ઇન્ડિયા વર્સસ પાકિસ્તાન અને ઇન્ડિયા વર્સસ ઇંગ્લૅન્ડની મૅચમાં આટલો બધો ફરક કેમ છે?

23 February, 2026 02:05 PM IST  |  Mumbai | Jigisha Jain

પાકિસ્તાન સાથેનો આપણો ઇતિહાસ અને વર્તમાન બન્ને લોહિયાળ છે એટલે એની સામે રમાતી મૅચને આપણે રમત નથી સમજતા, પરંતુ ૨૦૦ વર્ષ આપણને ગુલામ બનાવનાર ઇંગ્લૅન્ડ માટે આપણને કેમ કોઈ રોષ નથી?

ફાઇલ તસવીર

હાલમાં ભારત-પાકિસ્તાનનો ક્રિકેટ-મૅચનો જંગ જામ્યો હતો. મૅચ એટલીબધી એકતરફી બની હતી કે જીતવાનું સુખ મળ્યું એમ ન કહી શકાય. દરેક ભારતીયને ખબર છે કે આપણી ક્રિકેટ-ટીમ તેમના કરતાં સ્ટ્રૉન્ગ છે અને આપણે હારવાના નથી, છતાં મનમાં કોઈક ખૂણે એક ફફડાટ હોય છે કે જો હારી ગયા તો? પાકિસ્તાન સામે તો હાર નહીં સ્વીકારી શકાય એટલે કોઈ પણ રીતે જીતવું તો પડશે અને એટલે જ આના જેવી એકતરફી મૅચમાં જીત્યા પછી મનમાં ટાઢક તો થાય છે. કોઈ પણ હાલતમાં પાકિસ્તાન સામેની જીત આપણા માટે અત્યંત જરૂરી હોય છે.

આ બે દેશ વચ્ચે ક્રિકેટ-મૅચ રમાય ત્યારે આખી દુનિયાને એ મૅચમાં રસ પડે છે. ૧૯૯૦ના દસકામાં આ બન્ને દેશની ટીમ એકદમ ટક્કરની હતી અને મૅચમાં હંમેશાં રસાકસીનો જંગ જામતો. અમે નાના હતા ત્યારે મને યાદ છે કે મમ્મી એવું કહેતી કે પાકિસ્તાનીઓનું ભલું પૂછવું, એ છેલ્લા બૉલમાં પણ સિક્સર મારીને મૅચ જીતી શકે છે. ૧૯૯૬માં વર્લ્ડ-કપની ક્વૉર્ટર ફાઇનલમાં તેમણે આપણને હરાવ્યા હતા. ૧૯૯૯ના એશિયા કપમાં પણ તેઓ કલકત્તામાં આપણી સામે જ ફાઇનલ રમીને જીતી ગયા હતા. એ હારનું દુઃખ એવું હતું કે અમારી જેમ ‍ઘણાં ઘરોમાં લોકોના ગળે કોળિયો નહોતો ઊતર્યો. ભારતીય ઑડિયન્સ માટે એ સમયે આપણે સિરીઝ હારી જઈએ કે કપ હારી જઈએ તો બધું માફ થઈ શકતું, પરંતુ પાકિસ્તાન સામે હારવું એની માફી નહોતી મળતી. આજે આપણે વર્લ્ડ ચૅમ્પિયન છીએ. પાકિસ્તાનની ક્રિકેટ-ટીમની આપણી ટીમ સાથે કોઈ બરાબરી થઈ શકે એમ નથી, છતાં ન કરે નારાયણ ને જો એ લોકો જીતી જાય તો આજે પણ એ વિચારમાત્ર આપણા માટે અસહ્ય બની જાય છે.

પાકિસ્તાન એક એવો દેશ છે જેની સાથે આપણો એક લોહિયાળ ઇતિહાસ જોડાયેલો છે. એ આપણા જ લોકો હતા જેઓ નફરતથી આપણાથી અલગ થઈ ગયા અલગ થયા, એટલું જ નહીં, જે રીતે અલગ થયા એ એનાથી પણ વધુ પીડાજનક છે. જે લોહીની નદીઓ વહાવીને તેઓ આપણાથી અલગ થયા છે એ ઘા નાસૂર છે. સમયનો મલમ એના પર કામ કરી ન શક્યો, કારણ કે આ એ દેશ છે જેણે છેલ્લાં ૭૭ વર્ષથી આપણને શાંતિ લેવા દીધી જ નથી. એ ઘા તેમણે આતંકવાદ, ઘૂસણખોરી અને યુદ્ધ દ્વારા સતત ઊંડો જ કર્યો છે. બધા જ શાંતિ-પ્રસ્તાવો પર તેમણે પાણીઢોળ કર્યું છે. કાશ્મીર જેવી સ્વર્ગ જેવી સુંદર જગ્યાને સળગતો પ્રશ્ન બનાવીને લોકોનાં જીવન ઝેર બનાવી દીધાં છે. હા, ભારત પાકિસ્તાનને નફરત કરતું હતું અને કરે છે, કારણ કે આપણો ઇતિહાસ જ નહીં, વર્તમાન પણ લોહિયાળ છે. ૭૭ વર્ષથી આ નફરતનો વારસો પેઢી દર પેઢી પુખ્ત બન્યો છે. એટલે જ પાકિસ્તાન સાથેની કોઈ પણ મૅચ આપણે માટે રમત નથી હોતી.

માણસજાત માટે તેની આજ મહત્ત્વની હોય એ સહજ છે, પરંતુ સાયકોલૉજી એવું કહે છે કે તમારું આજનું વર્તન તમારી ગઈ કાલ પર એટલે કે જીવનના ભૂતપૂર્વ અનુભવો પર નિર્ભર કરે છે. એટલે જ નાનપણના ટ્રૉમા મોટા થાય ત્યારે બીમારીના સ્વરૂપે સામે આવે છે. પાકિસ્તાન સામેની આપણી નફરત એનું જીવંત ઉદાહરણ છે. જોકે મને જે પ્રશ્ન થાય છે એ એવો છે કે પાકિસ્તાન સાથેની દુશ્મની આપણી ૭૭ વર્ષ જૂની છે. એનાથી પણ વધુ લાંબી ચાલનારી દુશ્મની આપણી અંગ્રેજો સામેની છે. ૨૦૦ વર્ષ તેમણે આપણા પર રાજ કર્યું. આપણને ગુલામ બનાવી રાખ્યા, લૂંટ્યા, કંગાળ કરી નાખ્યા. ‘ભાગલા પાડો અને રાજ કરો’ના તેમના નિયમ મુજબ તેમણે અંદરોઅંદર ઝઘડા કરાવ્યા. ‘ભારત - સોને કી ચીડિયા’નું સોનું તો તેઓ લૂંટી ગયા, પણ તેમણે એના આત્માને પણ પોતાના પગ તળે રગદોળી નાખ્યો. અતિ ગૌરવશાળી જીવન જીવતા ભારતીયોનું આત્મસન્માન તેમણે છિન્નભિન્ન કરી નાખ્યું હતું, આપણી શિક્ષણપ્રણાલીને નષ્ટ કરી નાખી. આપણા ગ્રંથો તેમણે બાળી નાખ્યા. આપણને તેમણે માણસ તરીકેનો દરજ્જો પણ નહોતો આપ્યો. ‘ડૉગ્સ ઍન્ડ ઇન્ડિયન્સ આર નૉટ અલાઉડ’ લખીને તેઓ આપણી સરખામણી કૂતરા સાથે કરતા હતા. 
વિચારવાનું એ છે કે હજારો ભારતીયો પર જુલમ કરીને કોડા વરસાવનારા, નિર્દોષ લોકોને ફાંસીએ ચડાવી દેનારા, ઢોરની જેમ આપણી પાસે કામ લેનારા અંગ્રેજો સામેની આપણી લડત ૨૦૦ વર્ષની હતી. શું તેમણે આપણા માનસપટ પર કોઈ ઘા છોડ્યા નથી? ભારતને પાકિસ્તાન સામે નફરત છે એ સમજી શકાય, પણ ઇંગ્લૅન્ડ સામે નફરત નથી એ કઈ રીતે સમજી શકાય? ૨૦૦ વર્ષની સ્વતંત્રતાની લડાઈની તકલીફો, એ ગુસ્સો, એ આર્તનાદ બધું ક્યાં જતું રહ્યું? જેમને કારણે આપણી ઝાંસીની રાણીથી લઈને ભગત સિંહ સુધી હજારો લોકોએ શહીદ થવું પડ્યું, જેમને કારણે જલિયાંવાલા બાગમાં નિર્દોષ સ્ત્રીઓ અને બાળકો સહિત હજારો લોકોના જીવ ગયા, જેમને કારણે આપણો કોહિનૂર હીરો આપણી પાસેથી જતો રહ્યો, જેને કારણે રાજા-રજવાડાં લૂંટાઈ ગયાં, એ દેશ સામે આપણને આજની તારીખે તો શું છેલ્લાં ૭૭ વર્ષમાં પણ કોઈ ફરિયાદ નહોતી થઈ?

જ્યારે પણ ભારત અને ઇંગ્લૅન્ડની મૅચ રમાય છે ત્યારે એક પણ ભારતીય ઝનૂની કેમ નથી જોવા મળતો? ચાલો, બધાને ગુસ્સો નહીં આવતો હોય, પણ એક પણ વ્યક્તિ એવી નથી જેને એમ થાય કે ૨૦૦ વર્ષ આ લોકોએ આપણા પર રાજ કર્યું અને હવે આપણે તેમની જ રમતમાં તેમને ધૂળ ચટાડીએ. મજાની વાત એ છે કે એ થીમ પર બનેલી કાલ્પનિક ફિલ્મ ‘લગાન’માં જ્યારે ભુવનની ટીમ અંગ્રેજોને હરાવે છે ત્યારે લોકો ખુશ થઈને એને બ્લૉક-બસ્ટર બનાવી દે છે, પણ એ જ ઇમોશન સાક્ષાત્ નજરની સામે રમાતી ઇન્ડિયા વર્સસ ઇંગ્લૅન્ડની મૅચમાં કેમ દેખાતું નથી?

પાકિસ્તાનનું નામ સાંભળીને આપણું લોહી ઊકળવા માંડે તો ઇંગ્લૅન્ડનું નામ સાંભળીને પણ કંઈક તો થવું જોઈએને? એવું કેમ નહીં થતું હોય? આનો જવાબ એવો ન હોઈ શકે કે ઇંગ્લૅન્ડ અત્યારે આપણી સાથે કશું ખરાબ નથી કરી રહ્યું એટલે આપણે એ ૨૦૦ વર્ષના જોર-જુલમ બધું માફ કરીને બેસી ગયા છીએ. જવાબ એવો પણ ન હોઈ શકે કે આ વાતને ૭૭ વર્ષ થઈ ગયાં એટલે ઝખમ રુઝાઈ ગયા, કારણ કે પાકિસ્તાન સાથેના ભાગલાને પણ એટલો જ સમય થયો પણ એના ઝખમ હજી પણ નથી રુઝાયા. ઇંગ્લૅન્ડમાં આજની તારીખે અઢળક ભારતીય લોકો વસે છે. ત્યાં ફરવા જવું એ મોટા ભાગના ભારતીયોનું સપનું છે. શું એટલા માટે કે એ એક અમીર રાષ્ટ્ર છે એટલે આપણે તેમને માફ કરી દીધા? કેટલાક કહેવાતા બુદ્ધિજીવીઓ અહીં એ પણ દલીલ કરશે કે અંગ્રેજોએ આપણને આપ્યું પણ ઘણું, શું એ ૨૦૦ વર્ષની ગુલામીની સરખામણીમાં ઘણું કહેવાશે? તો શું ફરક બન્નેમાં એટલો જ હશે કે અંગ્રેજો પારકા હતા અને પાકિસ્તાનીઓ આપણા હતા. પોતાના જ્યારે વાર કરે ત્યારે એ વાર પારકા કરતાં વધુ ઘાતક સાબિત થાય છે. આ જવાબ મન તો સ્વીકારી લેશે પણ મગજ ના પાડશે. હકીકતમાં આ પ્રશ્નનો જવાબ મને નથી મળી રહ્યો, એક ભારતીય તરીકે તમારી પાસે એનો જવાબ છે ખરો?

india pakistan cricket news columnists exclusive gujarati mid day Jigisha Jain