એક કાબેલ ઇલેક્ટ્રિશ્યન હોવાને નાતે સંગીતકાર રવિના સંગીતમાં પણ સ્પાર્ક હતો

28 March, 2021 12:14 PM IST  |  Mumbai | Rajani Mehta

દિલ્હીમાં મારી પાડોશમાં એક છોકરા સાથે મારી દોસ્તી થઈ. તેનું નામ હતું ચંદ્રા. થોડા સમય બાદ મને ખબર પડી કે તે દેવેન્દ્ર ગોયલનો ભત્રીજો છે.

મોહમ્મદ રફી સાથે સંગીતકાર રવિ.

સંગીતકાર રવિની સંગીત-સફર પર નજર નાખતાં એક વાત કહી શકાય કે તેઓ ફૅમિલી મ્યુઝિક ડિરેક્ટર હતા. જીવનના અનેક તબક્કા અને સંબંધો પરનાં તેમનાં ગીતોનું એક લાંબું લિસ્ટ બનાવી શકાય; જેમાં ‘ચંદા  મામા  દૂર કે,’ (વચન), ‘અય મેરી ઝોહરા જબીં’ (વક્ત), ‘તુઝે સૂરજ કહૂં યા ચંદા’ (એક ફૂલ દો માલી) અને બીજાં અનેક ગીતો તરત યાદ આવે. ખાસ કરીને લગ્નપ્રસંગે તેમનાં આ ચાર ગીતો બૅન્ડવાળાઓનાં ફેવરિટ હતાં; ‘આજ મેરે યાર કી  શાદી હૈ’ (આદમી સડક કા), ‘ડોલી ચઢકે દુલ્હન સસુરાલ ચલી’ (ડોલી), ‘મેરા યાર બના હૈ દુલ્હા’ (ચૌદહવીં કા ચાંદ) અને ‘બાબુલ કી દુઆએં લેતી જા’ (નીલ કમલ). એક વિવેચકે મજાકમાં લખ્યું હતું, ‘ઓ જાનેવાલે બાબુ એક પૈસા દે દે’ (વચન) અને એ ગીત ગાઈને ભિક્ષુકોએ લાખોની કમાણી કરી છે.  
સંગીતકાર તરીકે રવિની પહેલી ફિલ્મ હતી ‘વચન.’ આ ફિલ્મ તેમને કઈ રીતે મળી એની વાત કરતાં તેઓ કહે છે, ‘દિલ્હીમાં મારી પાડોશમાં એક છોકરા સાથે મારી દોસ્તી થઈ. તેનું નામ હતું ચંદ્રા. થોડા સમય બાદ મને ખબર પડી કે તે દેવેન્દ્ર ગોયલનો ભત્રીજો છે. એક દિવસ તેણે કહ્યું કે દેવેન્દ્ર ગોયલ એક લો બજેટ ફિલ્મ બનાવે છે એ માટે હું તારું નામ રેકમન્ડ કરું છું. શરત એટલી કે સંગીતકાર તરીકે આપણા બન્નેનું નામ આવવું જોઈએ. મને ખબર હતી કે સંગીત સાથે તેને કોઈ લેવા-દેવા નથી, પરંતુ મને મોકો મળતો હતો એટલે મેં હા પાડી.’
 આમ સંગીતકાર ‘રવિ-ચંદ્રા’ની જોડી ફિલ્મ ‘વચન’ માટે નક્કી થઈ. એનાં ગીતો ફિલ્મની રિલીઝ પહેલાં જ હિટ થયાં એટલે દેવેન્દ્ર ગોયલે પોતાની બીજી ફિલ્મ ‘અલબેલી’ માટે મને સાઇન કરવાની ઇચ્છા દર્શાવી. મેં એને માટે ના પાડી. જ્યારે તેમણે કારણ પૂછ્યું ત્યારે મેં  સાચી વાત કરી. આ વાતની ખબર પડતાં તેમણે મને કહ્યું કે તમે એકલા જ સંગીત આપજો. તરત તેમણે એચએમવીમાં ફોન કર્યો અને કહ્યું કે ‘વચન’ની રેકૉર્ડ્સ પરથી ચંદ્રાનું નામ કાઢી નાખે.’
સંગીતકાર રવિએ ૯૨ હિન્દી, ૧૪ મલયાલમ, ૬ પંજાબી અને બે ગુજરાતી ફિલ્મ (‘ઘેર ઘેર માટીના ચૂલા’ અને ‘વેરની વસૂલાત’)માં સંગીત આપ્યું છે. તેમની સાઉથની ૯ ફિલ્મો મ્યુઝિકલી હિટ હતી. એ વિશે વાત કરતાં તેઓ કહે છે... 
 જે ભાષાનો કક્કો પણ મને ખબર નથી એ ફિલ્મોમાં હું સંગીત આપીશ એવું મેં કદી વિચાર્યું પણ નહોતું. સાઉથની હિન્દી ફિલ્મોમાં મારું સંગીત પૉપ્યુલર હતું એટલે ત્યાંના ઘણા પ્રોડ્યુસર મને જાણતા હતા. એક કાર્યક્રમમાં મને મલયાલમ પ્રોડ્યુસર હરિહરને કહ્યું કે ‘મારી ફિલ્મમાં સંગીત આપશો?’ મને નવાઈ લાગી. તેઓ કહે, ‘તમારું સંગીત કર્ણપ્રિય છે અને મારા ઑડિયન્સને ગમશે એની મને ખાતરી છે.’ મેં તરત હા પાડી. એ દિવસોમાં સાઉથની ફિલ્મોમાં  રવિ નામનો સંગીતકાર કામ કરતો હતો એટલે મેં ‘રવિ બૉમ્બે’ના નામે ફિલ્મોમાં સંગીત આપ્યું.   
 મલયાલમ ફિલ્મોના સંગીતકાર તરીકે મને ૩ સ્ટેટ અવૉર્ડ અને ૧ નૅશનલ અવૉર્ડ મળ્યા છે. શ્રીલંકાની સરકારે મને સ્ટેટ ગેસ્ટ તરીકે આમંત્રણ આપીને મારાં ગીતોના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એ સમયે શ્રીલંકાના રાષ્ટ્રપતિનો હું મહેમાન હતો. તેઓ સંગીતના અને મારાં ગીતોના શોખીન હતા. એ કાર્યક્રમમાં મારાં ૪૦ ગીતોની રજૂઆત કરી હતી.  
એ મુલાકાતમાં શ્રીલંકા રેડિયો (રેડિયો સિલોન)ના અધિકારીઓએ મને રેડિયો-સ્ટેશન બોલાવીને મારું સન્માન કર્યું હતું. એક રૂમમાં તેમણે મારાં દરેક ગીતની ૭૮ આરપીએમ રેકૉર્ડનો સંગ્રહ કર્યો છે. મને કહે, ‘આપકો જો ગાના ચાહિએ, હમારે પાસ હૈ.’
 તેમનો પ્રેમ અને આદર જોઈને હું ભાવવિભોર થઈ ગયો. તેમને મારાં અનેક ગીતો પસંદ હતાં, પરંતુ ખાસ કરીને મોહમ્મદ રફી સાથેનાં ગીતો માટે તેમનો વિશેષ લગાવ હતો. રફીસા’બ વિશે જાણવા માટે તેઓ ખૂબ ઉત્સુક હતા. મેં તેમના દરિયાદિલ સ્વભાવના થોડા કિસ્સા શૅર કર્યા. ઘણી વાર એમ થાય કે આપણા મનમાં ક્યારેક ખોટ આવી જાય એ શક્ય છે, પરંતુ તેમના જેવો નેકદિલ ઇન્સાન બીજો કોઈ નહીં હોય. મને એક કિસ્સો યાદ આવે છે... 
સાહિર લુધિયાનવીના એક ગીતનું રેકૉર્ડિંગ હતું. રફીસા’બ રિહર્સલ કરતા હતા. ફાઇનલ ટેકની તૈયારી હતી એટલામાં મારા માટે એક ફોન આવ્યો. મેં ફોન લીધો અને ‘ઠીક હૈ, ઠીક હૈ’ કહીને મૂકી દીધો. એક-દોઢ કલાક પછી રેકૉર્ડિંગ પૂરું થયું. રફીસા’બ કહે, ‘હું જરા સાંભળી લઉં.’ મેં કહ્યું, ‘એની જરૂર નથી. પર્ફેક્ટ રેકૉર્ડિંગ થયું છે. તમે ઘરે જાઓ.’ તો કહે, ‘ઉતાવળ શું છે? એક વાર સાંભળી લઉં તો મને સંતોષ થાય.’ મેં કહ્યું, ‘તમારો દીકરો પડી ગયો છે. ઘરે સૌ તમારી રાહ જુએ છે.’
તેમણે એમ પણ ન પૂછ્યું કે તમને ક્યારે ખબર પડી કે કોણે કહ્યું? ચૂપચાપ તેઓ જતા રહ્યા. જો રેકૉ‌ર્ડિંગ પહેલાં આ સમાચાર તેમને આપ્યા હોત તો તેઓ રેકૉ‌ર્ડિંગ છોડીને ઘેર જતા રહ્યા હોત અને કામ અધૂરું રહી જાત. મારા સ્વાર્થ ખાતર મેં આવું કર્યું, પણ તેમણે કોઈ ફરિયાદ નહોતી કરી. ખરેખર તેઓ એક મહાન ઇન્સાન હતા.’  
મારો એક ચાહક હતો. તે હંમેશાં મને ઉર્દૂમાં કાગળ લખે. મને ઉર્દૂ આવડતું નથી. હું એ કાગળ અલગ રાખતો. અમારા એક ઉર્દૂ રાઇટર હતા. તેઓ મળે ત્યારે તેમને કાગળ  બતાવું. તેઓ કહે, આ વ્યક્તિ તમારાં ગીતોનો દીવાનો છે. તમારાં વખાણ કરે છે. એક કાગળમાં તેણે લખ્યું કે તમારી અને મોહમ્મદ રફીની જોડી અદ્ભુત છે અને સાથે એક શેર લખ્યો હતો... 
‘રફી–રવિ યે ફનકાર, 
એક ગાયક એક મૌસીકાર
અમર રહેંગે ઉનકે નગમે, 
જબ તક હૈ સારા સંસાર.’    
 રફીસા’બ સાથેનું મારું રેકૉર્ડ થયેલું છેલ્લું ગીત હતું, ‘જાને બહાર હુસ્ન તેરા બેમિસાલ  હૈ.’ તેમની વિદાય પછી હું ભાંગી પડ્યો. મનમાં થતું કે હવે મારાં ગીતોને જીવંત કોણ બનાવશે? તેમની ખોટ કદીયે પૂરી ન શકાય.  
lll
સંગીતકાર રવિનો ઇન્ડસ્ટ્રીમાં કોઈ ગૉડફાધર નહોતો. પોતાની આવડતનાં બણગાં  ફૂંકવાની તેમની આદત નહોતી. એક સ્ટેડી કમ્પોઝર તરીકે તેમણે અનેક લોકપ્રિય અને ગુણવત્તાસભર ધૂનો બનાવી. તેમનું નામ ટૉપના  સંગીતકારોમાં ભલે ન લેવાય, પરંતુ સંગીતના જાણકારોને તેમને માટે માન હતું. વિખ્યાત સંગીતકાર ખૈયામ સાથે મારી મુલાકાત થઈ ત્યારે તેમણે રવિ વિશે કહેલી વાત યાદ આવે છે (યોગાનુયોગ સંગીતકાર રવિના અભિવાદનના કાર્યક્રમના ત્રણ મહિના બાદ અમને સંગીતકાર ખૈયામનું અભિવાદન કરવાનો મોકો મળ્યો હતો). ‘ભારતના એક ગુણી સંગીતકાર તરીકે હું રવિની ઇજ્જત કરું છું. તેઓ મારા મનપસંદ સંગીતકાર છે. તેમની ધૂનોમાં જે સાદગી છે એ જ તેમની સાચી બ્યુટી છે. તેમના સંગીતમાં એક કશિશ છે, જે હૃદયને સ્પર્શે છે. તેમનામાં શાયરીની ઊંડી સમજ છે. ભલે તેમની ફિલ્મોએ જ્યુબિલી ન ઊજવી હોય, પરંતુ શ્રોતાના મનમાં તેમનાં ગીતો ગુંજતાં હોય છે. તેઓ પ્રોડ્યુસર-ડાયરેક્ટરના સંગીતકાર હતા. રફીસા’બ પાસેથી તેમણે અદ્ભુત કામ લીધું.’
ત્રણ દિવસ પહેલાં સંગીતકાર આણંદજીભાઈ સાથે વાત થઈ. સંગીતકાર રવિ વિશે તેમનો અભિપ્રાય પૂછ્યો તો તેમણે સરસ વાત કરી, ‘ધારો કે એક દરજી પાસે કાપડ લઈને જઈએ અને કહીએ કે આમાંથી સારો ડ્રેસ બનાવવાનો છે એટલે પહેલાં તે કાપડ માપે. ઓછું હોય તો બીજું કાપડ મગાવે. આપણે કહીએ કે જો ભાઈ, હવે બીજું કાપડ મળે એમ નથી. આ જે છે એમાંથી કામ ચલાવ. હોશિયાર દરજી હોય તો એમાંથી જ સરસ ડ્રેસ બનાવી આપે. રવિ એવા સંગીતકાર હતા કે પ્રોડ્યુસર પાસે લિમિટેડ બજેટ હોય તો પણ સરસ કર્ણપ્રિય ધૂન બનાવી આપતા. અફસોસ કે તેમની આ કાબેલિયતની નોંધ નથી લેવાઈ.’  
વાત સાચી છે. તેમને જે રેકગ્નેશન મળવું જોઈએ એ મળ્યું નથી. ઘણી વાર એવું બને કે શ્રોતાઓને એક ગીત ગમી જાય, પરંતુ એના સંગીતકારનું નામ યાદ ન આવે. હા, ઊંડા ઊતરે ત્યારે ખબર પડે કે મોટા ભાગે એ ગીત રવિનું હોય. જેમ બીજા સંગીતકારોના ગીતને સાંભળતાં જ ઓળખી જઈએ એમ રવિનાં ગીતોને કોઈ પર્ટિક્યુલર સ્લૉટ કે આઇડેન્ટિટી પૅટર્નમાં નાખી ન શકો.
તેઓ વિનર નહીં, અલ્સો રેન હતા. દુનિયા વિજેતાને યાદ રાખે છે, ભાગ લેનારને નહીં. એક ગીતની સફળતામાં સંગીતકાર, ગાયક કલાકાર અને ગીતકારનો હિસ્સો હોય છે; ભલે તેની માત્રા ઓછી-વધતી હોઈ શકે. રવિ આ બાબતે થોડા કમનસીબ હતા. ‘ચૌદહવીં કા ચાંદ’, ‘દો બદન’, ‘હમરાઝ’,  ‘આંખેં’, ‘નિકાહ’ માટે તેમનું નામ નૉમિનેટ થયું હતું (ફિલ્મ ફેર અને બીજા અવૉર્ડ્સની વાત છે). ‘ચૌદહવીં કા ચાંદ હો’ માટે મોહમ્મદ રફી (બેસ્ટ સિંગર) અને શકીલ બદાયુની (બેસ્ટ લિરિસિસ્ટ)ને અવૉર્ડ મળ્યો, પરંતુ રવિને ભૂલી જવાયા. આવી જ રીતે ‘ગુમરાહ’ માટે સાહિર (ગીતકાર) અને મહેન્દ્ર કપૂર (સિંગર)ને અવૉર્ડ મળ્યો, જ્યારે રવિને નજરઅંદાજ કરવામાં આવ્યા. ફરી એક વાર તેમને અન્યાય થયો, જ્યારે ‘નિકાહ’ માટે  સલમા આગા (સિંગર) અને હસન કમાલ (ગીતકાર)ને અવૉર્ડ મળ્યો અને રવિના યોગદાનની  નોંધ ન લેવાઈ.  
એ વાતનું આશ્વાસન તેઓ જરૂર લઈ શકે કે તેમને ‘ઘરાના’ (૧૯૬૧) અને ‘ખાનદાન’ (૧૯૬૫) માટે બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરનો ફિલ્મ ફેર અવૉર્ડ મળ્યો હતો.  સંગીતક્ષેત્રે તેમના યોગદાનની કદરરૂપે ૧૯૭૧માં તેમને ‘પદ્‍મશ્રી’ મળ્યો.                                                                        
ભલે તેમણે ક્વૉન્ટિટીમાં કામ ન કર્યું, પણ ક્વૉલિટી કામ કર્યું. એક કાબેલ ઇલેક્ટ્રિશિયન હોવાના નાતે તેમના સંગીતમાં ચમકારા (સ્પાર્ક) હતા અને પોતાના કામને કારણે તેમણે સંગીતપ્રેમીઓને સુખદ આંચકા (શૉક્સ) આપ્યા હતા એ કેમ ભુલાય? છેવટે તો તમે કેટલું કામ નહીં, કેવું કામ કર્યું એની જ નોંધ લેવાય છે. 
૨૦૧૨ની ૭ માર્ચે તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી ત્યારે સાચા સંગીતપ્રેમીઓને આ ગીત જરૂર યાદ આવ્યું હશે... 
‘સૌ બાર જનમ લેંગે 
સૌ બાર ફના હોંગે 
ઐ જાને વફા ફિર ભી 
હમ તુમ ના જુદા હોંગે...’ 

ઍક્ટ્રેસ વિમ્મીને બ્રેક અપાવવામાં મદદગાર

વીતેલા યુગની હિરોઇન વિમ્મી સંગીતકાર રવિના મિત્રની પત્ની હતી. તેના વિશે વાત કરતાં રવિ એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘તે બહુ સુંદર હતી. એક વખત અમે પાર્ટીમાં બેઠા હતા અને મેં તેનાં વખાણ કરતાં કહ્યું કે ‘તું તો ફિલ્મોની હિરોઇન જેટલી સુંદર છો.’ બસ, આ વાત તેના મનમાં ઘર કરી ગઈ. તેના મગજમાં હિરોઇન થવાનું ભૂત એવું સવાર થઈ ગયું કે એક દિવસ તે ઘરબાર, પતિ અને બાળકોને દિલ્હીમાં છોડીને મુંબઈ આવી ગઈ. મને કહે, ‘હું પાછી નહીં જાઉં. તમારે ઘણી ઓળખાણ છે. મારે હિરોઇન બનવું છે. પ્લીઝ મને મદદ કરો.’ મેં ફરી પાછું સમજાવ્યું કે ‘આ રીતે અનેક યુવતીઓ મોટાં સપનાં લઈને મુંબઈ આવે છે અને નિરાશ થઈને પાછી જાય છે.’ પણ તે તેની જીદ પર અડગ હતી.’
 ‘છેવટે મેં બી. આર. ચોપડા સાથે તેની મુલાકાત કરાવી. સાહિર પણ ત્યાં હાજર હતા. તેઓ બન્ને તેનું રૂપ જોઈને છક થઈ ગયા. તેને પૂછ્યું કે ‘અભિનય કરતાં આવડે છે?’ જવાબ મળ્યો કે ‘એ તો ફટાફટ શીખી જઈશ.’ બન્નેને લાગ્યું કે વાંધો નહીં આવે. આમ તે ‘હમરાઝ’માં હિરોઇન બની. મુશ્કેલી એ હતી કે તેનામાં અભિનયક્ષમતા જરાય નહોતી. ત્રણ-ચાર ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ વાત આગળ ન વધી. દુઃખની વાત એ બની કે અમુક લોકોએ તેનું શોષણ કર્યું. તે દારૂના રવાડે ચડી ગઈ અને બહુ ખરાબ હાલતમાં તેનું અવસાન થયું.’ 

rajani mehta columnists