સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ પ્રકરણ ૧૨

08 January, 2023 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લખનઉના ડૉન રઘુના બંગલોની બહાર ડઝનબંધ પોલીસનાં ડઝનબંધ વાહનો ગોઠવાઈ ગયાં હતાં

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ પ્રકરણ ૧૨આશુ પટેલ

લખનઉના ડૉન રઘુના બંગલોની બહાર ડઝનબંધ પોલીસનાં ડઝનબંધ વાહનો ગોઠવાઈ ગયાં હતાં. ચાર આઇપીએસ સહિત બે ડઝનથી વધુ પોલીસ-ઑફિસર્સ, સેંકડો પોલીસમેન રઘુને અને તેના ગુંડાઓને પકડવા માટે ધસી આવ્યા હતા. રઘુએ તેના વિશાળ બંગલોના આગળ-પાછળના મુખ્ય દરવાજાઓ બંધ કરી દીધા હતા.  
રઘુના વિસ્તારમાં તેનું જબરદસ્ત વર્ચસ હતું એટલે તેના સમર્થકો અને તેના ગુંડાઓ ધમાલ ન કરે કે રઘુની ધરપકડમાં અવરોધ ઊભો ન કરે એ માટે આઇપીએસ વિશાળ સિંહે પૂરી તકેદારી લીધી હતી. તેણે અગાઉથી જ સ્ટેટ રિઝર્વ પોલીસની ટુકડીઓ રઘુના એરિયામાં તહેનાત કરી દીધી હતી. અગાઉ જ્યારે-જ્યારે રઘુની ધરપકડ માટે પ્રયાસ થયા થયા હતા એ વખતે પોલીસ-કર્મચારીઓએ માર ખાવો પડ્યો હતો. આ વખતે વિશાલ સિંહ કોઈ પણ ચાન્સ લેવા માગતા નહોતા. એટલે તેમણે પૂરેપૂરી તૈયારીઓ કરી લીધી હતી.
રઘુના બંગલોમાં રઘુની સાથે આશરે સો વ્યક્તિઓ રહેતી હતી. એમાંથી મોટા ભાગના રઘુની ગૅન્ગના ગુંડાઓ હતા. રઘુની ગૅન્ગના કેટલાક ગુંડાઓ લખનઉ મહાનગરપાલિકામાં નગરસેવક તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા. એવા બે નગરસેવક પણ એ વખતે રઘુને મળવા આવ્યા હતા અને ફસાઈ ગયા હતા.
lll
તિવારીએ પ્રતાપસિંહની ચેમ્બરમાંથી બહાર નીકળીને પોતાનો મોબાઇલ ફોન ચાલુ કર્યો. એ સાથે તેના ફોનની સ્ક્રીન પર ઘણાબધા મિસ્ડ કૉલ્સ અલર્ટના મેસેજિસ ફ્લૅશ થયા. એમાં મોટા ભાગના રઘુના હતા. રઘુએ તિવારીને અનેક કૉલ્સ કર્યા હતા પરંતુ એ વખતે પ્રતાપસિંહે તિવારીનો ફોન બંધ કરાવ્યો હતો એટલે રઘુ તેના સુધી પહોંચી શક્યો નહોતો.
તિવારીએ તરત જ રઘુને કૉલ લગાવ્યો. રઘુએ કૉલ રિસીવ કર્યો એ સાથે જ રઘુએ આક્રોશ ઠાલવ્યો : ‘તિવારીજી યે ક્યા હૈ? હમારા ઇતને સાલ કે રિલેશન્સ હૈ ઔર આપને પુલીસ ભેજ દી!’
તિવારીએ કહ્યું, ‘મૈંને સર રોકને કી કોશિશ કી થી લેકિન સરને ગુસ્સે મેં આકે પુલીસ ભેજ દી!”
રઘુએ કહ્યું, ‘હું તમારું કામ કરવા માટે તૈયાર છું.’
 તિવારીના ચહેરા પર સ્મિત આવી ગયું. ડૉન હૈદર શાહનવાઝ પર ફાયરિંગ કરવા રઘુને આદેશ આપી શકે એવી તો તેણે કલ્પના પણ નહોતી કરી એટલે તેને એવું લાગ્યું કે વિશાલ સિંહ પોલીસ ટીમને લઈને રઘુને અરેસ્ટ કરવા પહોંચી ગયો છે એટલે રઘુ ડરી ગયો છે અને શાહનવાઝ પર ફાયરિંગ કરાવવા માટે તૈયાર થઈ ગયો છે! હવે રઘુ તેની પીચમાં હતો. તેણે રઘુને કહ્યું, ‘હવે મોડું થઈ ગયું છે, પણ હું પ્રતાપસિંહજીને સમજાવવાની કોશિશ કરું છું. તેં ના પાડી એટલે તેઓ ગુસ્સે થઈ ગયા હતા. મેં મુદત માગી હતી, પરંતુ તેમણે મારી વાત માની નહીં. એમ છતાં હું તેમને સમજાવવાની કોશિશ કરું છું. આ તૈયારી તેં પહેલાં બતાવી હોત તો આ નોબત જ ન આવી હોત!’
lll
ઉત્કટતાથી ચુંબન કરી રહેલાં પૃથ્વીરાજ અને સોફિયા સાતમા આસમાનમાં વિહરવા જેવી અનુભૂતિ કરી રહ્યાં હતાં એ જ વખતે અચાનક પૃથ્વીરાજની બુલેટપ્રૂફ ફરારી કારની ડ્રાઇવિંગ સીટ બાજુના કાચ પર હથોડો ઝિંકાયો! એ અવાજથી તે બંને ગભરાઈ ગયાં. સોફિયા પૃથ્વીરાજથી અળગી થઈ. એ વખતે જ સોફિયાએ કારના તૂટેલા કાચમાંથી ઉસમાન ચિકનાને પિસ્ટલ તાકતા જોયો અને તેણે ભયાનક ચીસ પાડી. એને કારણે પૃથ્વીરાજ ઓર હેબતાઈ ગયો. તેણે પાછળ ફરીને જોયું.
એ વખતે ચીકના પિસ્ટલના ટ્રિગર પર આંગળી દબાવવા જતો હતો. ત્યારે જ પાછળથી સિનિયર ઇન્સ્પેકટર ગાયકવાડે દોડાવેલી પોલીસ ટીમ ધસી આવી. પનવેલ પોલીસની સ્કૉર્પિયો એસયુવી સાયરન વગાડતી આવી. એમાં અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર જાધવ અને સબ ઇન્સ્પેક્ટર તાવડે તથા ડ્રાઇવર સહિત બે કૉન્સ્ટેબલ હતા. અન્ય ચાર પોલીસમેન બે બાઇક પર પણ ધસી આવ્યા હતા.
પોલીસની સાયરન સાંભળીને બાઇક પર આગળ બેઠેલા યેડાએ ગભરાઈને પાછળ જોયું એટલે ચિકનાએ પિસ્ટલનું ટ્રિગર દબાવ્યું એ જ સમયે તેનો હાથ હલી ગયો. ગોળી છૂટી અને પૃથ્વીરાજના જમણા ખભામાં ઘૂસી ગઈ. સોફિયાએ ફરી વાર કારમી ચીસ પાડી. એ દરમિયાન પૃથ્વીરાજ આઘાતને કારણે થોડી વાર માટે હોશ ગુમાવી બેઠો. ચિકનાએ યેડાને ગાળ આપી. જોકે તે આગળ કશું બોલે કે સમજે એ પહેલાં યેડાએ પોલીસ વૅનને નજીક આવતી જોઈને બાઇક ભગાવી મૂકી!      
lll
 ‘જાનુ, આપ બિઝી ન હો તો થોડી દેર બાત કર સકતે હૈં?’
તિવારીની પ્રેમિકા ફોન પર પૂછી રહી હતી.
તિવારીએ રઘુનો કૉલ ડિસકનેક્ટ કર્યો એ જ વખતે તેના મોબાઇલ ફોન પર જનસેવા પાર્ટીની મહિલા વિન્ગની મહાસચિવ એવી તેની પ્રેયસી બીનાનો કૉલ આવ્યો.
 ‘અરે! કિતના ભી બિઝી હૂં તો ભી તુમકો મના કર સકતા હૂં ક્યા, ડાર્લિંગ?’
તિવારી રોમૅન્ટિક મૂડમાં આવી ગયો. તે પ્રતાપસિંહની ઑફિસના કમ્પાઉન્ડના એક છેડે જતો રહ્યો અને તેણે બીના સાથે ઉમળકાથી વાત શરૂ કરી.
lll
રશ્મિને કૉલ કટ કર્યો એટલે રશ્મિ અકળાઈ ઊઠી.
રશ્મિન પોલીસ-ઑફિસર બન્યો એ પહેલાંથી તેનો દોસ્ત હતો. રશ્મિ એવું માનતી હતી કે રશ્મિનને તેના માટે સૉફ્ટ કૉર્નર હતો. રશ્મિન તેની સાથે ફ્લર્ટ કરતો હતો. તે ઘણી વાર રશ્મિને કહેતો કે મારી સાથે પરણી જા તો તારું નામ ‘રશ્મિ રશ્મિન’ થઈ જાય! રશ્મિ પણ રશ્મિનની સાથે કોઈ પણ વાત શૅર કરી શકતી હતી, પણ તેને રશ્મિનની એક ખરાબ આદત બિલકુલ ગમતી નહોતી. તે કામમાં હોય તો કૉલ ડિસ્કનેક્ટ કરી નાખતો હતો અને પછી કૉલબૅક કરવાની તસ્દી લેતો નહોતો!
સામાન્ય સંજોગોમાં તો રશ્મિએ ઑડિયો મેસેજ દ્વારા રશ્મિનને ગાળો આપી હોત, પણ અત્યારે તેને ગરજ હતી એટલે તેણે ટેક્સ્ટ મેસેજ મોકલાવ્યો : ‘કૉલ મી, ડિયર. ઇટ્સ એક્સ્ટ્રીમલી અર્જન્ટ.’   
એ પછી તેણે શૈલજાને કહ્યું, ‘મેં મારા એક હાઈ પ્રોફાઇલ પોલીસ-ઑફિસર ફ્રેન્ડને મેસેજ કર્યો છે...’
એ વખતે જ શેલજાના મોબાઇલ ફોન પર કોઈનો કૉલ આવ્યો.  
શૈલજાએ કહ્યું, “સોરી મેમ, પણ એક ઈમ્પોર્ટન્ટ કોલ છે રિસીવ કરી લઉં?”
રશ્મિએ ઈશારાથી જ હા પાડી.  
શૈલજાએ ફોન કાને ધર્યો અને કહ્યું, “જી, અંકલ.” સામેથી કોઈએ તેને કશુંક કહ્યું અને અચાનક તે એલર્ટ થઈ ગઈ અને ખુરશી પરથી ઊભી થઈને વાત કરવા માંડી. તેણે કહ્યું, “જી, સર. જી સર...  થેન્ક યુ સર... થેન્ક યુ વેરી મચ, સર...
રશ્મિના ચહેરા પર ઉત્સુકતાના ભાવ આવી ગયા.
શૈલજાએ કોલ ડિસકનેક્ટ કર્યો એ સાથે રશ્મિએ પૂછ્યું, “કોનો કોલ હતો?”
શૈલજાએ કહ્યું, “કોલ મારા અંકલના ફ્રેન્ડે કર્યો હતો, પરંતુ તેમણે જનસેવા પાર્ટીના ઉત્તર પ્રદેશના અધ્યક્ષ પ્રતાપરાજ સિંહ સાથે મારી વાત કરાવી. અને તેમણે ખાતરી આપી છે કે મુંબઈ પોલીસ આજે જ તારી ફરિયાદ નોંધી લેશે.”
 એ શબ્દો સાંભળીને રશ્મિ ઝટકા સાથે ખુરશીમાંથી ઊભી થઈ ગઈ. તેને એક સાથે બે જબરદસ્ત સ્ટોરી મળી ગઈ હતી એક તો શાહનવાઝ વિરુદ્ધ રેપની ફરિયાદ નોંધાવાની હતી અને એ ફરિયાદ નોંધાવવા માટે નવા સુપરસ્ટાર પૃથ્વીરાજ સિંહ શેખાવતના પિતા - ઉત્તર પ્રદેશના પાવરફુલ પોલિટિશ્યન પ્રતાપરાજ સિંહ શેખાવત પોતે રસ લઇ રહ્યા હતા!
lll
“રઘુ, હવે તું છટકીને ક્યાંય નહીં જઈ શકે. પોલીસે તને ચારેબાજુથી ઘેરી લીધો છે. તારા બંગલોના આજુબાજુના તમામ રસ્તાઓ અમે બ્લોક કરી દીધા છે. તારા માટે છટકવાનું મુશ્કેલ જ નહીં, અશક્ય છે. એટલે તારી ભલાઈ એમાં છે કે તું કશો પ્રતિકાર કર્યા વિના પોલીસના શરણે આવી જા. અમને બળપ્રયોગ કરવાની ફરજ ન પાડતો. નહીં તો પછી તને કે તારા સાથીદારોને કંઈ પણ થાય એના માટે અમે જવાબદાર નહીં હોઈએ.”
 આઈપીએસ વિશાલ સિંઘ લાઉડ સ્પીકર પર ચેતવણી આપી રહ્યા હતા.
રઘુ ખતરનાક ડોન હતો. તેણે ઠંડે કલેજે કેટલાય માણસોને મારી નાખ્યા હતા અને પોતાના શૂટર્સ પાસે કેટલાય લોકોની હત્યા કરાવી હતી, પરંતુ અત્યારે તે મોતનો ખોફ અનુભવી રહ્યો હતો. તેના બંગલોની ટેરેસ પરથી પોલીસની તૈયારીઓ જોઈને આવેલા તેના માણસોએ તેને કહ્યું હતું કે “ભાઈ, અબ કુછ નહીં હો પાયેગા ઇતની પુલીસ લે કે યે સાલા કમીના વિશાલ સિંઘ આ ગયા હૈ!”
મોતનો ડર ભલભલાને ધ્રૂજાવી દેતો હોય છે. રઘુ પણ ફફડી ગયો હતો. તેની હથેળીમાં પરસેવો વળી ગયો હતો. તેની આંખોમાં ભય સ્પષ્ટ વાંચી શકાતો હતો, પરંતુ સાથીદારો સામે પોતાનો ભય વ્યક્ત ન થઈ જાય એ માટે નિરર્થક કોશિશ કરતા તે બૂમો પાડી રહ્યો હતો.
તેના સાથીદારોને પણ સમજાઈ રહ્યું હતું કે રઘુને જેલમાં જવાનો નહીં, પણ એન્કાઉન્ટરમાં માર્યા જવાનો ખોફ સતાવી રહ્યો છે. રઘુનો ઉચાટ અને ડર જોઈને તેના તમામ ગુંડાઓ પણ વરસાદમાં પલળી ગયેલા કૂકડાની જેમ ધ્રૂજી રહ્યા હતા!
એ દરમિયાન રઘુએ અનેક વાર તિવારીને કોલ કર્યો, પણ તિવારીનો નંબર બીઝી જ આવી રહ્યો હતો.
રઘુને કલ્પના પણ નહોતી કે એ વખતે તિવારી તેની પ્રિયતમા સાથે ફોન પર રોમેન્સ કરી રહ્યો હશે અને એ પણ ઇરાદાપૂર્વક પોતાનો નંબર બીઝી રાખવા માટે!
lll
“રઘુ, પ્રતાપસિંહજી ખૂબ જ ગુસ્સામાં છે. જો કે મેં તેમને મહામહેનતે સમજાવ્યા છે કે રઘુ આપણું કામ કરવા માટે તૈયાર છે...”
તિવારી રઘુને ફોન પર કહી રહ્યો હતો. થોડી મિનિટ સુધી બીના સાથે મીઠી વાતો કર્યા પછી તેણે રઘુનો કોલ રિસીવ કર્યો હતો.  
તિવારીના શબ્દો સાંભળીને રઘુએ ગજબનો હાશકારો અનુભવ્યો. તેના ચહેરા પર ચમક આવી ગઈ. તેને થયું કે વિશાલ સિંહ ભલે આટલી બધી તૈયારી કરીને આવ્યો હોય, પણ હવે તેણે નાલેશીથી ખાલી હાથે પાછા જવું પડશે એટલે તેનું નાક કપાઈ જશે. બીજી બાજુ રઘુનો લખનઉમાં જ નહીં, આખા ઉત્તર પ્રદેશમાં વટ પડી જવાનો હતો! વિશાલ સિંહ જેવો હાઈ પ્રોફાઇલ આઇપીએસ ઑફિસર રઘુની ધરપકડ કરવા માટે આટલી તૈયારી સાથે ગયો હોય ત્યારે ‘ઉપરથી’ એક કૉલ આવે એ સાથે તેણે પાછા વળી જવું પડે એનો અર્થ એ થાય કે રઘુની પહોંચ મુખ્ય પ્રધાન અને પ્રતાપસિંહ સુધી છે!
ફોન પર વાત કરી રહેલા 
રઘુના ચહેરા પર સ્મિત આવી ગયું. તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો 
હતો. હવે તે ઉત્તર પ્રદેશના 
અન્ડરવર્લ્ડ પર કોઈ ડર વિના રાજ કરવાનો હતો!
તેણે તંગ ચહેરાઓ સાથે ઊભેલા પોતાના સાથીઓ સામે બે આંગળી ઊંચી કરીને વિક્ટરીની સાઇન બતાવી. એ સાથે તે સૌએ ચિચિયારી પાડી. એ વખતે તિવારી સાથેનો કૉલ ચાલુ હતો એટલે રઘુએ હાથ ઊંચો કરીને સૌને ચૂપ રહેવા માટે ઇશારો કર્યો.
રઘુએ કહ્યું, ‘તિવારીજી, કોઈ પણ રીતે આ વિશાલ સિંહને તમે પાછો વાળી દો. એ પછી તમારું કામ કરી આપીશ અને જિંદગીભર તમે જે કામ ચીંધશો એ કરતો રહીશ.’
તિવારીએ કહ્યું, ‘પ્રતાપસિંહજી એક શરતે માન્યા છે...’
તિવારીએ વાક્ય પૂરું કર્યું એ સાથે રઘુ થીજી ગયો!

વધુ આવતા શનિવારે... 

columnists ashu patel gujarati mid-day