જેવું વાવો એવું લણો કહેવત એમ જ થોડી પડી છે!

30 November, 2022 04:29 PM IST  |  Mumbai | Rashmin Shah

જેહાદના નામે ચાલતા આતંકવાદનું પરિણામ કેવું વરવું આવે છે એ વાત સત્તર વર્ષની ઊગતી ઉંમરના એક મુસ્લિમ યુવકને સમજાય છે અને ૧૯ વર્ષની ઉંમરે તે ‘ધી બાર્ડ ઑફ બ્લડ’ નામની નૉવેલ લખી લે છે

ધી બર્ડ ઑફ બ્લડ અને બિલાલ સિદ્દીકી

બધાને એક જ લાકડીથી હાંકવા ન જોઈએ એવું આપણા વડવા કહી ગયા છે તો એ પણ વડવાઓ દ્વારા જ રચાયેલી કહેવતમાં કહેવાયું છે કે જેવું વાવો એવું લણવું પડે. આ બન્ને વાત બિલાલ સિદ્દીકીને લાગુ પડે છે. એક સીધી રીતે અને બીજી આડકતરી રીતે. 

બિલાલે બહુ નાની ઉંમરે એન્ટરટેઇનમેન્ટ ફીલ્ડમાં મોટું નામ કરી લીધું છે, પણ એમ છતાં કહેવું પડે કે તેની આ જર્ની પાછળ જેહાદના નામે ચાલતો આતંકવાદ બહુ જવાબદાર રહ્યો છે. પંદર-સોળ વર્ષની ઉંમરે બિલાલને સતત એવું લાગતું કે જેહાદના નામે જે વાત કહેવામાં એ સાવ વાહિયાત છે. જેહાદની આડશમાં કેટલાક મુસ્લિમો આતંકવાદ ફેલાવવા સિવાય બીજું કશું નથી કરતા. બિલાલ કહે છે, ‘સત્તર વર્ષની એજ પર મારા મનમાં એક એવી વાત આકાર લેવાની શરૂ થઈ કે જેમાં આ આતંકવાદનો સફાયો પણ હોય અને સાથોસાથ સોસાયટીને એ પણ સમજાતું હોય કે આપણે જે ઍક્શન લઈશું એનું રીઍક્શન પણ એ જ પ્રકારનું આવશે.’

‘ધી બાર્ડ ઑફ બ્લડ’ આ જ વિચારધારાનું પરિણામ છે. બિલાલની લાઇફની પહેલી નૉવેલ એટલે આ નૉવેલ. સત્તર વર્ષે બિલાલે લખેલી આ નૉવેલ બીજા જ દિવસે પબ્લિશ નહોતી થઈ. એના માટે તેણે ખાસ્સો એવો સમય રાહ જોવી પડી તો સાથોસાથ ઘણી પ્રોસેસમાંથી પણ તેણે પસાર થવું પડ્યું

બિલાલ અને બલૂચિસ્તાન અને બુક | 

બિલાલને રાઇટર બનવું હતું એ નક્કી હતું અને એના માટે તેણે હુસેન ઝૈદીનો કૉન્ટૅક્ટ કર્યો હતો. હુસેન ઝૈદી આજે હસતાં-હસતાં કહે છે કે મને હજુ પણ યાદ છે કે હું તેને ટીમમાં લેવા રાજી નહોતો. બસ, હું તેને ટાળ્યા કરતો, પણ તે જરા પણ અપસેટ થયા વિના નિયમિત રીતે મારી પાસે આવતો રહેતો.

એક દિવસ ઝૈદીને ફ્રી જોઈને બિલાલે પોતે લખેલી પહેલી નૉવેલનાં કેટલાંક ચૅપ્ટર વંચાવ્યાં, એ ચૅપ્ટર ‘બાર્ડ ઑફ બ્લડ’નાં હતાં. સત્તર-અઢાર વર્ષનો છોકરો બલૂચિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના મતભેદને સમજે, એને લખે અને એ પણ એવી રીતે કે કૉમનમૅનને પણ એ વાત સરળતાથી સમજાઈ જાય. ઝૈદી માટે આ વાત ખરેખર અચરજ આપનારી હતી અને એટલે જ તેણે બિલાલને સજેશન આપી એ જ ચૅપ્ટર ફરીથી લાવવાનું કહ્યું.

બિલાલ ચોથા જ દિવસે નવાં ચૅપ્ટર સાથે પહોંચ્યો અને એ ચૅપ્ટર છેક પેન્ગ્વિન

પબ્લિકેશન પહોંચ્યાં. પેન્ગ્વિન ત્યારે હેબતાઈ ગયું જ્યારે એને ખબર પડી કે એ નૉવેલ લખનારો છોકરો માત્ર અઢાર વર્ષનો જ છે. બિલાલ એ દિવસો યાદ કરતાં કહે છે, ‘પેન્ગ્વિનને નૉવેલ કરવી હતી પણ એને બીક હતી કે મારો લખવાનો આ શોખ ઊતરી જશે અને હું એ પૂરી નહીં કરું. આ ડરને લીધે પેન્ગ્વિને શરત રાખી કે જ્યાં સુધી હું નૉવેલ પચાસ ટકા પૂરી નહીં કરું ત્યાં સુધી એ મને કૉન્ટ્રૅક્ટ નહીં આપે.’

બિલાલના મનમાં તો આખી સ્ટોરી વર્ષોથી રમતી હતી. બિલાલે ઇમિડિયેટ કામ શરૂ કર્યું અને અડધી નૉવેલ લખીને તેણે પેન્ગ્વિનને આપી. પેન્ગ્વિને પણ એક જ વીકમાં એ અડધી નૉવેલનો રિવ્યુ કરી, નવી શરત કહી કે નૉવેલ સરસ છે. અમે એ પબ્લિશ કરવા તૈયાર છીએ, પણ કોઈ પણ જાતના કૉન્ટ્રૅક્ટ વિના જો એ આખી પૂરી કરવાની બિલાલની તૈયારી હોય.

પહેલી નૉવેલ, પહેલી વેબ-સિરીઝ |  બિલાલ સિદ્દીકીએ લખેલી આ પહેલી નૉવેલ જ તેની પહેલી વેબ-સિરીઝ બની. આ નૉવેલમાં વેબ-સિરીઝનું સત્ત્વ છે એ વાત નૉવેલનું લોકાર્પણ કરવા આવેલા ઇમરાન હાશ્મીને લાગી હતી અને તેણે જ બિલાલની ઓળખાણ રેડ ચિલીઝમાં કરાવી, નૉવેલ પણ ત્યાં જ ઇન્ટ્રોડ્યુસ કરી.

શાહરુખ ખાને નૉવેલ વાંચવાનું ચાલુ કરીને પહેલા જ દિવસે બિલાલને મેસેજ કરી દીધો કે આના રાઇટ્સ અમે લઈએ છીએ. સામાન્ય રીતે ઑફિસમાંથી આ પ્રકારના મેસેજની આપલે થતી હોય, પણ શાહુરખથી રહેવાયું નહીં એટલે તેણે આ મેસેજ કર્યો. બિલાલની આ નૉવેલ પરથી નેટફ્લિક્સ માટે શાહરુખ ખાનની કંપનીએ એ જ નામે વેબસિરીઝ બનાવી જે બુકનું ટાઇટલ હતું. ‘ધી બાર્ડ બ્લડ’ વેબસિરીઝ બધાને નથી ગમી એ પણ એટલું જ સાચું છે અને એનું કારણ ઇન્ટરનૅશનલ પૉલિટિક્સ અને એના મુદ્દાઓ છે, જેણે વેબ-સિરીઝમાંથી હિન્દી વેબ-સિરીઝનું સત્ત્વ છીનવી લીધું હતું. જોકે અમેરિકા અને યુરોપના દેશોમાં આ વેબ-સિરીઝ જબરદસ્ત પૉપ્યુલર થઈ.

‘ધી બર્ડ ઑફ બ્લડ’માં લીડ કૅરૅક્ટર ઇમરાન હાશ્મીએ જ કર્યું.

સ્ટોરી શૉર્ટકટ

‘ધી બર્ડ ઑફ બ્લ્ડ’ એક સ્પાય-થ્રિલર છે. આપણે ત્યાં આ પ્રકારની નૉવેલ ઓછી લખવામાં આવે છે, પણ અમેરિકા અને યુરોપમાં આવી નૉવેલનું બહુ મોટું માર્કેટ છે.

આ સ્ટોરી છે કબીર આનંદની. રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિંગ એટલે કે રૉમાં કામ કરતા કબીરને રૉમાંથી હાંકી કાઢવામાં આવ્યો હોવાથી હવે તે મુંબઈની શેક્સપિયર કૉલેજમાં પ્રોફેસર તરીકે કામ કરે છે. બલૂચિસ્તાનમાં કરવામાં આવેલા એક ઑપરેશનમાં રૉની ભૂલના કારણે અનેક લોકોનો જીવ જતાં એ ભૂલનો ઓળિયો-ઘોળિયો કબીર પર ઢોળી દઈ કબીરની પાસે રૉ છોડાવવામાં આવ્યું હતું. જોકે આખી વાત ત્યારે બદલાય છે જ્યારે કબીરના એક્સ-બૉસ સાદિક શેખનું મર્ડર થાય છે. હવે મુલ્લા ઓમર અને આઇએસઆઇ કબીર આનંદની પાછળ પડવાનાં છે. કબીર ફરી ઍક્ટિવ થાય છે અને અગેઇન આખું ઑપરેશન બ્લૂચિસ્તાનમાં જ પાર પાડવાનું આવે છે. જીવનની છેલ્લી જંગ ગણીને કબીર પોતાનો જીવ જોખમમાં મૂકીને આ ઑપરેશનમાં લાગે છે.

columnists Rashmin Shah