આસ્તિક હોય કે નાસ્તિક, હૃદયમાં સદ્ભાવનાની પ્રતિમા અવશ્ય હોય

06 May, 2021 11:56 AM IST  |  Mumbai | Morari Bapu

વિશ્વના જે ધર્મોમાં મૂર્તિપૂજાનો મહિમા કે બુતખાનાનો રિવાજ નથી ત્યાં પણ ભક્ત પોતાના માણસમાં સદ્ગુરુની અથવા માલિકની કલ્પના કરી પૂજા અથવા બંદગી કરતો હોય છે

GMD Logo

વાત ચાલે છે દક્ષ અને પ્રસૃતિની તેર પુત્રીઓ પૈકીની અગિયારમી દીકરી તિતિક્ષાની. સંકટનો પ્રતિકાર કરવાની ક્ષમતા હોય છતાં પ્રતિકાર કર્યા વિના ધીરજથી આવી પડેલા દુઃખને સહન કરે એનું નામ તિતિક્ષા. ધર્મ માણસને ધીરજ પ્રદાન કરે અને કર્મના બંધનથી મુક્ત કરે. દુઃખનો પ્રતિકાર કર્યા વગર એ ભોગવી લેવું એ કર્મબંધનથી મુક્ત થવાની પ્રક્રિયા છે. આપણામાં ધૈર્ય છે, બધી જ પરિસ્થિતિમાં ગણવેશ ન હોય તો પણ આપણે ધાર્મિક છીએ. ઉપનિષદકારે કહ્યું છે, ‘ધૈર્ય કથા.’ 
ગીતામાં દ્યુતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. દરેક પરિસ્થિતિમાં ધીરજ ધારણ કરે છે એ ધાર્મિક છે. માળા-તિલક ન કરે, પણ દ્યુતિ હોય તો તમે ધાર્મિક છો. દ્યુતિ એટલે સંયોગ-વિયોગ, સુખ-દુઃખમાં, દ્વંદ્વમાં ધીરજ રાખવી સારી વાત છે. કોઈ અપમાન કરે કે ગુણગાન ગાય ત્યારે ધીરજ રાખવી એ ધાર્મિકતાનો ખરેખરો પરિચય છે અને આ પરિચય કરાવી જાણે એ દ્યુતિ છે.
હવે વાત કરીએ ધર્મના બારમા લક્ષણની, લજ્જા. લજ્જા ધર્મનું બારમું લક્ષણ છે.  લજ્જા એટલે લાજ, લજ્જા એટલે શરમ. જ્યાં ધર્મ છે ત્યાં શરમ છે. કારણ સ્વાભાવિક છે. ધર્મ ક્યારેય બેશરમ નથી હોતો. શરમની સાથે ગર્ભિત રીતે સંયમ છુપાયેલો હોય છે. પ્રભુનાં દર્શન પણ સંયમથી કરવાં જોઈએ એટલે જે રીતે ક્ષમા વીરપુરુષનું ભૂષણ છે એમ જ લજ્જા સ્ત્રીનું ભૂષણ છે. આ જ રીતે લજ્જા ધર્મની શોભા છે.
હવે અંતિમ એટલે કે ધર્મના તેરમા લક્ષણની વાત. ધર્મનું તેરમું લક્ષણ એટલે મૂર્તિ. જો તમે અર્થ શોધો તો મૂર્તિનો અર્થ પ્રતિમા કે બુત એવો થાય છે. વિશ્વના જે ધર્મોમાં મૂર્તિપૂજાનો મહિમા નથી અથવા બુતખાનાનો રિવાજ નથી એવા ધર્મમાં પણ ભક્ત પોતાના માણસમાં પોતાના સદ્ગુરુની અથવા માલિકની કલ્પના કરી પૂજા અથવા બંદગી કરતો હોય છે. 
એવું જરૂરી નથી, અનિવાર્ય નથી કે ધર્મમાં મૂર્તિ હોવી જ જોઈએ. ના, જરા પણ નહીં. પણ દરેક માણસ ચાહે તે આસ્તિક હોય કે નાસ્તિક હોય, તેના હૃદયમાં કોઈને કોઈ વ્યક્તિ કે ઈશ્વર પ્રત્યેની સદ્ભાવનાની પ્રતિમા અવશ્ય હોય છે અને એટલે જ ધર્મનું અંતિમ લક્ષણ મૂર્તિ છે.
આ કથા અહીં અટકતી કે પૂરી નથી થતી. શ્રીમદ ભાગવતમાં ધર્મ નામના પુરુષને તેર પત્નીઓ પાસેથી જે પુત્રો પ્રાપ્ત થયા છે એનાં નામ પણ અર્થસભર અને આજના સમયમાં બહુ સરસ રીતે પ્રસ્તુત છે. એ નામ અને એ ભાવની વાત કરીશું આપણે આવતા બુધવારે.

columnists morari bapu