વર્લ્ડ સિનિયર સિટિઝન ડે નિમિત્તે અનોખી સિરીઝ ‘કલ, આજ ઔર કલ’

21 August, 2019 02:55 PM IST  |  મુંબઈ | ભક્તિ દેસાઈ

વર્લ્ડ સિનિયર સિટિઝન ડે નિમિત્તે અનોખી સિરીઝ ‘કલ, આજ ઔર કલ’

ડૉ. હર્ષદ અઢિયા

‘થોડા હૈ થોડે કી ઝરૂરત હૈ’ જેવી વિચારધારા ધરાવનાર મુંબઈના ડેન્ટ‌િસ્ટ ડૉ. હર્ષદ અઢિયાના જીવનમાં ડોકિયું કરીએ તો જૂની પેઢી અને નવી પેઢી વચ્ચેની વિચારધારા અને એનાથી પેઢીઓમાં ઉદ્ભવતી જીવનશૈલીનો મતભેદ સહજ રીતે ઉજાગર થાય છે.

બે વર્ષ પહેલાં અવસાન પામેલાં ડૉ. હર્ષદ અઢિયાનાં પત્ની કુસુમબહેન એક ચિત્રકાર હતાં. સંતાનોમાં તેમને એક દીકરી વેણુ તથા દીકરો જય છે. જયને એક ૧૮ વર્ષની દીકરી છે અને તેઓ અમેરિકામાં સ્થાયી થયા છે તથા અને દીકરી વેણુ આદિત્ય હીરાણી ન્યુટ્ર‌િશન‌િસ્ટ છે જે અંધેરીમાં જ રહે છે. તેમને ૧૪ વર્ષનો દીકરો છે કબીર. જનરેશન ગૅપમાં આ પરિવાર ક્યાં જુદા વિચારો ધરાવે છે અને ક્યાં તેમની વચ્ચે એકતા છે એ વિષય પર તેમની સાથે જ થોડીક ગુફ્તગૂ કરીએ.

શિક્ષણમાં કોનું ચાલે?

નાનપણથી આજ સુધી એટલે કે ઉંમરનાં ૮૦ વર્ષો સુધી જીવનને પડકાર માનનારા હર્ષદભાઈ એટલા કહ્યાગરા હતા કે પિતાના સપનાને પૂરા કરવા પોતાની એન્જિનિયરિંગમાં જવાની ઇચ્છાને તેમણે મનમાં જ દબાવી દીધી હતી. તેમના પિતા અને દાદા બન્ને એન્જિનિયર હતા એથી સ્વાભાવિક રીતે જ હર્ષદભાઈ બાળપણથી જ  એન્જિનિયર બનવા પ્રેરિત થયા હતા. સ્કૂલ સમયથી જ હર્ષદભાઈ ભણવામાં પણ ખૂબ હોશિયાર હતા. છ ભાઈબહેનોમાંથી તેમના પિતા એક બાળકને ડૉક્ટર બનાવવવાની ઇચ્છા ધરાવતા હતા.

હર્ષદભાઈ કહે છે, ‘જે બાળક ભણવામાં હોશિયાર હોય એ બાળક પાસે વડીલોને અપેક્ષાઓ પણ ઊંચી હોય છે અને એ જમાનો પણ એવો હતો કે બાળકો પોતાનાં માતા-પિતાનાં સપનાં પૂરાં કરવા પોતાની દરેક ઇચ્છા દાવ પર લગાડી દેતાં. આજનાં બાળકોને આવી વાત અતિશયોક્તિભરી લાગે કે પોતાની જિંદગી અને પોતે શું બનવું એ નક્કી કરવાનો હક માતા-પિતાનો કઈ રીતે હોઈ શકે. મારી જ વાત કરું તો મેં ક્યારેય મારાં બાળકોને ડેન્ટ‌િસ્ટ બનવા આગ્રહ કર્યો નહોતો. ડેન્ટ‌િસ્ટ તરીકે મારું કામ અને નામ ખૂબ સારું રહ્યું એથી બધા મને કહેતા કે મારું એક બાળક જો ડેન્ટ‌િસ્ટ બને તો ભવિષ્ય સુધરી જાય, પણ મેં મારાં બાળકોને પૂરી સ્વતંત્રતા આપી હતી. અલબત્ત, જયે પ્રયત્ન તો કર્યો, પણ જ્યારે દેડકા પર વિચ્છેદન કરવાનો સમય આવ્યો ત્યારે તેને સમજાઈ ગયું કે તે ડૉક્ટર નહીં બની શકે એથી તેણે બીકૉમ કર્યું અને હાલમાં તે અમેરિકામાં હ્યુમન રિસોર્સના ક્ષેત્રમાં છે. વેણુની પણ ડેન્ટ‌િસ્ટ બનવાની ઇચ્છા નહોતી. અહીં એક વાત ઉલ્લેખનીય છે કે મેં હાલમાં જ મારું ક્લિનિક ગુડવિલ સાથે વેચી નાખ્યું.’

બીજી પેઢી : અહીં બીજી પેઢીની વેણુના વિચારો જુદા છે તે કહે છે, ‘આજનો સમય એવો નથી કે બાળકો માતા-પિતાનાં અધૂરાં સપનાં પૂરાં કરે. અમે અમારા દીકરા કબીર પાસેથી એવી આશા ન રાખી શકીએ કે તેણે તેના પપ્પાના ઍનિમેશનના બિઝનેસમાં જોડાવું કે પછી મારું ક્ષેત્ર પસંદ કરવું. હા, તે જે પણ કરે એ મહેનતથી કરે એ જરૂરી છે. મારા સંપર્કમાં ઘણાં માતા-પિતા એવાં છે જે બચ્ચાંઓને પોતાનું ધાર્યું જ કરાવવાનો આગ્રહ રાખે છે, પણ મારું માનવું છે કે બાળકે પોતાની રુચિ તથા યોગ્યતા પ્રમાણે ક્ષેત્રની પસંદગી કરવી જોઈએ.’

ત્રીજી પેઢી : કબીર કહે છે, ‘હું મારી મરજી મુજબ શું બનવું અને કઈ લાઇન લેવી એ નિર્ણય લઈશ. જે પણ કરીશ એમાં મારાં નાના, મમ્મી અને પપ્પાની જેમ ખૂબ મહેનત કરીશ.’

કરકસર અને સંતાન

હર્ષદભાઈના કૉલેજ જીવન તરફ વળીએ તો તેમના પિતા એક સિદ્ધાંતવાદી માણસ હતા. એથી એક ડેન્ટ‌િસ્ટ તરીકે હર્ષદભાઈએ પોતાના ક્ષેત્રને લગતાં નાનાં સાધનોથી માંડી પોતાનું ક્લિનિક બનાવવા સુધીની બધી જ મહેનત શૂન્યમાંથી સર્જનની જેમ કરવાની હતી. એ જમાનામાં લોકો માટે પૈસા કરતાં વધારે સંતોષ મહત્વનો હતો. પેન્સિલ, નોટબુક જેવી જરૂરિયાતની વસ્તુઓ અબ્દુલ રહેમાન સ્ટ્રીટમાંથી હોલસેલ ભાવે તેઓ લાવતા. ત્યારે કરકસરનો ગુણ સામાન્ય હતો.

ડેન્ટ‌િસ્ટ્રીના પહેલા વર્ષથી

જેમ-જેમ અભ્યાસક્રમ આગળ વધે એમ વિદ્યાર્થીઓએ કામને લગતાં સાધનો લેવાં પડતાં અને એ પણ ખૂબ મોંઘાં આવતાં એથી તેમણે હોલસેલનો ભાવ જાણી તેમની સાથે ભણતા મિત્રોને તૈયાર કર્યા અને પહેલા વર્ષે દસ તો બીજા વર્ષે વીસ મિત્રો સાથે મળી વસ્તુઓ હોલસેલમાં લેવા લાગ્યા. ક્લિનિક માટે જરૂરી સાધનો તેમણે આ રીતે વસાવ્યાં.

એ વખતે ક્લિનિકમાં એક્સરે મશીન હોવું એ મોટી વાત હતી, પણ હર્ષદભાઈને જ્યારે પૂછ્યું કે આવું તેઓ કેવી રીતે કરી શક્યા તો ખડખડાટ હસતાં તેમણે જવાબ આપ્યો, ‘મારા કાકા ખૂબ પ્રખ્યાત જનરલ સર્જ્યન હતા. તેમણે મને કહ્યું કે પેશન્ટને એક્સરે માટે બહાર જવું ન પડે એ હેતુથી એક્સરે મશીનની સુવિધા ક્લિનિકમાં જ હોવી જોઈએ. એક તરફ ક્લિનિક માટે લોન લીધી હતી અને બીજી તરફ કાકા મોટા પાયે કામ થાય એ હેતુથી ખર્ચો વધે એવી સલાહ આપતા હતા. મારી પાસે હિંમત અને આત્મવિશ્વાસ આ બન્ને એવા મોટા ગુણો હતા કે હું દરેક પડકારને સહજતાથી સ્વીકારતો. એકસરે મશીન લેવાની વાત મને પણ ગમી. મેં મિત્રો, સગાંવહાલાં બધાં પાસે લોન લઈ મશીન પણ વસાવ્યું અને ૧૯૬૫માં ઇન-હાઉસ એક્સરે મશીનવાળું પહેલવહેલું ક્લિનિક શરૂ કર્યું.’

હર્ષદભાઈને જ્યારે પૂછ્યું કે આટલી મોટી લોનની રક્કમ ચૂકવતાં તેમને કેટલાં વર્ષો લાગી ગયાં ત્યારે સ્મિત સાથે તેમણે જવાબ આપ્યો, ‘લોન ચૂકવવાની વાત તો ત્યારે આવે જ્યારે મારી જરૂરિયાતો પૂરી થઈ જાય, પણ અહીં તો ખર્ચા વધી જ રહ્યા હતા. મારી જુવાનીનાં બધાં જ વર્ષો નવી લોન લેવામાં ને જૂની ચૂકવવામાં જ નીકળી રહ્યાં હતાં. એવામાં જ્યારે મારી પાસે પોતાનું ઘર પણ નહોતું અને હું લોનમાં જ ડૂબેલો હતો ત્યારે લગ્નની ઉંમર વીતી ન જાય એ માટે વડીલો છોકરી પણ શોધવા લાગ્યા. આ અમારી પેઢી હતી કે જ્યારે અમે લગ્ન પછી ખર્ચો વધશે એની માનસિક તૈયારી જરૂર રાખતા, પણ પ્રાધાન્ય તો યોગ્ય ઉંમરે લગ્ન થઈ જાય એને જ આપતાં; કારણ કે આ મારી ઉંમરના વડીલો આજે પણ એવું માને છે કે લગ્ન થાય તો બે વ્યક્તિનાં નસીબ સાથે કામ કરે અને બરકત જરૂર થાય. એનું મોટું ઉદાહરણ હું છું.  મેં મારી થનારી પત્નીને મારી મોટી લોન વિશેની અને ઘર ન હોવાની વાસ્તવિકતા જણાવી પૂછ્યું કે કદાચ આ દેવું ચૂકવવામાં વીસથીયે વધારે વર્ષો લાગી જશે તો વિચારીને જવાબ આપજે. પહેલાંના જમાનામાં માણસની પ્રામાણિકતાની કિંમત તેની ગરીબી કરતાં વધારે હતી. એ છોકરીએ મને એ જ સમયે હા પાડી અને કુસુમે અને મેં આર્ય સમાજની વિધિથી લગ્ન કર્યાં.’

બીજી પેઢી : અહીં વેણુ પોતાનો અભિપ્રાય આપતાં બોલ્યાં, ‘એ જમાનો અલગ હતો. આજે લગ્ન કરતાં પહેલાં છોકરીએ પોતાનો નિર્ણય ખૂબ વિચાર કરીને લેવો પડે છે. મેં જોયું છે કે આજના છોકરાઓ લગ્ન તો કરી લે છે, પણ જવાબદારી નથી લેતા.’

હર્ષદભાઈએ ઉમેર્યું, ‘મારા દીકરા જયનો જન્મ ૩૫૦ ફીટના નાના રેસિડન્સ-કમ-ક્લિનિકમાં થયો અને તેના જન્મ વખતે ઘરમાં ઘોડિયું રાખવાની જગ્યા પણ નહોતી અને અમે તેને ટીપાઈ પર એક ખાંચો હતો એમાં સુવડાવતા. ત્યાર બાદ ચાર વર્ષ પછી વેણુનો જન્મ થયો. ત્યાં સુધીમાં અમે બે બેડરૂમનું મોટું ઘર લઈ લીધું હતું અને ગાડી પણ હતી. અહીં મહત્ત્વની વાત એ છે કે આજનાં યુવક-યુવતી આર્થિક પરિસ્થિતિ સધ્ધર ન થાય ત્યાં સુધી બાળકના જન્મનો વિચાર પણ નથી કરતાં. અમારા સમયે ખર્ચો વધવાના ડરથી લગ્ન કરવાથી છોકરાઓ દૂર નહોતા ભાગતા અને લગ્ન પછી સંતાનનો જન્મ એ પણ એક કુદરતી ક્રમ છે એવું અમે માનતા. જો સમયસર સંતાન થાય તો બાળકો સરળતાથી મોટાં થઈ જાય અને માતા-પિતાનું સાંનિધ્ય પણ તેમને વર્ષો સુધી મળે સાથે જ ઉંમરનો ફરક પણ ઓછો રહે. ખર્ચાનો વિચાર અમે બાળક જન્મે પછી કરતાં અને અમારો એવો વિશ્વાસ હતો કે કુદરત ખર્ચા સામે આવક આપી જ રહે છે. આ બાબતમાં મારી દીકરીના વિચાર મારાથી વિરુદ્ધ છે.’

બીજી પેઢી : અહીં વેણુ કહે છે, ‘આજનો જમાનો કૉમ્પિટિશનનો છે એટલે મને અને મારા પતિને કરીઅરના દૃષ્ટિકોણથી અને આર્થિક રીતે મજબૂત થવાનો સમય જોઈતો હતો. બાળકના જન્મ પછી હું મારા વ્યવસાયને ઓછો અને બાળકને વધારે સમય આપવા ઇચ્છતી હતી એથી મેં લગ્નનાં છ વર્ષ પછી કબીરને જન્મ આપ્યો. બાળકની જરૂરિયાતો અને માગ પૂરી કરવા ખર્ચાનો વિચાર કરી પછી જન્મ આપવો એ હાલના સમયમાં જરૂરી છે.’

પરિવારની હૂંફ

એ સમયે પરિવાર મોટો ને ઘર નાનાં હતાં એ વિશે હર્ષદભાઈ કહે છે, ‘અમારાં ઘર નાનાં હતાં, પણ લોકોનાં મન ખૂબ મોટાં એથી જ ઘરના પ્રસંગમાં ત્રીસ માણસો હોય તોયે નાના ઘરમાં પણ સમાઈ જતા અને જમવાનું પણ ક્યારેય બહારથી ન આવતું. ઘરમાં નાનું-મોટું દરેક જણ કામ કરતું અને આવનાર મહેમાનને કોઈ કમી ન વર્તાય એનું ધ્યાન રાખતા.

બીજી પેઢી : અહીં વેણુ કહે છે, ‘આજે મહેમાનો ભાગ્યે જ આવતા હોય છે છતાં બહારથી થોડું જમવાનું મંગાવવું પડે છે, કારણ કે લોકો પાસે સમય નથી હોતો. પહેલાં ઘરકામ માટે લોકો બહુ હતા. મારી મમ્મી, સાસુ બધા પાસે એવાં મોટાં વાસણો હતાં. આજે અમે પાર્ટી રાખીએ તોયે બહારથી ડિસ્પોઝેબલ ગ્લાસ, ચમચી, થાળી લઈ આવીએ જેથી પાણી, સમય અને મહેનત બધું જ બચી જાય.’

પહેલાં ફઈ, કાકા, મામાનાં બાળકો એટલાં હતાં કે કોઈ પણ કામ હોય તો તેઓ આવી જાય; પણ હવે નાના પરિવારને કારણે મુસીબતમાં નજીકના ફ્રેન્ડ્સ આ કમી પૂરી કરે છે. પહેલાંનો ફઈ, કાકા, માસી, મામાને ત્યાં રહેવા જવાનો કન્સેપ્ટ પણ હવે લુપ્ત થઈ રહ્યો છે.

આર્થિક જવાબદારી વિશે

ઘરની આર્થિક જવાબદારીમાં તેમનાં પત્નીની ભૂમિકા શું હતી એના જવાબમાં ડૉ. હર્ષદ કહે છે, ‘જીવનમાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કર્યો પણ પરિવારની દરેક જરૂરિયાત મેં હંમેશાં પૂરી કરી. પત્ની જો વ્યાવસાયિક પણ હોય તો તેની આવક તેની પાસે જ રહેવી જોઈએ અને ઘરની આર્થિક જવાબદારી પુરુષે લેવી જ જોઈએ. આ એક એવો મુદ્દો છે કે મારાં બાળકો અને મારા વિચારોમાં કોઈ મતભેદ નથી, કારણ કે આ સંસ્કાર સાથે જોડાયેલો વિષય છે. યુએસમાં રહેનાર જય પણ ઘરની જવાબદારી પોતે સંભાળે છે.’ 

બીજી પેઢી-વેણુ : ‘ઘર ચલાવવાની આર્થિક જવાબદારી મારા પતિ નિભાવે છે. વર્ષમાં જ્યારે બહાર ફરવા જઈએ ત્યારે હું સ્વેચ્છાથી આર્થિક યોગદાન આપું છું. કબીરને પણ મેં આ જ સંસ્કાર આપ્યા છે. કબીર જે પણ ક્ષેત્ર પસંદ કરે તેણે તેની પત્નીના પૈસાથી નહીં, પણ પોતાની આવકથી ઘર ચલાવવું પડશે. પોતાના નાના, પિતા તથા મામાની જેમ તેણે ઘરના ખર્ચા સંભાળવા પડશે. તેની પત્નીની આવકનું શું કરવું એ નિર્ણય તેની પત્નીનો રહેશે. હું પત્ની અને માતા-પિતાને માન આપવાના સંસ્કાર કબીરને મળે એ માટે ખૂબ જ પ્રયત્નરત રહું છું. હું એવું માનું છું કે જ્યારે તમારાં માતા-પિતા અને તમે એક જ ઘરમાં રહો છો ત્યારે જો ઘર તમે ખરીદ્યું હોય તો પણ એમ જ કહેવું જોઈએ કે હું મારાં માતા-પિતા સાથે રહું છું, કારણ કે તમે તમારા વડીલને સાથે રાખવા જેટલાં મોટાં તથા ઋણમુક્ત ક્યારેય થતાં નથી અને તો જ તમારાં બાળકો પણ તમને એવું માન-સન્માન આપશે.’

ડૉ. હર્ષદના જીવનપ્રસંગો પરથી એક વાત જરૂર જણાય છે કે પહેલાંના લોકો જીવનની સમસ્યાઓ સામે અડગ રહેતા અને જિંદગીનો આસ્વાદ લેતા. આજે પણ ડૉ. હર્ષદ નવા ડેન્ટ‌િસ્ટનું માર્ગદર્શન કરે છે અને તેમના ક્ષેત્રમાં સ્ફૂર્ત‌િ સાથે કાર્યરત છે. આજની પેઢી આવનાર ખર્ચાઓ સામે આર્થિક રીતે સજ્જ જરૂર રહે છે, પણ ભવિષ્યનું સુખ શોધવામાં વર્તમાન જીવન માણવાનો સમય તેમને મળી શકતો નથી. ટૂંકમાં એમ કહી શકાય કે જૂની પેઢી ‘ટેક લાઇફ ઍઝ ઇટ કમ્સ’ના સિદ્ધાંત પર જીવન જીવતી, જ્યારે આજની પેઢી નિયોજનથી જીવી રહી છે. 

આ પણ વાંચો : પ્રસિદ્ધિથી પસ્તી સુધી

મારી જુવાનીનાં બધાં જ વર્ષો નવી લોન લેવામાં ને જૂની ચૂકવવામાં જ નીકળી રહ્યાં હતાં. એવામાં જ્યારે મારી પાસે પોતાનું ઘર પણ નહોતું અને હું લોનમાં જ ડૂબેલો હતો ત્યારે લગ્નની ઉંમર વીતી ન જાય એ માટે વડીલો છોકરી પણ શોધવા લાગ્યા. આ અમારી પેઢી હતી કે જ્યારે અમે લગ્ન પછી ખર્ચો વધશે એની માનસિક તૈયારી જરૂર રાખતા, પણ પ્રાધાન્ય તો યોગ્ય ઉંમરે લગ્ન થઈ જાય એને જ આપતાં; કારણ કે આ મારી ઉંમરના વડીલો આજે પણ એવું માને છે કે લગ્ન થાય તો બે વ્યક્તિનાં નસીબ સાથે કામ કરે અને બરકત જરૂર થાય

- ડૉ. હર્ષદ અઢિયા

columnists