નવરાત્રિમાં જ નહીં, બારેમાસ તાળી પાડો અને તંદુરસ્ત રહો

21 October, 2020 03:35 PM IST  |  Mumbai | Varsha Chitalia

નવરાત્રિમાં જ નહીં, બારેમાસ તાળી પાડો અને તંદુરસ્ત રહો

પ્રતીકાત્મક તસવીર

વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે માનવશરીર રિફ્લેક્સોલૉજીના સિદ્ધાંત પર કામ કરે છે. માનવશરીરનાં અંગો એકમેક સાથે, ચેતાતંતુઓ અને રક્તવાહિનીઓ સાથે જોડાયેલાં છે. તાળી પાડવાથી આ વાહિનીઓ ઉત્તેજિત થતાં શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. કબજિયાત, અનિદ્રા, ઍસિડીટી, લોહીની ઊણપ, આંખોની નબળાઈ, હાઇપર ટેન્શન જેવા અનેક રોગોમાં તાળી પાડવાથી ફાયદો થાય છે એવું વિજ્ઞાને શોધી કાઢ્યું છે. ચાલો ત્યારે જાણીએ વૈકલ્પિક ચિકિત્સા તરીકે ઓળખાતી ક્લૅપિંગ થેરપીના હેલ્થ-બેનિફિટ્સ વિશે

 

અત્યારે નવરાત્રિ ચાલે છે એટલે ગરબાપ્રેમીઓના હાથ તાળી પાડવા માટે થનગની રહ્યા હશે. જોકે રાતે મોડે સુધી સંગીતના તાલે તાળી પાડીને ગરબે ઘૂમવાનો લહાવો આ વખતે મળ્યો નથી ત્યારે ઘરે બેસીને તાળી પાડીએ તો? તાળી પાડવી એ માત્ર ભક્તિરસ નથી, એનાં વૈજ્ઞાનિક કારણો પણ છે. બાળક બોલતાં શીખે છે ત્યારે સૌથી પહેલાં મા, દા, બા એવા શબ્દો બોલે છે. તાળીનું પણ કંઈક આવું જ મહત્ત્વ છે. આપણે ત્યાં દાદા-દાદી નાનાં બાળકોને રમાડતી વખતે તાળી પડાવે છે. દરેક બાળકની સૌથી પહેલી શારીરિક ચેષ્ટા તાળી હોય છે એવું સાયન્સે શોધી કાઢ્યું છે.
સૌને યાદ હશે કે માર્ચ મહિનામાં ભારતમાં કોરોના-સંક્રમણના પ્રથમ તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ આમજનતાએ તાળીઓ પાડી ડૉક્ટરો, મેડિકલ સ્ટાફ, પોલીસ-કર્મચારીઓ, સફાઈ કામદારો, મીડિયા તેમ જ આવશ્યક સેવા સાથે સંકળાયેલા લોકોનું અભિવાદન કર્યું હતું. તાળી એ ઉત્સાહ, પ્રોત્સાહન અને સકારાત્મકતાનું પ્રતીક છે. લાફિંગ થેરપીની જેમ ક્લૅપિંગ થેરપીને વૈકલ્પિક ચિકિત્સા તરીકે ઓળખવામાં આવે છે. ક્લૅપ કરવાથી અનેક પ્રકારના રોગોમાં રાહત થાય છે. દુનિયાના મોટા ભાગના લોકો સ્વસ્થ રહેવા માટે જિમમાં જાય છે, ડાયટિંગ કરે છે કે હેલ્થ સેન્ટરમાં જઈને ખર્ચ કરે છે. આ સ્વાસ્થ્યને સાવ જ મફતમાં ઘેરબેઠાં મેળવવાનો સરળ માર્ગ છે ક્લૅપિંગ થેરપી. આજે વાત કરીએ તાળીઓ પાડવાના અઢળક ફાયદા વિશે...
પ્રેશર પૉઇન્ટ્સ
માનવશરીરને સમજવું ખૂબ જટિલ છે. ઍક્યુપ્રેશરના સિદ્ધાંત અનુસાર આપણા શરીરમાં ૩૪૦ જેટલા પ્રેશર પૉઇન્ટ્સ છે જેમાંથી ૩૦ જેટલા પૉઇન્ટ્સ હાથમાં છે. મનુષ્યના હાથમાં શરીરના અંગ-પ્રતિઅંગના દબાણબિંદુઓ (પ્રેશર પૉઇન્ટ્સ) છે, જેને દબાવવાથી માંસપેશીઓ સક્રિય થઈ જાય છે અને શરીરનાં ચોક્કદ અંગો સુધી ઑક્સિજનનો પ્રવાહ પહોંચે છે. તાળી પાડવાથી મુખ્યત્વે પાંચ પૉઇન્ટ્સ પર દબાણ આવે છે. પાંચેય પ્રેશર પૉઇન્ટ્સ જુદી-જુદી અસર કરે છે. દરેક અંગો એકમેક સાથે, ચેતાતંતુઓ અને રક્તવાહિનીઓ સાથે જોડાયેલા છે. તાળી પાડવાથી આ વાહિનીઓ ઉત્તેજિત થતાં શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. જમણા હાથ વડે ડાબા હાથમાં જોરથી તાળી પાડવાથી ડાબી બાજુનાં ફેફસાં, લિવર, પિત્તાશય, કિડની અને આંતરડાં સુધી લોહી અને ઑક્સિજનનો પ્રવાહ સહેલાઈથી પહોંચે છે તેમ જ જમણી બાજુના સાયનસ પૉઇન્ટ્સ પર દબાણ આવે છે. પરિણામે આ અંગોનું સ્વાસ્થ્ય સારું રહે છે.
ક્લૅપિંગ થેરપીમાં જે હાથના પૉઇન્ટ પર દબાણ પડે એની વિરુદ્ધ બાજુનાં અંગોને ફાયદો થાય છે. નિયમિત રીતે તાળી પાડવાથી લોહીમાં શ્વેત કણોનું પ્રમાણ વધે છે. શ્વેત કણો શરીરની ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. આમ તાળી પાડવાથી કબજિયાત, અપચો, ઍસિડીટી, લોહીની ઊણપ, અનિદ્રા, ડિપ્રેશન, સ્લીપ ડિસ્ક, આંખોની નબળાઈ, હાઇપર ટેન્શન, ડાયાબિટીઝ જેવા અનેક રોગોમાં લાભ થાય છે. ક્લૅપિંગ થેરપીમાં રેગ્યુલર પ્રૅક્ટિસથી ચમત્કારિક પરિણામો જોઈ શકાય છે.
એકાગ્રતા વધારે
તાળી પાડવામાં હાથ, મગજ અને આંખો ત્રણેયનો ઉપયોગ થાય છે. આપણું ધ્યાન લય તરફ ચોંટેલું રહેવાથી એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો કરે છે. એકાગ્રતા વધતાં અભ્યાસમાં પ્રગતિ થાય છે. તાળી પાડતી વખતે હાથ અને આંખનો તાલમેલ બનતાં દૃષ્ટિ સુધરે છે. નાનાં બાળકો તાળી પાડવાની એક્સરસાઇઝ કરે તો ફાયદો થાય છે તેમ જ આ રમત રમતાં તેમને આનંદ મળે છે. તાળી પાડી પ્રોત્સાહિત કરવાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે. વડીલોએ પણ તાળી પાડવાની એક્સરસાઇઝ કરવા જેવી છે. એનાથી શરીરમાં સ્ફૂર્તિ અનુભવાય છે.
તમને ખબર છે કે તાળીઓ પાડવાથી શરીરમાંથી કચરો પણ બહાર ફેંકાય છે. કોઈ પણ ખર્ચ અને સારવાર વગર પ્રાકૃતિક પદ્ધતિથી બૉડી ડિટોક્સ કરવા જોરથી તાળી પાડવી જોઈએ. આમ કરતી વખતે શરીરમાં પરસેવો વળે છે અને આ પરસેવા વાટે ગંદકી અને નકામા પદાર્થ બહાર નીકળી જાય છે. તાળી પાડવી સૌથી સરળ એક્સરસાઇઝ છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે રોજ ૧૦૮ વાર તાળી પાડશો તો ૧૦૮ (ઍમ્બ્યુલન્સ) બોલાવવાની જરૂર નહીં પડે. ક્લૅપિંગ થેરપીને ફૉલો કરશો તો ડૉક્ટરની ગોળીઓથી બચશો. વિવિધ પ્રકારે તાળી પાડવાની તીવ્રતા પર ફોકસ રાખવાથી શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે અને માનસિક રોગ પણ દૂર થાય છે. તો ચાલો, આજથી આપણે સૌ રોજ તાળી પાડવાની ટેવ પાડીએ.

સેલ્ફ હીલિંગ

વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે માનવશરીર રિફ્લેક્સોલૉજીના સિદ્ધાંત પર કામ કરે છે. આ એક પ્રકારની મસાજ-ટેક્નિક છે જે હાથના રિફ્લેક્સ પૉઇન્ટ્સ પર દબાણ લાવે છે. આ સંદર્ભે માહિતી આપતાં કાંદિવલીના ઍક્યુપ્રેશર અને પ્રાકૃતિક ચિકિત્સા નિષ્ણાત સતીશ ધારેક કહે છે, ‘માનવશરીરમાં હાથના પંજા અને પગના તળિયામાં દબાણ લાવવાથી આખા શરીરનાં અંગો રિફ્લેક્ટ કરે છે. તાળી પાડવી એ હૅન્ડ રિફ્લેક્સોલૉજી થેરપી છે. તમે તાળી પાડો છો ત્યારે કેટલાક પૉઇન્ટ્સ પર પ્રેશર આવે છે. પ્રેશર પડવાથી આંતરિક અવયવો ઍક્ટિવેટ થાય છે. હૅન્ડ રિફ્લેક્સોલૉજી શરીરના જે-તે અવયવોમાંથી બ્લૉકેજ એનર્જીને રિલીઝ કરવાનું કામ કરે છે. ચોક્કસ પ્રકારે તાળી પાડવામાં આવે તો અનેક બ્લડ-પ્રેશર, શ્વાસને લગતી તકલીફ, સાંધાનો દુખાવો, બ્લડ-સર્ક્યુલેશન સહિત અનેક રોગોમાં રાહત થાય છે. હાથમાં વારંવાર ખાલી ચડી જતી હોય તો તાળીઓ પાડવી જોઈએ. આ જનરલ એક્સરસાઇઝથી શરીરના મોટા ભાગના અવયવોમાં બ્લૉકેજ ક્લિયર થઈ જાય છે. અનેક કેસમાં પૅરૅલિસિસના હુમલા બાદ દરદીઓને તાળી પાડવાની એક્સરસાઇઝ કરાવવામાં આવે છે.’
બ્રહ્માંડમાં એવી કૉસ્મિક એનર્જી છે જેને આપણે કોઈએ જોઈ નથી, પરંતુ વિજ્ઞાન માને છે કે એનું અસ્તિત્વ છે. હૅન્ડ રિફ્લેક્સોલૉજી આ એનર્જી સાથે સંબંધ છે એમ જણાવતાં સતીશભાઈ કહે છે, ‘કૉમ્સિક એનર્જી પૉઝિટિવ અથવા નેગેટિવ હોઈ શકે. આપણી આસપાસ ફરતી સકારાત્મક ઊર્જાને શરીરમાં ગ્રહણ કરવાની ટેક્નિક અપનાવવાની છે. તાળી પાડવાથી શરીરમાં પૉઝિટિવ એનર્જીનો ફ્લો થાય છે. નવરાત્રિમાં આપણે તાળીઓ પાડીએ છીએ ત્યારે એક પ્રકારનું ખેંચાણ અનુભવાય છે. માતાજીની કૃપા તો છે જ, આ સેલ્ફ હીલિંગ ટ્રીટમેન્ટ પણ છે. ગરબા રમ્યા બાદ આપણને થાક નથી લગાતો, ઊલટાનું બૉડી અને માઇન્ડ રીચાર્જ થઈ ગયાં હોય એવો અનુભવ થાય છે. વાસ્તવમાં ક્લૅપ કરવાથી શરીરમાં મૂડ ઇન્વેટર હૉર્મોન રિલીઝ થતાં આનંદ મળે છે, જેને આપણે ભક્તિ અને કુદરતી શક્તિ સાથે જોડી શકીએ. નવરાત્રિમાં જ નહીં, કાયમી ધોરણે ઍક્યુપ્રેશરના પૉઇન્ટ્સ દબાય એ રીતે તાળીઓ પાડવાથી આરોગ્યને ૧૦૦ ટકા લાભ થાય છે.’

તાળી પાડવાનું
ધાર્મિક માહાત્મ્ય

ભગવાનની આરતી કરતી વખતે, ભજન-કીર્તનમાં તેમ જ અન્ય શુભ કાર્યો કરતી વખતે આપણે તાળી પાડીએ છીએ એમાં અનેક વૈજ્ઞાનિક રહસ્યો છુપાયેલાં છે. તાળી પાડો છો ત્યારે શરીરમાં આપોઆપ ઊર્જા ઉત્પન્ન થાય છે અને કોઈ દિવ્ય શક્તિનું ખેંચાણ અનુભવાય છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે તાળીઓ એવી રીતે પાડવી જોઈએ કે એનો અવાજ ૧૪ બ્રહ્માંડમાં સંભળાય. શુભ કાર્યો કરતી વખતે તાળીઓ પાડવાથી જે અવાજ ઉત્પન્ન થાય છે એનાથી સમસ્ત વાતાવરણમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. અવાજથી ભક્તોનું ધ્યાન ભ્રમિત થતું નથી અને કાર્યમાં મન પરોવાયેલું રહે છે. આ આપણા ઋષિમુનિઓનું સાયન્સ છે.

આટલા પ્રકારની
તાળીઓ પાડો

ઊર્જા તાળી : સરસવ અથવા નાળિયેરના તેલને હથેળીમાં ઘસીને બન્ને હાથને સમાંતર અંતરે દૂર રાખી આંગળીઓ અને અંગૂઠો એકબીજાને સ્પર્શે એ રીતે જોરથી તાળી પાડવાથી વધુ પ્રમાણમાં ઊર્જા ઉદ્ભવે છે. ઊર્જા તાળી પાડતી વખતે પગમાં ચંપલ પહેરી રાખવાં જેથી શરીરમાં ઉત્પન્ન થયેલી ઊર્જાનો વ્યય ન થાય. દરરોજ આ રીતે ૨૦ મિનિટ તાળી પાડવાથી રક્તનો પ્રવાહ વધે છે, ખરાબ કૉલેસ્ટરોલ નષ્ટ થાય છે અને આરોગ્ય સારું રહે છે. ડાયાબિટીઝ, સંધિવા, હૃદયરોગ, પીઠનો દુખાવો, અનિદ્રા અને આંખની બીમારીમાં ઊર્જા તાળી પાડવી જોઈએ.
આંગળી તાળી : એક હથેળી પર બીજા હાથની આંગળીઓ વડે હથેળી લાલ થાય ત્યાં સુધી તાળી પાડવી. આ પ્રયોગથી કબજિયાત, અપચો, ઍસિડીટી, લોહીની ઊણપ, શ્વાસાચ્છ્શ્વાસ સંબંધિત રોગોમાં લાભ થાય છે.
થપ્પી તાળી : આ તાળીમાં હાથ સમાંતર રાખીને આંગળીઓ પર આંગળીઓ અને હથેળી પર હથેળી પડે એ રીતે તાળી પાડવામાં આવે છે. દરરોજ ૧૦થી ૧૫ મિનિટ થપ્પી તાળી પાડવાથી ફ્રોઝન શોલ્ડર, ડિપ્રેશન, અનિદ્રા અને આંખોની નબળાઈ જેવા રોગોમાં લાભ થાય છે.
ગ્રિપ તાળી : બન્ને હાથની હથેળીને એકબીજા પર એવી રીતે પાડવી કે ચોક્ડીની નિશાની બને (ક્રૉસમાં તાળી પાડવી). થોડી વાર સુધી એકસરખી ગ્રિપ તાળી પાડવાથી શરીરમાં પરસેવો થાય છે. પરસેવા વાટે શરીરનો કચરો બહાર ફેંકાતાં ત્વચા સ્વચ્છ થાય છે.

Varsha Chitaliya columnists health tips