હર ઘર મંદિર, ઘર ઘર મંદિર

27 June, 2020 10:30 PM IST  |  Mumbai | Alpa Nirmal

હર ઘર મંદિર, ઘર ઘર મંદિર

સચિન સંઘવી પરિવાર સાથે

કોરોના વિષાણુએ એક દિવસ ભગવાનને કહ્યું, ‘જોયું પ્રભુ, મારામાં કેટલી તાકાત છે, મેં તમારા મંદિરનાં દ્વાર બંધ કરાવી દીધાં.’
પ્રભુએ એને જવાબ આપ્યો, ‘ધ્યાનથી જો, તારા કારણે ઘરે-ઘરે મંદિર બની ગયાં.’
સુવાક્ય કે પૉઝિટિવ થૉટ રૂપે પ્રચલિત થયેલો આ મેસેજ થોડા દિવસ પહેલાં સોશ્યલ મીડિયા પર બહુ વાઇરલ થયો હતો. જોકે આ કાલ્પનિક સંવાદ ૧૦૦ ટકા સાચો સાબિત થયો છે. લૉકડાઉનના ત્રણ મહિના દરમિયાન કલ્યાણ, ભિવંડી, ડોમ્બિવલીથી લઈ કોલાબા અને વિરારથી ચર્ચગેટ સુધીના ૧૩૫૦થી વધુ જૈન ભક્તોએ પોતાના ઘરે પ્રભુજીને પધરાવી હંગામી મંદિર ઊભાં કર્યાં છે. પ્રભુનાં દેવાલયો હજી પણ બંધ છે, પરંતુ આ ટેમ્પરરી ઘર મંદિરમાં ત્યારથી હજી સુધી દરરોજના ૧૫ હજારથી વધુ ભાવિકો દર્શન-સેવા, પૂજા કરે છે.
આખા મુંબઈમાં કોના-કોના ઘરે પ્રભુજી પધાર્યા છે? કયાં-કયાં દેરાસરોમાંથી કેટલી પ્રતિમાજીઓ ભક્તોને અપાઈ છે? ક્યારે અપાઈ છે? એ દરેક વિગતનો બોરીવલીના `પ્રભુ પધાર્યા મારે ઘેર’ ગ્રુપના કાર્યકરોએ એક ડેટા બનાવ્યો છે. આ ગ્રુપના મુખ્ય કાર્યકર લલિતભાઈ જૈન ‘મિડ-ડે’ને કહે છે, ‘લૉકડાઉન જાહેર થતાં પ્રૉપર મુંબઈમાં તેમ જ પશ્ચિમના પરા વિસ્તારમાં વિરાર તેમ જ કલ્યાણ સુધીનાં 100 દેરાસરોમાંથી 1350 ભક્તોના ઘરે ભગવાન પધરાવાયા છે. મોટા ભાગે જૈન શ્રાવકો પ્રભુ પ્રતિમા પોતાના આજુબાજુના વિસ્તારોના દેરાસરોમાંથી લઈ આવ્યા છે તો અમુક ભાવિકો નંદિગ્રામ, ભિલાડ, શાહપુર, ખરડી વગેરેનાં જિનાલયોમાંથી પણ લઈ આવ્યા છે. આવી ઘટના એ પણ આટલા મોટા પ્રમાણમાં પહેલી જ વખત થઈ હશે. આથી અમે કેટલાક શ્રાવકોએ આની વિગતવાર નોંધ રાખવાનું વિચાર્યું અને પહેલા લૉકડાઉનથી જ ડેટા સંગ્રહ કરવાનું શરૂ કર્યું. આ માહિતીઓવું સંકલન કરતાં-કરતાં આજે આવાં જિનાલયોનો આંકડો 1350એ પહોંચ્યો છે. હજીયે અનેક એવાં ઘરો, જિનાલયો હશે જ્યાં અમારો સંદેશ નહીં પહોંચ્યો હોય. એની અમને માહિતી નથી મળી શકી. અને હા, એ પણ ઉલ્લેખનીય છે કે આ ભક્તિ કાર્ય ફક્ત મુંબઈમાં જ નહીં; ગુજરાત, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, રાજસ્થાન, જ્યાં-જ્યાં જૈનોની મોટી વસ્તી છે ત્યાં-ત્યાં થયું છે. આ પ્રકારે ત્યાંના સેંકડો ભક્તો પણ પ્રભુજીને નિજ ઘરે લાવ્યા છે.’
જૈન ધર્મમાં ભગવાનનાં દર્શન, પૂજન અને વંદનનો બહુ મોટો મહિમા છે. એમાંય ભગવાનની પૂજા કરવાનું મહત્ત્વ વધુ છે. આપણે પ્રભુ જેવા ગુણવાન બનીએ, પરમાત્માની જેમ સર્વ દોષરહિત બની આપણો આત્મા પ્રભુ જેવો નિર્મળ બને એવા ભાવે જિનેશ્વર ભગવાનની પૂજા કરાય છે. કોઈ કુળ, વંશ, નાત, જાતના ભેદભાવ વગર શરીર સ્વચ્છ કરી, શુદ્ધ વસ્ત્રો ધારણ કરી ભિન્ન-ભિન્ન દ્રવ્યો વડે ચોક્કસ નિયમ મુજબ ભગવાનનું પૂજન કરાય છે. આ સંદર્ભે વધુ વિગતો આપતાં `પ્રભુ પધાર્યા મારે ઘેર’ ગ્રુપના પારસભાઈ શાહ ‘મિડ-ડે’ને કહે છે, ‘જૈન ધર્મશાસ્ત્રો કહે છે, દરેક જીવ, દરેક આત્મા ભગવાન બની શકે છે. એમાં કોઈની મૉનોપોલી નથી. બસ, તમે વિતરાગ પ્રભુએ દર્શાવેલા માર્ગે ચાલો, તેમના જેવા બનો તો તમે પણ ભગવાન બની શકો. પ્રાયઃ ફક્ત જૈન ધર્મમાં જ મનુષ્ય માત્ર ભગવાનની પૂજા-સ્પર્શના કરી શકે છે. પરમાત્માની પૂજા-અર્ચના પ્રભુની સેવા અને ઉપાસનાનો એક પ્રકાર છે. અને સૃષ્ટિનો નિયમ છે કે ગુણવાન વ્યક્તિની સેવા, ભક્તિથી તેમના જેવા ગુણશીલ બની શકાય છે. જૈન કુળમાં બાળકનો જન્મ થાયને એટલે 21મા દિવસથી તેને ભગવાનની પૂજા કરાવી શકાય છે. આમ પ્રભુપૂજા એ મનુષ્ય અવતાર ધારણ કર્યા બાદ પરમાત્માની સમીપે જવાનું પહેલું સોપાન છે.’
બોરીવલી (ઈસ્ટ)માં રહેતા પારસભાઈ આગળ ઉમેરે છે, ‘લૉકડાઉનમાં આવી આવશ્યક ક્રિયા બંધ થઈ ગઈ. કોરોના મહામારીએ પ્રભુ સાથે વિયોગ સર્જી દીધો. ત્યારે માધવબાગના મોતીશા લાલબાગ જૈન મંદિરે પહેલ કરી અને શ્રાવકોને જિનાલયોમાંથી ધાતુના પ્રતિમાજીઓ, સિદ્ધચક્ર-વિશસ્થાનક વગેરેના ગટ્ટાઓ પોતાના ઘરે પધરાવી જવાનું આહવાન કર્યું. આ સમાચાર લૉકડાઉન પહેલાં બે-ત્રણ દિવસમાં જ આખા મુંબઈમાં વાયુ વેગે પ્રસરી ગયા અને શ્રદ્ધાળુ જૈનો તેમ જ દેરાસરોના સંચાલકો, ટ્રસ્ટીઓએ વાત વધાવી લીધી. લૉકડાઉનના પહેલા અઠવાડિયામાં જ સેંકડો શ્રાવકો દેરાસરના ટ્રસ્ટીઓની સહમતીથી પ્રભુની પ્રતિમાજી આ પરિસ્થિતિ પૂરતી પોતાના આવાસે લઈ આવ્યા.’
શ્રી ઘાટકોપર જૈન શ્વેતામ્બર પૂર્તિપૂજક તપગચ્છ સંઘ - નવરોજી લેનના મૅનેજિંગ ટ્રસ્ટી દામજીભાઈ છેડા ‘મિડ-ડે’ને કહે છે, ‘લૉકડાઉન જાહેર થતાં જ દરેક ધાર્મિક સંસ્થાનોને સરકાર તરફથી નિર્દેશપત્ર આવી ગયા હતા. એ અનુસાર સમસ્ત મુંબઈનાં 800થી વધુ શિખરબંધી જિનાલયોને બંધ કરવાનું, ભીડ ભેગી ન કરવાનું, કોઈ ધાર્મિક કાર્યક્રમો ન કરવાનું ફરમાન આવ્યું. આથી દરેક જિનાલયોના સંચાલકોએ પોતાને ત્યાં આવતા ભાવિકોને મનાઈ કરવી પડી. અમારા જ સંઘની વાત કરું તો અમારે ત્યાં દરરોજ સરેરાશ સાડાચારસોથી પાંચસો ભાવિકો પૂજા કરવા આવે છે, દર્શનાર્થીઓ અલગ. સરકારી આદેશ અનુસાર નિયમો પાળતા આ તમામ ભાવિકોની પૂજા-દર્શન બંધ થઈ જાય. ત્યાં જ અમને ઘરે પ્રતિમાજી લઈ જવાના સમાચાર મળ્યા. એ અનુસાર અમે સમસ્ત ટ્રસ્ટી મંડળ અને કારોબારીએ સહમતીથી નિર્ણય લઈને અમારે ત્યાં રહેલા 34 ધાતુના પ્રતિમાજીઓમાંથી 33 પ્રતિમાજીઓ ઇચ્છુક શ્રાવકોને આપ્યા જેથી તેમનો નિત્યક્રમ જળવાઈ રહે. હવે બીજા ઍન્ગલથી જોઈએ તો લૉકડાઉન જાહેર થતાં જ પૂજારીઓ અને દેરાસરોના સફાઈ-કર્મચારીઓને પોતાના પરિવાર પાસે જવું હતું અને તેઓ ગયા પણ. ત્યારે અમારા ચાર મજલીય દેવાલયની સફાઈ, આરસના પ્રતિમાજી, ધાતુના ભગવાનની રોજિંદી આવશ્યક પૂજા, અન્ય વિધિઓ સંઘના 10થી 12 યુવાનો માટે સરકારી નિર્દેશ મુજબ અપાયેલા લિમિટેડ સમયમાં પૂર્ણ કરવી અઘરી હતી. ત્યારે આ પ્રકારની વ્યવસ્થા કરવાથી બે લાભ થયા. નિર્ધારિત સમયમાં દેરાસરનાં સર્વે કાર્યો કરવાં શક્ય બન્યાં અને ભાવિકોના રોજિંદા નિયમો પણ જળવાઈ ગયા. અમારા સંઘના જે ભક્તોના ઘરે ભગવાન ગયા છે તેમના ઘરે દરરોજ તેમના બિલ્ડિંગ, સોસાયટીના સર્વે લોકો મળી બસોથી સવાબસો જૈનો પૂજા કરે છે.’
તળ મુંબઈના પાયધુનીસ્થિત શ્રી ગોડીજી મહારાજ જૈન ટેમ્પલ ઍન્ડ ચૅરિટી શ્રી વિજય દેવસૂરી સંઘનું જિનાલય મુંબઈનાં મુખ્ય દેરાસરોમાંનું એક છે. 207 પૂર્વે સ્થપાયેલા આ તીર્થમાં 84 આરસની અને ધાતુની 160 જિનપ્રતિમાજીઓ છે. ત્યાંના ટ્રસ્ટી ચેતન ઝવેરી ‘મિડ-ડે’ને કહે છે, ‘અમે અમારે ત્યાંથી ફક્ત 4 પ્રતિમાજીઓ ભક્તોને ઘરે આપ્યા છે એનું કારણ એ છે કે જૈન શાસ્ત્ર મુજબ પ્રતિમાજી જ્યાં રખાય એની ઉપર કોઈ જ માળ કે કોઈની મૂવમેન્ટ ન હોવી જોઈએ. આથી અમે પ્રતિમાજી તેમને જ આપ્યા જેઓ ઇમારતના ટૉપ ફ્લોર પર રહેતા હોય અથવા આ નિયમ પાળવો જેમના માટે શક્ય હોય. આવી કૅટેગરીમાં ફક્ત 4 ભક્તો ફિટ થયા આથી ચાર જ પ્રતિમાઓ અહીંથી અપાયા છે. અમે બહુ દૃઢપણે માનીએ છીએ કે પોતાની કન્વેનિયન્સ પ્રમાણે શાસ્ત્રનું ઉલ્લંઘન ન કરાય. બીજું, ભગવાનની કૃપાથી અમારે અહીં પૂજારી વગેરેનો સ્ટાફ ઇનહાઉસ છે. વળી સંઘના 10 કાર્યકરો સવારના તેમની સાથે જ દેરાસરની શુદ્ધિ, પૂજા, સફાઈ વગેરેમાં જોડાઈ જાય છે એટલે દેરાસરના દરેક કાર્ય ચોકક્સ સમયમાં પૂર્ણ થઈ જાય છે.’
1 જૂનથી મુંબઈમાં અનલૉક-1 શરૂ થયું છે. લૉકડાઉન દરમિયાન જ સરકારે 8 જૂને ધાર્મિક સ્થળો ખોલવાની વાત કરી હતી, પરંતુ અનલૉક કર્યા પહેલાં જ આ તારીખ 25 જૂન કરી નાખી હતી. આ લખાય છે ત્યાં સુધી સરકાર તરફથી ધાર્મિક સ્થાનો બાબતે કોઈ નિર્દેશન પત્રો બહાર પડ્યા નથી. એટલે દેરાસરો હજી ક્યારે ખૂલશે એ કહી શકાય એમ નથી. જેમના ઘરે ભગવાન છે તે જૈનોને તેમ જ તેમને ત્યાં પૂજા કરવા આવનાર ભક્તોને તો બહુ વાંધો નથી, પરંતુ જેઓ ત્રણ મહિનાથી પૂજા નથી કરી શક્યા તેઓ હવે જિનપૂજા બહુ મિસ કરે છે. એમાંય 4 જુલાઈથી ચાતુર્માસ’નો પ્રાંરભ થાય છે. ચાતુર્માસમાં જૈનો વધુ આરાધના કરે છે. આથી અન્ય સેંકડો ભક્તોને પણ હવે ધાર્મિક ક્રિયાઓ કરવા માટે પોતાના ઘરે ભગવાન પધરાવવા છે. આ સંદર્ભે પારસભાઈ શાહ કહે છે, `અમારા ગ્રુપ હસ્તક અમે અત્યાર સુધી 300 પ્રતિમાજીઓ આપી છે. ધારો કે એક જગ્યાએ ભગવાનની પ્રતિમાઓ વધુ હોય, ભક્તોની સંખ્યા ઓછી હોય ત્યારે અમે માધ્યમ બની ઇચ્છુક ભક્તોને ત્યાં પ્રતિમાઓ પહોંચાડી છે. મુંબઈની આજુબાજુનાં નાનાં ગામો, હાઇવે પરનાં તીર્થો વગેરેથી અમે પ્રતિમાજીઓ લઈ આવ્યા છીએ. હવે ચોમાસું નજીક આવી રહ્યું છે. પર્યુષણ આવશે. સરકારી નિર્દેશન પ્રમાણે સિનિયર સિટિઝન અને બાળકોએ તો ઘરની બહાર નીકળવાનું નથી. આથી અત્યારે અમારી પાસે ભગવાન માટે દરરોજ આઠથી દસ શ્રાવકોની ઇન્ક્વાયરી આવે છે અને અમે એ પૂર્ણ કરવાની કોશિશ પણ કરીએ છીએ. જો હજી માગ આવશે તો અમે ગુજરાતથી પણ પ્રતિમાજીઓ લઈ આવી ભક્તોને પહોંચાડવાની તૈયારી રાખી છે.’’

In Box
ઘરે વડીલ પધાર્યા હોય એવી અનુભૂતિ છે
ગ્રાન્ટ રોડમાં રહેતા હિતેશ સાવલાએ ભગવાન લેવા જતાં પોલીસનો દંડો પણ ખાધો છે. હા, સાવલાપરિવારે પોતાની ફૅમિલીની આઠ વ્યક્તિનો રોજનો જિનપૂજાનો નિયમ ન તૂટે એ માટે ઘરે પ્રભુજી લઈ આવવાની ભારે જહેમત કરી છે. જીન્સ મૅન્યુફૅક્ચરિંગનું કામકાજ કરતા હિતેશભાઈ કહે છે, ‘એ જહેમત, પોલીસનો દંડો બધું જ સહ્ય છે; કારણ કે આજે ૯૦ દિવસથી અમારા ઘરે પ્રથમ તીર્થંકર આદેશ્વર પ્રભુ બિરાજમાન થયા છે. એ દાદાની પધરામણીથી અમને ઘરે વડીલ પધાર્યા હોય એવી અનુભૂતિ થાય છે.’
છેલ્લાં ૪૫ વર્ષમાં લખમશીભાઈ સાવલાના ટોટલ ૪૫ દિવસ એવા નહીં ગયા હોય જેમાં ભગવાનનાં દર્શન, પૂજા ન થયાં હોય. તેઓ કહે છે, ‘જનતા કરફ્યુના દિવસે તો અમે વહેલી સવારે દરરોજ જ્યાં જઈએ છીએ એ કુમુદ મૅન્શન ખાતે આવેલા દેરાસરે પૂજા કરી આવ્યા. પછી બીજા દિવસે એ સોસાયટીમાં પ્રવેશવાની મનાઈ કરાઈ. આથી અમે થોડે દૂર આવેલા માતૃમંદિર સંઘમાં પૂજા કરવા ગયા. ત્યાં પણ બે દિવસ વાંધો ન આવ્યો, પરંતુ પછી ત્યાં પણ લોકોનો ધસારો શરૂ થતાં બહારના લોકોને એન્ટ્રી આપવાનું બંધ કરાયું. અમારા એક જાણીતાના બિલ્ડિંગમાં પણ આવા જ ઇશ્યુ થયા એટલે અમે નિર્ધાર કર્યો કે હવે તો ભગવાન ઘરે લઈ જ આવીએ.’
હિતેશભાઈ વાત આગળ વધારતાં કહે છે, ‘પહેલાં અમને ટેન્શન હતું કે ભગવાન ક્યાં રાખીશું. યોગ્ય જાળવણી નહીં થાય તો? આથી શરૂઆતમાં વિચાર ન કર્યો, પરંતુ બીજા દરવાજા બંધ થઈ ગયા આથી નક્કી કરી જ લીધું કે દર્શન-પૂજા વગર તો નહીં જ રહેવાય એથી ભગવાન ઘરે લાવીએ જ. એ સંદર્ભે અમે ત્રણ-ચાર સંઘોમાં વાત કરી. ક્યાંકથી જવાબ ન મળ્યા, ક્યાંક જવાબ આપવામાં વિલંબ થયો; કારણ કે ઘણા સંઘોના આગેવાનોએ ભગવાન શ્રાવકને આપવા વિશે હજી વિચાર્યું નહોતું. પરંતુ અમે પ્રયત્નો કરવાનું ચાલુ રાખ્યું. લેખિત અરજીઓ આપી અને સતત ફૉલો-અપ કરતા રહ્યા અને ફાઇનલી અમારા કુમુદ મૅન્શનના જિનાલયથી જ અમને ફોન આવ્યો કે તમે ભગવાન લઈ જાઓ. ગુઢી પડવાના દિવસે હું અને પપ્પા ભગવાન લેવા સવાર-સવારમાં ઘરેથી નીકળ્યા. બિલ્ડિંગમાંથી બહાર આવતાં જ સામે પોલીસ. અમે પૂજાના ધોતિયામાં હતા એટલે એ લોકોને ખ્યાલ તો આવી જ ગયો. અમને જોતાં જ પૂછ્યું ક્યાં જાઓ છો. અમે હકીકત કહી, પણ કૉન્સ્ટેબલ સાંભળવા તૈયાર જ નહીં. ત્યાં દેરાસરવાળાને અવઢવ થાય કે આ લોકો ભગવાન લેવા આવશે કે નહીં. તેમને પણ દેરાસર માંગલિક કરવાનું હતું. આ બાજુ પોલીસ જવા દે જ નહીં. અમે તેમને બહુ રિક્વેસ્ટ કરી, સમજાવ્યા પણ પોલીસ ટસની મસ ન થઈ. પપ્પા સિનિયર સિટિઝન હોવાથી છોડ્યા, પણ મને લગાવ્યો એક ડંડો.’
ખેર, એ સમયે તો હિતેશ ઘરે પાછો ફરી ગયો અને આ વિશે જણાવવા દેરાસરમાં ફોન કર્યો ત્યારે ખબર પડી કે નજીક રહેતાં એક શ્રાવિકા બહેન પણ ત્યાં ભગવાન લેવા ગયાં જ છે તો તેમની સાથે પ્રતિમા મોકલી આપવાની વિનંતી કરી અને દેરાસરના ટ્રસ્ટી, કાર્યકરો માની ગયા પછી એ બહેન પાસેથી લખમશીભાઈ ભગવાન લઈ આવ્યા.
જો સાવલા ફૅમિલીની પાંચ દિવસની સખત મહેનત અને પ્રભુ પ્રત્યેની ભક્તિને કમ્પેર કરીએ તો ભક્તિનો રંગ ચડી જાય. આજે બે બાલિકાઓ સહિત આખો પરિવાર ભગવાનની આખી પૂજા અને રાત્રિ ભાવના સહિતની દરેક વિધિ દરરોજ સાથે કરે છે. ઉપરાંત મોટા દિવસોમાં તેમણે ઘરે અનેક ધાર્મિક અનુષ્ઠાનો પણ કર્યાં છે. હાલમાં તેમના ઘરે એક બહેન પૂજા કરવા આવે છે. હિતેશભાઈ કહે છે, ‘કોઈ રાજાધિરાજ આવ્યા હોય કે બહુ મહાન વ્યક્તિ આપણી સામે હાજર હોય તો આપણે કેવી સલુકાઈથી વર્તીએ એવું જ અમારા ઘરમાં ઑટોમૅટિક થઈ ગયું છે. ભગવાન આવ્યા છે ત્યારથી ઘરની એકેય વ્યક્તિને ગુસ્સો કે કંટાળો નથી આવતો કે નથી નીરસતા છવાઈ. ચારે તરફ બસ, પ્રસન્નતાનો માહોલ છે.’

૩૫ વર્ષ પછી પ્રભુજીની આંગી કરવાનો સંજોગ થયો

જવાહરનગર જૈન દેરાસર-ગોરેગામના ટ્રસ્ટી મંડળને પ્રભુજી પોતાના નિવાસસ્થાને લઈ જવાની પહેલી અરજી મળી અહીં રહેતા સચિન સંઘવીની. સચિનભાઈએ પહેલી અરજી કરી એટલું જ નહીં, અન્ય ભક્તોને પણ ટ્રસ્ટી મંડળને અરજી કરવાનું કહ્યું જેથી ટ્રસ્ટી મંડળ તરત આ વિષય પર વિચારે અને જલદીથી નિર્ણયો લેવાય. અને ખરેખર ટ્રસ્ટીઓની ઉદારતાને લીધે સરકારે લૉકડાઉન જાહેર કર્યું એના આગલા દિવસે પ્રભુજી સચિનભાઈના ઘરે પધાર્યા. બીકેસીમાં ડાયમન્ડનું કામકાજ કરતા સચિનભાઈ ‘મિડ-ડે’ને કહે છે, ‘જનતા કરફ્યુનું એલાન થતાં જ લૉકડાઉનનો અણસાર અમને આવી ગયો હતો. એ સંદર્ભે દેરાસરો પણ બંધ કરવાં પડશે એવો ખ્યાલ પણ અમને હતો જ. આથી મેં જનતા કરફ્યુના બીજા દિવસે જ અમારા સંઘના ટ્રસ્ટીને પ્રભુજી લઈ આવવા માટેની અરજી આપી અને અન્ય મિત્રોને પણ આમ કરવાનું કહ્યું. મેં અરજી આપતાં અમારા સંઘના પ્રમુખે વડીલ ભાવે મને કહ્યું કે સંઘના ભગવાન તમે ઘરે લઈ જાવ તો સંઘના અન્ય સભ્યો પણ તમારા ઘરે પૂજા કરવા આવી શકે. હું તૈયાર હતો, મને કોઈ વાંધો નહોતો. પરંતુ તેમણે મને સમજાવ્યું કે એ બાબતસર ઊંડો વિચાર કર, કારણ કે વધુ લોકો આવે તો બિલ્ડિંગના અન્ય રહેવાસીઓને તકલીફ થાય. મારા પેરન્ટ્સ સિનિયર સિટિઝન છે. તેમને સ્વાસ્થ્યના ઇશ્યુ થઈ શકે. આથી એ દિવસે તો હું ઘરે આવી ગયો. પછી ઘરની અને બિલ્ડિંગની અન્ય વ્યક્તિઓ સાથે વિચારવિમર્શ કર્યો. દરેકે આ માટે સંમતિ આપી. અમારા મકાનમાલિકને પણ કોઈ પ્રૉબ્લેમ નહોતો. હા, લોકો આવે તો કઈ રીતે મૅનેજ કરવા, શું કરવું એની રૂપરેખા તૈયાર કરવાની હતી. એ બધી જ તૈયારી કર્યા પછી મંગળવારે હું ફરી ટ્રસ્ટીઓને મળવા ગયો અને તેમણે તરત મને પ્રતિમા લઈ આવવાની અનુમતિ આપી દીધી.’
અને શાંતિનાથ પ્રભુ સચિનભાઈના ઘરે લૉકડાઉન પહેલાં જ આવી ગયા. સચિનભાઈનાં વાઇફ હિતિક્ષાબહેન કહે છે, ‘શરૂ-શરૂમાં તો અમારા ઘરે 35થી 40 વ્યક્તિઓ દરરોજ પૂજા કરવા આવતી. અમે દરેકને ટાઇમ સ્લૉટ આપી દીધા હતા જેથી ઘરમાં કે બિલ્ડિંગમાં કોઈ ભીડ ભેગી ન થાય.’
આમેય જવાહરનગરમાં જૈનોની વસ્તી ખૂબ મોટી છે. અહીંના લોકોનો ભક્તિભાવ અપ્રતિમ છે. અહીંનાં બે જિનાલયો મળી 39 ધાતુના પ્રતિમાજી અને ગટ્ટા છે. આ દરેક પ્રતિમા તો અહીંના રહેવાસીઓ પોતપોતાના ઘરે લઈ ગયા ઉપરાંત જોગેશ્વરી, તળ મુંબઈ, અંધેરી, બોરિવલી મલાડના જૈન દેરાસરોમાંથી અહીં પ્રતિમાજી આવ્યાં છે. હવે આ વિસ્તાર મોટી સંખ્યામાં હંગામી ઘર મંદિર બની ગયો છે. આથી હવે તેમના ઘરે 10થી 12 વ્યક્તિઓ બહારથી પૂજા કરવા આવે છે. સચિનભાઈ, તેમના પેરન્ટ્સ, દીકરો બધા સાથે મળી દરરોજ અષ્ટ પ્રકારી પૂજા કરે છે. સાંજે આરતી, ભાવના તેમ જ કલ્યાણક વગેરે દિવસોમાં તેઓએ વિશિષ્ટ અનુષ્ઠાનો પણ કર્યાં છે. સચિનભાઈ કહે છે, ‘પહેલાં મને દેરાસરમાં અડધોથી પોણો કલાક થતો. હવે બે કલાક પ્રભુની ભક્તિ થાય છે. હું દસ વર્ષનો હતો ત્યારે ભગવાનની આંગી કરતો. આજે 35 વર્ષ પછી આ અન્વયે મને એ મોકો મળ્યો. મારા ભાઈ મહારાજ મને ઘણા વખતથી કહેતા કે આંગી કરો, આરાધના વધુ કરો. પણ સમયનો અભાવ અને વધુ આળસમાં ક્યારેય તેમનું સૂચન ધ્યાનમાં ન લીધું. આજે ત્રણ મહિનાથી વધુ સમય થઈ ગયો આ આરાધના ઉપાસના શરૂ કર્યે ત્યારે ભગવાન સાથે એવી માયા બંધાઈ ગઈ છે કે જ્યારે તેમને પાછા જિનાલયમાં આપવાના હશે ત્યારે સ્વજનને વળાવતા હોઈએ એવી ફીલિંગ થશે.’

columnists alpa nirmal weekend guide