ભાષાને બચાવવાનું અભિયાન શરૂ કરતાં પહેલાં યાદ રાખવું કે...

09 July, 2020 05:32 PM IST  |  Mumbai Desk | Manoj Joshi

ભાષાને બચાવવાનું અભિયાન શરૂ કરતાં પહેલાં યાદ રાખવું કે...

પહેલાં નિયમિત રીતે મુંબઈમાં મુશાયરાઓ થતા, જ્યાં જવાની અને એકેક દિગ્ગજ કવિઓને સાંભળવાની અદ્ભુત મજા આવતી. આ મુશાયરાઓ હવે બંધ થઈ ગયા છે અને કોઈ વાર, સાવ જ્વલ્લેજ કોઈ જગ્યાએ એકાદા મુશાયરાનું આયોજન થઈ જાય તો ત્યાં જવાનું મન નથી થતું. ગુજરાતી ભાષાને લબ્ધપ્રતિષ્ઠા આપે એ સ્તરના એ મુશાયરા હતા. મુશાયરો થયો હોય એ ઑડિટોરિયમમાંથી તમે બહાર આવો ત્યારે તમે ભાષાથી માંડીને શબ્દવૈભવ અને ભાષાની સાથે જોડાયેલી મુલાયમ લાગણીઓથી તરબતર થઈ ગયા હો. મનમાં સતત એ વિચારો ચાલી રહ્યા હોય અને એ વિચારોમાં ક્યાંય ભાષાઓનો ખિચડો ન હોય. આજની ગુજરાતીમાં ચાર અંગ્રેજી અને પાંચ હિન્દી શબ્દ આવે ત્યારે મકરસંક્રા‌‌‌‌ન્તિએ થતા સાત ધાનવાળા ખિચડાની પહેલી યાદ આવે, પણ એ મુશાયરાનો અનુભવ જેણે લીધો હશે એને ખબર હશે કે એ મુશાયરો અઠવાડિયાંઓ સુધી તમારી સાથે રહેતો, તમે એને જીવતા અને તમે એને વાગોળતા. એ જે મુશાયરા હતા એ મુશાયરા જરૂરી હતા અને આજે પણ એની જરૂરિયાત અકબંધ છે.
ગુજરાતી ભાષાને સાચવવી અને ગુજરાતી ભાષાને આજે છે એના કરતાં વધુ સારા સ્તર પર લઈ જવા માટે મહેનત કરવાની જરૂર છે. વિશ્વ ભાષા દિવસ આવે એ એક જ દિવસ પૂરતી આ મહેનત સીમિત રાખવાને બદલે કે પછી એ એક દિવસના માનમાં ચાર-છ લોકોના વર્ઝન લઈને આર્ટિકલ કરી નાખવાને બદલે હું કહીશ કે કશું નક્કર થવું જોઈએ. જો તમે ભાષાનું મહત્ત્વ અકબંધ રાખવા માગતા હો તો વિશ્વ ભાષા દિવસને દિવસમાંથી વર્ષમાં બદલી નાખો એ જરૂરી છે.
એ સમયે પણ મુંબઈમાં ગુજરાતી ભાષા બોલનારાઓ ઓછા જ હતા. મોટા ભાગે વાતોનો વ્યવહાર મરાઠી અને હિન્દીનો જ રહેતો, જેવો આજે છે. કોઈ ફરક નહોતો એમાં અને એ હોવો પણ ન જોઈએ. તમે અમેરિકા જાવ તો તમારી વાતચીતનો વ્યવહાર અંગ્રેજી જ હોય. એવા સમયે એવો દુરાગ્રહ કરો કે ગુજરાતી જ બોલીશ તો હાલત ખરાબ થઈ જાય. એવો દુરાગ્રહ કરવો જ ન જોઈએ, પણ આગ્રહ એ પ્રકારનો હોવો જોઈએ કે પોતાની વ્યક્તિ સાથે, પોતાની ભાષા સાથે જોડાયેલી વ્યક્તિઓ સાથે ગુજરાતીમાં વ્યવહાર રાખે અને એ વ્યવહાર રાખવા ઉપરાંત પણ તે ગુજરાતી ભાષા સાથે એ સૌકોઈને જોડે જે ગુજરાતી ભાષાથી પર થઈ રહ્યા છે કે માતૃભાષાને છોડીને આગળ નીકળી ગયા છે. મુશાયરા આમ તો નિજાનંદ માટે થતા હતા, પણ એ નિજાનંદ પછી એક હકીકત એ પણ હતી કે એ ભાષામાં રહેલી લાગણીઓની વાત પણ તન અને મન સાથે જોડી દેવાનું કામ કરતા હતા અને અદ્ભુત રીતે કરતા હતા. એ કામ કરવાની અને એ કામને આગળ વધારવાની જરૂરિયાત છે. જે પેઢી ગુજરાતીથી દૂર થઈ રહી છે એ પેઢી ગુજરાતીની નજીક આપોઆપ આવશે, જો ગુજરાતીને તેની સાથે લાગણીથી જોડવામાં આવશે તો, બાકી ભાષા બચાવવાનું અભિયાન દિશાશૂન્ય બનીને કરવામાં આવશે તો હાથમાં નિરાશા જ આવશે એ પણ એટલું જ નક્કી છે.

manoj joshi columnists