બ્લૅક ડેથ: પ્લેગગ્રસ્ત યુરોપમાં ભય અને ભરોસાની લડાઈ

04 July, 2020 08:21 PM IST  |  Mumbai | Raj Goswami

બ્લૅક ડેથ: પ્લેગગ્રસ્ત યુરોપમાં ભય અને ભરોસાની લડાઈ

કોરોના વાઇરસની મહામારીના સમાચાર વચ્ચે તમે સન ૧૩૪૭ અને ૧૩૫૦ વચ્ચે યુરોપમાં ત્રાટકેલા પ્લેગના ઉલ્લેખ વાંચ્યા હશે, એને બ્લૅક ડેથ કહે છે. એ મધ્યયુગીન અંધકારનો યુગ હતો અને યુરોપિયન લોકોને સમજ જ પડી નહોતી કે એવું તે શું થઈ ગયું કે પાંચ કરોડ લોકો એમાં ભરખાઈ ગયા. યુરોશિયા અને નૉર્થ આફ્રિકામાં મળીને એમાં ૨૦ કરોડ લોકો મરી ગયા હતા. એની શરૂઆત સેન્ટ્રલ એશિયા અથવા ઈસ્ટ એશિયામાં સન ૧૩૦૦માં થઈ હતી અને

ત્યાંથી એ પૂર્વ અને પશ્ચિમના સિલ્ક માર્ગ પર થઈને ૧૩૪૭માં ક્રિમિયા પહોંચ્યો હતો.

ત્યાંથી એ કાળા ઉંદરો પર અને જીવતી માખી મારફત ૧૨ જહાજોમાં કાળા સમુદ્રની યાત્રા કરીને સિસિલી, ઇટલીના મેસ્સીના બંદર પરથી યુરોપમાં પ્રવેશ્યો હતો

એટલા માટે એને બ્લૅક ડેથ કહે છે. મેડિકલ ભાષામાં એને પેસ્ટિલેન્સ અથવા બ્યુબોનિક પ્લેગ કહે છે. આ પ્લેગ મોટા ઉંદરમાંથી મનુષ્યોમાં ફેલાયો હતો. આજે તો પ્લેગને નાબૂદ કરી દેવાયો છે અથવા વિજ્ઞાને એના પર કાબૂ મેળવી લીધો છે, પણ મધ્યયુગીન સમયમાં વૈજ્ઞાનિક સમજણના અભાવમાં એને લઈને અનેક અંધશ્રદ્ધાઓ અને અફવાઓ હતી. અમુક લોકો એવું માનતા હતા કે અ મહામારી મનુષ્યજાતિનાં પાપને લઈને ઈશ્વરનો પ્રકોપ છે, તો અમુક લોકો એને ઈસાઈ લોકો સામે યહૂદી લોકોનું કાવતરું માનતા હતા. લોકો એના ઉપચારમાં પણ જાતભાતના નુસખા અને ધાર્મિક ક્રિયાઓ કરતા હતા. જેમ કે ઈશ્વર નારાજ છે એટલે ખુદને સજા કરવા માટે યુરોપમાં લોકો ખુદને કોરડા મારતા હતા. આ પ્લેગમાંથી ઊભરતાં યુરોપને ૨૦૦ વર્ષ લાગ્યાં અને એમાં ધાર્મિક, સામાજિક અને આર્થિક વ્યવસ્થાઓ ધરમૂળથી બદલાઈ ગઈ; જેમાંથી આધુનિક, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક યુરોપનો જન્મ થયો હતો.

બ્રિટિશ ફિલ્મનિર્દેશક અને પટકથા-લેખક ક્રિસ્ટોફર સ્મિથે ૨૦૧૦માં મધ્યયુગીન પ્લેગની આસપાસ ફેલાયેલી અંધશ્રદ્ધાઓને લઈને ‘બ્લૅક ડેથ’ નામથી હૉરર ફિલ્મ બનાવી હતી. મધ્યયુગીન યુરોપ એક એવા અંધરા યુગમાં રહેતું હતું કે બ્રિટિશ સિનેમામાં એને લઈને હૉરર અને સાહસિક ફિલ્મોનો એક પ્રકાર પ્રચલિત થયો છે અને વખતોવખત બ્રિટનમાંથી હિંસક અને લોહિયાળ ફિલ્મો આવતી રહે છે. સ્મિથનૉઇ ‘બ્લૅક ડેથ’ પણ આવી જ ઘાતકી ફિલ્મ છે અને એને યુદ્ધની ડૉક્યુમેન્ટરીની જેમ શૂટ કરવામાં આવી હતી. ફિલ્મમાં શોન બીન, એડી રેડમાયને અને કેરિસ હ્યુટન મુખ્ય ભૂમિકામાં હતાં.

એમાં સન ૧૩૪૮ના યુરોપની વાત હતી. યુરોપ બ્લૅક ડેથના કોપની ઝપટમાં આવી ગયું હતું. લોકો ટપોટપ મરી રહ્યા હતા અને તાવમાં પટકાઈ રહ્યા હતા. પ્લેગ જ્યાંથી પસાર થતો હતો ત્યાં પાછળ ડર, અફવા અને અંધશ્રદ્ધાનો લિસોટો છોડી જતો હતો. ત્યારે યુરોપિયન સમાજમાં જેની હાક વાગતી હતી એ ચર્ચોમાંથી લોકોની શ્રદ્ધા ઓછી થઈ રહી હતી. લોકો આતંકિત બનીને પ્લેગથી બચવાનો રસ્તો શોધી રહ્યા હતા. એવામાં એક અફવા આવે છે કે દૂરદરાજ કળણવાળા ઇલાકામાં એક ગામ છે, જ્યાં પ્લેગ પગ મૂકી શકતો નથી. એવી પણ વાત આવે છે કે એ ગામમાં પ્રેતવિદ્યાનો એક જાણકાર રહે છે, જે મૃત લોકોના આત્માને શરીરમાં પાછો લાવે છે.

ઇંગ્લૅન્ડનું ચર્ચ આ અફવાની તપાસ કરવા એના એક સામંતને ત્યાં મોકલે છે. આ સામંત રસ્તો પૂછતો-પૂછતો એક મઠમાં પહોંચે છે. મઠનો સાધુ આને ઈશ્વરનો સંકેત ગણે છે, કારણ કે તેના મઠને પણ પ્લેગે થાપટ મારી હતી અને સાધુએ ગભરાઈને તેની એક પ્રેયસીને જંગલમાં મોકલી દીધી હતી. સાધુ પેલા સામંત અને તેની ટોળકીનો ભોમિયો બની જાય છે. તેમનું મિશન પ્રેતવિદ્યાના જાણકારને પકડીને ચર્ચ સમક્ષ હાજર કરવાનું છે.

રસ્તામાં ટોળકીના બે સભ્યો મરી જાય છે અને સાધુને તેની પ્રેયસીનાં લોહીવાળાં વસ્ત્રો મળે છે. ટોળકી ગામ પહોંચે છે, પણ ત્યાં સુધી ગામ સુધી વાત પહોંચી ગઈ હોય છે કે ટોળકી શેના માટે અવી છે, એટલે ગામલોકો ટોળકીને દવા પિવડાવીને બેહોશ કરી નાખે છે અને પાણી ભરેલા ખાડામાં કેદ કરી દે છે. તેમની મુક્તિની એક જ શરત છે કે તેમણે ઈશ્વરની શ્રદ્ધાનો ત્યાગ કરવાનો. દરમ્યાનમાં એ પણ ખબર પડે છે કે સાધુની પ્રેયસીનું શરીર ગામમાં જ છે અને તેના આત્માને પાછો બોલાવવામાં આવે છે.

ટોળકી ગામલોકોની શરત માનવાનો ઇનકાર કરી દે છે, તો એના એક સભ્યને ક્રૉસ પર લટકાવી દેવામાં આવે છે અને પછી તેના શરીરને ચીરી નાખીને છૂટું પાડી દેવામાં આવે છે. એ જોઈને બીજો એક સભ્ય ઈશ્વરનો ઇનકાર કરવા તૈયાર થઈ જાય છે, પણ તેનેય જંગલમાં ઝાડ પર લટકાવી દેવામાં આવે છે.

પેલા સાધુને તેની જીવતી થયેલી પ્રેયસી સમક્ષ લાવવામાં આવે છે અને બિચારી બહુ પીડામાં છે એટલે તેના આત્માને મુક્ત કરવાના આશયથી તેને ચાકુ મારે છે. પેલા સામંતને ખાડામાંથી બહાર કાઢીને ઘોડાઓથી બાંધી દેવામાં આવે છે, પણ ગામલોકો તેની હત્યા કરે એ પહેલાં તે જાહેર કરે છે કે તેને પ્લેગ થયેલો છે અને તેણે ગામમાં પ્લેગ ફેલાવ્યો છે.

આનાથી લોકો ગભરાય છે અને ગામમાં અફરાતફરી મચી જાય છે. એનો લાભ લઈને ખાડામાં કેદ બીજા સભ્યો સાધુના ચાકુની મદદથી પોતાને મુક્ત કરે છે અને લડાઈ શરૂ કરે છે.

દરમ્યાનમાં સાધુ ગામની પ્રેતવિદ્યાના જાણકારની સાગરીત ડાકણનો પીછો કરે છે અને પેલી કબૂલ કરે છે કે તે ડાકણ છે. એ એવું રહસ્ય ખોલે છે કે સાધુની પ્રેયસી જંગલમાં મરી ગઈ નહોતી, પણ તેને દવા ખવડાવીને બેહોશ કરવામાં આવી હતી અને તેને પાછી જીવતી કરવાનું એક નાટક જ હતું, પણ સાધુના ચાકુથી તે ખરેખર જ મરી ગઈ છે. આ સાંભળીને સાધુ ભાંગી પડે છે અને એનો લાભ લઈને ડાકણ જંગલમાં નાસી જાય છે.

આ તરફ પેલો સામંત પ્રેતવિદ્યાના જાણકારને કેદ કરે છે અને મિશન પૂરું થયાની જાહેરાત કરે છે. બધા જંગલમાં થઈને પાછા મઠમાં આવે છે અને ત્યાં સાધુને છોડવામાં આવે છે. સામંત પેલા કેદીને લઈને ઇંગ્લૅન્ડ જાય છે અને તેને ચર્ચમાં હાજર કરે છે. પછીનાં વર્ષોમાં ગામમાં પ્લેગ ફેલાય છે. સામંતનો સાધુ સાથે સંપર્ક ખતમ થઈ જાય છે, પણ તેની પાસે અફવા આવે છે કે સાધુ ક્રૂર થઈ ગયો છે અને તેની પ્રેયસીને શોધવા ભટકી રહ્યો છે. 

‘બ્લૅક ડેથ’માં નિર્દેશક ક્રિસ્ટોફર સ્મિથે ભય અને ભરોસા વચ્ચેના સંબંધને ઉજાગર કરવા માટે નિરાશાથી ભરપૂર ધાર્મિક ઉન્માદનો ઉપયોગ કર્યો હત અને સાથે મધ્યયુગીન યુરોપની ક્રૂરતાને પણ ‘મનોરંજન’ તરીકે પેશ કરી હતી. પ્લેગ એ વખતે સૌથી મોટો હત્યારો હશે, પણ સ્મિથ આધુનિક પેઢીને એ પણ યાદ અપાવવા માગતા હતા કે એ વખતની ધાર્મિક ક્રૂરતા પણ ઓછી નહોતી. ફિલ્મમાં જે હિંસા હતી એ એક જ વાત સાબિત કરતી હતી કે જે મનુષ્ય ખુદને દૈવી માનતો હતો,તેણે એવા રાક્ષસો પેદા કર્યા કે તેઓ ઈશ્વર કદી કલ્પના પણ ન કરી શકે એવા ભયાનક હતા.

ફિલ્મના નિર્માતા જેન્સ મ્યુરેર કહે છે, ‘બ્લૅક ડેથ ઇતિહાસના આકરા સમયની મનોરંજક, ખૂંખાર અને ડરામણી યાત્રા છે. પ્લેગે યુરોપને તહસનહસ કરી નાખ્યું હતું, લોકો મરી રહ્યા હતા અને એમાં અંધશ્રદ્ધા તેમ જ કટ્ટરતા વ્યાપ હતી. એ કટ્ટરતાને આજના સમય સાથે જોડીને જુઓ તો ડોનલ્ડ રમ્સફેલ્ડ (પ્રેસિડન્ટ જયૉર્જ બુશના રક્ષાસચિવ) બ્લૅક ડેથના પાત્ર જેવા જ લાગે, જે ફિલ્મના ‘ધર્મ પર અધર્મના વિજય’ના તર્કની જેમ જ, ઇરાકમાં લડવા ગયા હતા. મને લાગે છે કે જે લોકો તેમની માન્યતાની પ્રમાણભૂતતામાં દૃઢનિશ્ચયી છે તેમની કટ્ટરતા અને આત્યંતિકતામાં આજે પણ કોઈ ફરક નથી આવ્યો. અમે જ્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું ત્યારે જ મેક્સિકોમાં સ્વાઇન ફ્લુનો વાવર આવ્યો હતો અને તમે જુઓ તો ખ્યાલ આવે કે કશું જ બદલાયું નથી - લોકો એવી જ રીતે રોગથી ગભરાતા હતા. ૨૦૦૯માં સ્વાઇન ફ્લુને લઈને લોકોએ જે ઉન્માદ મચાવ્યો હતો એ બતાવે છે કે રોગચાળો કેવી ઊથલપાથલ લાવે છે એની બીક માણસોમાં એવી જ રીતે ઊંડે સુધી બેઠેલી છે, જેવી મધ્યયુગમાં જોવા મળી હતી.’

columnists raj goswami