વહુના બદલામાં દીકરી આપવાનો રિવાજ ૨૧મી સદીમાં પણ ચાલે છે!

19 March, 2023 11:41 AM IST  |  Mumbai | Ashok Patel

ભાભીના ભાઈ સાથે દીકરીનાં લગ્ન કરાવી આપવાની સાટા પ્રથા છોકરીઓની ઓછી સંખ્યાને કારણે પેદા થઈ હોવાનું મનાય છે. આમાં બધી બાજુએથી દીકરીઓને જ વેઠવાનું આવે છે એવું કેમ?

વહુના બદલામાં દીકરી આપવાનો રિવાજ ૨૧મી સદીમાં પણ ચાલે છે!

‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે જેવી સફળ અને આત્મવિશ્વાસથી ભરપૂર છોકરી પણ સાટાના આટાપાટામાં અટવાઈ ગઈ છે ત્યારે સવાલ એ થાય છે કે ક્યાં સુધી આપણે દીકરીને હજીયે વસ્તુવિનિમયની જેમ જ ટ્રીટ કરતા રહીશું?

ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ ૬ વર્ષ પહેલાં બાળપણના મિત્ર પવન જોષી સાથે સગાઈ કરી ત્યારે કેટલાયનાં દિલ તૂટ્યાં હતાં. હવે જ્યારે તેની સગાઈ તૂટી છે ત્યારે પણ કેટલાકનાં દિલ તૂટ્યાં છે. કિંજલની સગાઈ તૂટી એ ચર્ચાએ ચડી છે. ૨૦૧૮માં તેની સગાઈ થઈ એ રિવાજ વિશે કોઈએ હરફ કાઢ્યો નહોતો, પરંતુ હવે એ રિવાજ ચર્ચામાં રહ્યો છે, એ રિવાજ એટલે સાટાપાટા રિવાજ.

સાટાપાટા રિવાજ એટલે એક પરિવાર તેની દીકરી બીજા પરિવારમાં પરણાવે, બદલામાં બીજા પરિવારની દીકરીને વહુ તરીકે પોતાના પરિવારમાં લાવે. લગ્નની આ પદ્ધતિ નવી નથી. લગભગ ૧૫૦૨૦૦ વર્ષ પહેલાંથી આ લગ્નપદ્ધતિ અપનાવાતી રહી છે. સાટાપાટા પદ્ધતિના વિચારનાં બીજ ક્યાંથી રોપાયાં એ વિશે તો કોઈ કહી શકાય એમ નથી, પરંતુ વિનિમય પદ્ધતિમાંથી એ અવતરી હોય એ બનવાજોગ છે. પહેલાંના જમાનામાં ખાસ કરીને ચલણ ન હતું, એ વખતે લોકો ઘઉં આપીને ચોખા લાવતા, તો ખાંડ આપીને ઘી લાવતા. ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા જેવા એ યુગમાંથી કદાચ, લગ્ન માટે સાટાપાટા પદ્ધતિનો ખ્યાલ વ્યવહારમાં આવ્યો હોય એમ બની શકે.

અત્યારે તો આ રિવાજ કિંજલ દવે નામની ગુજરાતી ગાયિકાની સગાઈ તૂટતાં ચર્ચામાં આવ્યો છે. ૨૦૧૮માં કિંજલ દવેની સગાઈ પવન જોષી સાથે સાટા પદ્ધતિથી કરવામાં આવી હતી. પવન જોષી સાથે કિંજલ દવેની સગાઈ થઈ, તો પવનની બહેનની સગાઈ કિંજલના ભાઈ આકાશ સાથે કરવામાં આવી હતી. પરંતુ ૬ વર્ષનાં વહાણાં વાયા બાદ પવન જોષીની બહેને બીજા યુવાન સાથે કોર્ટ-મૅરેજ કરી લેતાં કિંજલે પણ સગાઈ તોડી હોવાની વાતો વહેતી થઈ છે. ૭ વર્ષ પહેલાં ૨૦૧૬માં ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીત ગાઈને લોકપ્રિયતાને આંબી હતી. એ વાત અલગ છે કે કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના ૨૦૧૫માં કરી હતી અને એને પગલે કોર્ટકેસ પણ થયો હતો. જોકે એ કેસને બાજુએ મૂકીએ તો કિંજલ દવેનું એ ગીત ખૂબ જાણીતું થયું હતું. હવે કિંજલના ભાઈ આકાશની મંગેતરે બીજે લગ્ન કરી લેતાં કિંજલની સગાઈ પણ તૂટી છે. કિંજલ દવે લોકપ્રિય ગાયિકા હોવાને કારણે આ કિસ્સો બહુ ચગ્યો છે. નહીંતર સાટાપાટા પદ્ધતિથી થતાં લગ્નમાં આવા કિસ્સા અનેક જોવા મળે એમ છે.

પ્રશ્ન એ થાય કે આજના જમાનામાં પણ હજી એ સદીઓ જૂનો રિવાજ કેટલાય સમાજમાં ચાલે છે, કેમ?

વર્ષો પહેલાં તો સાટાપાટા પદ્ધતિથી લગ્ન કરવા માટેનું સબળ કારણ એ જ હતું કે દીકરીની અછત. રાજા રામમોહન રૉય યુગ પહેલાં દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. મહિલાના પેટે સંતાન પેદા થાય અને જો એ દીકરી હોય તો તેને મોટા વાસણમાં દૂધ ભરીને એમાં ડુબાડી દેવામાં આવતી હતી. રાજા રામમોહન રૉયે એ રિવાજ સામે લડત આપેલી અને એ રિવાજ બંધ તો થયો, પરંતુ એની અસર લાંબા સમય સુધી ચાલુ રહેલી. દૂધ પીતી કરવાના રિવાજને કારણે છોકરીઓની વસ્તી છોકરાઓની વસ્તી કરતાં ઓછી રહેતી અને એને કારણે કેટલાય યુવાનોએ વાંઢા જ રહેવું પડતું. એ સમયે પોતાનો દીકરો પરણી જાય એ માટે પરિવાર દીકરીને  જ્યાંથી વહુ મળે એવા ખોરડામાં પરણાવતા, જેથી તેનું ઘર પણ વસી જાય અને દીકરાનું ઘર પણ વસી જાય. આજે પણ રાજસ્થાનમાં સાટાપાટાથી લગ્ન થવાનું પ્રમાણ ઘણું છે. ગુજરાતમાં પણ એ રિવાજ ચાલ્યો આવે છે. ખાસ તો ઉત્તર ગુજરાતમાં એ રિવાજ ઘણો પ્રચલિત છે, છતાં બહુધા રબારી સમાજ, પાટીદાર સમાજ, પ્રજાપતિ સમાજ અને નાઈ જેવા સમાજમાં આજે પણ આ રિવાજથી લગ્ન થાય છે. હાલના સમયમાં પણ છોકરીઓની વસ્તી છોકરાઓની વસ્તીના પ્રમાણમાં ઓછી છે, ત્યારે અનેક યુવાનો લગ્ન કર્યા વિના રહી જતા હોય છે, ત્યારે સાટાપાટા પદ્ધતિથી લગ્ન થાય તો યુવાનનું ઘર મંડાઈ જાય એટલો જ એક પ્લસ પૉઇન્ટ આ પદ્ધતિનો કહી શકાય.

દીકરાનું ઘર તો વસી જાય એ જ એકમાત્ર પ્લસ પૉઇન્ટ આ પદ્ધતિનો છે. વાસ્તવમાં અહીં છોકરીઓની સ્થિતિ તો દયાજનક જ થઈ જાય. વાસ્તવમાં ઘણી વખત તો આ રિવાજ કુરિવાજ બની જાય છે. સ્વાભાવિક છે કે દીકરીને સાસરિયાં ત્રાસ આપે ત્યારે તેમની દીકરીને પણ તેનાં સાસરિયાં ત્રાસ આપવા માંડે. જાણે લગ્ન એ લગ્ન નહીં, પણ બદલો લેવાનો શૉર્ટકટ બની જાય છે.

રાજસ્થાનનો એક કિસ્સો વિચારવા જેવો છે. રાજસ્થાનમાં આ પદ્ધતિને આટાસાટા કહે છે. આ પદ્ધતિ કેટલી દર્દ આપનારી બની રહે છે એનો ચિતાર આ ઘટનામાં મળી રહે એમ છે. ૨૦૨૧માં નાગૌરમાં એક પરિણીત મહિલાની આત્મહત્યાએ સમગ્ર સમાજને ધ્રુજાવી મૂક્યો હતો. ૨૧ વર્ષની સુમન ચૌધરીનાં લગ્ન આટાસાટા વિધિથી થયાં હતાં. લગ્નના થોડા સમય બાદ તેનો પતિ પૈસા કમાવા વિદેશ ચાલ્યો ગયો અને સુમન તેના પિયરમાં પાછી ફરી હતી. આઠ મહિના બાદ તેણે કૂવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. સુમને લખેલી સુસાઇડ-નોટે બધાને ચોંકાવી દીધા હતા :

‘મારું નામ સુમન ચૌધરી છે. હું જાણું છું કે આત્મહત્યા ખોટી છે, પરંતુ હું આત્મહત્યા કરવા માગું છું. મારા મૃત્યુનું કારણ મારો પરિવાર નહીં, પણ આખો સમાજ છે, જેણે આટાસાટા નામની ખરાબ પ્રથા શરૂ કરી છે, જેને કારણે છોકરીઓને જીવતાં મોત મળે છે. એમાં સમાજના સમજુ પરિવારો દ્વારા છોકરાઓના બદલામાં છોકરીઓને વેચવામાં આવે છે. આજે આ પ્રથાને કારણે હજારો છોકરીઓનું જીવન અને પરિવાર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયાં છે. આ પ્રથાને કારણે ભણેલી છોકરીઓનું જીવન બગડી જાય છે. આ પ્રથાને કારણે ૧૭ વર્ષની છોકરીનાં લગ્ન ૭૦ વર્ષના વૃદ્ધ સાથે કરાવવામાં આવે છે, માત્ર પોતાના સ્વાર્થને કારણે. હું ઇચ્છું છું કે આ પ્રથા વિશે શાળા-કૉલેજનાં પુસ્તકોમાં માહિતી આપવામાં આવે, જેથી હજારો છોકરીઓની જિંદગી બરબાદ થવાથી બચાવી શકાય. હું સમાજના લોકોને વિનંતી કરું છું કે આ પ્રથા બંધ કરો.

આવી તો અનેક સુમન તમને રાજસ્થાનમાં મળી રહેશે. દેશના બીજા હિસ્સાઓમાં પણ આ પ્રકારની પદ્ધતિ વત્તે-ઓછે અંશે ચાલતી રહે છે.
આ પદ્ધતિ વિશે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સોશ્યલૉજી વિભાગના અસિસ્ટન્ટ પ્રોફેસર મૌસમ ત્રિવેદી કહે છે કે ‘આ પદ્ધતિમાં દીકરીઓને માથે અનેક આપદા આવતી હોય છે. એક દીકરીને સાસરિયાં ત્રાસ આપતાં હોય તો એનો બદલો તેના ભાઈ સાથે સાટાપાટામાં પરણીને આવેલી બીજી દીકરી સાથે લેવાતો હોય છે. એ બદલાની ભાવના ઉપરાંત મહિલાએ ઘણું ગુમાવવાનું હોય છે. ક્યારેક નહીં ગમતા છોકરા સાથે પણ તેણે ભાભી લાવવા માટે બલિનો બકરો બનવું પડતું હોય છે. પોતાની પસંદગીને જરાય અવકાશ રહેતો નથી. ઓછા ભણેલા છોકરા સાથે પણ તેણે મન મારીને આયખું પૂરું કરવું પડતું હોય છે.’

સામાન્ય રીતે આપણે દીકરીને પરણાવતાં પહેલાં છોકરાનું શિક્ષણ અને પરિવારની આર્થિક સ્થિતિની તપાસ કરતા હોઈએ છીએ, પરંતુ અહીં તો વહુ લાવવાના અભરખામાં દીકરીને જાણે સાપનો ભારો હોય એમ ગમે ત્યાં પરણાવી દેવા માબાપ પણ ખચકાતાં નથી. સાટાપાટા પદ્ધતિથી થતાં લગ્ન તો દીકરીએ આખી જિંદગી વેંઢારવાં પડતાં હોય છે. સ્વાભાવિક છે કે સાસરિયાંનો ત્રાસ સહન કરનાર વહુના પિયરમાં પણ એ જ રીતે બદલો લેવાતો હોય છે. આવા સંજોગોમાં બન્ને પક્ષે દીકરીઓએ જ વલોપાત સહન કરવો પડતો હોય છે. એક છોકરીનું લગ્નજીવન ભાંગે તો તેના પરિવારમાં આવેલી વહુનું લગ્નજીવન પણ ભાંગી જાય છે.

columnists kinjal dave