કાચબો અને સસલું: મંઝિલ અપની-અપની

22 August, 2020 06:24 PM IST  |  Mumbai | Sanjay Raval

કાચબો અને સસલું: મંઝિલ અપની-અપની

પ્રતીકાત્મક તસવીર

તમે કાચબા અને સસલાની વાર્તા સાંભળી છેને?

જો આ સવાલ પૂછું તો એંસીથી નેવું ટકા વાચક હા જ પાડે અને એ સાચું પણ છે જ. મોટા ભાગના લોકોએ પોતાના બાળપણમાં આ સ્ટોરી સાંભળી જ હોય અને પછી જીવનના જુદા-જુદા તબક્કામાં એ સ્ટોરી કોઈને કોઈ રીતે યાદ પણ આવી હોય, પણ એમ છતાં એ જ વાર્તા આજે મારે તમને પાછી કહેવી છે.

ખાસ હેતુથી અને ખાસ ઇરાદા સાથે, એક નવા દૃષ્ટિકોણથી.

એક કાચબો હતો અને એક સસલું હતું.

બન્ને ભાઈબંધ પણ બન્ને વચ્ચે ચડસાચડસી બહુ થયા કરે. એક વખત એવી જ ચડસાચડસીમાં બન્નેએ શરત લગાવી કે કોણ વધારે ઝડપથી દોડી શકે. શરત મુજબ સસલું આગળ ભાગ્યું અને આગળ જઈને ઊંઘી ગયું, એમ વિચારીને કે કાચબો તો હજી ઘણો પાછળ છે; કોણ જાણે એ ક્યારે આવશે. કાચબો હતો પણ ધીમો એટલે સસલાના મનમાં વિચાર આવ્યો કે કાચબો આ જ રસ્તેથી આગળ વધશે. એ જ્યારે અહીંથી નીકળશે, અહીંથી પાસ થશે ત્યારે હું ફરીથી ભાગવા માંડીશ અને ભાગીને આરામથી આ રેસ જીતી જઈશ. બસ, સસ્સા મહારાજ તો સૂઈ ગયા અને ધીમી ગતિએ આગળ વધતો કાચબો આગળ નીકળી ગયો અને રેસ પણ જીતી ગયો. આ વાર્તા તમને ખબર જ હતી એ મને ખબર છે અને લગભગ બધાને ખબર જ છે એ પણ મને ખબર છે, પણ આ વાર્તામાં કાચબો કોનું પ્રતિનિધિત્વ કરે છે અને સસલું કોણ છે એની ખબર નહીં હોય એની મને ખાતરી છે. આ જ કહેવા માટે મેં અહીં આ આખી વાર્તા રિપીટ કરી છે.

વાર્તામાં જે કાચબો છે એ કાચબો દિલનું પ્રતિનિધિત્વ કરે છે અને સસલું એટલે તમારુ મન, માણસનું મન. જીવનમાં સસલું કંઈ પણ કહે અને કંઈ પણ કરવાનો એ આદેશ આપે એ કરતાં પહેલાં અને એનું માનતાં પહેલાં સો ગળણે ગાળીને એની વાત માનવાની, કારણ કે એ મન છે અને મન સસલા જેવું છે. એ કૂદતું જ રહેશે, અસ્થિર થઈને જ વર્તશે. એની આ ચંચળતા એ જ એનો સ્વભાવ છે. એ તમને કરવાનાં કામ પણ સોંપશે અને ન કરવાનું કામ પણ ચીંધશે. યાદ રાખજો મિત્રો, જ્યારે સસલું કંઈ પણ કરવાનું કહે ત્યારે ધીરગંભીર બનીને એક વાર કાચબાને એટલે કે તમારા દિલને પૂછી લેવાનું. યાદ રહે, સામે કંઈ પણ હોય. કંઈ પણ એટલે કંઈ પણ. ઘર હોય, તમારો અંગત સંસાર હોય, તમારો પરિવાર હોય, માબાપ હોય કે પછી સામે ભાઈબહેન હોય, બૉસ હોય કે પછી વાઇફ સામે ઊભી હોય. કોઈ પણ ઊભું હોય અને કંઈ પણ હોય, દિલ એમ કહે કે આમ કરો. જો એનું માનશો અને એમ કરશો તો કોઈ દિવસ દુખી નહીં થાઓ અને ક્યારેય તમને એ વાતનો પસ્તાવો નહીં થાય. હા, એવું કર્યા પછી મહેણાં સાંભળવા પડે, દુનિયા તમને ગાંડા ગણે કે પછી તમને મૂર્ખ કહે એવું બને. એવું પણ બને કે સસલાની ઝડપ જોઈને પહેલે ઝાટકે જ હારી જાઓ, પણ એવું પણ નહીં થાય. તમે માત્ર હિંમતભેર આગળ વધતા રહેજો. જીત તમારી જ થશે. લગ્ન હોય કે કરીઅર, નોકરી હોય કે એજ્યુકેશન, દિલ કહેશે આમ કરો એટલે વિચારવાની તસ્દી લીધા વિના કે પછી મગજને હેરાન કર્યા વિના એ કરી લેવાનું. ઘણી વાર લાગે એવું કે સામે હાર છે અને દિલ જે કહેતું હોય એમ કરવું અઘરું પણ હોય પણ યાદ રાખજો, દિલ કહે એમ કર્યું હશે તો જ્યારે તકદીર પરથી પડદો ઊપડશે ત્યારે જીત તમારી જ હશે.

હું તમને મારી વાત કહું. હું છેલ્લાં છ એક વર્ષથી મહિને ચારેક લાખ રૂપિયાનું નુકસાન કરીને પણ પુસ્તકોની દુકાન ચલાવું છું. અમદાવાદમાં પણ દુકાન છે અને પાલનપુરમાં છે. આ વર્ષમાં બે બીજી બુક શૉપ્સ કરવાનો પ્લાન હતો પણ એ પ્લાન કોરોનાના કારણે ડિસ્ટર્બ થયો છે, પણ શૉપ કરીશ એ નક્કી છે. આવતા વર્ષે થશે એ બે દુકાન પણ અત્યારે મારો મુદ્દો એ છે કે કેટલા રૂપિયાની નુકસાની થાય છે દુકાનમાંથી?

જવાબ છે ચારેક લાખની અને કેટલા સમયથી થાય છે આ નુકસાની?

છએક વર્ષથી અને એમ છતાં આ દુકાન મેં બંધ નથી કરી. કેમ, શું કામ?

મારું દિલ કહે છે કે આ કામ કર અને હું એનું માનીને આ કરું છુ. મને પણ ખબર છે કે આ રીતે નુકસાન સહન કરવું મને કાયમ પોસાવાનું નથી અને કાયમી નુકસાન મારા જેવી વ્યક્તિને પોસાય પણ નહીં, જો આમ જ ચાલુ રાખું તો એક દિવસ પાયમાલ થઈ જાઉં. તો પણ બસ, દિલ કહે છે કે આ કરવાનું છે અને એટલે કરું છું. તમને માનવામાં નહીં આવે, પણ આ કામ કરુ છું ત્યારે વર્ષમાં એકાદ એવો દિવસ આવી જાય છે કે મને મારા બિઝનેસમાં એવડો મોટો લાભ થઈ આવે છે કે મારી બધી નુકસાની એક જ ઝાટકે ચાલી જાય છે. આવું શું કામ થાય છે, આવું કેવી રીતે થઈ શકે?

દોસ્તો, સાચું કહું તો ઈશ્વર જોતો હોય છે તમારી નિષ્ઠા અને તમારી પ્રામાણિકતા અને આ દિલનું કનેક્શન તો ડાયરેક્ટ ઈશ્વર સાથે જ છે. ઈશ્વરે એક કામ એવું કરી આપે કે મારી બધી નુકસાનીમાંથી હું બહાર આવી જાઉં અને જ્યારે આવું બને ત્યારે મને સમજાઈ જાય કે ઈશ્વર નુકસાની આપે ત્યારે તેની સામે ટકી રહેવાની હામ પણ તે આપે જ છે. મારી જ વાત કહું તમને તો બારમા ધોરણમાં મને બાવન ટકા ન આવ્યા હોત તો મારે બીએસસી કરવું ન પડ્યું હોત અને એ ન કર્યું હોત તો હું ક્યારેય ડાયમન્ડના ધંધામાં ન આવ્યો હોત અને જો એવું ન બન્યું હોત તો ક્યારેય મારામાં આવી નુકસાની ખમવાની હામ પણ ન આવી હોત. પણ એ આવી એટલે કે મેં મારા દિલની વાત સાંભળવાનું જ રાખ્યું છે. આજે પણ હું જે જગ્યા પર, જે સ્થાન પર છું એ માત્રને માત્ર દિલની વાતો માની છે એટલે જ છું. હું સેમિનાર માટે જાઉં છું અને એક પણ પૈસો ચાર્જ નથી કરતો. કારણ? મારું દિલ કહે છે. એણે જ મને કામ ચીંધ્યું અને એણે ચીંધ્યું એટલે જ હું આ કામ કરુ છું, દિલે જ શીખવ્યું કે આ કામના પૈસા નથી લેવાના. મારા બોલવાથી અને સેમિનારમાં યંગસ્ટર્સને શિખામણ આપવાથી કેટલા લોકો ખુશ થાય છે. બસ, એ લોકોની ખુશી જોઈને મને મજા આવી જાય છે. પણ સાહેબ, ઘણાને હું ગાંડો લાગું છું. ઘણા એવું પણ કહે છે કે આ રીતે મફતમાં થોડા હેરાન થવાનું હોય? પણ મને ભગવાન આપી દે છે અને તમને પણ આપી જ દેશે જો તમે દિલનું કહ્યું કરશો અને એની વાત માનશો.

સાહેબ, એક વખત, ખાલી એક વખત દિલનું કહ્યું કરો તો ખરા, તમને ક્યારેય નિરાશા નહીં આવે. ક્યારેય તમારું દિલ તમને નિરાશ નહીં કરે. કોઈને મારી વાત વધારે પડતી લાગશે પણ સાચું કહું તો દિલનું કહ્યું કરવામાં તમને હિંમતની જરૂર પડે એવું પણ બને અને ક્યારેક એવું પણ થાય કે એવું કરવા જતાં આર્થિક નુકસાન પણ થાય. પણ એક વખત મારું કહ્યું માનીને ઝંપલાવી દેજો અને દિલનું કહ્યું કરી લેજો. દિલનો અવાજ મન કરતાં મોટો હશે અને એ મોટો અવાજ તમને ભયમુક્ત બનાવવાનું કામ કરશે. તમારી પાસે પૂરતો સમય છે નક્કી કરવા માટે અને એ નક્કી કર્યા પછી તમે ક્યારેય પાછા નથી ફરવાના અને પછી આગળના માર્ગમાં જે આવે એ નિભાવવાનું જ છે એ નક્કી જ છે. દિલનું કહ્યું કરશો તો કદાચ માર્ગ કઠિન હશે, પણ એમાં ખુશી હશે. તમારા લીધેલા નિર્ણયો દરેક વખતે સાચા પડે એવું જરૂરી નથી, પણ એ નક્કી છે કે જો તમે દિલનું સાંભળીને આગળ વધ્યા હશે તો તમારું ભવિષ્ય ઊજળું રહેશે. એવા સમયે તમારે અથડાવું-કૂટાવું નહીં પડે અને જો પેલા સસ્સામહારાજના કહેવા મુજબ ચાલ્યા હશો તો વર્તમાન ઊજળો હોઈ શકે પણ ભવિષ્ય માટે કોઈ કંઈ કહી નહીં શકે.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists Sanjay Raval