દરેક તબક્કે મને સંકેત મળતા કે તું માત્ર નિર્માતા નહીં, ઍક્ટર પણ છે

04 August, 2020 02:12 PM IST  |  Mumbai | Sanjay Goradia

દરેક તબક્કે મને સંકેત મળતા કે તું માત્ર નિર્માતા નહીં, ઍક્ટર પણ છે

નાયક નહીં, જમાદાર હૂં મૈં: સંજય દત્તની પાછળ દંડો લઈને ઊભેલા ઍક્ટરને તમે ઓળખો જ છો

‘બા રિટાયર થાય છે’ના એ અમદાવાદના શોમાં મેં રિપ્લેસમેન્ટ કર્યું અને પદ્‍મારાણીના આત્મવિશ્વાસના આધાર પર નાટક ખૂબ સરસ રહ્યું. આ વાતની મારા પાર્ટનર અને ડિરેક્ટર શફી ઈનામદારને રાતે જ ખબર પડી ગઈ હતી, પણ તેમણે સામેથી ફોન પણ કર્યો નહીં અને મેં ફોન કર્યો ત્યારે મને શાબાશી પણ આપી નહીં. સાચું કહીશ, કોઈ દંભ નહીં રાખું, એ સમયે મને દુઃખ થયું હતું, પણ મેં એ દુઃખ પર ધ્યાન આપ્યું નહીં. એનું કારણ છે કે એ સમયે હું નાટકનો નિર્માતા માત્ર હતો. મને ઍક્ટિંગમાં રસ પણ નહોતો રહ્યો એ પણ એટલું જ સાચું. મેં રોલ કર્યો અને એની પાછળ પણ મહત્ત્વની એક જ વાત હતી કે નાટકનો શો સચવાઈ જાય. ગયા મંગળવારે મેં તમને કહ્યું હતું એમ, લોકોએ ક્યારેય મને ઍક્ટર તરીકે સિરિયસલી લીધો જ નહીં અને મેં પણ મારી જાતને ક્યારેય ઍક્ટર તરીકે સિરિયસલી લીધો નહીં અને એમ છતાં ઉપરવાળો મને સતત સંકેત આપતો કે સંજય તું ઍક્ટર પણ છે, ફક્ત નિર્માતા નથી. કુદર‌તનો જ સંકેત હતો કે તું લખી પણ શકે છે, તું ફક્ત નિર્માતા કે ઍક્ટર નથી. તેનો જ સંકેત હતો કે તું દિગ્દર્શન પણ કરી શકે છે. સિગ્નલો સતત મળતા હોવા છતાં મને એ વખતે આ વાત સમજાઈ નહોતી રહી એ પણ એટલું જ સાચું.

મને હંમેશાં એમ લાગતું કે લેખક તો ઉપરવાળો અલગ રીતે જ બનાવીને મોકલતો હશે. આ તો લેખકની વાત થઈ, પણ એવું જ બીજામાં પણ હોતું હશે. દિગ્દર્શન માટે અલગ પ્રકારની ટૅલન્ટ હોવી જરૂરી હોતી હશે અને ઍક્ટિંગ માટે પણ અલગ સ્કિલ જોઈતી હશે. મને અત્યારે બહુ વર્ષો પહેલાં મેં વાંચેલો એક લેખ યાદ આવે છે. ખુશવંત સિંહ ગુજરી ગયા ત્યારે ઘણા લેખકોએ તેમને શ્રદ્ધાંજલિ આપતા આર્ટિકલ લખ્યા હતા. શ્રદ્ધાંજલિના એ લેખોમાં એક લેખિકાનો પણ લેખ હતો, નામ હું ભૂલી ગયો છું તેમનું, પણ અત્યારે પણ તેમની વાત મને હજી પણ એટલી જ અસરકારક રીતે યાદ છે. લેખિકાએ પોતાનો અંગત કિસ્સો લખ્યો હતો.

એક વાર અમારી સ્કૂલમાં, અમુક છોકરીઓ પ્રત્યે વર્ણભેદની કમેન્ટ કરવામાં આવી અને હું ખૂબ દુઃખી થઈ. હું સ્કૂલથી રડતી-રડતી ઘરે આવી અને મેં રડતાં-રડતાં ખુશવંતઅંકલને બધું કહ્યું. અંકલે મને કહ્યું કે તેં જે ફીલ કર્યું છે એ લખી નાખ. જા, સામે ટેબલ પર પેન અને પેપર છે, એ લઈને બધું પેપર પર ઉતારી દે અને આમ હું એ દિવસથી રાઇટર બની ગઈ. બહુ સરસ વાત છે આ. આવી જ બીજી એક વાત મને એક સ્પીચ થેરપિસ્ટ પાસેથી જાણવા મળી હતી. તેમણે મને કહ્યું કે જે માણસ બોલી શકે એ માણસ ગાઈ શકે, જે માણસ ચાલી શકે એ માણસ નાચી શકે અને એ જ રીતે જે સપનાં જોઈ શકે એ લેખક બની શકે. મિત્રો, યાદ રાખજો કે જગતનો દરેકેદરેક માણસ સપનાં જુએ છે. માન્યું કે તેને કદાચ લખતાં ન આવડતું હોય છતાં તે લેખક છે, દિગ્દર્શક છે.

આ વાત મને પણ સમજાઈ, મોડી-મોડી, પણ મને સમજાઈ ખરી.

મેં ડ્રામા-ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે મને ખબર પડી કે ઇન્ડસ્ટ્રીમાં મારા કરતાં પણ વધારે સારા દેખાતા, સારા અવાજવાળા ક્વૉલિફાઇડ ઍક્ટરો છે. મારો ગજ વાગે એવું લાગતું નથી. આવું લાગ્યું એટલે મેં ઍક્ટર બનવાનું સપનું છોડીને પ્રોડ્યુસર બનવાનું સપનું જોવાનું શરૂ કરી દીધું. બાળનાટક ‘છેલ અને છબો’ જ્યારે પ્રોડ્યુસ કરતો હતો ત્યારે એક દિવસ લતેશભાઈએ મને કહ્યું કે તું છબાની મુખ્ય ભૂમિકા કર, મારે તને છબો બનાવવો છે. મારે નહોતું બનવું. મેં વિચાર્યું પણ નહોતું, મેં તો પ્રોડ્યુસર બનવાનું સપનું પણ મસ્ત રીતે મનમાં ગોઠવી લીધું હતું, એમ છતાં છબાની મુખ્ય ભૂમિકા મારા ખોળામાં આવીને પડી અને મેં રોલ બખૂબી નિભાવ્યો પણ ખરો.

વાત પૂરી. હું આગળ નીકળી ગયો અને નવેસરથી નાટક પ્રોડ્યુસ કરવા માંડ્યો અને ‘ચિત્કાર’ આવ્યું. એ વખતે પણ અનાયાસ લતેશભાઈએ કહ્યું કે તું સેટ પર ઊભો રહી જા, મારે સીન સેટ કરવો છે. હું તો ડમી મહારાજ બનીને સેટ પર ઊભો રહી ગયો અને રેસ્ટ ઇઝ હિસ્ટરી. મહારાજની ભૂમિકા અવિસ્મરણીય બની ગઈ. જેમણે ‘ચિત્કાર’ જોયું છે તેઓ આજે પણ મારો એ રોલ યાદ કરે છે. હવે તમને વાત મારા ડિરેક્શન અને રાઇટિંગની વાત કરું તો ‘ટકો મુંડો ટાંઉ ટાંઉ’ નાટક મારે જ લખવાનું આવે અને દિગ્દર્શન પણ હું જ કરું એવા સંજોગ ઊભા થયા. મેં જ એ સંજોગ ઊભા કર્યા એમ કહું તો પણ ચાલે. ‘બ્લૅક બિયર્ડ ઘોસ્ટ’ ફિલ્મ પર આધારિત એ નાટકની વાર્તા મેં વિચારી હતી, પણ હું એ નાટક એકલો લખી શકીશ કે એનું દિગ્દર્શન કરી શકીશ નહીં એવી ભીતિ સતત મારા મનમાં ઘુમરાયા કરે એટલે મેં મારા મિત્ર સતીશ રાણાને સાથે લીધો અને એ કામ થયું. ‘ચિત્કાર’ પછીની વાત કહું તમને. ‘ચિત્કાર’માંથી છૂટા થયા પછી મને બે નાટકમાં ઍક્ટિંગની ઑફર આવી, જેમાંથી મેં ‘હિમકવચ’ કર્યું અને નાટક સુપરહિટ થયું. એ પછી તો મને સતત ઍક્ટિંગની ઑફર આવતી, પણ એક પૉઇન્ટ પર મેં નક્કી કર્યું કે હું ઍક્ટિંગ નહીં કરું એટલે નહીં જ કરું. દૃઢતા એવી તો સૉલિડ હતી કે શફીભાઈએ રોલ માટે એક પ્રોડ્યુસરને મારું નામ આપ્યું ત્યારે પણ મેં તેમને ના પાડી કે મારે આ રીતે રોલ નથી જોઈતો. વિધિની વક્રતા જુઓ સાહેબ તમે, એકધારા મને સંકેત મળ્યા કરે કે તું આ કરી શકે છે, તારે આ કરવાનું છે. તું માત્ર અને માત્ર નિર્માતા નથી. તું ઍક્ટર પણ છે, તું દિગ્દર્શક પણ છે, તું લેખક પણ બનવાનો છે. ફરી એક વાર કહેવાનું, આ બધું મને એ સમયે સમજાયું નહોતું, આ બધું સમજતાં ઘણો સમય લાગ્યો, કહો કે વર્ષો લાગ્યાં.

મારી ઍક્ટિંગ-કરીઅરની વાતો આપણે આગળ વધારીએ તો ૧૯૯૦ અને ૧૯૯૨ દરમ્યાન મને સામેથી બે ફિલ્મોની ઑફર મળી હતી. એક ફિલ્મ હતી સંજય દત્ત, જૅકી શ્રોફ, માધુરી દીક્ષિત અભિનીત અને અને સુભાષ ઘઈ દિગ્દર્શ‌િત ‘ખલનાયક.’ એ ફિલ્મમાં  અનુપમ ખેર જેલર છે અને હું તેમનો હેલ્પર બનું છું. કૉમેડી રોલ હતો. બીજી ફિલ્મ હતી ‘સફારી’, એમાં પણ સંજય દત્ત અને સાથે જુહી ચાવલા. એમાં મારા જેવો જ દેખાવ ધરાવતો રાકેશ શ્રીવાસ્તવ હતો. અમે બન્ને જોડિયા જેવું વર્તન કરતા હતા. સંજય દત્ત જેલમાં જતાં આ બન્ને ફિલ્મો અટકી ગઈ. જોકે એ પછી એ બન્ને રિલીઝ થઈ, ‘સફારી’ સુપર-ફ્લૉપ થઈ અને ‘ખલનાયક’ હિટ થઈ, પણ સંજય દત્ત જેલમાં જવાને કારણે ‘ખલનાયક’ની વાર્તામાં થોડાઘણા ફેરફાર કરવામાં આવ્યા અને મારો રોલ પણ લગભગ નહીંવત્ જેવો થઈ ગયો. ફિલ્મ હિટ તો થઈ, પણ મને એનો કોઈ ફાયદો થયો નહીં.

ગુજરાતની ટૂર મેં સંભાળી લીધી અને અશોક ઠક્કર પણ ફરી પાછા ‘બા રિટાયર થાય છે’માં આવી ગયા અને નાટક પાછું સડસડાટ ચાલવા લાગ્યું. આ સમય દરમ્યાન મારે ત્યાં દીકરો અવતર્યો. ૧૯૯૧ની ૨પ ઑક્ટોબરે. નામ રાખ્યું અમાત્ય. હું તેને પ્રેમથી લાલુ કહીને બોલવું. ઘરની જવાબદારીઓમાં ઉમેરો થયો તો બીજી બાજુ ‘બા રિટાયર થાય છે’ની આગેકૂચ સતત ચાલુ જ હતી. મસ્કત, હૉન્ગકૉન્ગ, દુબઈ, સિંગાપોર એ બધી જગ્યાએ અમે શો કર્યા અને એ ટૂરમાં હું પણ ગયો. અમેરિકા અને કૅનેડા આ બન્ને જગ્યાએ શો કરવાની ઑફર આવી. એ દિવસોમાં બહુ જૂજ નાટકો અમેરિકા જતાં. ‘બા રિટાયર થાય છે’ની અમેરિકા-ટૂરની ઑફર અરવિંદ રાઠોડ લાવ્યા હતા. શફીભાઈના ફિલ્મના કામને કારણે મારાથી એમાં જઈ શકાયું નહીં એટલે અમે અલી રઝા નામદારને ગ્રુપ-લીડર બનાવીને ટૂરમાં મોકલ્યો. અમેરિકા અને કૅનેડાની જૉઇન્ટ ટૂર હતી. એ પછી લંડનની ટૂર પણ નક્કી થઈ. આ બધું મળીને સળંગ ત્રણ મહિનાની ટૂર થઈ. અશોકભાઈ અને પદ્‍માબહેન સિવાયના જે ૬ ઍક્ટર હતા એ બધા જુનિયર એટલે નાના-મોટા મતભેદો ચાલ્યા કરે, જેનો ઉલ્લેખ આપણે અગાઉ કર્યો છે. બધા વિખવાદો અમેરિકાની ટૂર દરમ્યાન સપાટી પર આવી ગયા અને અંદરોઅંદર ખૂબ ઝઘડા થયા. આ ઝઘડાનું બીજું કારણ એ પણ હતું કે એ મોટી ટૂર હતી. ત્રણ મહિનાની સળંગ ટૂર. આટલી લાંબી ટૂર ગોઠવવાની જરૂર નહોતી. માણસ જેટલો પોતાના ઘરથી, ફૅમિલીથી દૂર રહે એમ એનો કચવાટ વધે અને કચવાટ હંમેશાં કડવાશ લાવવાનું કામ કરે.

(‘બા રિટાયર થાય છે’ની વધુ ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે મળીશું આવતા મંગળવારે)

columnists Sanjay Goradia