ઊલટતપાસ માટે છેક દિલ્હીથી વાઇસરૉયની મંજૂરી કેમ મેળવવી પડી બાવલા ખૂનકેસમાં?

19 April, 2025 12:24 PM IST  |  Mumbai | Deepak Mehta

ટેબલની ડાબી બાજુએ ઝગારા મારતી પિત્તળની કૉલબેલ. કેલીએ બેસતાંવેંત એ વગાડીને ઑર્ડર્લી ગંગારામ વાઘમારેને બોલાવ્યો. તે આવીને કુર્નિશ બજાવીને ઊભો રહ્યો

ઇન્દોરના મહારાજા તુકોજીરાવ હોળકર-ત્રીજા.

૧૯૨૫ની ૧૩ જાન્યુઆરી. સવારે દસના ટકોરે પોલીસ-કમિશનર કેલી પોતાની ઑફિસમાં દાખલ થયા. દરવાજાની બરાબર સામે કિંગ જ્યૉર્જ ધ ફિફ્થનો સોનેરી ફ્રેમમાં મઢેલો ફોટો દીવાલ પર લટકતો હતો. બાજુમાં એક ખૂણામાં યુનિયન જૅક ચાંદીમઢેલી કાઠી પર લટકતો હતો. કેલીએ પહેલાં યુનિયન જૅકને અને પછી બ્રિટિશ મૉનાર્કના ફોટોને સૅલ્યુટ મારી. ઑફિસમાં બીજો એક પણ ફોટો નહોતો. ખુરસી પર બેઠા પછી મૉનાર્કનો ફોટો જરાય ઢંકાય નહીં એટલી ઊંચાઈએ હતો. કાળા સીસમની રિવૉલ્વિંગ ચૅર પર કેલી બેઠા. સામે વિશાળ ટેબલ. એ પણ કાળા સીસમનું. ઉપરના ભાગમાં મરૂન કલરનું વેલ્વેટ મઢેલું અને એની ઉપર કાચ. ટેબલને એક ખૂણે કાળો ટેલિફોન. બીજે ખૂણે IN-OUT લખેલી બે ટ્રે. પહેલીમાં એક ફાઇલ. બીજી ટ્રે ખાલી.

ટેબલની ડાબી બાજુએ ઝગારા મારતી પિત્તળની કૉલબેલ. કેલીએ બેસતાંવેંત એ વગાડીને ઑર્ડર્લી ગંગારામ વાઘમારેને બોલાવ્યો. તે આવીને કુર્નિશ બજાવીને ઊભો રહ્યો. કેલીએ શુદ્ધ મરાઠીમાં કહ્યું : સુપરિન્ટેન્ડન્ટ સાયકિઝલા પાચારણ દ્યા (બોલાવ). તેઓ બાજુના વેઇટિંગ રૂમમાં રાહ જોતા બેઠા હતા એટલે તરત હાજર થયા. આવીને સૅલ્યુટ મારીને ઊભા રહ્યા. કેલીએ બેસવાનું કહ્યું એ પછી અદબપૂર્વક ટટ્ટાર બેઠા.

નાગપાડા પોલીસ હૉસ્પિટલમાં મુમતાઝ.

કેલી : અત્યારે મુમતાઝને ક્યાં રાખી છે?

સાયકિઝ : સર, જેજે હૉસ્પિટલના કૅઝ્‍યુઅલ્ટી વૉર્ડમાં.

કેલી : હાલ ને હાલ તેને નાગપાડાની પોલીસ હૉસ્પિટલમાં ખસેડો. ત્યાં અલગ રૂમમાં રાખો. બહાર ૨૪ કલાક ચોકીપહેરો. કોઈ મુલાકાતીને મળવાની પરવાનગી નહીં. આ કામ એવી રીતે કરવાનું છે કે આપણા બે-ચાર માણસો સિવાય બીજા કોઈને ખબર ન પડે. અને હા, તેને ખસેડ્યા પછી તરત મને ખબર આપજો. ગૉડ સેવ ધ કિંગ.

સાયકિઝે પણ જવાબમાં ગૉડ સેવ ધ કિંગ કહ્યું. અદબપૂર્વક ઊભા થઈ સાયકિઝ ચાલતા થયા.

નાગપાડા પોલીસ હૉસ્પિટલ.

તે ગયા પછી કેલીએ બેલ વગાડવાને બદલે બૂમ પાડી ; ગંગારામ! તે આવીને ઊભો રહ્યો એટલે કહ્યું, માઝા સ્ટેનોલા પાચારણ દ્યા. સ્ટેનો આવીને ઊભો રહ્યો એટલે બેસવા માટે ઇશારો કર્યો. ગવર્નર સર લેસ્લી વિલ્સનને તાબડતોબ મોકલવાનો પત્ર ડિક્ટેટ કરાવ્યો. એમાં સાત ઇસમનાં નામ-ઠામ લખ્યાં હતાં અને તેમની પૂછપરછ (Interrogation) કરવા માટેની મંજૂરી વહેલી તકે આપવા વિનંતી કરી હતી. આ સાત નામ આ પ્રમાણે હતાં :

  પુષ્પશાલ પાંડે (૨૨ વર્ષ)

  શ્યામરાવ દિઘે (૩૨ વર્ષ)

  મુમતાઝખાન સૈયદ મોહમ્મદ (૨૫ વર્ષ)

  અકબરશાહ મોહમ્મદશાહ ખાન (૨૨ વર્ષ)

  કરામત ખાન નિઝામત ખાન (૨૫ વર્ષ)

 બહાદુરશાહ મોહમ્મદશાહ ખાન (૨૫ વર્ષ)

  અબ્દુલ લતીફ મોહિદ્દીન ઉર્ફે કાલા લતીફ (૨૦ વર્ષ)  

બે-પાંચ મિનિટમાં પત્ર ટાઇપ થઈને આવી ગયો એટલે કેલીએ સહી કરીને જાતે કવરમાં મૂકી ઉપર પોતાનું સીલ માર્યું અને પછી કહ્યું, અત્યારે જ ગવર્નરસાહેબને હૅન્ડ ડિલિવરીથી મોકલો.

બાવલા ખૂનકેસની સુનાવણીના અહેવાલ રોજેરોજ બધાં છાપાંમાં પ્રગટ થતા હતા. 

સાંજ પડતાં પહેલાં ધાર્યા પ્રમાણેનો ગવર્નરનો જવાબ આવી ગયો : મારી ભલામણ સાથે મેં તમારી વિનંતી વાઇસરૉય સર રીડિંગને મોકલી આપી છે. પછી એક-બે દિવસમાં વાઇસરૉયની મંજૂરી પણ આવી ગઈ. પણ તેમણે આદેશ આપ્યો હતો કે હવે પછીની કામગીરી સંબધિત પૉલિટિકલ રેસિડન્ટને વચમાં રાખીને જ કરવી અને પૂછપરછ વખતે સ્થાનિક પોલીસના અધિકારીઓ પાસે જ કરાવવી.

પ્રિય વાચક, તમે જરૂર વિચારતા હશો કે શું આ સાત નામ એવી મોટી હસ્તીનાં હતાં કે તેમની પૂછપરછ કરવા માટે પણ છેક વાઇસરૉયની પરવાનગી લેવી પડે? ના. પણ એ સાતેસાત બ્રિટિશ ઇન્ડિયાના નાગરિક નહોતા. તો? એ બધા હતા ઇન્દોરના દેશી રાજ્યના નાગરિક. બાવલાના ખૂનનો ગુનો બન્યો હતો મુંબઈમાં. પણ આખું કાવતરું ઘડાયું હતું ઇન્દોરના દેશી રાજ્યમાં. મલબાર હિલ પર બનેલી ઘટના પછી તરત એ જ રાતે આ સાત ઇસમ મુંબઈથી ઇન્દોર જવા ટ્રેન દ્વારા રવાના થઈ ગયા હતા. લાલ મૅક્સવેલ મોટરને પણ ગુડ્સ ટ્રેન દ્વારા ઇન્દોર મોકલી દીધી હતી. મુંબઈ પોલીસ ઇન્દોર જઈને તેમની ધરપકડ કરી શકે એમ નહોતું. મંજૂરી મળી હતી એ માત્ર પૂછપરછ કરવાની. ૧૯૨૫માં બાવલા ખૂનકેસ વખતે મહારાજા તુકોજીરાવ ત્રીજા (હોળકર વંશના ૧૩મા રાજા)નું રાજ ચાલતું હતું. તેમનું સત્તાવાર આખું નામ હતું : ‘હિઝ હાઇનેસ મહારાજાધધિરાજ હોળકર રાજરાજેશ્વર સવાઈ શ્રી સર તુકોજીરાવ ત્રીજા હોળકર, ઇન્દોરના તેરમા મહારાજા.’

વાઇસરૉયની મંજૂરી આવી ત્યાં સુધીમાં કેલી પર દબાણ વધવા લાગ્યું. ઇન્દોર રાજ્યએ લોભામણી દરખાસ્ત મોકલી. ખુદ અંગ્રેજ ઉપરીઓએ પણ આડકતરાં સૂચન કર્યાં કે આ કેસમાં હળવે હાથે હલેસાં મારો. અત્યારે હોબાળો મચ્યો છે, પણ થોડા વખતમાં લોકો વાત ભૂલી જશે. ઇન્દોરની ઑફર તો ઠુકરાવી જ, પણ ઉપરી અધિકારીઓને પણ સ્પષ્ટ જણાવી દીધું કે મારા પર દબાણ લાવશો તો હું પોલીસ-કમિશનરના હોદ્દા પરથી રાજીનામું આપી દઈશ.

બીજા તો સમજ્યા, પણ મુંબઈ અને દિલ્હીના ખેરખાંઓ ઇન્દોરના રાજવીને બચાવવા કેમ માગતા હતા? એક કારણ એ કે પહેલા વિશ્વયુદ્ધ વખતે ઇન્દોર રાજ્યએ સરકારને ઘણી મદદ કરી હતી. બીજું, ૧૯૨૦થી ગાંધીજીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલા અસહકારના આંદોલને વેગ પકડ્યો હતો. બ્રિટિશ ઇન્ડિયાનો મોટો ભાગ એમાં ભળતો જતો હતો, પણ ઘણાંખરાં દેશી રાજ્યો બ્રિટિશ શાસકોના પડખે ઊભાં રહ્યાં હતાં. ઇન્દોર જેવા અગ્રણી રાજ્યના રાજવી જો આ કેસમાં સંડોવાય તો એનું પરિણામ કેવું આવે એ કહી શકાય એમ નહોતું. ઇન્દોર ઉપરાંત બીજાં કેટલાંક દેશી રાજ્યો પણ બ્રિટિશ સરકાર વિરોધી ચળવળને ઉત્તેજન આપે તો?

પણ કેલી પોતાના નિર્ણયમાં અફર હતા. સાતેસાત શંકાસ્પદ વ્યક્તિઓને પૂછવાના સવાલો તૈયાર થઈ ગયા હતા. સિનિયર ઇન્સ્પેક્ટર સ્મિથની આગેવાની હેઠળ આઠ અધિકારીઓની ‘તપાસ સમિતિ’ ઇન્દોર જવા તૈયાર થઈ ગઈ, પણ સવાલ તેમણે નહોતા પૂછવાના. એ કામ ઇન્દોર પોલીસનું હતું. મુંબઈ પોલીસે માત્ર નોંધ લેવાની હતી. કેલીએ ખાસ સૂચના આપી કે સાતેસાત શંકાસ્પદ વ્યક્તિઓને પૂછવાના સવાલ એકસાથે ઇન્દોરના અધિકારીઓને આપતા નહીં. એક-એક સાક્ષી આવતો જાય એમ-એમ તેને પૂછવાના સવાલ ઇન્દોર પોલીસના હાથમાં મૂકજો, જેથી પોલીસ પોતે સાક્ષીઓને અગાઉથી ચેતવી ન શકે. પછી કેલીએ ઇન્દોરના પોલીસ-કમિશનરને તાર કરીને ૮ અધિકારીઓના આવવાની જાણ કરી અને તેમને પૂરેપૂરો સહકાર મળી રહેશે એવી આશા વ્યક્ત કરી.

૧૯૨૫ની ૧૯ જાન્યુઆરીએ મુંબઈ પોલીસની ટીમ ઇન્દોર પહોંચી ગઈ. પહેલું કામ ઇન્દોરના પોલીસ-કમિશનરને મળીને બધી વ્યક્તિઓ સામેના પુરાવા રજૂ કર્યા, પણ ધાર્યા પ્રમાણે ઇન્દોરના પોલીસ-કમિશનરે તો એક જ રાગ આલાપ્યો : ‘અમારા બધા નાગરિકો તો દૂધે ધોયેલા છે. તેઓ આવું કોઈ કામ કરે જ નહીં. તમને કોઈએ ખોટી માહિતી આપીને ભરમાવ્યા છે. એ સાંભળીને તરત જ ઇન્સ્પેક્ટર સ્મિથે પોતાના સાથીઓને ઇશારો કર્યો એટલે એ સાથીઓ પોતપોતાના ‘શિકાર’ને શોધવા નીકળી પડ્યા. એકને બાદ કરતાં બીજા બધા આરોપી ઇન્દોર દરબારના નોકરો હતા. બાતમીદારો પાસેથી પાકી માહિતી મેળવી હતી એટલે થોડી જ વારમાં બધા આરોપીને લઈને સાથીઓ પાછા આવ્યા. ઇન્દોર પોલીસના હાથમાં પકડાવેલાં કાગળિયાં પ્રમાણે તેમણે એક-એક આરોપીની ઊલટતપાસ લેવી પડી. ઊલટતપાસ પૂરી થતાંવેંત સ્મિથે કહ્યું કે વધુ પૂછપરછ માટે અમારે આ બધાને મુંબઈ લઈ જવા પડશે. ઇન્દોરના પોલીસ-કમિશનર હા-ના કરે એ પહેલાં તો મુંબઈ પોલીસના બીજા અધિકારીઓ આવી પહોંચ્યા. ઊલટતપાસ ચાલતી હતી એ જ વખતે તેમણે દરેક આરોપીના ઘરની ઝડતી લીધી હતી અને દરેકને ત્યાંથી એક યા બીજી વાંધાજનક વસ્તુ મળી આવી હતી. એમાં ઇન્દોરથી મુંબઈની ટ્રેન-ટિકિટોથી માંડીને બંદૂકની કારતૂસો સુધીની વસ્તુઓનો સમાવેશ હતો. બીજી બાજુ સ્મિથે પોતે દરબારી કચેરી જઈને દસ્તાવેજી પુરાવા એકઠા કર્યા. બધા આરોપીઓએ ૧૨ જાન્યુઆરીની આસપાસના દિવસોએ નોકરી પરથી રજા લીધી હતી. અલબત્ત, જુદાં-જુદાં અને ખોટાં કારણ આપીને. જપ્ત કરેલી બધી વસ્તુઓનું પંચનામું કર્યું.

પણ હજી એક મહત્ત્વની વિધિ બાકી હતી : ઓળખપરેડ. ૧૨ જાન્યુઆરીની ઘટના વખતે જે-જે ઇસમો હાજર હતા અને જેમણે હુમલાખોરોને નજરોનજર જોયા હતા એવી ૧૧  વ્યક્તિઓને ‘ચશ્મદીદ ગવાહ’ તરીકે ટ્રેનમાં મુંબઈથી ઇન્દોર લાવવામાં આવી હતી. ઇન્દોર પોલીસની હાજરીમાં બાવીસમી જાન્યુઆરીએ ઓળખપરેડ કરવામાં આવી જેમાં બધા સાક્ષીઓએ બધા ગુનેગારોને ઓળખી બતાવ્યા. હવે ઇન્દોર પોલીસના હાથ હેઠા પડ્યા.

સ્મિથ અને તેના સાથીઓ બધા આરોપીઓને લઈને ઇન્દોરથી મુંબઈ જવા રવાના થયા. અલબત્ત, તેમની ‘વધુ પૂછપરછ’ કરવા માટે. સાતેસાત આરોપીને મુંબઈના મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ એસ. એસ. રાંગણેકર સમક્ષ ઊભા કરી, વૉરન્ટ મેળવી, તેમને ૧૪ દિવસ માટે રિમાન્ડ પર લીધા. જોકે આ બધા તો કાવતરાના હાથ-પગ હતા. તેમને ચલાવનાર ‘ભેજું’ હજી ઇન્દોરમાં જ હતું. એ ભેજાનો ભેદ કઈ રીતે ખૂલ્યો એની વાત હવે પછી.

columnists gujarati mid-day mumbai nagpada mumbai police murder case jj hospital indore crime news mumbai crime news deepak mehta