શબ્દોની મગજમારી ઉકેલવાનો આનંદ કેવો હોય એ દાદા-દાદી અને નાના-નાનીને પૂછો

18 March, 2020 05:47 PM IST  |  Mumbai | Varsha Chitaliya

શબ્દોની મગજમારી ઉકેલવાનો આનંદ કેવો હોય એ દાદા-દાદી અને નાના-નાનીને પૂછો

ફાઈલ ફોટો

અખબારોમાં આવતાં ક્રૉસવર્ડ, પઝલ્સ, ક્વિઝ અને શબ્દો તેમ જ આંકડાઓની જુદી-જુદી રમત વડીલોના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગઈ છે. કોયડા ઉકેલવા એ તેમની રોજિંદી ટેવ પણ બની ગઈ છે. હજારો સિનિયર સિટિઝન્સ માત્ર આ કારણસર પણ અખબારો લેતાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે ત્યારે વડીલોના આ પ્રેમ વિશે તેમને જ પૂછીએ

પહેલાં ક્રૉસવર્ડ ભરવાની, પછી દવા લેવાની : કોકિલા ઈશ્વર મહેતા, ઘાટકોપર

અમને બન્નેને ક્રૉસવર્ડ ભરવાનો અને વાંચનનો એટલો શોખ છે કે એ માટે થઈને ઘરમાં ત્રણ છાપાં અને જુદા-જુદા કેટલાંય મૅગેઝિન આવે છે. મૅગેઝિનનાં તો વાર્ષિક લવાજમ ભરી દઈએ. જોકે અખબારમાં આવતા ક્રૉસવર્ડ ભરવાના તો મારે જ. મારા મિસ્ટર એમ કહે કે પહેલાં તને આવડે એટલું ભરી લે, ન આવડે એ ચાવી શોધવાનો પ્રયાસ હું કરીશ. કોઈક વાર હું તેમને પૂછી લઉં. મને તો એટલી તાલાવેલી હોય કે સવારની ચા પીધી નથી કે છાપું લઈને બેસી જાઉં. ઘરમાં બધાને ખબર છે તેથી છાપાની બાજુમાં જ ચશ્માં અને પેન રાખેલાં હોય. સમાચાર પર ઊડતી નજર નાખી સૌથી પહેલું કામ ક્રૉસવર્ડ ભરવાનું કરું. ત્યાર બાદ દવા લેવાની અને આગળના સમાચાર વાંચવાના. છાપામાં આવતા જુદા-જુદા કોયડા ભરવાનો શોખ શરૂઆતથી જ છે, પરંતુ અત્યારે નિવૃત્તિમાં પ્રવૃત્તિ જેવું લાગે છે. એના કારણે એક શબ્દના ઘણાબધા અર્થ જાણવા મળે છે. નવા-નવા શબ્દો શોધી ભરવું ગમે, આંકડાવાળાં ચોકઠાંમાં એવી મજા નથી આવતી. ગુજરાતી ઉપરાંત સંતાનો માટે અમારે ત્યાં અંગ્રેજી છાપાં પણ આવે છે. એકાદ વાર અંગ્રેજીમાં ક્રૉસવર્ડ ભરવાનો પ્રયાસ કરી જોયો છે. આ ચાવીમાં શું કહેવા માગે છે એવું બાળકોને પૂછી લઉં પણ શબ્દનો અર્થ સમજાય નહીં. અમે વધુ ભણ્યાં નથી એટલે અંગ્રેજી ભાષાના શબ્દો ઉકેલવામાં તકલીફ પડે છે તેમ છતાં પ્રયત્નો કરતાં રહીએ.

અમારા માટે જૂનાં ફિલ્મી ગીતોના કોયડા શરૂ કરો : જ્યોત્સ્ના ભાલાણી, માટુંગા

કોયડા ઉકેલવાનો તો પહેલેથી જ જબરો શોખ છે જે સમયની સાથે વધ્યો છે. વાસ્તવમાં આ ઉંમરે સમય પસાર કરવાનું આ જ મુખ્ય સાધન છે. શબ્દોના પર્યાયો શોધવામાં મગજ કસાય અને મન પણ પરોવાયેલું રહે. કોઈક વાર તો શબ્દનો પર્યાય શોધવામાં અડધો કલાક નીકળી જાય. રાતે ઊંઘ ન આવે તો છાપું લઈને બેસી જાઉં. જોકે આજકાલ ઘણાં અખબારોમાં જે ચાવી આપેલી હોય છે એનો બીજા દિવસે ઉકેલ જોઈએ તો ફારસી અને ઉર્દૂ શબ્દો જોવા મળે છે. એમાં થોડી તકલીફ પડે. બાકી શુદ્ધ ગુજરાતી કે તળપદી ભાષાના પર્યાયો તો આવડી જ જાય. આંકડાવાળી રમતમાં તો આપેલા આંકડા ગોઠવવાના હોય છે, એમાં શું મજા આવે? આનંદ તો શબ્દોની ખણખોદ કરવામાં જ આવે. ઘરમાં તો અખબારો આવે જ છે, બહારગામ જવાનું હોય ત્યારે પણ સમય પસાર કરવા કોયડાવાળાં પુસ્તકો સાથે રાખું છું. મને યાદ છે એક સમયે જૂનાં ફિલ્મી ગીતોની ચાવીઓ ઉકેલવાનાં ચોકઠાં આવતાં હતાં. એમાં તો બહુ મજા પડતી. યુવાન વયથી જ નૉવેલ વાંચવાનો શોખ છે અને ઘણી જૂની ફિલ્મો એમાંથી પ્રેરણા લઈને બની છે તેથી મને ફિલ્મી કોયડા વધારે ગમતા. અત્યારે જે આવે છે એ ઢંગધડા વગરના હોય છે એટલે ગમતા નથી. નવી ફિલ્મોની ચાવી મૂકવાનો કોઈ અર્થ નથી, કારણ કે આજની પેઢીને મગજમારીની રમતમાં રસ નથી. અખબારના તંત્રીઓ અમારી પેઢીની પસંદગીને ધ્યાનમાં રાખી મગજમારી મૂકે તો સારો સમય પસાર થઈ જાય.

કોયડા ઉકેલવામાં તો મારી માસ્ટરી છે : મનહર વેદ, નાલાસોપારા

મને ગુજરાતી કહેવતો જાણવામાં બહુ રસ પડે છે. છાપામાં આવતા કોયડા ભરવાથી નવી-નવી કહેવતો જાણવા મળે અને આપણી ભાષા સુધરે છે. સામાન્ય જ્ઞાન ધરાવતી શબ્દ-રમતની તમામ આડી-ઊભી ચાવી ભરતાં મને દસ મિનિટ માંડ લાગે. વર્ષોથી ભરું છું તેથી એટલા બધા શબ્દો મગજમાં ગોઠવાઈ ગયા છે કે ભાગ્યે જ એવી કોઈ ચાવી હશે જે મને ન આવડે. શબ્દ-રમતના કોયડા ઉકેલીને અનેક વાર છાપાંમાંથી ઇનામ પણ મેળવ્યાં છે. મારી યાદશક્તિ એવી છે કે છાપાંવાળા ક્રૉસવર્ડ રિપિટ કરે તો મને ખબર પડી જાય. આ બાબત મેં ધ્યાન પણ દોર્યું છે. આમ તો નિવૃત્ત છું એટલે દિવસે જ કોયડા ભરી લઉં, પરંતુ કોઈ કારણસર રહી જાય તો રાત્રે જાગીને પણ આ કામ તો કરવાનું જ એટલું જ નહીં, બીજા દિવસે ચાવી મેળવી લેવાની. જ્યાં સુધી તાળો ન મળે ત્યાં સુધી છાપું પસ્તીમાં ન જાય. જોકે કેટલાંક છાપાંની સપ્લિમેન્ટમાં આવતી ફિલ્મી ચાવીઓ ઉકેલવી અઘરી લાગે છે. અમે રહ્યા જૂના જમાનાના માણસ. જૂની ફિલ્મોનાં નામો આવડે પણ અત્યારની ફિલ્મોનાં નામો યાદ રહેતાં નથી અને ખબરેય હોતી નથી. તેથી ફિલ્મી કોયડા અધૂરા રહી જાય છે. આ ઉપરાંત દુનિયાના દેશોનાં શહેરોનાં નામ શોધી કાઢવાનાં હોય એવાં ટેબલ ઉકેલવાં પણ બહુ ગમે. ચોપડીમાં ટેબલ આપેલું હોય એમાં ઉપર લખ્યું હોય કે આમાંથી અમેરિકાનાં શહેરોનાં નામ શોધો તો મજા આવે.

પુસ્તકોની ક્વિઝ જેવી મજા મોબાઇલમાં નથી : રેખા ચિતલિયા, વિલે પાર્લે

અખબારો અને મૅગેઝિનોમાં આવતા કોયડા ઉકેલવા બહુ ગમે, પરંતુ એની બંધાણી નથી. એવું નહીં કે સવાર પડે ને તરત છાપું લઈને બેસી જાઓ. પૂજા-પાઠ અને સેવા કર્યા બાદ નિરાંતે પેન લઈને બેસવાનું. હું હજી ઘણી ઍક્ટિવ છું. બહાર જવાનુંય થાય. નિત્ય ક્રમ બાદ રિલૅક્સ્ડ મૂડમાં આવીએ ત્યારે મગજમારી ભરવાની. ખાસ કરીને બપોરનો સમય નીકળી જાય. પઝલ્સમાં રસ છે એટલે જ ત્રણેક અખબારો આવે છે. કોઈ શબ્દ ન આવડ્યો હોય તો બીજા દિવસે જવાબ જોઈ લઈએ જેથી ફરી આ શબ્દ આવે તો આવડે. કોઈક વાર ભરવાનું રહી જાય તો છાપું રહેવા દઈએ. લાંબા અંતરનો પ્રવાસ કરવાનો હોય ત્યારે ક્વિઝ અને પઝલ્સ સૉલ્વ કરવાની બુક્સ સાથે રાખીએ અથવા બાકી રહી ગયેલાં અખબારો સાથે લઈ લઈએ તો સમય પસાર થઈ જાય. અમારી પેઢી મોબાઇલ વાપરતી થઈ ગઈ છે તેમ છતાં મોટા ભાગના લોકોને ઑનલાઇન ગેમ્સ રમવી ગમતી નથી. પઝલ્સ સૉલ્વ કરવાનું બીજું મહત્ત્વનું કારણ છે શાર્પ મેમરી. નવા-નવા શબ્દો શોધવાના પ્રયત્નો કરવાથી અને એકબીજાને પૂછવાથી યાદશક્તિ વધે છે એવું વિજ્ઞાન કહે છે અને મારો અંગત અનુભવ પણ છે. તમે જોજો, વાંચનનો શોખ ધરાવતા વડીલોની યાદશક્તિ મોટી ઉંમર સુધી સારી રહે છે. તેમની પાસેથી નવું-નવું જાણવા મળે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ અમારે તો આ પ્રકારની મગજની કસરત કરવી જ જોઈએ. જોકે આંકડાની રમતો તો મનેય નથી ગમતી.

Varsha Chitaliya columnists