અન્યાય સામે યુદ્ધ

01 September, 2019 03:44 PM IST  |  મુંબઈ | અર્ઝ ‌કિયા હૈ‌ - હિતેન આનંદપરા

અન્યાય સામે યુદ્ધ

વૉર

કૃષ્ણ કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધના હિમાયતી નહોતા. તેમણે ટાળવાના ઘણા પ્રયાસો કર્યા પણ આખરે તેમને યુદ્ધમાં જ કલ્યાણ દેખાયું. લોકકલ્યાણ માટે કુરુવંશનો અંત અનિવાર્ય હતો. કંઈક આવું જ વલણ હવે પાકિસ્તાન સંદર્ભે વર્તાઈ રહ્યું છે. કલમ ૩૭૦ નાબૂદ થયા પછી હક્કાબક્કા થઈ ગયેલું પાક છંછેડાયું છે. એના પેટમાં સફોલા રિફાઇન્ડ તેલ રેડાયું હોય એમ સફાળું થઈ ગયું છે. દિનેશ દેસાઈની કડવી લાગે એવી વાત આ દેશને મુબારક...

બચ્યું છે શું હવે, તારી જવાનીમાં?

નથી રસ કોઈને, જૂઠી કહાનીમાં

લગાવી જો હવે તું, આગ પાણીમાં

ગુમાવી જિંદગીને, તેં ગુમાનીમાં

જ્યાં ટમેટા અને દૂધના ભાવ આસમાનને આંબી ગયા હોય ત્યાં ઇમરાન ખાન પરમાણુ હથિયારોની શેખી કરે એ અજુગતું લાગે. વેપારની ખાધ અને મોંઘવારીનો આંક ઉત્તરોત્તર વધતા હોય ત્યાં યુદ્ધની બાંગ પોકારવી એટલે દેવાળિયા થવાની તૈયારી કરવી. અમેરિકાએ ખેરાત ઓછી કરી પછી તેમની તિજોરીનાં તળિયાં દેખાવા લાગ્યાં છે. વિરેન મહેતા કડવી બાની ઉચ્ચારે છે...

બાથમાં લેવા ગગન ઊડી પતંગ

પ્હોંચશે માંજો આ કાચો ક્યાં સુધી?

વસ્ત્રથી ઝાઝાં હવે છે થીગડાં

એ જ દોરો, સોય, ઢાંચો ક્યાં સુધી?

૪૧ લાખ રૂપિયાનું વીજળીનું બ‌િલ ન ચૂકવવા બદલ ઇસ્લામાબાદ ઇલેક્ટ્રિક સપ્લાય કંપનીએ વડા પ્રધાનના કાર્યાલયને વીજળી પુરવઠો કાપવાની ચીમકી આપી. જેના ઘરમાં અંધારું થવાની શક્યતા છે એ દેશને અંધારામાં ધકેલી રહ્યો છે. દેશ ચલાવવા વેરઝેરની ભાવના કરતાં વધારે વાણિયાબુદ્ધિ જરૂરી છે. પ્રવીણ શાહ તરફથી વણમાગી સલાહ મોકલીએ...

બે હાથ જોડીશું પરંતુ માગવું નથી

જે જોઈએ છે એ તમારે આપવું નથી

હો સારથી જો આપ તો વિચારવું પડે

બાકી અમારે યુદ્ધ કોઈ માંડવું નથી

અહંકાર ભલભલાને ગળી ગયો છે. ખાવાના સાંસા હોય ને ઝઘડવાના જોર હોય એ લાંબું ટકી શકે નહીં. પોતાના દેશવાસીઓ સામે ઇજ્જત ટકાવી રાખવા અનેક ઉંબાડિયાંઓ આઇએસઆઇ કરાવશે. પીઓકેમાં લૉન્ચ પૅડ ફરી સક્રિય થઈ ગયાં છે. સૈનિકો સાથે આતંકવાદીઓ ટાંપીને સરહદ પાર કરવા ગોઠવાયેલા છે. જાણે આ પાર કે એ પાર જેવી અંતિમ સ્થિતિ આવી ગઈ હોય એવું વર્તન પ્રારંભિક તબક્કા પર દેખાઈ રહ્યું છે. મહેશ દાવડકર આ ધમપછાડા પાછળની વૃત્તિ તપાસે છે...  

પાર જઈને હું ત્યાં કરું પણ શું?

બસ હું તો તરતી નાવ રાખું છું

જીવું છું એવું લાગે એથી તો

રોજ થોડો તનાવ રાખું છું

મરણિયા બનીને ફરી આતંકી હુમલાઓ થાય એની શક્યતાઓ નકારી શકાય નહીં. ભલું થજો ઇસરોનું કે એના સૅટેલાઇટની ચાંપતી નજરને કારણે આપણી ઇન્ટેલિજન્સને ઘણી માહિતીઓ આગોતરી હાથ લાગી જાય છે. જેમ સાઉથમાં હીરો-હ‌િરોઇનોનાં મંદિર બને છે એમ ઇસરોનાં મંદિર બનવાં જોઈએ. વિજ્ઞાન જો ભગવાન તરીકે પુજાય તો ખરેખર ઈશ્વર પણ એના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહે. છતાં એક વાત સ્વીકારવી રહી કે આપણે ત્યાંના ગદ્દારો અહીંનું નમક ખાઈને પાકિસ્તાન વતી કામ કરી રહ્યા છે. ઇન્ડિયા ટુડેના િસ્ટંગ ઑપરેશનમાં આવી જ એક મોડસ ઑપરૅન્ડીનો પર્દાફાશ થયો જેમાં કાશ્મીરમાં રહેતો એજન્ટ ભારતીય પાસપોર્ટ પર દુબઈ પહોંચી ત્યાંથી પાકિસ્તાની પાસપોર્ટ પર ઇસ્લામાબાદ પહોંચી માહિતીની આપલે કરી વાયા દુબઈ પાછો ભારત આવે છે. કૅનેડાસ્થિત કવિ ચતુર પટેલ અફસોસ વ્યક્ત કરે છે...  

આ ક્ષણો દુશ્મન બની ચોકી કરે, કોને કહું?

ને હવા પણ મારી જાસૂસી કરે, કોને કહું?

મોકલે છે કોણ જાસો રોજ મારા નામનો?

ગુપ્તવેશે કોઈ બદમાશી કરે, કોને કહું?

અલગાવવાદીઓની પનાહ વગર આયાતી આતંક સંભવી ન શકે. આ મિલીભગત ઘણી ચાલી. સરકારે નજરબંધી કરીને તેમના ટહુકા તત્પૂરતા રુંધી નાખ્યા છે, પણ જેવી નજરબંધી હટશે કે કરંડિયાનો કૉબ્રા સળવળવા લાગશે એમાં બેમત નથી.

સીતારામ યેચુરીએ સુપ્રીમ કોર્ટમાં જઈ પોતાના પક્ષના નેતાની ખબર કાઢવા કાશ્મીર જવાની સંમતિ તો મેળવી લીધી, પણ નામદાર કોર્ટે તેમને કોઈ પણ પ્રકારનાં જાહેર ઉદ્બોધનો કરવાની મનાઈ ફરમાવી. આ રીતે વ્યક્તિ સ્વાતંયની વાત પણ રાખી ને સામે કોઈ ઉંબાડિયું ન થાય એની અગમચેતી પણ આંકી. શેરડીના સાંઠાના પચાસ કટકા કરવા તૈયાર બેઠેલા વિરોધ પક્ષના નેતાઓની મથરાવટી અને પરિણામ વિશે રાકેશ હાંસલિયા લાલ બત્તી ધરે છે...

યુદ્ધની હમણાં એ તૈયારી કરે છે

ફૂલ વીણી વીણીને ભારી કરે છે

શું થશે વનનું હવે ભગવાન જાણે?

આંબા બાવળની તરફદારી કરે છે!

રાહુલ તેરા ક્યા હોગા? આ સવાલનો જવાબ શોધવા બેસો તો અંતે એક જ સૂર નીકળશે - કુછ નહીં. નરેન્દ્ર મોદીનો ધમધોકાર વિરોધ કરનારાઓ રતીભાર પણ દેશહિતનું ન વિચારે એ ચિંતાજનક છે. અહીં જેનું કંઈ ઊપજતું નથી એ વ્યક્તિનાં અવતરણોને પુરાવા જેવી મહત્તા આપી પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રસંઘને કાગળ લખે છે. સુધીર પટેલ વાસ્તવિકતા સમજાવે છે...

સૂર્ય ડૂબ્યો એ પછીથી ઊગવા બેઠા હવે 

રાત આખી પ્રશ્ન ખુદને પૂછવા બેઠા હવે

સાત દરિયા પાર ઝૂઝી આ તરફ આવી ગયા

સાવ સૂનો જોઈને તટ, તૂટવા બેઠા હવે

ભારતના રક્ષામંત્રીએ પરમાણુ શસ્ત્રોના નો ફર્સ્ટ યુઝ પર્યાય વિશે ફેરવિચારણા કરવાની વાત કરી ને દુશ્મન દેશ ચમકી ગયો. ભારતની વિદેશનીતિમાં હવે બિલાડીના મ્યાંઉને બદલે ગીરના સાવજની ડણક સંભળાય છે. આવો ગર્વ કદાચ દેશ પહેલી વાર અનુભવી રહ્યો છે. દેહ પર પડતા ઘાવ અટકાવવા ઢાલ વાપરવી પડે અને સામો વાર કરવા તલવાર વાપરવી પડે. જિગર ફરાદીવાલા કૃષ્ણની મુત્સદ્દીને નિરૂપે છે...

બરફ જેમ કાયમ ન થીજી શક્યો છું

છે થોડાક કિસ્સા હું જેમાં દડ્યો છું

જગતનાં હિતો પણ મેં ધ્યાને ધર્યાં છે

ચલાવીને રથ હું તો યુદ્ધો લડ્યો છું

આ પણ વાંચો : મોંઘવારી કે સોંઘવારી! તમારો ફાળો કેટલો?

યુદ્ધ કોઈ દેશને પોસાય નહીં એ વાત સાચી તો સામે એ વાત પણ સાચી કે દુશ્મન ઘર ભાળી જાય એ ચલાવી લેવાય નહીં. ભારતીય શાસન અને લશ્કર સશક્ત ન હોત તો ક્યારના ઇસ્લામિક સ્ટેટના કાળાકલૂટા ઝંડા કાશ્મીરથી વિસ્તરીને કેરળ પહોંચી ગયા હોત. આતંકીઓ અને અલગાવવાદીઓને ભાઈબાપા અને થાબડભાણા કરવાના દિવસોને દાટવાનો સમય તો ક્યારનો પાકી ગયો. અશોક જાની ‘આનંદ’ શૂરવીરતા અને શાણપણનો સમન્વય સાધે છે...

બાદબાકી ભાગાકારોનું ગણિત ના ફાવતું

એટલે ગણજે હવે તું માત્ર સરભરમાં મને

આજ પણ અન્યાય સામે યુદ્ધને પ્રતિબદ્ધ છું

સ્થાપ નહીં તું પાળિયાની જેમ પાદરમાં મને

ક્યા બાત હૈ

તું હકીકતનો જરા સ્વીકાર કર

જીત સાથે હારને પણ પ્યાર કર

શૂન્ય છે તે સો ઘણું પણ થઈ શકે

એક, બે, ત્રણ, ચારથી શરૂઆત કર

ધાર કે સામે છે કાળું રણ છતાં

જાત પર વિશ્વાસ ધર ને પાર કર

સિદ્ધિઓ સામે કદી આવી નથી

પ્હાડ, કોતર, ખીણને હદપાર કર

બંધ મુઠ્ઠી ખૂલશે તો શું થશે?

તું સ્વયમ્ સાથે જરા સંવાદ કર

સ્વપ્નમાં તું આવ ને પાછી ન જા

એ રીતે તો પ્રેમનો ઇઝહાર કર

સાચવીને રાખજે શીતળ કિરણ

કાં સૂરજને તું જ ઠંડોગાર કર!

- ગોપાલ શાસ્ત્રી

columnists weekend guide