માંજરી આંખો, ચમકતી ત્વચા અને રાજકુમાર જેવો ઠાઠમાઠ

19 October, 2021 04:49 PM IST  |  Mumbai | Sarita Joshi

ઉંમર તેની ૧૪-૧૫ વર્ષની. અંગ્રેજો જેવો ઠાઠમાઠ. ફૉરેનર જ જોઈ લો. એકદમ એટિકેટ્સમાં અને સાથે બૉડીગાર્ડ પણ ખરો. માંજરી આંખો, ચમકતી ત્વચા અને મોંઘાંદાટ કપડાં. પહેલી નજરે રાજકુમાર જ લાગે, પણ થોડી વાર પછી કહેવું પડે કે રાજકુમાર પણ તેની સામે ઝાંખો પડે.

મહાન ઍક્ટર અશરફ ખાન ‘પૃથ્વીરાજ ચૌહાણ’ નાટકમાં પૃથ્વીરાજના ગેટઅપમાં

આજે તો કોઈને છપ્પા વિશે વધારે ખબર નહીં હોય, પરંતુ એ સમયનાં નાટકોમાં છપ્પાઓનો સમાવેશ થતો અને છપ્પા બોલવાના પણ એવી રીતે કે છેલ્લી રોમાં બેઠેલા પ્રેક્ષકને પણ એ સહેલાઈથી સંભળાય

પદ્‍મા મારા કરતાં વધારે ભણેલી અને એ સમયના ભણતરમાં તો અંગ્રેજી પણ તરત જ આવી જતું. આજના અંગ્રેજી કરતાં એ સમયનું ઇંગ્લિશ વધારે સારું અને અઘરું પણ ખરું, પરંતુ પદ્‍મા અંગ્રેજી બોલી શકે અને અંગ્રેજી બોલે એટલે તેનો વટ પડે. હું ઇંગ્લિશ વાંચી નહોતી શકતી. આ એ સમયની વાત છે, જ્યારે હું બોલી પણ ન શકું. મને બે-ચાર શબ્દોને બાદ કરતાં વધારે અંગ્રેજી સમજાય પણ નહીં. આ પણ એ જ સમયની વાત છે. સમય જતાં અંગ્રેજી પર મારી ફાવટ આવી ગઈ, પણ એ ફાવટ પાછળ પ્રવીણ જવાબદાર, અનુભવ જવાબદાર અને ખટાઉ પરિવાર પણ જવાબદાર.

ખટાઉ પરિવાર. ઘણી વાતો કરવાની છે આપણે તેમની, પણ અત્યારે આપણે વાત કરીએ મારા એ ૧૨-૧૩ વર્ષના સમયગાળાની.

મારું તો ભણતર સાવ પાયાથી જ અટકી ગયું હતું, પણ એ અટકી ગયેલા ભણતરને વધારે સમૃદ્ધ બનાવવાનું કામ રંગભૂમિએ કર્યું. એ સમયની સ્ક્રિપ્ટ વાંચીને કે પછી એ સમયની વાર્તાઓ સાંભળી-વાંચીને હું સમૃદ્ધ થઈ, તો સાથોસાથ એ સમયનાબ સાહિત્યએ પણ મને સમૃદ્ધ કરી. નાટકમાં મારા હિસ્સામાં સંવાદો તો આવતા જ, પણ એમ છતાં મને છપ્પા પણ આપવામાં આવે. હા, છપ્પા.

છપ્પા એટલે શું એની ખબર છે, સાહેબ?

છપ્પા એ પદ્યનો એક પ્રકાર છે. જેમ હાઇકુ હોય, ગીત અને ગઝલ હોય એવી જ રીતે છપ્પા પણ હોય. આજે મને કેટલાક છપ્પા યાદ છે, પણ એ છપ્પાની વાત કરતાં પહેલાં તમને કહું કે એ સમયે આ છપ્પા નાટકમાં વપરાતા. આપણે ઍક્ટર અશરફ ખાનની વાત કરી. અશરફ ખાન જે નાટકમાં હતા એ નાટક ‘પૃથ્વીરાજ ચૌહાણ’માં છપ્પા વાપરવામાં આવતા.

પૃથ્વીરાજ અને સંયુક્તાના પ્રેમની અમરગાથા તો અનેક લોકોએ સાંભળી હશે. આ પૃથ્વીરાજ ચૌહાણના રાજમાં રાજવાસીઓ સુખચેનથી રહેતા. એક દિવસ તેમના રાજ્ય પર જયચંદે હુમલો કર્યો. જયચંદ બહુ વિકૃત માનસિકતાનો માણસ હતો. સામે કોઈ પણ આવે તો જયચંદ તેને પોતાના હાથી નીચે કચડાવી નાખતો. જ્યારે જયચંદ ચડાઈ કરે છે ત્યારે રાજદરબારમાં બારોટ આવીને ચડાઈના સમાચાર આપે છે. એ સમાચાર આપે છે ત્યારે છપ્પો આવે છે...

સિધાવો, સિધાવો સરના સરતાજ,

જેવા રમ્યા છો રંગ, એવા જંગ પણ જમાવજો.

શોભાવજો કીર્તિ બનીને વીર હિન્દુસ્તાનની,

સોંપી તમારા આશરે તકદીર હિન્દુસ્તાનની

આ છપ્પો કહેવાય. જેવો એ છપ્પો પૂરો થાય કે તરત જ રણશિંગું ફૂંકાય અને યુદ્ધ શરૂ થાય. આ છપ્પો એવી રીતે રજૂ કરવાનો કે નાટકની છેલ્લી રો સુધી એ ચોખ્ખો સંભળાય અને અમે, કોરસમાં ઊભેલા સૌ ગળાને જોર આપીને છપ્પો લલકારીએ અને એ પણ એવી રીતે કે ઑડિયન્સમાં બેઠેલા જયચંદો ભાગે અને પૃથ્વીરાજ લડાઈ માટે તૈયાર થઈ જાય. એ જમાનામાં તો છપ્પામાં પણ વન્સ મોર થાય. છપ્પા સાથે રણશિંગું વાગ્યું હોય અને પડદો બંધ થયો હોય અને વન્સ મોર સંભળાય એટલે ફરી પાછો પડદો ખૂલે, ફરી છપ્પો એ જ તાકાત સાથે સંભળાવવામાં આવે.

આજે પણ મને યાદ છે કે અમે ૮-૮, ૯-૯ વાર છપ્પો સંભળાવતાં અને એ પછી પણ ઑડિયન્સની માગણી અકબંધ રહે એટલે તેમને વિનંતી કરવી પડે કે આમ જ કરતા રહેશો તો નાટક આગળ નહીં વધે. આ ગુજરાતી રંગભૂમિનો આનંદ હતો અને આ આનંદને સન્માનની નજરે જોવામાં આવતો.

કેટલાય કલાકારો અને તેમના પરિવારો રંગભૂમિને કારણે પોષાતા હતા. રાજા-મહારાજાઓ અને રાણી-મહારાણીઓ અમને પ્રેમપૂર્વક આવકારતાં. મને આજે પણ યાદ છે કે લોધિકાનાં રાણીજીએ નાટક જોઈને મને પ્રેમપૂર્વક ખોળામાં બેસાડી હતી અને પછી ભેટમાં સોનાની વીંટી આપી હતી.

રાણી. જ્યારે પણ આ શબ્દ મને યાદ આવે ત્યારે મને મારી મોટી બહેન પદ્‍મા યાદ આવે. પદ્‍માની ધીરે-ધીરે કેવી રીતે આગળ વધવાની શરૂઆત થઈ અને પછી કેવી રીતે તે પદ્‍મામાંથી પદ્‍મારાણી બની એની વાતો આગળ જતાં કરીશું, પણ અત્યારે આપણે વાત કરીએ ફરી વાર થયેલી અમારી કલકત્તાની ટૂરની. એ ટૂરે મારા જીવનમાં એક મોટો ચેન્જ લાવવાનું કામ કર્યું હતું.

lll

હવે હું મોટી હતી. જાડી થઈ ગઈ હતી. વાન મારો ખીલી ગયો અને એવું બીજું ઘણું હું લોકોના મોઢેથી સાંભળતી. ઉંમર મારી ત્યારે ૧૨-૧૩ વર્ષની. નાટકોની યાત્રા ચાલુ અને નાટકોની સાથે થતી ટૂર પણ ચાલુ.

એક વાર બન્યું એવું કે મારે ફરી પાછું કલકત્તા જવાનું થયું. અગાઉ હું નાટક માટે કલકત્તા જઈ આવી હતી અને મેં તમને એની આછી-પાતળી, સ્મૃતિમાં હતી એવી વાતો પણ કરી હતી. કલકત્તામાં એક નાટક હતું, ‘સૂર્યકુમારી’ એનું ટાઇટલ. નાટકમાં લીડ કૅરૅક્ટર જે કરતી હતી એ ઍક્ટ્રેસનું નામ મને અત્યારે યાદ નથી, પણ તેનું રૂપ...

આહાહાહા...

વાહ...

રૂપ-રૂપનો અંબાર.

તેને જોઈને હું તો હચમચી ગઈ હતી. આટલી સુંદર, આવી દેખાવડી ઍક્ટ્રેસ મેં જોઈ નહોતી. પાણી પીએ તો ગળા નીચેથી ઊતરતું પાણી દેખાય એવી તેની ત્વચા. એ ઍક્ટ્રેસને જોઈને મેં રાણી પ્રેમલતાને પૂછ્યું,

‘બાજી, યે કૌન હૈ?’

રાણી પ્રેમલતાને અમે ‘બાજી’ કહેતાં. તેમણે તરત જ મને દબાયેલા અવાજે કહ્યું કે એ અહીંનાં બહુ જાણીતાં હિરોઇન છે. બંગાળી છે, હિન્દી પણ બહુ સરસ બોલે છે. જે ‘સૂર્યકુમારી’ નાટકની વાત કરું છું એ નાટક પણ હિન્દીમાં હતું. ઐતિહાસિક વિષયનું નાટક અને એમાં અનેક કલાકારો. નાટકનાં રિહર્સલ્સ ચાલતાં હતાં એ દરમ્યાન મારું ધ્યાન એક છોકરા પર પડ્યું. રાજકુમાર જેવો તેનો દેખાવ. ઉંમર તેની ૧૪-૧૫ વર્ષની આસપાસની. રંગે એકદમ શ્વેત અને અંગ્રેજો જેવો ઠાઠમાઠ તેનો. ફૉરેનર જ જોઈ લો. પોતે પણ એકદમ એટિકેટ્સમાં જ હોય અને સાથે બૉડીગાર્ડ પણ ખરો. એ સમયે શ્રીમંત પરિવારના નબીરાઓ ક્યાંય એકલા જતા નહીં. તેની સાથે સર્વન્ટ હોય જ. તે તેનું નાનામાં નાનું કામ કર્યા કરે. જરૂર પડે તો માથા પર છત્રી રાખીને ઊભો રહે અને મસ્તક પર પ્રસ્વેદબિંદુ બાઝે તો એ પણ લૂછી આપવાનું કામ કરે. તેણે પાણી પીધું હોય તો એ પીધા પછી હોઠ પણ સાફ આ સર્વન્ટ જ કરી આપે. કહેવાનો મતલબ એ કે આવી શ્રીમંતાઈ ધરાવતા કિશોરાવસ્થાના એ છોકરાને મેં પહેલી વાર જોયો અને બસ હું તેને જોતી જ રહી ગઈ. માંજરી આંખો, ચમકતી ત્વચા અને મોંઘાંદાટ તેનાં કપડાં. પહેલી નજરે રાજકુમાર જ લાગે, પણ થોડા સમય પછી ખબર પડે કે રાજકુમાર પણ તેની સામે ઝાંખો પડે.

હું તેને જોતી જ રહી ગઈ. થોડા સમય પછી મને ખબર પડી કે તે ખટાઉ આલ્ફ્રેડના માલિક કાવસજી ખટાઉનો દીકરો જહાંગીર હતો.

જહાંગીર ખટાઉ.

જહાંગીર ખટાઉ સાથેના મારા સંબંધોમાં કેવો વળાંક આવ્યો એની અને જીવનની બીજી બધી વાતો હવે આવતા મંગળવારે કરીશું, અત્યારે લઈએ એક નાનકડો વિરામ.

 

columnists