં લૉકડાઉનમાં મેં જોયેલી એક સ્પૅનિશ ફિલ્મના હીરોનો એક ડાયલૉગ: ‘મેં ક્યારેય હાર માની નથી અને એનું કારણ છે કે મેં ક્યારેય વાંચવાનું છોડ્યું નથી.’

કેવી સરસ વાત છે. જો પાળશો તો તમે પણ આ વાત કોઈ દિવસ જાતને કહી શકશો.

columnists Bhavya Gandhi