સંતાનોને સુખ આપવા નીકળેલા બધા જ પેરન્ટ્સને સતાવી રહ્યો છે એક પ્રશ્ન

15 February, 2019 03:49 PM IST  |  | ભાવિની લોડાયા

સંતાનોને સુખ આપવા નીકળેલા બધા જ પેરન્ટ્સને સતાવી રહ્યો છે એક પ્રશ્ન

યંગ વર્લ્ડ 


બાળકને બધું જ સુખ મળે એવી મહેચ્છા દરેક મા-બાપને હોય છે. આપણને બાળપણમાં જે નથી મળી એ તમામ સુવિધાઓ તેને આપવાના પ્રયત્નો આપણે કરીએ છે. તો પણ એક હકીકત તમે પણ અનુભવી હશે કે બધું જ આપવા છતાં બાળકો ખુશ નથી. એવું કેમ? બ્રિટિશ મેડિકલ જર્નલના મનોવૈજ્ઞાનિકો દ્વારા કરાયેલું સંશોધન જણાવે છે કે બાળકોમાં એપિડેમિક ઍન્ગ્ઝાયટી નામની બીમારી ખૂબ વધી છે. એ જ કારણ છે કે તેમને ગમે તેટલી સુવિધાઓ આપો છતાં અંદરથી તો તેઓ ચિંતિત જ રહે છે, અસંતુષ્ઠ જ રહે છે. તેમની અસંતુષ્ટિનાં કારણો કયાં છે? ‘મિડ-ડે’એ જ્યારે આ પ્રfનોના ઉત્તર માટે પેરન્ટ્સ સાથે વાત કરી તો શું જાણવા મળ્યું એ જોઈએ.

ડિમાન્ડ મોટી થતી જાય છે

એક જ બાળક હોય તો સગવડ વધુ સારી આપી શકાય એમ વાતની શરૂઆત કરતાં ૯ વર્ષની દિયારાનાં મમ્મી રિચા શાહ કહે છે, ‘આજના મોટા ભાગના પેરન્ટ્સ પોતાના બાળકને તમામ સુવિધાઓ આપવા માટે એમ વિચારતા હોય છે કે એક જ બાળક હોય તો સારું અને તેને બેસ્ટ એજ્યુકેશન અને લક્ઝરી લાઇફસ્ટાઇલ આપવા માટે બન્ને પેરન્ટ્સ વર્કિંગ થયા છે. બાળક જે માગે એ લઈ આપે છે. ઘણીવાર બિનજરૂરી માગણી પણ પૂરી કરતા હોય છે. જેમ-જેમ તે મોટું થાય છે ડિમાન્ડ પણ મોટી થતી જાય છે અને જ્યારે એ પૂરી ન થાય તો તે ચિડાય છે, ગુસ્સે થવા લાગે છે અને દુખી થાય છે, કારણ કે તેને ના સાંભળવાની આદત નથી હોતી. કોઈ પણ પરિસ્થિતિમાં ડિમાન્ડ પૂરી થવી જ જોઈએ એવી તેની જીદ્દ હોય છે અને આ જ બાળક મોટું થાય છે ત્યારે તેની ડિમાન્ડ વસ્તુમાંથી વ્યક્તિ અને સંબંધો સુધી પહોંચે છે જેને કારણે જો તેનું ધાર્યું ન થાય તો તે ગુસ્સામાં આવી કોઈ પણ પગલાં ભરે છે.’
દિયારાના પપ્પા વિશાલ શાહ કહે છે, ‘જરૂરતથી વધારે આપવાને કારણે તેને વસ્તુનું મહkવ સમજાતું નથી અને તે કદી જવાબદાર નથી બની શકતું. પરિસ્થિતિ પ્રમાણે રહેતાં તેને આવડતું નથી અને જ્યારે વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે તે નર્ણિયો નથી લઈ શકતું અને મૂંઝાઈ જાય છે, જેના કારણે તે દુખી થાય છે.’

મન ભરીને જીવી નથી શકતો

પ્રથમ પાંચ વર્ષ તો બાળકને આપવાં જ જોઈએ એમ કહેતાં ૧૫ વર્ષના જયનાં મમ્મી મીતા ચૌહાણનું કહેવું છે, ‘નાનપણમાં બાળકને મા-બાપની ખૂબ જરૂર હોય છે પણ બદલાતા ટ્રેન્ડને કારણે હવે જે ગૃહિણીઓ ઓછી ભણેલી હોય છે તે પણ બહાર નીકળી પોતાની કાબેિલયતને હિસાબે જૉબ શોધી લો છે જેને કારણે બાળકને ભણવા માટે કોચિંગ ક્લાસની જરૂર પડે છે. બહારના કોચિંગથી મળતું ભણતર તેને એક અને એક બે શીખવાડશે, પણ એક અને એક ભેગા થાય તો એકતા થાય એ આપણે જ શીખવાડી શકીએ. છોકરાઓને ચાઇનાની ગેમ, મોબાઈલ આપીએ છીએ જે તેને ખરેખર નથી જોઈતી, પણ આપણે તેને એ આદત લગાડી છે. બીજી બાજુ જ્યારે તે બહાર કમ્પાઉન્ડમાં રમવા જવાની વાત પણ કરે તો તેને એમ કહેવામાં આવે, ‘કપડાં ખરાબ કરતો નહીં, પડતો નહીં, પેલા છોકરા સાથે બોલતો નહીં.’ આમ બાળક રમવા પણ જાય તો માનસિક તાણ સાથે, જેને કારણે તે મન ખુલ્લા કરી રમી નથી શકતો. બહારના છોકરાઓ સાથે ભળી બાળક બગડી જશે એ વાતનો ખ્યાલ છે, પણ ટેક્નૉલૉજીની દુનિયામાં તે સંપૂર્ણ બગડી જશે એ વાત ભૂલી જઈએ છીઓ.

પુત્ર સાથે ભરત અને મીતા ચૌહાણ

તેને આપણે પોતે જ બંધિયાર દુનિયામાં રાખીએ છીએ, જેને કારણે તે મન ભરીને જીવી નથી શકતો. જય દાદા-દાદીની દેખરેખમાં રહીને પ્રેમ અને સંતોષ સાથે ઊછયોર્ છે જેથી તે બધા સાથે હળીભળીને રહી શકે છે.’

ડાયમન્ડ માર્કેટમાં કામ કરતા જયના પપ્પા ભરત ચૌહાણ કહે છે, ‘બિઝી શેડ્યુલમાંથી ટાઇમ કાઢીને પણ બાળક સાથે સમય વિતાવવો જ જોઈએ. જો એમ નહીં કરીએ તો તેને ધીરે-ધીરે આપણી સાથે વાત કરવું ગમશે નહીં. કંઈ ખોટું કરશે તો પણ કહેતાં ડરશે, સમસ્યાનું નિવારણ નહીં કરી શકે અને ગૂંચવાઈ જશે. સાથે ફરવા જવું જોઈએ, પણ ફરવાની વ્યાખ્યા એટલ્ો હવે હાઇફાઇ મૂવી થિયેટર અને હાઇલી એક્સપેન્સિવ મૉલ એવી ગ્રંથિ આપણા મનમાંથી બાળકના મનમાં બેસાડી દીધી છે, જેને કારણે બહારની દેખાદેખીની દુનિયા તરફ જ બાળક વળે છે, પરિવાર તરફ નહીં.’

શૅરિંગની આદત નથી રહી

એક જ સંતાનના ટ્રેન્ડને કારણે બાળકમાં શૅરિંગની હૅબિટ નથી હોતી એમ જણાવી ૯ વર્ષની વિþદ્ધિની મમ્મી અર્ચના ભણસાલી કહે છે, ‘શૅરિંગની હૅબિટ ન હોવાને કારણે બાળકને પોતાનું રૂલિંગ ચલાવવાની આદત બનતી જાય છે. તેને હંમેશાં એમ જ લાગે કે બધું મારું જ છે, આમ મારાપણાના સ્વભાવને કારણે બાળકને રિલેટિવ્સ કે બહાર, ક્યાં પણ લઈને જઈએ તો તે કોઈને પોતાની ચીજ આપતો નથી જે બીજાં બાળકોને ગમતું નથી, જેના કારણે તે બાળક કોઈ સાથે ભળતો નથી અને અલગ-એકલો પડી જાય છે જે તેના માટે નારાજગી અને દુખી થવાનું કારણ બનતું જાય છે.’

આ જ દિશામાં વિદ્ધિના પપ્પા સંતોષ ભણસાલી કહે છે, ‘પહેલાં એવું હતું કે પપ્પા ઘરે આવે પછી બાળક સાથે, પરિવાર સાથે ટાઇમ વિતાવતા, સૂતી વખતે વાર્તા કહેતા, પોતાના પરિવારનો ઇતિહાસ જણાવતા એટલ્ો બાળક પરિવાર સાથે લાગણીઓથી જોડાતો હતો, પણ હવે પપ્પા-મમ્મી ઘરે આવે જ હાથમાં મોબાઇલ લઈને, આવ્યા પછી પણ ચૅટિંગ અને કૉલ પર જ મોટા ભાગે બિઝી હોય, જેને લીધે બાળક મનથી નારાજ હોય. ઘણી વાર કામના ટેન્શનને કારણે અને બીજા ફ્રસ્ટ્રેશનને કારણે બાળકોનો દોષ ન હોય છતાં તેમના પર ગુસ્સો કરવામાં આવે છે. તેઓ જ્યારે કંઈ પણ કહેવાનું શરૂ કરે છે ત્યારે તેને સાંભળવાને બદલ્ો તેને ચૂપ રહેવાનું કહેવાય છે જેના કારણે તે નિરાશ થાય છે.’

યાદ રહે કે એક કળી ખીલતું ફૂલ બને એના માટે એને પ્રેમ અને લાગણીસભર હૂંફની જરૂર છે. અપગ્રેડ થવાની દોડાદોડીમાં બાળકની ખુશીઓને ડીગ્રેડ નથી થઈ રહીને એ વાતનું ધ્યાન રાખવાનો સમય પાકી ગયો છે.

columnists