કચ્છની વિવિધ જ્ઞાતિઓનો ઇતિહાસ લઘુ સમુદાય, મોટી સિદ્ધિ કચ્છી ભાટિયા સમાજ

30 July, 2019 11:39 AM IST  |  મુંબઈ ડેસ્ક | ભાવિની લોડાયા - કચ્છી કોર્નર

કચ્છની વિવિધ જ્ઞાતિઓનો ઇતિહાસ લઘુ સમુદાય, મોટી સિદ્ધિ કચ્છી ભાટિયા સમાજ

મૂળજી જેઠા પરિવારે બનાવેલું કાલબાદેવીનું દ્વારકાધીશનું મંદિર

વાત કચ્છી જ્ઞાતિઓની 

દરેક જ્ઞાતિનો ઇતિહાસ ખૂબ અનેરો અને ગૌરવશાળી હોય છે. એને એક આલેખનમાં સમાવવો શક્ય નથી, પરંતુ આ નાનકડા લેખથી મળતી જાણકારી આપણને જ્ઞાતિ પ્રત્યેની લાગણીઓને વ્યક્ત કરવા અને વધુ સક્રિય બનવાની પ્રેરણા આપે છે. અગાઉના અંકોમાં આપણે વીસા ઓસવાલ, દશા ઓસવાલ, લોહાણા અને પાટીદાર જ્ઞાતિઓ વિશે જાણ્યું અને આજે આપણે એક એવી જ્ઞાતિ વિશે જાણવા જઈ રહ્યા છીએ જેમનો ફાળો સંપૂર્ણ ભારતમાં ઉલ્લેખનીય છે.
હિન્દુસ્તાનના જે જે ભાગમાં મધ્ય પ્રદેશ, પશ્ચિમોત્તર પ્રદેશ, રજપૂતાના, પંજાબ, સિંધ, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ પ્રભૃતિ સ્થળોએ જે ભાટિયાની વસ્તી છે એ સઘળાનો ચોરાશી નુખોમાં સમાવેશ થાય છે. રાજ્ય સ્થાપનાર ભાટ્ટિજીના નામ પરથી ભટ્ટી કહેવાયા અને ત્યાર બાદ ધીરે-ધીરે ભાટિયામાં ફેરવાયા. ભાષાનું સ્વાભાવિક વલણ જ છે કે એ આસ્તે-આસ્તે સરળતર થતી જાય. કચ્છમાં વસનાર કચ્છી ભાટા કહેવાયા. જામનગર અને પોરબંદરમાં વસનારા હાલાઈ ભાટા કહેવાયા. બન્નેની ભાષા કચ્છી જ, પરંતુ હાલાઈ ભાટાના અમુક શબ્દો થોડા અલગ તરી આવે. ત્યાર બાદ ઠઠ્ઠાઈ ભાટિયા જે સિંધી બોલે, જ્યારે પંજાબી ભાટિયા પંજાબી બોલી બોલે. નુખોનાં નામ ધંધો, સ્થળ, કૃત્ય અને ઉપાસ્યદેવના નામ પરથી રાખવામાં આવ્યાં. કોઈ દક્ષિણ તરફ ગયા, કોઈ ગુજરાતનાં વિવિધ સ્થળોએ ગયા અને કોઈ સિંધ તરફ ગયા. ત્યાર બાદ બીજી જ્ઞાતિઓની જેમ જ સમય-સંજોગને આધારે આ કોમે પણ સ્થળાંતર કર્યું. મુંબઈ તરફ પ્રયાણ કરનાર કોમમાં પારસીઓ પછી પ્રથમ કોમ ભાટિયાની હતી. ભાટિયા મૂળ કૃષ્ણના વંશજ છે. અંગ્રેજોના શાસનકાળથી જ આ કોમનું દાન-ધર્મમાં મોટું યોગદાન રહ્યું છે. સુંદર પરંપરા ધરાવનાર કોમની વસ્તી આજે પારસીઓની જેમ જ ઘટતી જાય છે, પરંતુ તેમનું સમાજ પ્રત્યેનું યોગદાન શ્રેષ્ઠ છે. મૂળ દરિયાઈ ખેડૂ તરીકે આજે પણ તેઓ ઓમાન, બાહરિન ને દુબઈ રાજ્યમાં, મિડલ ઈસ્ટમાં અને ઈસ્ટર્ન આફ્રિકામાં કેન્યા અને ઝાંઝિબારમાં ફેલાયેલા છે. ટેક્સટાઇલ્સમાં અને ઑઇલ મિલ, શિપ બિલ્ડર, મોરારજી ગોકુલદાસ મિલ, વરુણ શિપિંગ વગેરે. ૧૯૧૬માં હૉસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપનાર પણ ભાટિયા હતા. દેશની સૌપ્રથમ મહિલા યુનિવર્સિટી શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી વુમન્સ યુનિવર્સિટી, એક નામ જેમાંનું આપણે સૌ જાણીએ છીએ એસએનડીટી કૉલેજ જે સર વિઠ્ઠલદાસ ઠાકરસી અને તેમનાં પત્ની પ્રેમીલાના સંતાન સમાન છે. તારદેવ ભાટિયા જનરલ હૉસ્પિટલ અથવા ગોકુલદાસ તેજપાલ હૉસ્પિટલ અથવા ઘાટકોપરની પ્રથમ કો. ઍડ સ્કૂલ, રામજી આશર વિદ્યાલય જે ૧૯૧૧માં બંધાયેલ છે જે આ જ્ઞાતિનું ગૌરવ દર્શાવે છે. અંધેરીમાં આવેલું ભવન્સ કૉલેજનું કૅમ્પસ, ચિનાઈ કૉલેજ કે દાદરમાં આવેલી કીર્તિ કૉલેજ આવી અનેક જગ્યાઓમાં ભાટિયાઓનો ફાળો નોંધનીય છે. આજે સંપૂર્ણ વિશ્વમાં લગભગ ૧ લાખ જેટલા ભાટિયાઓ છે જેમાંના અડધા મુંબઈમાં છે. ઓમાન એ ભાટિયાઓનું બીજું ઘર છે.
કુશળ એવા ભાટિયા સમાજમાં મુંબઈમાં જે મહાજન કામગીરી ધરાવે છે એ છે બૉમ્બે હાલાઈ ભાટિયા મહાજન જેમની કામગીરી આ પ્રમાણે છે. ૧૫૦ વર્ષ જૂનું આ મહાજન છે જેના પ્રેસિડન્ટ મૂળરાજ નાણાવટી છે. અશોકભાઈ મર્ચન્ટ વાઇસ પ્રેસિડન્ટ ઑફ હાલાઈ ભાટિયા મહાજન સાથે વાત કરી તો જાણવા મળ્યું કે હાલાઈ ભાટિયાની બે વાડી છે જેમાંની એક મુંબઈમાં જૂની વાડી તરીકે અને એક નવી મહાજન વાડી તરીકે પ્રખ્યાત છે. લગભગ ૩૫૦ જેટલા મધ્યમ વર્ગના ભાટિયા પરિવાર અહીં રહે છે અને હવે એના રિડેવલપમેન્ટ વિશે પણ વિચારણા ચાલી રહી છે જેના દ્વારા લોકોની પોતાની માલિકીનું ઘર થઈ જશે.
મહાજનની પ્રવૃત્તિમાં તેઓ વિધવા મહિલાઓને ઘર ચલાવવા માટે આર્થિક તેમ જ અનાજવિતરણ જેવી સહાય પ્રદાન કરે છે.
વિદ્યાર્થીઓને ભણવા માટે સહાય કરવામાં આવે છે અને વિદેશ ભણવા જનાર વિદ્યાર્થીને આર્થિક સહાયરૂપે ૩ લાખની સહાય કરવામાં આવે છે જે તેઓને વગર વ્યાજની લોનરૂપે આપવામાં આવે છે અને વિદ્યાર્થી જ્યારે ભણીગણીને સક્ષમ થાય ત્યારે એ પરત કરવાની હોય છે.
સ્કૉલરશિપ આપવામાં આવે છે.
૪૫૦ જેટલા પરિવારોને અનાજવિતરણની સહાય પૂરી પાડવામાં આવે છે.
કોલભાટ લેનમાં કિફાયતી દરે દવા પણ આપવામાં આવે છે જેમાં કોઈ પણ જ્ઞાતિનો દરદી આ સેવાનો લાભ રાહતદરે મેળવી શકે છે. સમાજમાં દર લાભ પાંચમના દિવસે મેળાવડો થાય જેના કારણે જ્ઞાતિમાં લોકો એકબીજાના પરિચયમાં રહે અને આનંદ માણી શકે.
બહાર વિદેશ ફરવા જવાનું આયોજન પણ કરવામાં આવે છે.
બોરીવલીમાં ભાટિયા બૉડિંગ છે જ્યાં મુંબઈ બહાર રહેનાર વિદ્યાર્થીને ભણવા માટે વિનામૂલ્યે રહેવા અને ભણવાની સહાય આપવામાં આવે છે.
મહિલા વિંગ પણ વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે સક્રિય છે.
આવી જ રીતે સમગ્ર ભારતમાં વસનાર કચ્છી ભાટિયાઓ સૌ એકબીજા સાથે જોડાઈને રહે એ માટે એક્સેલ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અશ્વિનભાઈ શ્રોફ અને વિન્ટેજ કારના નીતિન દોસા દ્વારા ગ્લોબલ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે. જેઓ દર વર્ષે ભાટિયા વિભૂતિઓને નવાજવા અચીવર્સ અવૉર્ડ દ્વારા સન્માનિત કરે છે. પરિચય સંમેલન અને બીજી અનેક પ્રવૃત્તિઓ પૂરી પાડે છે
ચંદાબહેન શ્રોફ ફાઉન્ડર દ્વારા કચ્છની મહિલાઓને રોજગાર પૂરું પાડવા અને કચ્છી ભરતગૂંથણની કળા જાળવી રાખવા માટે તેમણે શ્રુજન નામે એક એનજીઓ ખોલી જેનાથી કસબ અને કળા જીવંત રહે અને ત્યાંની મહિલાઓને આર્થિક મદદ પણ થઈ શકે.

આ પણ વાંચો : Divyanka Tripathi: જુઓ આ સીધી સાદી વહુનો છે આટલો મૉર્ડન અંદાજ

નાનકડી પણ ખૂબ મજબૂત એવી ભાટિયા કોમનો ફાળો ખૂબ અદ્ભુત છે. એક નાનકડા લેખમાં અપાઈ શકે એટલી મહત્ત્વપૂર્ણ જાણકારીઓ આપ સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ. આગળ પણ અમે અમારી આ સફરને અકબંધ રાખવાના વિશ્વાસ સાથે આપ સૌ વાચકોના પ્રેરણાત્મક સાથને બિરદાવી આ લેખ પછી હજી એક કચ્છી જ્ઞાતિની ગાથા આપ સમક્ષ પ્રકાશિત કરીશું. વાચતા રહો અને માણતા રહો ‘મિડ ડે’ના કચ્છી કૉર્નરને. ‘આપણી ભાષા આપણું ગૌરવ’ વધારતા રહીશું.

kutch gujarat columnists