બી ધ ઍપલઃ તું એકલો જાને રે...

29 September, 2019 11:44 AM IST  |  મુંબઈ | ભવ્ય ગાંધી - આરંભ હૈ પ્રચંડ

બી ધ ઍપલઃ તું એકલો જાને રે...

બી ધ ઍપલ

ઍપલના નવા આઇફોનની પાછળ ભાગતાં પહેલાં, એ ફોનનાં ફીસર્ચ સમજવા બેસો એ પહેલાં ઍપલ જેવા શું કામ બનવું જોઈએ એ જાણવું જોઈએ અને જાણવું જોઈએ કે જો પોલ્ટ્રીફાર્મ બની જશો તો જગતને તમારું મહત્ત્વ ક્યારેય નહીં રહે
બે દિવસ પહેલાં ઍપલે ઑફિશ્યલી આઇફોન ઇન્ડિયામાં લૉન્ચ કર્યા. ત્રણ મૉડલ જેની કિંમત અંદાજે ૬પ,૦૦૦થી ૧,૪પ,૦૦૦ જેવી છે. હા, તમારી કોઈ ભૂલ નથી આ પ્રાઇસ વાંચવામાં. હું ઍપલનો આશિક છું એવું કહું તો કશું ખોટું નથી અને મારા જેવા હજારો-લાખો આશિક ઍપલના આ દેશમાં છે અને કરોડો ફૅન્સ જગતઆખામાં છે. ઍપલ વાપરનારો કંઈ પણ બની જાય, તે ઍપલનું ઇન્સ્ટ્રુમેન્ટ્સ જ વાપરશે. ઘણાને એવું લાગે છે કે ઍપલ વાપરનારાઓ સ્ટેટસ ખાતર એવું કરતા હોય છે, પણ એવું બિલકુલ નથી. એનું રિઝલ્ટ એ સ્તરે અદ્ભુત છે કે તમે એ વાપરો તો જ તમને ખબર પડે. આ ઉપરાંત ઍપલની સિક્યૉરિટીના લેવલ પર પણ બીજી કંપનીઓ આવી શકે એમ નથી. ઍપલ એમ જ ‘ધી ઍપલ’ નથી બન્યું. ઇન્ડસ્ટ્રીની મૅક્સિમમ પૅટર્ન સૌથી પહેલાં ઍપલે ઇન્ટ્રોડ્યુસ કરી છે. આંખોથી મોબાઇલનું લૉક ખૂલે એ ફીચર પણ સૌથી પહેલાં ઍપલ લાવ્યું અને એ પહેલાં જે ફિંગર-લૉક હતું એ પણ ઍપલ પહેલાં લાવ્યું. ઍપલ જ સૌથી પહેલાં સ્માર્ટફોન લાવ્યું અને એ પછી સ્માર્ટફોનનાં સસ્તાં વર્ઝન આવ્યાં.
ઍપલની આપણે આટલી વાતો એટલે કરીએ છીએ કે જીવનમાં ઍપલ જેવું બનવાનું છે. તમે તમારું એક સ્તર બનાવો, એક સ્ટૅન્ડ બનાવો અને એ પછી લોકપ્રિયતા મેળવવા, પૉપ્યુલર બનવા માટે ઍપલની જેમ સસ્તાં નહીં થવાની માનસિકતા કેળવી લો. બનશે કે શરૂઆતમાં તમારો ગ્રોથ ધીમો થશે, પણ જે ગ્રોથ થયો હશે એનાં રૂટ્સ ઊંડાં હશે, જેને કોઈ ઉખેડી નહીં શકે.
તમે આવવાના છો એની દુનિયા રાહ જોતી હોવી જોઈએ. પોલ્ટ્રીફાર્મ બનવાની જરૂર નથી કે દર બીજા દિવસે બે અને ચાર એગ્ઝને જન્મ આપ્યો હોય. બટાટા પણ બનવાની જરૂર નથી કે આખું વર્ષ એ મળ્યા જ કરે અને ઊગ્યા જ કરે. ના, જરા પણ નહીં. જીવનમાં જો બનવું હોય તો ઍપલ બનવાનું, જેની રાહ જોવી પડે અને એ જ્યારે બધાની સામે આવતા હોય ત્યારે દુનિયાઆખી રાહ જોઈને સ્ક્રીન સામે બેસી રહે. આ વખતે પણ ઍપલે એનાં નવાં મૉડલ લૉન્ચ કરતી વખતે જબરદસ્ત મોટી કહેવાય એવી ઇવેન્ટ કરી, જે ઇવેન્ટ જગતભરના કરોડો લોકોએ જોઈ. ઇન્ડિયા ટાઇમ મુજબ ઇવેન્ટ રાતે સાડાદસ વાગ્યા પછી ઑનઍર થવાની હતી અને યંગસ્ટર્સ એ જોવા માટે ગોઠવાઈ ગયા હતા. માત્ર યંગસ્ટર્સ જ નહીં, સેલિબ્રિટીઓ પણ પોતપોતાના મોબાઇલ ફોન લઈને એ ઇવેન્ટ જોવા માટે બેસી ગયા હતા. તમને માનવામાં નહીં આવે પણ એ સાચું છે કે આપણી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના એક બહુ મોટા સ્ટારે તો ખાસ તેના ઘરે આ ઇવેન્ટ જોવાની પાર્ટી રાખી હતી, જેમાં બધા મળ્યા હતા. હું પણ એ પાર્ટીમાં ગયો હતો એટલે મને ખબર છે. જેવો આઇફોન-ઇલેવન લૉન્ચ થવાનો સમય આવ્યો કે તરત બધા ચૂપ થઈને ટીવી સ્ક્રીન સામે ગોઠવાઈ ગયા હતા.
પિન ડ્રૉપ સાયલન્સ.
શ્વાસ લેવાનો અવાજ પણ ન સંભળાય એવી શાંતિ અને એ પછી આખી ઇવેન્ટ એ જ રીતે બેસીને બધાએ જોઈ. વચ્ચે વેઇટર આવે તો તેને પણ ઇશારાથી હટાવી દેવાય. આ જોતી વખતે મારા મનમાં ઍપલ માટે તો રિગાર્ડ્સ જાગતાં હતાં, પણ સાથોસાથ એ પણ સમજાઈ રહ્યું હતું કે પોલ્ટ્રીફાર્મ બનવામાં સાર નથી. જો તમે દરરોજ એક બચ્ચાને જન્મ આપતા હો તો તમારા બચ્ચાનું મૂલ્ય થાય જ નહીં. વન્સ ઇન અ વાઇલ. એની જ વૅલ્યુ છે અને એનું જ મહત્ત્વ અકબંધ રહે છે. સંબંધો હોય તો એમાં પણ એ જ લાગુ પડે. મૂલ્ય અકબંધ રહે એ સ્તર સુધીની નિકટતાને જ સ્વીકારવાની હોય અને એ સ્તર સુધી જ સંબંધોમાં આગળ વધવાનું હોય. આજે અનેક લવ-સ્ટોરી એક તબક્કા પછી તૂટી જતી દેખાય છે. એવું તે શું કારણ હશે કે એક સમયે, એકબીજા માટે મરવા પણ તૈયાર હોય અને એ પછી, હવે, એકબીજાને મારવા તૈયાર થઈ જાય. ઓવરડોઝ. ઍપલે ક્યારેય ઓવરડોઝ થવા નથી દીધો. આજે એ સ્તરે અમુક ફોન-કંપનીઓ પહોંચી ગઈ છે, ગૅજેટ્સ કંપની પહોંચી ગઈ છે કે એણે પોતાની બ્રૅન્ડની વૅલ્યુ જ નથી રહેવા દીધી. ફીચર્સ સરખાં હોય, ક્વૉલિટી પણ વત્તા-ઓછા અંશે સમાન હોય, પ્રાઇસમાં પણ જમીન-આસમાનનો તફાવત હોય અને એ પછી પણ વૅલ્યુ નહીંવત હોય. પ્રાઇસ અને વૅલ્યુ. આ બન્ને શબ્દોને બરાબર સમજવાની જરૂર છે.
ઍપલે પ્રાઇસ નહીં ઘટાડીને એની વૅલ્યુ અકબંધ રાખી છે. ઍપલ પાસેથી ઘણું શીખવા જેવું છે, શીખવાનું છે. જો તમે એ શીખી ગયા તો તમે પણ ઍપલની જેમ અનટચેબલ લેવલ પર પહોંચી જશો. ઍપલને આ લેવલ આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ સ્ટીવ જૉબ્સ છે. ઍપલની આ જાહોજલાલીનો બધો જશ તમારે સ્ટીવ જૉબ્સને જ આપવો પડે, આપવો જોઈએ.
ઍપલ આઇફોન જ નહીં, ઍપલની તમામ પ્રોડક્ટની પાછળ સ્ટીવ જૉબ્સનું ભેજું કામ કરતું હતું. તમને ખબર ન હોય તો કહી દઉં, સ્ટીવ જૉબ્સ સાયન્ટિસ્ટ નહોતો, તેને ટેક્નૉલૉજીનું કોઈ જ્ઞાન નહોતું એવું કહીએ તો પણ ચાલે, કારણ કે તેણે એ બાબતમાં કોઈ સત્તાવાર એજ્યુકેશન નહોતું લીધું અને એ પછી પણ તેણે ઍપલની એક આખી એવી રેન્જ ઊભી કરી જેણે દુનિયામાં રિવૉલ્યુશન લાવી દીધું. ઍપલ એ સ્ટીવ જૉબ્સનું સપનું હતું, જેને તેમણે સાકાર કરીને દેખાડ્યું.
બટનવાળા નહીં, પણ જો ટચસ્ક્રીન સાથેના ફોન હશે તો આપોઆપ સ્ક્રીન તમે મોટી કરી શકશો એવો વિચાર પણ સૌથી પહેલાં સ્ટીવ જૉબ્સને આવ્યો હતો અને તેમણે જ આ દુનિયાને ટચ ફોન આપવાનું કામ કર્યું. આ કામ તેમણે ત્યારે કર્યું જ્યારે દુનિયાઆખી વિન્ડોઝ અને બ્લૅકબેરીના મોબાઇલ પાછળ ગાંડી હતી. બ્લૅકબેરી ફોન હાથમાં હોવો એ સ્ટેટસ હતું અને લોકો એ સ્ટેટસનો પૂરો લાભ પણ લેતા હતા. મોબાઇલની જરૂર ન હોય તો પણ મોબાઇલ બહાર કાઢીને રોફ જમાવવાનું જો કોઈએ શીખવ્યું હોય તો એ બ્લૅકબેરીએ અને એની એ રીતમાં પંક્ચર પાડવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ ઍપલના સ્ટીવ જૉબ્સે. જે સમયે એકસમાન પ્લૅટફૉર્મ સાથે ફોન ચાલતા હતા અને નોકિયાથી આગળની દુનિયા કોઈએ જોઈ નહોતી ત્યારે ઍપલે આઇફોન લૉન્ચ કરીને દુનિયાને બતાવી દીધું કે ફોન અને કમ્પ્યુટર જોડીને કઈ રીતે સ્માર્ટ ડિવાઇસ બનાવી શકાય અને એ ડિવાઇસ કેવું રિવૉલ્યુશનરી બની શકે છે. બધાની બોલતી બંધ થઈ ગઈ અને એ બોલતીને નવેસરથી ચાલુ કરવાના હેતુથી જ ઍન્ડ્રૉઇડ પ્લૅટફૉર્મ પર સ્માર્ટફોનનો આવિષ્કાર થયો. આ આવિષ્કાર ન થયો હોત જો ઍપલે દુનિયાના એલિટ અને સેલિબ્રિટી ક્લાસને પોતાના ગજવામાં ન કરી લીધો હોત. સ્ટીવ જૉબ્સને હું સપનાંઓનો ભૂખ્યો માણસ કહેતો આવ્યો છું.
એ માણસે કેટકેટલી ચીજોનો ભોગ લીધો છે એની યાદી બનાવજો એક વાર તમે, તમને પણ અચરજ થશે. સ્ટીવ જૉબ્સ વૉકમૅન અને ડિસ્કમૅન ખાઈ ગયા છે, તેઓ પર્સનલ કૅમેરા ખાઈ ગયા. સ્ટીવ જૉબ્સ નોકિયા અને બ્લૅકબેરી જેવી કંપનીઓ હજમ કરી ગયા અને સ્ટીવ જૉબ્સ અડધું કમ્પ્યુટર જમી ગયા અને એ પછી પણ તેમની ભૂખ અકબંધ હતી પણ કુદરતે તેમને પહેલાં બોલાવી લીધા એટલે દુનિયાએ જરા શાંતિનો શ્વાસ લીધો, પણ સાવ એવું નથી કે ઍપલથી કોઈએ ડરવાનું નથી. સ્ટીવ જૉબ્સ તેમના મૃત્યુ પહેલાં ઑલમોસ્ટ આઇફોનની પંદરમી એડિશન સુધીનાં ફીચર્સનું પ્લાનિંગ તેમની ટીમ સાથે કરી ચૂક્યા હતા જેને લીધે આવતાં પાંચ વર્ષ સુધી હજી પણ જગતને સ્ટીવ જૉબ્સ અને ઍપલથી ડર લાગતો રહેવાનો છે.

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

આવો ડર તમારા કૉમ્પિટિટરને લાગવો જોઈએ. એ ડર તો જ લાગશે જો તમે ઍપલ હશો, એકલપંડે લડવાની જીદ હશે તમારામાં અને દર બીજા દિવસે ઈંડું આપવાની માનસિકતા નહીં હોય તમારી. જો એવું રાખશો તો જ દુનિયા તમારી રાહ જોશે, તમારા આગમનને વધાવશે અને તમારા આગમન સમયે, આજુબાજુની જગ્યા ખાલી કરી આપશે.

Bhavya Gandhi apple columnists