15 June, 2025 10:00 AM IST | Mumbai | Raam Mori
ઇલસ્ટ્રેશન
રણજિતની આંખો ખૂલી. પોપચામાં એકસામટું અજવાળું છલકાયું.
બન્ને હાથની હથેળી બરાબર મસળી અને ગરમાટો અનુભવાયો. આંખો પર હથેળી દાબી તો સારું લાગ્યું.
મુંબઈ ઍરપોર્ટ પર ફ્લાઇટ લૅન્ડ થઈ ચૂકી હતી.
મુંબઈની વહેલી સવાર. અનિકાએ મેસેજમાં ઍડ્રેસ મોકલ્યું હતું એ ટૅક્સીવાળાને વાંચી સંભળાવ્યું,
‘ભાઈ, સાંતાક્રુઝ ઈસ્ટમાં જવાનું છે. મુંબઈ યુનિવર્સિટીના પ્રોફેસર બંગલોઝમાં. વિદ્યાનગરી કાલિના.’
ટૅક્સી પુરપાટ ઝડપે મુંબઈના રસ્તાઓ પર દોડી રહી હતી. જૂન મહિનાનું મુંબઈ. વરસાદી કાળાં વાદળાંઓ મુંબઈના આકાશમાં ઝળૂંબી રહ્યાં હતાં. રણજિતે ટૅક્સીનો વિન્ડો-ગ્લાસ ખોલી નાખ્યો. સુસવાટા મારતો પવન રણજિતના ચહેરાને વહાલથી પંપાળી રહ્યો હતો. તે પોતાની આંખ ઝીણી કરીને મુંબઈ શહેર જોવા લાગ્યા.
આ શહેર સાથેની તેમની પહેલી મુકાલાત. છતાં એવું લાગતું હતું જાણે આ વાતાવરણ, રસ્તાઓ, રોડના બન્ને છેડે ઊભેલાં ઘેઘુર વૃક્ષો, સડક અને ગોરંભાયેલું આકાશ તે અનેક વાર અનુભવી ચૂક્યા છે. તે જાણે અહીં અનેક વાર આવી ચૂક્યા છે.
આર્મીની ડ્યુટી દરમિયાન તેમણે જવાનોના મોઢે એવું ઘણી વાર સાંભળેલું કે ‘એક બાર જો મુંબઈ મેં આ જાતા હૈ વો ફિર કભી મુંબઈ છોડ નહીં સકતા. મતલબ વો રોજીરોટી કમાને દૂસરે શહર ભી ચલા જાએ પર ઉસકે અંદર કા મુંબઈ કહીં જાતા નહીં.’
મેજર રણજિતને આ બધી વાતો કાયમ ઉપરછલ્લી લાગેલી. જીવનમાં ક્યારેય વિચાર્યું નહોતું કે તે મુંબઈ આવશે. તેમના મને તેમને ફરી વાર ટપાર્યા કે ‘તું આવ્યો છે કે તારે આવવું પડ્યું છે?’ જવાબ રણજિત પાસે નહોતો.
તેમણે ફરી પોતાનું ધ્યાન બારી બહાર આળસ મરડતા મુંબઈમાં પરોવ્યું.
મરાઠી નવવારી અને કૉટન સાડી પહેરેલી સ્ત્રીઓ ફુટપાથ પર બેસીને વાંસના ટોપલા અને પ્લાસ્ટિક કૅરેટમાં માછલી, ફળ, શાકભાજી અને ફૂલો ગોઠવી રહી હતી. છાપાંવાળાઓ કટિંગ ચાની ચૂસકી લઈ અભ્યાસુ સ્પીડ સાથે મરાઠી, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી અખબારોની જુદી-જુદી થપ્પીઓ બનાવી રહ્યા હતા. મોટી ઉંમરની મરાઠી સ્ત્રીઓ અને યુવા પુરુષો મોટા વાંસના છેડે સાવરણાઓ બાંધી રસ્તાની બન્ને બાજુ પડેલાં પાંદડાં, પ્લાસ્ટિક, ફૂલો, ફળોની છાલ અને બીજા કચરાનો ઢગલો BMCની ગાડીમાં ખડકી રહ્યા હતા. વાતાવરણમાં ટગર વેણી, ચંદનની અગરબત્તી, પ્લાસ્ટિક બાળ્યાની બદબૂ, માછલીઓની ગંધ, તવા પર શેકાતા મૈસૂર મસાલા ઢોસાની સોડમ, રસ્તાની બન્ને બાજુ ઊગેલાં સપ્તપર્ણી વૃક્ષની તીવ્ર સુગંધ, કોહવાયેલાં ફળોની છાલ અને પીત્ઝા બર્ગરના પૅકેટ્સમાંથી ઊઠતી તીવ્ર બદબૂ, લારીઓમાં ઊકળતી ચાની ખુશ્બૂ, મહેનતુ મજૂર સ્ત્રીઓએ કૉટન સાડીના પાલવમાં લગાડેલા ગુલાબના અત્તરની મઘમઘતી ગંધ બધું એકબીજામાં ભળેલું... જાણે દરેકના અસ્તિત્વનો સ્વીકાર. વહેલી સવારે બંધ દુકાનનાં લીસાં પગથિયાંઓ પર બેસીને ઘરકામ કરતી કામવાળીઓ દિવસ શરૂ થાય એ પહેલાં સંગાથે બેસી કટિંગ ચાની ચૂસકીઓ લઈ રહી હતી. એક નારિયેળવાળો માછલાં વેચતી પોતાની પત્નીના અંબોડામાં ટગર વેણી બાંધી આપતો હતો. બંધ બૅન્કના દરવાજા પાસે ગોદડીમાં નાનાં ભાઈબહેનને ઢબૂરતી એક નાની છોકરી ચાર રસ્તા પર ઊભી રહેતી રિક્ષાઓને દોડી-દોડી લીંબુમરચાંનું નજરબટ્ટુ વેચતી હતી. સાઇકલ પર ટિનના ડબ્બામાં ઇડલી-સાંભાર વેચતી અમ્મા કેળનાં પાંદડાંમાં ગોઠવેલી ઇડલીઓ પર ભારે સિફતથી નારિયેળની ચટણીનો કડછો ઢોળી રહી હતી. માથા પર સફેદ ટોપી, સફેદ લેંઘો અને ચેક્સવાળાં શર્ટ પહેરેલા ડબ્બાવાળા વૃદ્ધો ખભા પર વાંસની ટોકરીમાં ટિફિનના ડબ્બાઓ લઈ ઉતાવળા પગે રસ્તો ક્રૉસ કરી રહ્યા હતા. વૃદ્ધોના કપાળ પર સફેદ અને કાળા ચંદનનો પરંપરાગત ચાંદલો, સ્ત્રીઓના કાંડા પર શોભતી લીલી બંગડીઓ, વૃદ્ધ માજીઓની છાતી પર કાળા અને સોનેરી મોતીનું લાંબું મંગળસૂત્ર. જૉગિંગના આઉટફિટ્સમાં યુવાનો અને વડીલો ફુટપાથ પર દોડી રહ્યા હતા. કાનમાં ઇઅરફોન લગાવી મોટા આંબાના વૃક્ષ નીચે બેસી યોગ કરતી બે આધેડ મહિલાઓના માથે કોયલ ટહૂકી રહી હતી.
મેજર રણજિત નાના બાળકની જેમ મુંબઈ જોતા હતા એ જોઈ ટૅક્સીવાળાએ પૂછ્યું,
‘મુંબઈલા પહિલ્યાંદા આલા આહાત કા?’
‘હા!’
‘ઇથે કોણ આહે તુમચે?’
‘મારી દીકરીના ઘરે. મુંબઈ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.’
‘કાય સાંગતાય? તમારી સગી દીકરી અહીં રહે છે તો પણ આટલાં વર્ષોમાં પહેલી વાર મુંબઈ આવી રહ્યા છો અંકલ?’
મેજર રણજિત ચૂપ થઈ ગયા. આગળના પ્રશ્નોના જવાબ આપવા તેમને જરૂરી ન લાગ્યા. ટૅક્સીવાળાનો સવાલ તેમને ખૂંચ્યો હતો. તેમણે વિચાર્યું કે ટૅક્સીવાળાની વાત તો સાચી હતી.
‘શું મારે અહીં બહુ પહેલાં આવી જવાનું હતું?’ આવો સવાલ રણજિતના મનમાં વંટોળ બન્યો અને રણજિતે મોબાઇલમાં અનિકાનો મેસેજ ફરી વાંચ્યો, ‘બાબા, મારે યુનિવર્સિટી જવું પડે એમ છે. હું ડિપાર્ટમેન્ટથી જલદી પાછી આવી જઈશ. ચાવી મેં નીચે ચંપાના કૂંડા પાસે મૂકી રાખી છે!’
ટૅક્સી મુંબઈ યુનિવર્સિટીમાં પ્રવેશી. એક પછી એક રેસિડેન્શિયલ એરિયા અને પ્રોફેસર્સના ક્વૉર્ટર બંગલોઝ પસાર થઈ રહ્યા હતા. વાતાવરણમાં ઠંડક અને લીલી ખુશ્બૂ હતી. ચોમેર ઊંચાં-ઊંચાં વૃક્ષો હતાં. લીમડો, ગરમાળો, ગુલમહોર, વડલો, પીપર, અંજીર, આંબો, તાડ અને નારિયેળ જેવાં વૃક્ષોથી કાલિના પરિસર એક જંગલની અનુભૂતિ આપતું હતું. વૃક્ષોના મોટા થડને વીંટળાયેલા અજાણ્યા વેલાઓમાં પીળાં અને લાલ ઝીણાં ફૂલો પાંગર્યાં હતાં. નાનાં-નાનાં ખામણા અને કૂંડાંઓમાં ગુલાબ, ગલગોટો, કરેણ, જાસૂદ, ટગર, ચમેલી અને ચંપાના છોડ ફૂલોથી લથબથ. ટૅક્સીમાંથી બહાર નીકળીને રણજિતે અનુભવ્યું કે લીલોતરી તેને વીંટળાઈ ગઈ. રણજિતે ટૅક્સીવાળાને પૈસા ચૂકવતી વખતે મનોમન વિચાર્યું કે વૃક્ષોથી સમૃદ્ધ આ વિસ્તાર મુંબઈનો ભાગ હોય એવું લાગ્યું જ નહીં.
અનિકાએ આપેલા સરનામે સામાન સાથે મેજર રણજિત ઊતર્યા.
દરવાજાની ડાબી બાજુ ચંપાનો છોડ પાંગરેલો. એમાં ચંપાનાં ગુલાબી ફૂલો ખીલ્યાં હતાં. એ ચંપાના કૂંડાને સહેજ દૂર ખસેડી રણજિતે ચાવી લીધી. લાકડાનું ક્વૉર્ટર હતું. તાળું ખોલ્યું અને હળવા ધક્કા સાથે બારણાં ખૂલ્યાં.
મેજર રણજિત સામાન સાથે ઘરમાં પ્રવેશ્યા.
ઘરમાં પુસ્તકોની ભેજવાળી સુગંધ આવી. જ્યાં નજર પડે ત્યાં પુસ્તકોના ઢગલા હતા. કાંસા અને તાંબા-પિત્તળના ઍન્ટિક પીસ હતા. પરંપરાગત ભરતગૂંથણનું સુશોભન હતું. ઘરની અંદર પણ અનિકાએ ઇન્ડોર છોડનાં કૂંડાંઓ રાખ્યાં હતાં. સોફાની વચ્ચે ટિપોય પર શંખ અને છીપલાંઓ સહિત રેતીથી દરિયો બનાવેલો. દીવાલો પર જૂની હિન્દી ફિલ્મોનાં પોસ્ટર્સ શોભતાં હતાં. વાતાવરણમાં ટગર ફૂલો અને ચંદનની સુગંધ હતી. રણજિતે ધ્યાનથી આખા ઘરને જોયું. એક પણ દીવાલમાં અનિકાની ઉપલબ્ધિની એક પણ તસવીર નહોતી. ક્યાંય કોઈ અવૉર્ડ, કોઈ ગોલ્ડ મેડલ, કોઈ સ્વજનોની તસવીર, કશું જ નહીં. આટઆટલું ફર્નિચર અને સામાન હોવા છતાં ઘરની ચોખ્ખાઈ ઊડીને આંખે વળગતી હતી. બે ઓરડા, રસોડું, મોટો હૉલ અને પાછળ વરંડો.
રણજિત ધીમા પગે વરંડામાં પ્રવેશ્યા. ચારેકોર ફૂલછોડ અને વેલાનો લીલો અસબાબ. મેંદીનો માંડવો, એની છાંયે હીંચકો. બાજુમાં એક નેતરની રેસ્ટિંગ ખુરશી. પતંગિયાંઓ ફૂલો પર બેઠાં હતાં. પક્ષીઓનો કલબલાટ સંભળાતો હતો. ખિસકોલીઓનું ટોળું અનિકાએ મૂકી રાખેલાં માટીનાં વાસણોમાંથી શિંગના દાણા ફોલી રહ્યું હતું. રણજિત ઝૂલા પર બેઠા તો તેમને ખૂબ નિરાંત અનુભવાઈ. હીંચકો ધીમે-ધીમે ઝૂલી રહ્યો હતો. રણજિતે ઊંડા શ્વાસ લીધા. કોયલ ટહૂકી રહી હતી.
‘આટલી નિરાંત તો કલ્યાણીના ઘરમાં પણ નહોતી અનુભવાઈ.’
કલ્યાણી યાદ આવતાં જ રણજિતને એ તમામ સંવાદો યાદ આવી ગયા જે ગઈ કાલે દિલ્હીમાં ડાઇનિંગ ટેબલ પર થયા હતા.
lll
‘રણજિત, તું સિરિયસ નથી.’
‘તો તું જ શીખવી દે કલ્યાણી કે કેવી રીતે સિરિયસ થઈ શકાય.’
‘રણજિત, આપણી દીકરી લેસ્બિયન છે.’
‘હા, એ તો મને અને તને બન્નેને એકસાથે જ ખબર પડી છે કલ્યાણી.’
‘તો આપણે કંઈક કરવું પડશે. લોકો વાતો કરશે.’
‘કલ્યાણી? આ ‘લોકો’ કોણ છે? ના, મને સાચ્ચે જ સમજાવ. આ એ કોણ લોકો છે જે ક્યારેય દેખાતા નથી છતાં આપણા જીવનને જોયા કરે છે અને એના વિશે વાતો કરે છે. મારે જોવા છે તેમને.’
ડાઇનિંગ ટેબલ પર ચુપ્પી પથરાયેલી રહી. કલ્યાણીએ હીબકાં ભર્યાં અને મેજર રણજિતે પાણીનો ગ્લાસ કલ્યાણી તરફ ધકેલ્યો. કલ્યાણી રડી રહી હતી અને રણજિત હેલ્પલેસ હતો, હંમેશાંની જેમ જ.
‘રણજિત, તને અંદાજ નથી કે આ કેટલી મોટી મૅટર છે.’
‘તું કહે કલ્યાણી, શું કરવું છે તારે?’
‘રણજિત, તું મુંબઈ જા.’
‘ઓકે, પછી?’
‘અનિકાને મળ. એક થપ્પડ લગાવ કે હાઉ ડેર શી...’ અને કલ્યાણીનું ગળું ભરાઈ આવ્યું. રણજિત ચૂપ હતા.
‘તું મુંબઈમાં અનિકાને મળ અને તેની સારવાર કરાવ.’
‘કોની પાસે?’
અને કલ્યાણીનો અવાજ એકદમ ઊંચો થઈ ગયો,
‘રણજિત? આ પણ મારે તને શીખવવું પડશે? કોઈ સારા સેક્સોલૉજિસ્ટ પાસે લઈ જા તેને.’
‘જો કલ્યાણી, આટલા બધા ઊંચા અવાજે વાત કરીશ તો તને કે મને કશું મળશે નહીં. તારો આ ઊંચો અવાજ ક્યારેય કોઈને ફળ્યો નથી.’
આ બોલી લીધા પછી રણજિતને નવાઈ લાગી હતી કે પોતાની જાત માટે આવું સ્ટૅન્ડ તેમણે છેલ્લે ક્યારે લીધેલું?
‘સૉરી રણજિત. જ્યારથી અનિકાનો મેસેજ... લીવ ઇટ. યુ નો વૉટ? મેં નેટમાં વાંચ્યું હતું. અનિકાને જે તકલીફ છે એની પણ ટ્રીટમેન્ટ છે. એવી દવાઓ છે જેનાથી ગે-લેસ્બિયન સાજા થઈ જાય ટેસ્ટોસ્ટેરોન અને પ્રોજેસ્ટેરોનનાં ઇન્જેક્શન વિશે કંઈ ખ્યાલ છે તને?’
મેજર રણજિતની સમજશક્તિની પેલે પાર હતી આ વાતો. તે ટગર-ટગર કલ્યાણીને જોઈ રહ્યા હતા.
‘અને બીજું મેં વાંચ્યું છે શૉક ટ્રીટમેન્ટથી પણ લોકોના ગે-લેસ્બિયન હોવાના ભ્રમ તૂટી જાય છે. ગે અને લેસ્બિયન છોકરા-છોકરીઓને ઇલેક્ટ્રિક શૉક આપવામાં આવે તો...’
‘તું આ શું બોલે છે કલ્યાણી?’
‘બે દિવસથી હું ઇન્ટરનેટ પર આવું જ વાંચું છું રણજિત. મારી તો ત્યાં સુધીની તૈયારી છે કે જો મેડિકલ સાયન્સ કે શૉક ટ્રીટમેન્ટ કોઈ હેલ્પ ન કરે તો ભૂવા-ડાકલા કે દોરાધાગા, મંતરજંતર પણ ચાલશે. તું બસ અનિકાને નૉર્મલ બનાવી દે. આપણી દીકરીનું સાજું થવું બહુ જરૂરી છે રણજિત. તું તેને સમજાવ કે બેટા, તારી માની કરીઅર દાવ પર લાગી છે. લોકો સુધી અનિકાનું સત્ય પહોંચશે તો મારી ઇમેજનું શું? મારાં બધાં પેઇન્ટિંગ્સનું, મારા જીવનનું સૌથી મોટું એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે. મિસિસ ચોપડાએ કન્ફર્મ કર્યું છે કે લલિત કલા અકાદમી મને આ જ વર્ષે લાઇફટાઇમ અચીવમેન્ટનો રાષ્ટ્રીય પુરસ્કાર... જો અનિકાની વાત પબ્લિક થઈ તો લોકો મારા કામ વિશે નહીં, મારા અંગત જીવન વિશે જ વાતો કરશે.’
આ બોલતી વખતે અકળાયેલી કલ્યાણી હાંફી રહી હતી. તેના ચહેરા પર અને આંખોમાં ક્રોધની લાલાશ દેખાતી હતી. ખબર નહીં કેમ પણ રણજિત માટે અનિકાની સેક્સ્યુઆલિટીનો મુદ્દો બહુ મહત્ત્વનો નહોતો લાગતો. જો કલ્યાણી તેની સાથે મુંબઈ આવે તો બન્ને જણ શાંતિથી અનિકા સાથે વાત કરી શકે. આ વાતચીતનો મુદ્દો છે એ તો ખબર હતી, પણ રજૂઆત અને પરિણામ બાબતે મેજર રણજિત ચિંતિત હતા.
‘કલ્યાણી, તું મારી સાથે મુંબઈ આવ. આપણે બન્ને શાંતિથી અનિકા સાથે ચર્ચા કરીએ.’
‘નહીં રણજિત. હું હોઈશ તો તે તને પણ નહીં મળે. અને આમ પણ અત્યારે મારા મનમાં અનિકાને લઈને ઑલરેડી એટલો ગુસ્સો છે કે જો તે મારી સામે ઊભી હશે તો હું એક થપ્પડ મારી દઈશ.’
મેજર રણજિત ચૂપ રહ્યા. કલ્યાણીને ફરી-ફરી આ ચુપકીદી ખૂંચી, ‘કંઈક તો બોલ રણજિત.’
‘શું બોલું કલ્યાણી?’
‘કે તારા મનમાં શું ચાલે છે?’
‘મારા મનમાં તો બસ, એટલું ચાલે છે કે મારે મારી દીકરીને ઓળખવી છે.’
કલ્યાણીને નવાઈ લાગી. આ રણજિત તેના માટે બહુ નવો હતો.
‘એટલે?’
‘કલ્યાણી, મને તો માત્ર એટલું સમજાય છે ત્રીસ વર્ષની આપણી દીકરીએ આપણને ઊંઘમાંથી ઢંઢોળીને જગાડ્યાં છે. આપણી દીકરી સ્પષ્ટ શબ્દોમાં કહી રહી છે કે તમે મને ઓળખતા જ નથી. ઇન ફૅક્ટ આજ સુધી તમે લોકો મને ઓળખી જ નથી શક્યાં! બસ, મારે હવે તેને ઓળખવી છે. અત્યારે તો મને આટલું જ સમજાય છે!’
કલ્યાણી ડઘાઈ ગઈ હતી.
lll
મેજર રણજિત ધીરેથી ઝૂલા પરથી ઊભા થયા. ઘરમાં આવ્યા. આ ઘરમાં સન્નાટો થકવી નાખનારો હતો. તેનું ધ્યાન ખૂણામાં ટેબલ પર સુશોભિત ગ્રામોફોન તરફ ગયું. લાકડાના મોટા બૉક્સમાં ગ્રામોફોનની મોટી કૅસેટ્સ હતી. એમાંથી ગમતાં ગીતોની એક કૅસેટ પસંદ કરી મેજર રણજિતે ગ્રામોફોન શરૂ કર્યું. એક તીણા અવાજ પછી ઘરમાં લતા, રફી અને કિશોર, મુકેશનાં ગીતો સથવારો આપી રહ્યાં હતાં.
કલ્યાણીએ સૂચના આપેલી એ યાદ કરી મેજર રણજિત ઘર તપાસવા લાગ્યા.
કલ્યાણીએ કહેલું,
‘રણજિત, મેં ઇન્ટરનેટમાં વાંચેલું કે અનિકા જેવી ઘણી છોકરીઓ સેક્સસ્યુઅલી કન્ફ્યુઝ્ડ હોય છે. તે એકસાથે છોકરો અને છોકરી બન્નેને ડેટ કરતી હોય છે. હા, આવું પણ હોય છે. તું ઘરે જઈને તપાસ કરજે, ઘરમાં ક્યાંય કોઈ છોકરાનાં કપડાં, કૉન્ડોમ, શૂઝ કશું મળે તો. જો મળે તો આપણને હાશકારો કે આપણી દીકરીને છોકરાઓ સાવ ગમતા નથી એવું તો નથી જ.’
કલ્યાણીની આ વાતો રણજિતને ખૂબ વિચિત્ર લાગેલી. તે કશું રીઍક્ટ જ નહોતા કરી શક્યા. તેણે વિચાર્યું કે આખી જિંદગી પહાડો પર કાઢી. પહાડ પર ઊભા હોઈએ ત્યારે નીચે દુનિયા કેવી એકસરખી લાગતી. પહાડ ઊતર્યા પછી ખબર પડે કે દૂરથી એકસરખું જે દેખાતું હતું એને નજીકથી જોઈએ ત્યારે કોઈ સમાનતા દેખાતી નથી.
રણજિતે અનિકાના રૂમનો દરવાજો ખોલ્યો. લાકડાનો મોટો બેડ, લાકડાનો કબાટ. રૂમમાં તાંબા-પિત્તળના મોટા વાસણમાં પાણી ભરેલું જેના પર ટગરનાં ફૂલો તરતાં હતાં. દીવાલ પર કોઈ પહાડી શહેરના પર્વતીય ઢોળાવનું સુંદર પેઇન્ટિંગ હતું. રણજિતે હિમ્મત એકઠી કરી અને અનિકાના રૂમમાં એન્ટર થયો. કલ્યાણીએ વિગતે સમજાવેલું એ પ્રમાણે ધ્રૂજતા હાથે અનિકાનો કબાટ ખોલ્યો. તેની હથેળીઓમાં કંપન હતું. કબાટમાં રહેલી સાડીઓના થપ્પા, બૉક્સમાં રહેલી સિલ્વર જ્વેલરીના ડબ્બા, ખાનાંઓ બધું ફંફોસી લીધું. અટૅચ્ડ બાથરૂમમાં જઈને પણ ઝીણી નજરે તપાસ કરી. તેના આખા શરીરે પરસેવો વળ્યો. અનિકાના ઓરડામાં જઈ તેના જીવનમાં કોઈ છોકરો છે કે નહીં એની ખાતરી આ રીતે કરી શકાય એવી કલ્યાણીની વાત જ રણજિતને ખૂબ સ્ટુપિડ લાગેલી. અંતે કલ્યાણીની સૂચના પ્રમાણે અનિકાનો બેડ તપાસ્યો. ઓશીકાનાં કવર, ગાદલાની નીચેનો ભાગ અને સાઇડ ડ્રૉઅર બધું જોઈ લીધું. મેજર રણજિતને પરસેવો થવા લાગ્યો. તેમણે અનુભવ્યું કે ધબકારા ધીમા પડી રહ્યા છે. હથેળીઓ ભીની થઈ રહી છે. અપરાધભાવના ભારથી શ્વાસની ગતિમાં પણ ફેર પડ્યો. જેમ-તેમ કરી મહામહેનતે રણજિત રૂમની બહાર નીકળ્યા. સોફા સુધી પહોંચ્યા. પાણી પીવા મળે તો સારું એવો વિચાર તો આવ્યો પણ કિચન સુધી પહોંચી શકાય એમ નહોતું. રણજિતે ખિસ્સામાં હાથ નાખ્યો. ચૉકલેટ મળી. ભારે જહેમતથી ચૉકલેટ ખોલી અને મોંમાં મૂકી દીધી. શર્ટનાં બટન ખોલી નાખ્યાં હતાં. ઠંડા પવનની લહેરખી આવી અને સોફા પર બેસુધ પડેલા મેજર રણજિતને થોડી નિરાંત થઈ.
લગભગ સાંજ થવા આવી. અનિકા પોતાના ઘર તરફ જઈ રહી હતી. સામાન્ય દિવસોમાં યુનિવર્સિટીથી ઘરે પહોંચવાની તેને ઉતાવળ રહેતી. લાંબાં ડગલાં ભરતી નીચે જોઈને લગભગ ભાગતી હોય એ રીતે પોતાના ક્વૉર્ટરમાં પહોંચી જતી. પણ આજે તેની ચાલમાં ઉતાવળ નહોતી. ના, નિરાંત પણ નહોતી. આજે તેની ચાલમાં એક મૂંઝવણ હતી. તેના મનમાં ચાલતા વિચારોનું ઘોડાપૂર ચાલવાની ગતિને શાંત કરી રહ્યું હતું. દરરોજ તે ઘરે પહોંચતી ત્યારે ઘરને તાળું લાગેલું હોય. પર્સમાંથી ચાવી કાઢી તાળું ખોલે, બારણાને ધક્કો મારે, લાઇટ ઑન કરતી અને આખા ક્વૉર્ટરમાં ધીરે-ધીરે અજવાળું થતું. પોતે ઘરે જશે ત્યારે ઘરને તેણે જાતે બોલતું, ધબકતું અને જાગતું કરવાનું છે એવું વર્ષોથી તેના મનમાં ગોઠવાયેલું છે.
કોઈ રાહ જોનારું નથી અને કોઈની રાહ જોવાની નથી.
પરંતુ આજની વાત જરા જુદી હતી.
ઘરે બાબા આવ્યા છે.
આજે સ્ટાફમાં કોઈની ઍનિવર્સરી પાર્ટી હતી. બધા પ્રોફસર્સ રાતે જમવા ભેગા થવાના હતા. અનિકાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અનિકા બધામાં ભળતી નથી અને પોતાની જાતને સંતાડીને રાખે છે. સામાન્ય સંજોગોમાં અનિકા બહાનું બનાવીને છટકી જાય પણ આજનું ડિનર તો યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં જ રાખવામાં આવેલું. ને અનિકાને અચાનક યાદ આવ્યું,
‘નહીં મિત્રો. મને નહીં ફાવે. આજે મારા બાબા ઘરે આવ્યા છે. થોડા સમય માટે આવ્યા છે તો વધુમાં વધુ સમય તેમની સાથે રહી શકું એવો વિચાર છે. સૉરી યાર...’
બહાનું સજ્જડ હતું એટલે સ્ટાફમાં કોઈ બોલી શકે એમ નહોતું પણ બધાએ એકબીજાના ચહેરા સામે જોઈ લીધું, કારણ કે આટલાં વર્ષોમાં પહેલી વાર અનિકાના ઘરે કોઈ મહેમાન બનીને આવ્યું હતું.
એથી પણ વિશેષ. પહેલી વાર અનિકા પોતાના અંગત જીવન કે કોઈ સંબંધ વિશે બોલી હતી.
ખુદ અનિકાને બોલ્યા પછી ખૂબ નવાઈ લાગી હતી.
‘મારા બાબા ઘરે આવ્યા છે...’ આવું બોલવાનું સુખ ક્યારેક મળશે એવી કલ્પના પણ નહોતી.
તે બોલી તો ગઈ પણ બોલ્યા પછી તેની જીભ, તેના કાન અને મનને પણ આ વાસ્તવ પચાવતાં વાર લાગી કે અનિકાને મળવા અનિકાના ઘરમાં કોઈ આવ્યું છે અને આ ‘કોઈ’ જણ એ તેના બાબા છે.
અનિકા ઘરે પહોંચી. ટેવવશ ચાવી શોધવા હાથ પર્સ તરફ ગયા પણ આગળિયા પર લટકતા તાળાને જોઈ હાથ અટકી ગયા. દરવાજો ખુલ્લો હતો.
ઘરમાં અજવાળું હતું.
લતાજીના અવાજમાં ગીત વાગી રહ્યું હતું.
ઘર જાગતું હતું અને ઘરમાં તેના સિવાય પણ કોઈક હતું.
અનિકાને આ અનુભવ બહુ અજાણ્યો લાગ્યો.
તે રૂમમાં એન્ટર થઈ. સોફા પર આંખ બંધ કરી બાબા શાંતિથી બેઠા હતા. લતાજી ગાઈ રહ્યાં હતાં કે...
‘આપકી નઝરોં ને સમઝા પ્યાર કે કાબિલ મુઝે...’
ઘરમાં ચહલપહલ સંભળાઈ એટલે મેજર રણજિતે આંખ ખોલી. સામે દરવાજા પાસે અનિકા ઊભી હતી. રણજિતે ધારી-ધારીને અનિકાને જોઈ.
ડલહાઉઝીના એ ઘરમાં વિન્ડો-ગ્લાસની વચ્ચે ફસાયેલી નાનકડી સાત વર્ષની અનિકા યાદ આવી ગઈ જેના ચહેરા પર પીડા હતી પણ આંખોમાં વિશ્વાસ હતો કે ‘મારા બાબા આવી ગયા છે એટલે હવે મારી સાથે કશું ખોટું નહીં થાય, હું સુરક્ષિત છું!’
અનિકા પણ પોતાના ઘરમાં બાબા બેઠા છે એ દૃશ્ય સંપૂર્ણ રીતે સ્વીકારી ન શકી. તેણે સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેને ફાવ્યું નહીં. ખુલ્લા વાળની લટો ચહેરા પર આવી હતી એને કાન પાછળ ધકેલી. નજરો સ્થિર નહોતી રહી શકતી. વારંવાર પાંપણો ઝૂકી જતી. મેજર રણજિત સોફા પરથી ઊભા તો થયા પણ હવે અનિકાને ગળે મળવાનું છે કે દૂર ઊભા-ઊભા ‘હેલો’ કહેવાનું છે એ બાબતે વિચારવા લાગ્યા. અનિકા નક્કી નહોતી કરી શકતી કે બાબાને પગે લાગવાનું છે કે દોડીને ગળે વળગી પડવાનું છે? ગ્રામોફોનમાં લતાજીના અવાજમાં ગીત ચાલતું હતું,
‘આપકી મંઝિલ હૂં મૈં મેરી મંઝિલ આપ હૈં....ક્યૂં મૈં તૂફાન સે ડરું મેરે સાહિલ આપ હૈં...’
આખરે અનિકાએ હિમ્મત કરી,
‘બાબા...’
‘હાં!’
અનિકાએ નોંધ્યું કે એની વાત પૂરી થાય એ પહેલાં બાબાએ હોંકારો આપી દીધો. મેજર રણજિતે પણ મનોમન પોતાને ખિજાઈ લીધું કે આખી વાત તો સાંભળ.
‘તમે તમારો સામાન ગોઠવી દીધો?’
‘બેટા, મારે મારો સામાન ક્યાં મૂકવાનો છે એ મને ખબર ન પડી.’
‘મારું ઘર એટલું મોટું નથી કે તમને તમારી જગ્યા ન મળે બાબા. તમને જે રૂમ ગમે એમાં સામાન ગોઠવી દો. બધું એકસરખું છે.’
રણજિતને થયું કે મારે અનિકાને કહેવું જોઈએ કે ‘ના બેટા, પહાડોમાં રહીને હું પણ તારી જેમ એવું જ માનતો કે બધું એકસરખું છે!’ પણ તે ચૂપ રહ્યા.
‘બેટા, ગેસ્ટ રૂમ કયો હશે આમાંથી?’
અનિકાને કદાચ આ ન ગમ્યું કે બાબાએ તેના ભાગે આવનાર ઓરડા માટે ગેસ્ટ રૂમ શબ્દનો ઉપયોગ કર્યો. જવાબમાં અનિકાએ બાબાની બૅગ લીધી અને બીજા રૂમનો
દરવાજો ખોલ્યો. રણજિત ધીમા પગલે એ રૂમમાં એન્ટર થયા.
કબાટ પર લાગેલા પૂર્ણ કદના અરીસામાં અનિકાએ ધીમા પગલે એન્ટર થતા બાબાને ધ્યાનથી જોયા.
‘બાબા, તમારી તબિયત બરાબર નથી?’
‘એ તો જરા ટ્રાવેલિંગનો થાક.’
અનિકા થોડો સમય ચૂપ રહી. ઓરડામાં સન્નાટો તોળાતો રહ્યો.
‘બાબા, ચા બનાવું છું. ફ્રેશ થઈ વરંડામાં આવો.’
અને પછી ઊંડા શ્વાસ લેતી હોય એમ બાબાથી ભાગતી અનિકા પોતાના રૂમમાં આવી. હાશકારો અનુભવ્યો. તે મનોમન વિચારવા લાગી કે ‘આ બધું આટલું અઘરું કેમ લાગી રહ્યું છે?’
અચાનક અનિકાનું ધ્યાન ગયું. તેના આખા ઓરડામાં જાણે કોઈએ તપાસ કરી હોય એવી સ્થિતિ હતી. અનિકાએ પોતાનો કબાટ ખોલ્યો. સાડીઓની વિખરાયેલી ગડી, ઘરેણાંના ડબ્બાઓની બદલાયેલી જગ્યા, બેડ પર ઓશીકાં મૂકવાની જગ્યા બદલાણી હતી. ચાદરનો છેડો એક બાજુથી ખુલ્લો હતો જાણે કોઈએ આખો બેડ તપાસ્યો. તે બાથરૂમમાં ગઈ અને જોયું તો બાથરૂમમાં પણ સામાન ફેંદાયેલો હતો. તેને બહુ ગુસ્સો આવ્યો. તે સમજી શકતી હતી કે આ તપાસ કરનાર જણ બાબા સિવાય બીજું કોઈ નથી, પણ શું કામ? શું મળ્યું તેમને?
વૉશ બેસિનના નળની ધારે અનિકાએ ચહેરા પર ફરી વળેલા રાતા ગુસ્સાને પાણીની છાલકોથી ધોયો.
મેજર રણજિત જ્યારે વરંડામાં આવ્યા ત્યારે આછા ગુલાબી નાઇટ ડ્રેસમાં સજ્જ અનિકા ઝૂલા પર બેસીને ચા પી રહી હતી. સામે ટેબલ પર રણજિતનો કપ અને સૂકો નાસ્તો હતો. રણજિતે ચાનો કપ હાથમાં લીધો અને ઝૂલા પર ગોઠવાયા.
‘અનિકા, તારું ઘર બહુ સરસ છે!’
‘ડલહાઉઝીવાળા ઘર કરતાં પણ સારું બાબા?’
રણજિતને આ પ્રશ્નનો જવાબ સૂઝ્યો નહીં. તે ચૂપ થઈ ગયા. અનિકાએ ચાનો કપ મૂક્યો અને પોતાની આંગળીઓના ટચાકા ફોડીને હિમ્મતથી પૂછી લીધું,
‘બાબા, તમે અહીં શું કામ આવ્યા છો?’
રણજિત અનિકાની આંખોમાં જોવા લાગ્યો. દેહરાદૂન હૉસ્ટેલના ફળિયામાં લાકડાની બેન્ચ પર બેસેલી અનિકાનો નખ તિરાડમાં ફસાઈ ગયો છે. ઉપર ચંપાની ડાળીઓમાં પાંગરેલાં ફૂલોની પાંદડીઓ પર કાળાશ બાઝવા લાગી.
અંધારું ઊતરી રહ્યું હતું, બાપ-દીકરી વચ્ચે ધીરે-ધીરે!
(ક્રમશ:)