ગર્વ છે આ ઑટિસ્ટિક યંગસ્ટર્સ પર

18 June, 2021 02:01 PM IST  |  Mumbai | Jigisha Jain

આજના દિવસે ઑટિઝમ પ્રાઇડ ડે ઊજવવામાં આવે છે

આદિ ગોસર

સ્પેશ્યલ નીડવાળાં ઑટિઝમ ઘરાવતાં બાળકોને દયાની નજરે જોવામાં આવે છે. આ બિચારાપણાની લાગણીથી મુક્ત કરવા માટે આજના દિવસે ઑટિઝમ પ્રાઇડ ડે ઊજવવામાં આવે છે.  જિગીષા જૈન એવાં ઑટિસ્ટિક યંગસ્ટર્સની વાત લઈને આવ્યાં છે જેઓ પોતપોતાના રસનાં ક્ષેત્રોમાં ખૂબ હોશિયાર છે અને સમાજનું અવિભાજ્ય અંગ બનીને સુંદર મજાની જિંદગી જીવે છે

આ યુવાન છે પપ્પાની હૉસ્પિટલના  મુન્નાભાઈ

કાંદિવલીમાં રહેતો ૨૫ વર્ષનો ઑટિસ્ટિક આદિત્ય શાહ ડબલ ગ્રૅજ્યુએટ છે. કમ્પ્યુટર ઍપ્લિકેશન અને માસ મીડિયા બન્નેમાં આદિત્યએ ગ્રૅજ્યુએશન કર્યું છે. ફિલ્મ એડિટિંગ પણ તે શીખ્યો છે. મશીન સાથે તેને પ્રેમ છે એટલે તે કમ્પ્યુટર રિલેટેડ બધાં કામ કરી શકે છે. આદિત્યના પિતા ડૉ. અશોક શાહની પોતાની હૉસ્પિટલ છે જ્યાં હાલમાં આદિત્ય બૅક ઑફિસનું કામ સંભાળે છે.

ઑટિસ્ટિક બાળકો તેમને ફાવતું કામ સારું જ કરે છે, પરંતુ તેમને કમ્યુનિકેશનની તકલીફ રહે છે. જોકે જે ભાષાકીય કમ્યુનિકેશનમાં એ લોકો પાછળ રહી જાય છે ત્યાં આત્મીય કમ્યુનિકેશન તેમનું ખૂબ સ્ટ્રૉન્ગ હોય છે. હાલમાં પપ્પાની જ હૉસ્પિટલમાં કામ કરતા આદિત્યને બધા જ સ્ટાફ અને દરદીઓ સાથે આત્મીય સંબંધો છે. એ વિશે વાત કરતાં ડૉ. અશોક શાહ કહે છે, ‘હું તો ફક્ત દરદીઓનો ઇલાજ કરું છું. તેમને સાજા કરવાનું કામ મારો દીકરો આદિત્ય કરે છે. અમારા દરેક દરદી સાથે તેનો અનેરો સંબંધ બની જાય છે. દરેક સાથે તે અઢળક વાતો કરે છે. તેમના ડિપ્રેશન, દુખ અને પીડાને તે પોતાની રીતે એવાં હૅન્ડલ કરે છે કે અમારો દરેક દરદી તેની પાસેથી હળવો થઈને જ જાય છે. બધાને તે તેનો અમૂલ્ય પ્રેમ વહેંચતો રહે છે.’

બે મહિના પહેલાં હૉસ્પિટલમાં ૯૨ વર્ષનાં લેડી આવેલાં જે મુંબઈમાં એકલાં રહે છે. તેમની સાથે આદિત્યએ એવી દોસ્તી કરી કે તેઓ ઘરે ગયાં પછી પણ આદિત્ય સાથે વાત કરવા માટે ફોન કરે છે. હૉસ્પિટલમાં આવતાં નવજાત બાળકો પણ આદિત્ય પાસે મજાથી રહેતાં હોય છે.

આ ઑટિસ્ટિક બાળક છે સ્ટેટ લેવલ ડીપ સી સ્વિમર

ગોરેગામમાં રહેતો ૧૨ વર્ષનો ઑટિસ્ટિક આદિ ગોસર સ્વિમિંગનો શોખીન છે. પાણીમાં પડતાં જ તે ખીલી ઊઠે છે. પાંચ વર્ષનો હતો ત્યારથી તે સ્વિમિંગ શીખે છે અને ત્યારથી સ્વિમિંગના અલગ-અલગ પડાવ પાર કરતો રહ્યો છે. ૨૦૧૯ના ડિસેમ્બરમાં માલવણમાં સ્પેશ્યલ બાળકો માટે યોજાયેલી સ્પર્ધામાં સ્ટેટ લેવલ પર તેનો નંબર આઠમો આવ્યો હતો.

દર વર્ષે ડિસેમ્બરમાં સિંદુદુર્ગમાં માલવણ પાસે ચિવલા બીચ છે જ્યાં સ્પેશ્યલ નીડનાં બાળકો અને વયસ્કોની ડીપ સી સ્વિમિંગ કૉમ્પિટિશન યોજાય છે. એ વિશે વાત કરતાં આદિની મમ્મી હેતલ ગોસર કહે છે, ‘આ કૉમ્પિટિશનમાં દરિયામાં સ્વિમિંગ કરવાનું હતું. એમાં દરિયાકાંઠેથી બોટમાં બાળકોને અંદર લઈ જાય છે. એક કિલોમીટર અંદર જઈને સીધું દરિયામાં ઝંપલાવવાનું અને પછી તરીને કાંઠા સુધી આવવાનું. આ પોતાનામાં ખૂબ અઘરો ટાસ્ક છે. વળી આમાં એજ લિમિટ નથી હોતી. કોઈ પણ ઉંમરના લોકો એમાં ભાગ લેતા હોય છે. આદિ સાથે ઘણાં મોટાં બાળકો પણ હતાં. છતાં તેણે ઘણું સારું પર્ફોર્મ કર્યું.’

આદિ નાનપણથી ફિઝિકલ ઍક્ટિવિટીઝમાં ઘણો જ આગળ રહ્યો છે. એ વિશે વાત કરતાં હેતલ ગોસર કહે છે, ‘નાનપણમાં તે ઘણો હાઇપરઍક્ટિવ હતો, પરંતુ ઑક્યુપેશનલ થેરપી અને સ્પીચ થેરપીને કારણે તે ઘણો શાંત થયો છે. જોકે ડૉક્ટરોનું કહેવું હતું કે ફિઝિકલ ઍક્ટિવિટી તેના માટે ખૂબ જરૂરી છે. નાનપણથી તે સ્વિમિંગ સિવાય યોગ, માર્શલ આર્ટ્સ, જિમ્નૅસ્ટિક, સ્કેટિંગ જેવી ઘણી-ઘણી જુદી-જુદી ઍક્ટિવિટી કરે છે. એમાં તેને ખૂબ મજા પડે છે. રસથી એ સારું પણ કરે છે.’

જે નૉર્મલ બાળકો પણ ન કરી શકે એવા ફિઝિકલ ટાસ્ક કરતા આદિ માટે હેતલ ગોસર માને છે કે તે ભવિષ્યમાં ખૂબ સારો ઍથ્લીટ બનશે અને આગળ જતાં તે બીજા લોકોને કોચિંગ પણ આપી શકે છે. પોતાના દીકરા વિશેનાં ઇમોશન્સ ઠાલવતાં હેતલ ગોસર કહે છે, ‘એક મા તરીકે તમે તમારા બાળકને અખૂટ પ્રેમ કરતા હો, પરંતુ જ્યારે આદિ જેવું બાળક તમારા જીવનમાં હોય ત્યારે પેરન્ટ્સ તરીકે મનમાં તમને ફક્ત પ્રેમ નહીં, ભારોભાર ગર્વ પણ છલકાતો હોય છે. અમને એ વાતનો પણ ભરપૂર આનંદ છે કે આદિ બીજાં ઘણાં બાળકો માટે હાલમાં પ્રેરણા બની રહ્યો છે. લોકો તેને જોઈને પોતાનાં બાળકોને ઍક્ટિવિટીમાં આગળ વધારી રહ્યા છે.’

પોતે ઑટિસ્ટિક છે અને ઑટિસ્ટિક બાળકોને ભણાવવાનું કામ તેને ખૂબ ગમે છે

કાંદિવલીમાં રહેતો ૧૯ વર્ષનો કુમાર વીસવાડિયા ખુદ ઑટિસ્ટિક છે અને પોતાના જેવાં જ ઑટિસ્ટિક બાળકોની મદદ કરવા ઇચ્છે છે. કુમાર અત્યંત હોશિયાર સ્ટુડન્ટ છે અને ભવિષ્યમાં ટીચર તરીકે કામ કરવા ઇચ્છે છે, કારણ કે ભણાવવું તેને ખૂબ ગમે છે. કુમારે ૨૦૧૮માં SSC પૂરું કર્યું જેમાં તેને ૮૨ ટકા માર્ક્સ આવ્યા. એ પછી આગળ તેણે અર્લી ચાઇલ્ડ કૅર એજ્યુકેશનનો કોર્સ કર્યો. એ કિન્ડરગાર્ટનનાં બાળકોને ભણાવવા માટેનો કોર્સ છે. એ કોર્સની ટ્રેઇનિંગ માટે તેણે એકલા હાથે નૉર્મલ બાળકોનો સિનિયર કેજીનો આખો ક્લાસ સંભાળ્યો હતો. એટલે કે એક ઑટિસ્ટિક વ્યક્તિએ નૉર્મલ બાળકોને ભણાવ્યાં હતાં જે પોતાનામાં એક મોટી ઉપલબ્ધિ છે.

કુમાર વિશે વાત કરતાં તેનાં મમ્મી વનિતા વીસવાડિયા કહે છે, ‘કુમારને અમે ૬ ધોરણ સુધી ICSE બોર્ડની સ્કૂલમાં ભણાવ્યો, પરંતુ પછી તેને બીજી સ્કૂલમાં શિફ્ટ કરવાની જરૂર પડી. ઍડ્મિશન માટે પહેલાં થોડો જ સમય સ્પેશ્યલ સ્કૂલમાં કાઢીને તેને તરત જ નૉર્મલ સ્કૂલમાં ઍડ્મિશન મળી ગયું હતું, કારણ કે તે ખૂબ હોશિયાર હતો. નૉર્મલ સ્કૂલમાં ઍડ્મિશન મળી ગયા પછી પણ ફ્રેન્ડ્સ બનાવવા માટે તે સ્પેશ્યલ સ્કૂલમાં જતો. ત્યાં તેને મજા પડતી. તે આઠમા ધોરણમાં આવ્યો ત્યારે અમે જોયું કે તેને ભણાવવાનો બહુ શોખ છે. નાનાં બાળકોને ભણાવવામાં તેને મજા પડે છે. એટલે સ્પેશ્યલ એજ્યુકેટરની મદદથી અમે નક્કી કર્યું કે તે સ્પેશ્યલ સ્કૂલમાં જ ભણાવશે. આમ તે આઠમા ધોરણથી ત્યાં અઠવાડિયામાં એક વાર જતો અને ત્યાંનાં બાળકોને શીખવતો. તેનામાં અંદરથી જ એ બાળકો માટે ગજબ લાગણી છે.’

ઑટિસ્ટિક બાળકો સામાન્ય બાળકો જેવાં લાગણીશીલ નથી હોતાં, પરંતુ કુમાર ઘણો જ લાગણીશીલ છે. તે જે રીતે ઑટિસ્ટિક બાળકોની મદદ કરે છે, તેમની કાળજી લે છે એ દર્શાવે છે કે તે કેટલો કૅરિંગ છે. ફક્ત બાળકો માટે જ નહીં, કુમારને વૃક્ષો માટે પણ એટલી જ લાગણી છે. કોઈ જગ્યાએ વૃક્ષ કપાય તો તે દુખી થઈ જાય છે. હમણાં આવેલા વાવાઝોડામાં જ્યારે ઘણાં વૃક્ષો પડી ગયાં કે ડૅમેજ થયાં ત્યારે તે ઘણો વ્યથિત થયો હતો.

લૉકડાઉનમાં તેના ક્લાસ બંધ થઈ ગયા હતા. કુમારે એક વખત ઑનલાઇન ક્લાસ લીધા હતા, પરંતુ એમાં તેને ભણાવવાની મજા નથી આવતી. એ બાબતે કુમાર કહે છે, ‘આઇ વૉન્ટ ટુ બી અ સર... અમારી સ્પેશ્યલ સ્કૂલમાં રેસિડેન્શિયલ ફૅસિલિટી પણ છે. મેં મમ્મીને કહ્યું કે આપણે ત્યાં જઈએ અને બાળકોને યોગ

કરાવીએ. મને યોગ ખૂબ ગમે છે. પહેલાં પણ હું બાળકોને યોગ શીખવતો હતો. હાલમાં અમે અઠવાડિયામાં એક વાર ત્યાં જઈએ છીએ અને બાળકોને યોગ શીખવીએ છીએ. મને એમાં મજા પડે છે.’

columnists Jigisha Jain