ભાખરવડી-BC અને ભાખરવડી-AC

17 July, 2020 09:19 PM IST  |  Mumbai Desk | Jamanadas Majethia

ભાખરવડી-BC અને ભાખરવડી-AC

વો ભી ક્યા દિન થે : પાછળ ફરીને જોઈએ છીએ ત્યારે લાગે છે કે ઘણું બધું બદલાઈ ગયું.

‘ભાખરવડી’.
બિફોર અને આફ્ટર કોવિડ-19.
કોઈ દિવસ વિચાર્યું નહોતું કે આવી પણ પરિસ્થિતિ આવશે અને આપણે આ વિષય પર વાત કરવાનું કે પછી આવો કોઈ આર્ટિકલ મારે કરવાનો આવશે. બહુ મજાની વાતો છે આપણી ‘ભાખરવડી’ના સેટ પરની. ઘણી વાર લખી ચૂક્યો છું કે ‘ભાખરવડી’ના સેટ પર શું થાય અને બધા શું કરતા હોય.
બધા આરામથી કામ કરતા હોય. ૭ વાગ્યાની શિફ્ટમાં, ૯ વાગ્યાની શિફ્ટ હોય, બધા પોતપોતાની રીતે કામ કરવા આવી જતા હોય. પોતાની ગાડીમાં, રિક્ષામાં કે બાઇક પર કલાકારો આવે. આવે એટલે બધા રેડી થવા પોતપોતાની રૂમમાં જતા હોય, પણ જતાં પહેલાં બધા એકબીજાને મળે. સવારનો સેટ પરનો માહોલ જ એવો હોય કે બધા ખુશ હોય. બધા સાથે મળે, હસે-બોલે. ચા પીએ, ચા-કૉફી શૅર કરે અને પછી વાતો કરતાં-કરતાં પોતપોતાની મેકઅપ-રૂમમાં જઈને મેકઅપ માટે બેસે. ચારે તરફ હસી-મજાક ચાલતી હોય. નાસ્તો ચાલતો હોય તો સાથોસાથ કામની થોડી દોડાદોડી પણ ચાલતી હોય. બધા કામ વચ્ચે પહેલા સીનના શૂટની તૈયારીઓ શરૂ થાય.
બધું રેડી થઈ જાય એટલે બધા બહાર આવે. સ્ક્રિપ્ટ આપી હોય એનું બધા રીડિંગ કરે. રીડિંગ મતલબ, બધા સાથે બેસીને વાંચે, સાથે મળીને જોઈ લે અને એ ડાયલૉગ કેવી રીતે બોલવાના છે, એ સમયે કેવું ટોનેશન હશે એ નક્કી કરે. રીડિંગ થઈ ગયા પછી બધા સેટ પર આવે, આ સેટને ફ્લોર કહેવાય. ફ્લોર પર આવીને બધા રિહર્સલ્સ કરે અને એમાં પર્ફેક્ટ જતું હોય તો આગળ વધે. વચ્ચે-વચ્ચે મેકઅપ જતો હોય તો મેકઅપમૅન આવીને ટચઅપ કરી જાય. શૂટ શરૂ થાય એટલે બધા કામમાં પરોવાઈ જાય. સીન સરસ જાય તો એકબીજાને હાથતાળી આપે. મસ્તીઓ કરે. એક જ ટેકમાં સીન ઓકે થયો હોય તો બધા ખુશ થાય. એકબીજાના કામને બિરદાવે અને નાની-નાની વાત માટે એકબીજા પાસે પાર્ટી માગીને પારિવારિક માહોલ બનતો જાય. ટૂંકમાં કહું તો આવું વાતાવરણ સેટ પર હોય. સરસ અને એકદમ ખુશીથી ભરાયેલી. હજી પણ ટૂંકમાં કહેવું હોય તો એક મોટો શબ્દ હતો જેને આપણે ક્યારેય જોયો નહોતો, પણ એની ફીલિંગ્સ આપણને ખબર છે. એ શબ્દનો અનુભવ આપણે કર્યો છે, પણ આપણે ક્યારેય એકબીજાને કહ્યો નહોતો એવું વાતાવરણ. આઝાદ વાતાવરણ, સ્વતંત્ર, જેને કહીએને, મુક્ત વાતાવરણ. એવું મુક્ત વાતાવરણ જેમાં ક્રીએટિવિટી ખૂલે, ક્રીએટિવિટી ખીલે. ક્રીએટિવિટી બહાર આવતી રહે એવું વાતાવરણ આખા સેટ પર હોય. તમે સાંભળ્યું હશે કે ક્રીએટિવ કામ કરવા માટે કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ ન હોવું જોઈએ. ખૂલવું પડે અને મનને મુક્ત કરીને વિહરવું પડે.
સેટ પર પહેલાં આ પ્રકારનું વાતાવરણ હતું, જેને હવે અમે બિફોર કોવિડ-19 કહીએ છીએ. હવે વાત કરીએ અત્યારના વાતાવરણની. એ વાત પણ તમને વિસ્તારપૂર્વક કહું, પણ એ વાત કરતાં પહેલાં એક વાત કહેવાની રહી ગઈ. પહેલાં લેખકના મનમાં જે આવે એ લોકેશન લખે. રોડનો સીન પણ હોય, હોટેલનો સીન પણ હોય અને હિલ સ્ટેશન કે પછી પાર્ટી-હૉલ પણ દેખાડે. હૉસ્પિટલ આવે અને પોલીસ-સ્ટેશન પણ આવે. લગ્નપ્રસંગ પણ દેખાડે અને માર્કેટ પણ દેખાડે, જેમાં જુનિયર આર્ટિસ્ટ એટલે કે ક્રાઉડ પણ પછી દેખાડવાનું હોય. ‘ભાખરવડી’ની જ વાત કરીએ તો બન્ને દુકાનો સ્ટ્રીટમાં છે એટલે ત્યાં ખૂબ બધા લોકો ફરતા હોય અને એને માટે રોજના વીસ-પચ્ચીસ લોકો આવતા હોય. કહેવાનો ભાવાર્થ એ કે રાઇટર તેના મનમાં હોય એ મુજબ વાર્તાને ન્યાય આપવા માટે લોકેશન લખે અને અમે એ લોકેશન મુજબ જે-તે લોકેશન પર શૂટ કરવા પણ જતા હોઈએ. રાઇટરને કોઈ જાતનાં બંધન ન હોય. હા, ચોમાસાના દિવસોમાં વરસાદ પડતો હોય તો રોડ પર કે આઉટડોર એટલે કે ખુલ્લામાં શૂટ ન થઈ શકે, પણ આ બંધન બહુ મોટી વાત ન કહેવાય, એ તો સમય મુજબની જરૂરિયાત સાથે ચાલવાનું હોય, પણ હવે જ્યાંથી વાતની શરૂઆત થઈ છે ત્યાંથી જ વાતાવરણ બદલાઈ ગયું છે.
લેખકને પહેલેથી જ કહેવામાં આવે છે કે એવું લખો જ નહીં જેમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ રહે નહીં. એક બહુ મોટી લાઇન તમને કહી દઉં. કિસ હેઝ બિકમ અ ફ્લાઇંગ કિસ. સોશ્યલ ડિસ્ટન્સિંગ આને કહેવાય. જોકે ટીવીમાં ક્યારેય કિસ થતી જ નહોતી, પણ એન્ટરટેઇનમેન્ટમાં એટલે કે વેબ-સિરીઝ, પિક્ચર અને મ્યુઝિક-વિડિયોમાં તો આવું બધું આવતું, પણ આ બધા માટે લાંબા ગાળા સુધી આવા સીન કોઈ કરશે જ નહીં. ફરી આપણી વાત, પહેલેથી જ લેખકને કહેવું પડે કે ભાઈ, તું બધી ચીજમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખજે. મોટો પ્રસંગ લખે તો ક્રાઉડ લાવવું પડે કે પછી બહારના લોકેશન લખે. હવે બહાર જવું શક્ય નથી એટલે કાં તો એ અમારા સેટ પર અમારે જ બનાવવા પડે અને કાં એમાં ટેક્નૉલૉજીનો સહારો પણ લેવો પડે. અનિવાર્ય હોય એવું કોઈ લોકેશન આવી જાય તો અમારે ગ્રાફિક્સથી બતાવવું પડે કે પછી સેટ ઊભો કરવા માટે ખૂબ બધી જફા કરવી પડે. એ પણ એટલું જ સાચું કે એમાં વાંધો નથી, આ જફા એવી નથી જે ન થઈ શકે. જે જફાની વાત કરવાની છે એ જફા છે મુક્ત વાતાવરણની અને એના પર જ હવે આવવાનું છે, પણ એ પહેલાં લેખકને આપવામાં આવેલી એક ઇન્સ્ટ્રક્શનની વાત કરી દઉં. ૧૦ વર્ષથી નાનું કોઈ બાળક કે પછી ૬પ વર્ષથી મોટી ઉંમરનું કોઈ પાત્ર કે દાદાજી સીનમાં ન જોઈએ. આ બધાં રિસ્ટ્રિક્શનને ફૉલો કરવાના તો સાથોસાથ સોશ્યલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને એક સીનમાં બહુ બધા કલાકારોને નહીં રાખતાં ઓછા કલાકાર રાખવા. આ બધી વાતનું ધ્યાન રાખીને રાઇટરનો સીન લખાયો અને હવે શૂટિંગની શરૂઆત થઈ.
હવે ફરી આપણે આવી જઈએ કલાકારોની વાત પર.
સવારે કલાકાર ઘરેથી નીકળે એટલે તેને સેટ પર પહોંચવાની ઉતાવળ હોય. પહેલાં તેમને પહોંચવાની આટલી ઉતાવળ નહોતી. પહેલાં મોડું થતું તો મેસેજ કરી દે કે રસ્તામાં અટવાયો છું, આવતાં મોડું થશે. આવું કહેતી વખતે તેને મનમાં ગભરાટ ન હોય, પણ હવે ગાડીમાં બેસેલા કલાકારોને મનમાં એમ જ હોય છે કે જલદી સેટ પર પહોંચું એટલે જલદી કારમાંથી નીચે ઊતરું. કેમ તો કહે, એની ગાડી હોય તો ડ્રાઇવર હોય અને જો ટૅક્સીમાં હોય તો એ પણ કોઈ ડ્રાઇવર જ ચલાવતો હોય. એ ડ્રાઇવરે સોશ્યલ ડિસ્ટન્સિંગ બરાબર પાળ્યું હશે કે નહીં એની બીક મનમાં હોય. મનમાં હોય કે મારી સાથે ઍરકન્ડિશન કારમાં જે વ્યક્તિ છે તેને કાલે કંઈક થયું હશે અને મને એ બીમારી આવશે તો? આવા ભય વચ્ચે ગાડીમાં પણ બે વ્યક્તિ માસ્ક પહેરીને બેસી રહે છે અને ઘરેથી નીકળ્યા પછી ઝટ સેટ પહોંચવાની ઉતાવળ હોય. સેટ પર જલદી પહોંચું અને જલદી હું એકલો પડું. સેટ પર પહોંચ્યા પછી પણ ઉતાવળ તો અકબંધ જ હોય. સેટ પર આવી ગયા પછી તેને પોતાની મેકઅપ-રૂમ સુધી પહોંચવાની ઉતાવળ હોય, કારણ છે, સેફ વાતાવરણમાં પણ સેટ પર પહોંચતાં પહેલાં તેણે હજી એક પ્રોસેસમાંથી પસાર થવાનું છે.
ગાડીમાંથી ઊતરીને ગેટ પર આવવાનું. ગેટ પર આવીને સાબુથી હાથ ધોવા પડે અને પછી પોતાને સૅનિટાઇઝ કરવાના. આ પ્રોસેસ પૂરી કર્યા પછી આગળ વધો એટલે એક કાઉન્ટર પર તમને નર્સ મળે. જે તમારું ટેમ્પરેચર માપે, ઑક્સિમીટરમાં તમારું ઑક્સિજન જુએ અને એ પછી રોજના રેકૉર્ડ સાથે ચેક કરે જેથી ખબર પડે કે એમાં કોઈ ફેરફાર દેખાય છે કે નહીં. આ બધામાંથી ક્ષેમકુશળ પાર પડો એટલે તમને આગળ જવા મળે અને જો જરા ઉપર-નીચે હોય તો તમને એ ગેટમાંથી એન્ટર થવા ન મળે. આ આખી પ્રોસેસમાં પણ તમારે ઉતાવળ નથી કરવાની અને અહીં પણ સોશ્યલ ડિસ્ટન્સ રાખવાનું છે. પેલા કૂંડાળાં તમે જોયાં છેને? ડિસ્ટન્સિંગના ગોળ વાઇટ કૂંડાળાં, એમાં તમારે ઊભા રહેવાનું અને તમારો વારો આવે એટલે તમારે આગળ વધવાનું. તમે સવારે આવીને જુઓ તો સેટના ગેટની બહાર થયેલાં કૂંડાળાંમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે લાઇન જોવા મળે, બધા એમાં હારબંધ ઊભા હોય.
આ આફ્ટર કોવિડ-19ને કારણે આવેલા સુધારાની પહેલી ઝલક છે અને આ ઝલક આપણે આવતા વીકમાં પણ જોવાની ચાલુ રાખવાની છે, પણ એ પહેલાં મને એક વાત કહેવી છે કે ‘ભાખરવડી’ જોવાનું ચૂકતા નહીં.

JD Majethia columnists