મુંબઈની કાળી-પીળી રસ્તા પરથી થઈ રહી છે અદૃશ્ય

13 November, 2022 10:30 AM IST  |  Mumbai | Jigisha Jain

એક સમયે મુંબઈની શાન ગણાતી કાળી-પીળીનું અસ્તિત્વ જોખમાયેલું છે.

પ્રતીકાત્મક તસવીર

છેલ્લાં બે-ત્રણ વર્ષમાં હજારો ટૅક્સીઓ બંધ થઈ ગઈ છે. આ જ સિનારિયો રહ્યો તો કદાચ આવતાં બે-ત્રણ વર્ષમાં એ આપણી વચ્ચે ન પણ હોય. ચાલો જાણીએ  કેમ ટૅક્સીના ડ્રાઇવરો આ કામ મૂકીને બીજાં કામ પકડી રહ્યા છે અને જે કરી રહ્યા છે તેમની મજબૂરી શું છે?

ફોર્ટ વિસ્તારમાં સૂટેડ-બૂટેડ માણસ એક હાથ ઊંચો કરીને ટૅક્સી બોલે અને તેની પાસે એક કાળી-પીળી આવીને ઊભી રહે. એનો દરવાજો ખોલીને તે શાનથી અંદર બેસે અને ચાર માણસો તેનો રુઆબ જુએ એ સમય હતો ૧૯૬૦નો, જ્યારે કાળા-પીળા રંગમાં રંગેલી નવીનકોર ફિયાટ ગાડીઓને પદ્મિની નામ આપવામાં આવ્યું હતું અને એ મુંબઈના રસ્તાઓની શાન બનીને ફરતી હતી. આજની તારીખે ફિયાટ ગાડીઓ તો લગભગ બચી જ નથી, નવાં મૉડલ્સ આવી ગયાં છે. ૨૦૨૨માં જોવા જઈએ તો સ્ટેશનથી એક ટૅક્સીમાં ૧૦-૧૦ રૂપિયામાં માણસો ભરી-ભરીને સાઉથ મુંબઈના ઑફિસ એરિયામાં ઠલવાતા જોવા મળે છે, જેમાં શાન કરતાં કિફાયત વધુ મહત્ત્વની બની જતી હોય છે. હાલના આંકડાઓ મુજબ કુલ ૪૮,૦૦૦ કાળી-પીળીમાંથી ફક્ત ૧૮,૦૦૦ કાળી-પીળી ટૅક્સી મુંબઈના રસ્તાઓ પર ફરી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ૩૦,૦૦૦ ટૅક્સી રોડ પરથી ગાયબ થઈ ગઈ. આ આંકડો ઘણો મોટો છે અને એની પાછળની પીડા પણ.

માનનો અભાવ 

હાલમાં અચાનક ટૅક્સીઓ સાવ ઘટી ગઈ એટલે પ્રશ્નો ઊભા થાય છે, પણ આ કંઈ રાતોરાત આવેલો બદલાવ નથી. ઘણાં વર્ષોથી ટૅક્સી-ડ્રાઇવરો જુદા-જુદા પ્રશ્નો સામે ઝઝૂમી રહ્યા છે. વર્ષોથી ટૅક્સી-ચાલકો સંઘર્ષ કરી રહ્યા છે અને આખરે ટૅક્સી છોડીને આજીવિકાના બીજા વિકલ્પો શોધી લેવા મજબૂર થયા છે. વાલકેશ્વરમાં રહેતા ૫૫ વર્ષના ગિરીશ પટેલે ૨૦ વર્ષ ટૅક્સી ચલાવી અને પછી પ્રાઇવેટમાં એક ડૉક્ટરને ત્યાં ડ્રાઇવરની જૉબ લઈને પોતાની ટૅક્સીને તેઓ રેન્ટ પર ચલાવે છે. ગિરીશભાઈના પપ્પાએ ૩૦ વર્ષ ટૅક્સી ચલાવી અને તેમના મોટા ભાઈ પણ ટૅક્સી-ડ્રાઇવર જ હતા. પહેલાં તેમની પાસે ફિયાટ (પદ્મિની) હતી જેને ૨૦ વર્ષ થયાં એટલે એ સ્ક્રૅપમાં કાઢીને ૨૦૧૦માં તેમણે અલ્ટો લીધી, જે અત્યારે ચાલે છે. પોતે ટૅક્સી ચલાવવાનું કેમ મૂકી દીધું એનું કારણ જણાવતાં ગિરીશભાઈ કહે છે, ‘ટૅક્સી-ડ્રાઇવરોની હાલત કંઈ ખાસ સારી નથી. દુનિયા અમને જરા જેટલું પણ માન આપતી નથી. વૉચમૅન જેવા વૉચમૅન કે ટ્રાફિક-પોલીસ કે હવાલદાર પણ અમારી જોડે ખૂબ તોછડાઈથી વર્તે છે. સાધારણ પબ્લિકને તો અમારા પર ગજબનો રોષ છે. કોઈ પણ તકલીફ થાય તો લોકો પોતાનો ગુસ્સો ટૅક્સી-ડ્રાઇવર પર ઉતારે છે. પહેલાં તેને મારે છે અને પછી પૂછે છે કે થયું શું હતું. આવું જીવન તમે ક્યાં સુધી જીવવા માગો? એવું નથી કે પ્રાઇવેટમાં મને ટૅક્સી ચલાવવા કરતાં વધુ પૈસા મળતા, પરંતુ હું જેમને ત્યાં જોડાયો એ લોકોએ મને ખૂબ માન આપ્યું. એ માન ખાતર મેં ટૅક્સી ચલાવવાનું મૂકી દીધું.’

ધંધો લાંબો ચાલશે નહીં

ભલે તેમણે ટૅક્સી ચલાવવાનું કામ મૂકી દીધું, પરંતુ તેમણે ટૅક્સી ખૂબ સરસ રીતે સાચવી છે જેની પાછળનું કારણ જણાવતાં ગિરીશ પટેલ કહે છે, ‘એ મારા પપ્પાની આખરી નિશાની છે. પપ્પાએ જીવનભર ફિયાટ ચલાવી અને પછી છેલ્લાં ત્રણ વર્ષ અલ્ટો. ફિયાટ તો અમે સાચવી ન શક્યા, પરંતુ અલ્ટો હજી છે. તેમની યાદરૂપે અમે એ સાચવી છે.’

તો શું અલ્ટોને ૨૦ વર્ષ થાય અને સ્ક્રૅપમાં જાય પછી બીજી ટૅક્સી લેશો? આ વાત પર એકદમ ક્ષોભ સાથે ગિરીશભાઈ કહે છે, ‘ના, હવે ટૅક્સી નહીં લઈ શકાય. આ ધંધો હવે ચાલવાનો નથી. અત્યારે પણ કંઈ ખાસ ચાલતો નથી, પરંતુ પપ્પાની યાદસ્વરૂપે અમે એને સાચવી રાખી છે અને ભાડા પર આપીને ચલાવીએ છીએ.’

ગેરવર્તન

ટૅક્સીવાળાઓ સાથે ગેરવર્તન પણ ખૂબ થાય છે અને એ તેમને આ ધંધામાં કનડે છે. એક તો ટૅક્સી સ્ટૅન્ડ્સ ખૂબ ઓછાં હોય છે. જ્યાં સ્ટૅન્ડ હોય ત્યાં લાંબી લાઇન હોય એટલે ઊભી રાખવાની જગ્યા ન હોય ત્યારે માણસે ભોજનનો બ્રેક લેવા માટે ક્યાં ઊભા રહેવું એ પણ મોટો સવાલ છે. દહિસરમાં રહેતા ૬૫ વર્ષના દિલીપ ભોજાણી છેલ્લાં ૪૫ વર્ષથી ટૅક્સી ચલાવે છે. પહેલાં તેમની પાસે ફિયાટ હતી, હવે મારુતિ વૅન ઓમ્ની છે. પોતાની પીડા વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘છેલ્લાં છોડાં વર્ષોથી અમારી હેરાનગતિ ઘણી વધી ગઈ છે. ટૅક્સી-સ્ટૅન્ડ પર જ ટૅક્સી ઊભી રાખી શકાય એ નિયમ છે. ત્યાં જગ્યા માત્ર ત્રણથી પાંચ ટૅક્સીની હોય, જેમાં દસ-દસ ટૅક્સી ઊભી હોય તો ત્યાં પણ ફાઇન થાય. એક દિવસ મને ભૂખ લાગેલી. ટૅક્સી-સ્ટૅન્ડ પર જગ્યા નહીં એટલે હું એક સાવ અવાવરું રસ્તા પર ગાડી સાઇડમાં ઊભી રાખીને જમતો હતો. હાથમાં રોટલીનું બટકું હતું અને ટ્રાફિક-પોલીસે આવીને મને ધમકાવ્યો કે ‘આ શું છે? કેમ અહીં ઊભી રાખી છે? મેં તેને વિનંતી કરી કે બસ, પાંચ મિનિટમાં હું ખાઈ લઉં છું. જોકે તે ન માન્યો. નિયમો માણસાઈથી પર થોડા હોય? સાવ આવું વર્તન અમે ક્યાં સુધી સાંખીએ?’

આકરો ફાઇન

લૉકડાઉનમાં ઘણા ટૅક્સી-ડ્રાઇવરો મુંબઈ છોડીને પોતાને ગામ પાછા ફર્યા હતા, જેઓ પેન્ડેમિક પછી મુંબઈ આવ્યા જ નહીં અને એને લીધે ટૅક્સી-ડ્રાઇવરો ઘણા ઘટી ગયા. આજની તારીખે જે ટૅક્સી રેન્ટ પર આપે છે એ લોકોની ટૅક્સી ચલાવવા માટે ડ્રાઇવરોની ઘણી કમી છે એ વાત જણાવતાં મુંબઈની ટૅક્સીમૅન્સ યુનિયનના જનરલ સેક્રેટરી એ. એલ. ક્વૉડ્રોસ કહે છે, ‘ઘણા ડ્રાઇવરો આજની તારીખે બીજું કામ શોધીને આ કામ છોડી ચૂક્યા છે, કારણ કે આ કામમાં હેરાનગતિ ખૂબ વધી રહી છે. પૈસા કમાય એના કરતાં ખર્ચ વધી જાય છે. પ્રાઇવેટ જગ્યાએ તે જ્યાં પણ ડ્રાઇવર બનીને જાય છે એમાં તેમને વધુ સિક્યૉરિટી દેખાય છે. આજની તારીખે ટ્રાફિક રૂલ્સ ખૂબ જ કડક થઈ ગયા છે. ટૅક્સીવાળાએ બાથરૂમ કરવા પણ જવું હોય તો બાથરૂમ તેને ૧૫૦૦

રૂપિયાનું પડે છે, કારણ કે એ બે મિનિટ જે યુરિનલ પાસે ટૅક્સી રોકે એમાં એનો તરત ફોટો પાડીને ફાઇન ચડાવી દેવામાં આવે છે. વાત સાચી છે કે ગમે ત્યાં ટૅક્સી પાર્ક ન કરાય, પણ યુરિનલ પાસે પાર્કિંગ છે ક્યાં? એક ટૅક્સી-ડ્રાઇવરે બાથરૂમ જવું હોય તો તે શું કરે? બિચારો દિવસના બધા ખર્ચા બાદ કરતાં-કરતાં માંડ રાત્રે ૩૦૦-૪૦૦ રૂપિયા ઘરે લઈ જતો હોય તો ૧૫૦૦રૂપિયાનો ફાઇન કઈ રીતે ભરે?’

ભાવવધારો

હમણાં થોડા સમય પહેલાં જ ટૅક્સી-ડ્રાઇવરોની માગણી મુજબ ટૅક્સીનું મિનિમમ ભાડું વધ્યું એ વિશે વાત કરતાં એ. એલ. ક્વૉડ્રોસ કહે છે, ‘જે રીતે ગૅસના ભાવ વધી રહ્યા છે એ મુજબ અમે માગ કરી હતી કે ટૅક્સી-ફેર ૩૦ રૂપિયા મિનિમમ હોવું જોઈએ. માગ મુજબ તેમણે ૩૦ રૂપિયા ન વધાર્યું, પણ ૨૫ રૂપિયામાંથી ૨૮ રૂપિયા ભાડું કર્યું. અમે આ બાબતે ખુશ થઈએ એ પહેલાં જ ગૅસનો ભાવ ૬ રૂપિયા વધી ગયો. ભાવવધારો એટલો છે કે અમારા માટે સર્વાઇવ કરવું અઘરું પડી રહ્યું છે.’

ટૅક્સીના ભાવ વિશે વાત કરતાં છેલ્લાં ૫૭ વર્ષથી ટૅક્સી ચલાવતા કાન્તિભાઈ કોઠારી કહે છે, ‘એક સમયે ૫૦ પૈસાનું એક લિટર પેટ્રોલ હતું અને ટૅક્સીનું મિનિમમ ભાડું પણ ૫૦ પૈસા હતું. એ પછી ૬૮ પૈસા થયું અને પછી ૮૦ પૈસા. એ સમયે આઠ આનામાં એક રાઇસ પ્લેટ મળતી. આ સમયે ટૅક્સી જ હતી. રિક્ષા પણ ૧૯૮૨માં આવી. આજે ઍવરેજ એક ટૅક્સી-ડ્રાઇવર દિવસના ઓછામાં ઓછા ૩૦૦થી વધુમાં વધુ ૧૦૦૦ રૂપિયા કમાય છે. આ કમાણી બેઝિક છે. એમાં ગાડીનું મેઇન્ટેનન્સ, પરિવારના ખર્ચા, ટ્રાફિક રૂલ્સનો ભંગ થાય ત્યારે આપવો પડતો ફાઇન, આ બધામાં ક્યાંય પોસાતું નથી. કોઈ પણ ધંધામાં કમાણી ઘટે એટલે ધંધો પાડી ભાંગે એ મૂળભૂત નિયમ છે. ટૅક્સીમાં આજની મોંઘવારીને પહોંચી વળે એટલી કમાણી નથી એટલે આ બિઝનેસ બંધ થવાના આરે છે.’

બીજું કરીએ શું?

કાન્તિભાઈની દીકરી અમેરિકામાં પ્રોફેસર તરીકે કાર્યરત છે અને પૈસાની કોઈ જરૂરિયાત નથી, પરંતુ પોતાના કામ પ્રત્યે તેમને ખાસ્સો લગાવ છે એ વિશે વાત કરતાં કાન્તિભાઈ કહે છે, ‘આખી જિંદગી મેં આ જ કામ કર્યું છે. હવે ઘડપણમાં હું શોખથી ટૅક્સી ચલાવું છું. આ કામમાં પહેલાં જેવી મજા નથી. લોકો વર્ષોનાં વર્ષો બદલાતા જાય છે. માણસ ઘરડે ઘડપણ બીજું કામ ક્યાં ગોતે? મારી ઉંમરના ઘણા ટૅક્સી-ડ્રાઇવરો છે જેઓ ફક્ત એટલે કામ કરે છે કે તેમને હવે આ ઉંમરે કોણ કામ આપવાનું? પૈસાની જરૂર ન હોય તો પણ ઘરમાં બેસી રહેવું પણ ન જ ગમેને? આખા દિવસમાં એકાદ પૅસેન્જર પણ સારો મળે જે બે ઘડી હસીને બોલે તો અમને સારું લાગે છે.’

સ્વર્ણિમ મુંબઈનો અમે ભાગ હતા, પણ કાલે નહીં હોઈએ

પરિવર્તન સંસારનો નિયમ છે એને ધ્યાનમાં રાખીને પદ્મિનીની જગ્યા જેમ નવી કાળી-પીળીએ લીધી એ જ રીતે કાળી-પીળીની જગ્યા આજે પ્રાઇવેટ ટૅક્સી લેતી જાય છે એ વિશે વાત કરતાં એ. એલ. ક્વૉડ્રોસ કહે છે, ‘આ કૉમ્પિટિશન એટલી તગડી છે કે એની સામે અમે સર્વાઇવ કઈ રીતે કરીએ એ ખબર નથી. થોડી જ વારમાં તમારા ઘર નીચે એ જ ભાવમાં જો કોઈ એસી ટૅક્સી ઊભી હોય તો કોઈ કાળી-પીળી પર શું કામ આધાર રાખે? આ સત્ય અમે સમજીએ છીએ, પરંતુ આ હરીફાઈનો કોઈ જવાબ અમારી પાસે નથી. અમને નથી લાગતું કે અમે ટકી શકીશું. થોડાં વર્ષોમાં તમને કોઈ કાળી-પીળી દેખાશે નહીં. આ વાત કડવી છે, પણ હકીકત છે. એક સ્વર્ણિમ મુંબઈનો અમે ભાગ હતા, પણ કાલે નહીં હોઈએ.’ 

columnists Jigisha Jain