સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૧૩)

14 January, 2023 11:55 AM IST  |  Mumbai | Aashu Patel

‘ના, એ રીતે મામલો નિપટાવવો નથી. હોમ ડિપાર્ટમેન્ટ તમારી પાસે છે. પોલીસ-કમિશનરને હમણાં જ સૂચના આપો કે શાહનવાઝ સામે ફરિયાદ નોંધવા માટે આદેશ આપે,’ પ્રતાપરાજે ભારપૂર્વક કહ્યું

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ

‘આપ લોગ ક્યા કર રહે હો? શાહનવાઝને કિસી લડકી પર રેપ કિયા થા ઐસી કમ્પ્લેઇન્ટ લિખવાને કે લિએ વો લડકી પુલિસ સ્ટેશન મેં ગઈ તો ઉસકો વહાં સે ભગા દિયા ગયા...’

‘દેખતા હૂં મૈં કિ ક્યા હો સકતા હૈ લેકિન તુમ અપની સાઇડ સે વો લડકી કો કૈસે ભી સમજા કે મામલા નિપટાને કી કોશિશ કરો. કહીં મીડિયા તક બાત પહુંચ ગઈ તો ફિર મૈં ચાહતે હુએ ભી કુછ નહીં કર પાઉંગા,’ હરિભાઉએ કહ્યું

‘ફિલ્મસ્ટાર શાહનવાઝ વિરુદ્ધ ફરિયાદ લેવા માટે આદેશ આપી દો તમારી પોલીસને. તેણે શૈલજા નામની એક મૉડલ પર રેપ કર્યો છે. એ છોકરી ફરિયાદ નોંધાવવા ગઈ હતી, પણ તમારી પોલીસે તેની ફરિયાદ લેવાની ના પાડી દીધી છે...’
પ્રતાપરાજ મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર હરિભાઉ ગાયકવાડને ફોન પર કહી રહ્યા હતા. શૈલજા સાથે ફોન પર વાત કર્યા પછી તરત જ તેમણે હરિભાઉને કૉલ લગાવ્યો હતો.
‘શાહનવાઝ સામે...’ હરિભાઉ સહેજ અચકાયા. શાહનવાઝ સાથે તેમનો ગાઢ સંબંધ હતો.
‘હા, તમારા દોસ્ત શાહનવાઝ સામે.’ પ્રતાપરાજે ‘તમારા’ દોસ્ત શબ્દો પર ભાર મૂકીને ધારદાર અવાજે કહ્યું.
હરિભાઉને એ શબ્દો વાગ્યા. તેમને ખબર હતી કે પૃથ્વીરાજ અને શાહનવાઝ બંને કટ્ટર હરીફ હતા અને થોડા દિવસો અગાઉ જ એક અવૉર્ડ ફંક્શનમાં તે બંને વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો હતો. ત્રીજી વાર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનેલા હરિભાઉ અઠંગ રાજકારણી હતા. તેમનું દિમાગ વીજળી વેગે દોડવા લાગ્યું હતું. શાહનવાઝ ખેપાની હતો એ તેમને ખબર હતી, પણ તે તેમના માટે ખૂબ ઉપયોગી હતો. અંગત પ્રસંગોથી માંડીને ચૂંટણીઓ વખતે તે તેમના માટે દોડી આવતો હતો. હજી ત્રણ સપ્તાહ પહેલાં જ તેમની દીકરીનાં લગ્નમાં આવીને તે મહેમાનોનું મનોરંજન કરી ગયો હતો. તો બીજી બાજુ પ્રતાપ્રરાજનેય કોઈ પણ રીતે સાચવી લેવા પડે એમ હતા, કારણ કે તેમની મિશ્ર સરકારમાં સૌથી મોટો ભાગીદાર જનસેવા પક્ષ હતો. તેમના મનમાં વિચાર ઝબકી ગયો કે શાહનવાઝ પાસેથી પેલી છોકરીને પૈસા અપાવીને મામલો શાંત પાડી દઉં.
તેમણે પ્રતાપ્રરાજને શાંત પાડવાની કોશિશ કરતાં કહ્યું, ‘હું શાહનવાઝ સાથે હમણાં જ વાત કરું છું અને મામલો નિપટાવી દઉં છું.’
‘ના, એ રીતે મામલો નિપટાવવો નથી. હોમ ડિપાર્ટમેન્ટ તમારી પાસે છે. પોલીસ-કમિશનરને હમણાં જ સૂચના આપો કે શાહનવાઝ સામે ફરિયાદ નોંધવા માટે આદેશ આપે,’ પ્રતાપરાજે ભારપૂર્વક કહ્યું.
‘હું પહેલાં એ સમજી લઉં કે આખો મામલો શું છે એ પછી યોગ્ય કાર્યવાહી કરાવું છું,’ હરિભાઉએ પોતાના વાક્ચાતુર્ય થકી પ્રતાપ્રરાજને સમજાવવાનો વધુ એક પ્રયાસ કરી જોયો.
‘મારી સાથે શબ્દોનો ખેલ નહીં ચાલે, હરિભાઉજી. આજે જ શાહનવાઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ જવી જોઈએ. રાતના બાર વાગ્યા સુધીનો સમય તમારી પાસે છે નહીં તો આ તમારી સરકારનો છેલ્લો દિવસ હશે. આવતી કાલે અમારા પક્ષના અઠ્ઠાવન વિધાનસભ્યો ટેકો પાછો ખેંચી લેશે એની ગૅરન્ટી હું તમને આપું છું!’ પ્રતાપરાજે સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપીને કૉલ ડિસકનેક્ટ કરી નાખ્યો!
હરિભાઉ રીઢા રાજકારણી હતા, પણ પ્રતાપ્રરાજના કૉલને કારણે તેઓ થોડી વાર માટે વિચલિત થઈ ગયા. તેમના કપાળ પર કરચલીઓ પડી ગઈ હતી. તેમને શાહનવાઝની જરૂર હતી, પણ પ્રતાપરાજનો પાવર કેવો છે એની તેમને ખબર હતી. મહરાષ્ટ્રમાં તેમની સરકાર બનાવવામાં પણ પ્રતાપરાજની અત્યંત મહત્ત્વની ભૂમિકા હતી.
હરિભાઉને શાહનવાઝ પર કાળ ચડ્યો, પણ તેઓ ખંધા રાજકારણી હતા. તેમણે ટેબલ પર પડેલો ગ્લાસ ઉઠાવીને થોડું પાણી પીધું અને પછી સ્વસ્થ થવાની કોશિશ કરતાં વિચાર્યું કે શાહનવાઝ કામનો હતો અને તેની ધરપકડને કારણે તેમના પક્ષની એક મોટી વોટબૅન્ક નારાજ થાય એમ હતી, પણ એ ભવિષ્યની વાત હતી અને હજી વિધાનસભા ચૂંટણીઓને સાડાત્રણ વર્ષની વાર હતી. શાહનવાઝ ઉપયોગી હતો, પણ તે એટલો મહત્ત્વનો નહોતો કે તેને કારણે સરકાર પડવા દેવાય!
હરિભાઉના મનમાં એક વિચાર ઝબકી ગયો. તેમણે વિચાર્યું કે સરકાર પડી જાય એટલું જોખમ ઉઠાવવાને બદલે આ ટેન્શન શાહનવાઝ પર ધકેલી દેવું જોઈએ. તે આ મામલો તેની મેળે નિપટાવી લે તો ઠીક છે નહીં તો ભલે એક વાર તે જેલભેગો થતો! પછી તેને જેલમાં સુવિધા અપાવીને તેના પર ઉપકારનો બોજ નાખીશ!  
lll
ચિકના પૃથ્વીરાજ પર ગોળી ચલાવી રહ્યો હતો એ જ વખતે પોલીસ વૅન આવતી જોઈને યેડાએ બાઇક ભગાવી, પણ તે બંને માંડ થોડા મીટર દૂર પહોંચ્યા ત્યાં તો યેડાના રઘવાટને કારણે બાઇક સ્લિપ થઈ ગઈ અને તે બંને રોડ પર પટકાયા. એ દરમિયાન પૃથ્વીની કાર રવાના થાય એની રાહ જોઈ રહેલા તેના અંગત સહાયકે તથા ડ્રાઇવરે અને સોફિયાના ડ્રાઇવરે જોયું હતું કે બાઇક પર આવેલા બે યુવાનો પૃથ્વીરાજ અને સોફિયા પર હુમલો કરી રહ્યા છે. તેઓ બૂમો પાડતા-પાડતા  પૃથ્વીની કાર તરફ દોડ્યા હતા.
યેડાએ બાઇક ભગાવી એટલે તેઓ કન્ફ્યુઝ થયા કે બાઇક પાછળ દોડવું કે પૃથ્વી અને સોફિયા પાસે રહેવું. જોકે તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી એ સાંભળીને કેટલાક માણસો ત્યાં ધસી આવ્યા હતા. બીજી બાજુ કેટલાક માણસોએ જોયું હતું કે બાઇક પર પાછળ બેઠેલો હુમલાખોર કોઈને ગોળી મારી રહ્યો હતો એટલે તેઓ પણ દોડ્યા હતા. પબ્લિકે એ બંનેને પકડી લીધા હતા. એ દરમિયાન પોલીસ વૅન પણ નજીક આવી પહોંચી હતી. ચિકના અને યેડા કશું સમજી શકે એ પહેલાં તો તે બંને પોલીસ વૅનમાં ધકેલાઈ ગયા હતા.
lll
‘આપ લોગ ક્યા કર રહે હો? શાહનવાઝને કિસી લડકી પર રેપ કિયા થા ઐસી કમ્પ્લેઇન્ટ લિખવાને કે લિએ વો લડકી પુલિસ સ્ટેશન મેં ગઈ તો ઉસકો વહાં સે ભગા દિયા ગયા...’
મુખ્ય પ્રધાન હરિભાઉ પોલીસ કમિશનર સલીમ શેખને ઠપકો આપી રહ્યા હતા.
શેખને એક ક્ષણ માટે તો એવું કહી દેવાનું થયું કે ‘શાહનવાઝ તમારો લાડકો છે એ મુંબઈના તમામ પોલીસમૅનને ખબર છે એટલે કોઈ તેની વિરુદ્ધ ફરિયાદ લેવાની હિંમત કઈ રીતે કરે?’ પણ હરિભાઉએ જ તેમને આ પોસ્ટિંગ આપ્યું હતું અને તેમને ગુસ્સો આવી જશે તો તેઓ પોતાને મુંબઈના કમિશનરપદેથી ફંગોળીને ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ ફૉર હાઉસિંગ જેવા કોઈ હોદા પર ધકેલી દેશે એ યાદ આવ્યું એટલે તેમણે એ શબ્દો હોઠ પર ન આવવા દીધા. જોકે તેમણે બચાવની કોશિશ કરી : ‘સર, મુઝે ઇસ બારે મેં કુછ ભી...’
‘અબ આર્ગ્યુમેન્ટ મત કરો. મૈં વો લડકી કા નંબર ભેજતા હૂં...’
હરિભાઉ સૂચના આપવા લાગ્યા.      
lll
‘શાહનવાઝજી, યે શૈલજા કા મામલા ક્યા હૈ?’
હરિભાઉ શાહનવાઝને ફોન પર અકળાયેલા અવાજે પૂછી રહ્યા હતા.
‘કૌન શૈલજા?’ શાહનવાઝે પ્રતિપ્રશ્ન કર્યો. તેને હરિભાઉના આવા કૉલથી આશ્ચર્ય થયું હતું.
‘શૈલજા નામ કી કોઈ મૉડલને આપ કે ખિલાફ પુલિસ મેં રેપ કી કમ્પ્લેઇન્ટ લિખવાઈ હૈ.’ હરિભાઉએ સાફ શબ્દોમાં કહી દીધું.
તેમના એ શબ્દોથી શાહનવાઝને ઝટકો લાગ્યો. તેણે કહ્યું, ‘વૉટ?’
હરિભાઉનું શાતિર દિમાગ કામે લાગી ગયું હતું. પ્રતાપરાજે સરકાર પાડવાની ધમકી આપી એટલે પોતે કમિશનરને શાહનવાઝ વિરુદ્ધ ફરિયાદ લેવાનો આદેશ આપ્યો છે એ વાત છુપાવીને તેઓ શાહનવાઝ સામે ખોટું બોલી રહ્યા હતા કે તેની સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે!
‘હાં, મુઝે અભી ઇન્ફર્મેશન મિલી ઔર મૈંને સીધા આપ કો કૉલ કિયા. આપને મુઝે બહોત બડી મુશ્કિલ મેં ડાલ દિયા...’ હરિભાઉએ ફરિયાદના સૂરમાં કહ્યું.
‘સર, કુછ કીજિએ નહીં તો મેરી રેપ્યુટેશન ડૅમેજ હો જાએગી ઔર...’ શાહનવાઝના સ્વરમાં ધ્રુજારી હતી. તે સમજી ગયો હતો કે હરિભાઉ પાસે શૈલજા વિશે બધી વાત પહોંચી ગઈ છે.
શાહનવાઝના અવાજમાં ગભરાટ હતો એ સમજાયું એટલે હરિભાઉને થોડી ધરપત થઈ. તેમણે સાવચેતીપૂર્વક શબ્દોનો ઉપયોગ કરતાં કહ્યું, ‘અત્યારે તો મેં પોલીસ કમિશનરને કહ્યું છે કે હમણાં શાહનવાઝજીની ધરપકડ ન કરતા, પણ મીડિયા મામલો ઉછાળશે તો તેમની સાથે મારા માટે પણ મોટી મુશ્કેલી ઊભી થઈ જશે...’
‘સર, પ્લીઝ, પ્લીઝ. યુ આર અ ફાધરલી ફિગર ફૉર મી. કુછ ભી કર કે બચા લીજિએ મુઝે. આપ કા એહસાન કભી નહીં ભૂલુંગા મૈં...’
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ‘ભાઈ’ તરીકે પંકાયેલો શાહનવાઝ ફફડી ગયો હતો.
‘દેખતા હૂં મૈં કિ ક્યા હો સકતા હૈ લેકિન તુમ અપની સાઇડ સે વો લડકી કો કૈસે ભી સમજા કે મામલા નિપટાને કી કોશિશ કરો. કહીં મીડિયા તક બાત પહુંચ ગઈ તો ફિર મૈં ચાહતે હુએ ભી કુછ નહીં કર પાઉંગા,’ હરિભાઉએ કહ્યું.
‘મુઝે થોડા વક્ત દીજિએ, સર. મૈં કૈસે ભી વો લડકી કો મના લેતા હૂં. વો મુઝ સે રોલ માંગને આઈ થી પર મૈંને ના કહા તો વો યે લેવલ પે...’ શાહનવાઝે પોતાના બચાવની કોશિશ કરી.
‘શામ તક કૈસે ભી વો લડકી કો સમઝા લો નહીં તો ફિર મૈં કુછ નહીં કર પાઉંગા.’
શાહનવાઝની વાત વચ્ચેથી જ કાપતાં હરિભાઉએ અલ્ટિમેટમ આપી દીધું અને કૉલ ડિસકનેક્ટ કરી નાખ્યો!
lll
‘શાહનવાઝ માણસ નથી, પણ રાક્ષસ છે. તેણે માત્ર મારા પર જ રેપ નથી કર્યો. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરતી મારા જેવી બીજી કેટલીયે છોકરીઓને પણ સેક્સપ્લોઇટ કરી છે. એ બધી શાહનવાઝના ડરથી બહાર આવી નથી, પણ હું ચૂપ રહી શકું એમ નથી. મારી કરીઅર ભલે શરૂ થતાં પહેલાં જ ખતમ થઈ જાય, પણ હું દેશભરમાંથી ઍક્ટ્રેસ બનવા માટે આંખોમાં સપનાં આંજીને મુંબઈ આવતી કેટલીયે છોકરીઓનાં જીવન બરબાદ થતાં અટકે એ માટે હું આ જોખમ ઉઠાવી રહી છું...’
શૈલજા ‘ખબર ઇન્ડિયા’ ચૅનલના સ્ટુડિયોમાં રશ્મિને ઇન્ટરવ્યુ આપી રહી હતી.
‘મુંબઈ પોલીસ ચોક્કસ તારી ફરિયાદ નોંધશે’ એવી ખાતરી પ્રતાપરાજે શૈલજાને ખાતરી આપી એ પછી રશ્મિ તરત જ તેનો ઇન્ટરવ્યુ લેવા માટે તૈયાર થઈ ગઈ હતી. એ ઇન્ટરવ્યુ માટે હવે તેને શૈલજા કરતાં વધુ ઉતાવળ હતી!
રશ્મિ અને શૈલજા બંનેના દિમાગમાં એકબીજાનો ઉપયોગ કરીને એમાંથી પોતાનો ફાયદો મેળવવાના વિચારો ચાલી રહ્યા હતા. 
એ વખતે એ બંનેને કલ્પના પણ નહોતી કે થોડા જ કલાકો પછી એ બંને વચ્ચે કટ્ટર દુશ્મની થઈ જવાની હતી!

વધુ આવતા શનિવારે

columnists ashu patel