ચાંદ કે પાર ચલો

15 September, 2019 03:17 PM IST  |  મુંબઈ | અર્ઝ ‌કિયા હૈ - હિતેન આનંદપરા

ચાંદ કે પાર ચલો

તુમ ગગને કે ચંદ્રમા હો; મેં ધરા કી ધૂલ હું, ખોયા ખોયા ચાંદ ખુલા આસમાં, ચાંદ આંહે ભરેગા, તુ મેરા ચાંદ મૈં તેરી ચાંદની, ચાંદ મેરા દિલ; ચાંદની હો તુમ, ચંદા કી કિરનોં સે લિપટી હવાએં, ચાંદની રાત મેં ઈક બાર તુમ્હે દેખા હૈ, ચંદામામા દૂર કે પુએ પકાએ બૂર કે, ચંદામામા સે પ્યારા મેરા મામા, ચાંદ ફિર નિકલા નઝર તુમ ના આયે, મેરી ચાંદની, મૈંને પૂછા ચાંદ સે કે દેખા હૈ કહીં, તુમ આયે તો આયા મુજે યાદ ગલી મેં આજ ચાંદ નિકલા, વો ચાંદ ખિલા વો તારે હંસી, ચાંદ ચુરા કે લાયા હૂં, ચાંદ સિફારિસ જો કરતા હમારી...

હિંદી ફિલ્મનાં અનેક ગીતો ચંદ્રયાન-૨ મિશન નિમિત્તે યાદ આવી ગયાં. ચાંદી જ ચાંદી છે, એવું ચંદ્ર માટે પણ કહી શકાય અને ઈસરો માટે પણ! ઈસરોની પુરુષાર્થની ગાથામાં એક એવું ભવ્ય પ્રકરણ ઉમેરાયું, જેના અંતમાં સમાપ્તની બદલે ક્રમશઃ લખાયું છે. ગૌરાંગ ઠાકરની પંક્તિઓ સાથે ઈસરોની અવકાશદિલીને સલામ કરીએ...

આ ઝરણ એમ જ નદી બનતાં નથી

દોસ્ત પાણીનેય પરસેવો પડે

સૂર્ય સાથે ચંદ્રને જોશો નહીં

એક સાથે બેઉનો મોભો પડે

ચંદ્ર હંમેશા કરીબી કૌતુક રહ્યો છે. વિજ્ઞાનને કારણે વિશ્વ બળદગાડી ને ઘોડાગાડીના તબક્કામાંથી માત્ર બે સદીમાં રૉકેટગાડી સુધી પહોંચી ગયું છે. જી હા, આગામી અડધી સદીમાં રૉકેટ એક ગાડી જ બની ગયું હશે જેમાં બેસીને અવકાશવિજ્ઞાનીઓ ચંદ્રના બેઝ કેમ્પમાં ધામા નાખશે અને પછી મંગળ કે ગુરુ જેવા ગ્રહ તરફની સફર આગળ વધારશે. કવિ મુકેશ જોશી કહે છે એવું સ્નાન પૃથ્વીને બદલે ચંદ્ર ઉપર થાય તો નવાઈ નહીં...

ચંદ્રના જળસ્નાનની જોઈ છબિ?

એ સરસ તસવીર જેવું જીવીએ

આપ-લે સુખની જ કરવી હોય તો

કાં પરી કાં પીર જેવું જીવીએ

ઈસરોએ ચંદ્રની અંધારી બાજુએ ઉતરાણ કરવાની યોજના બનાવી ને એક મોટોમસ પડકાર પોતાની જ સામે મૂક્યો. અઘરા લક્ષ્યનો ફાયદો એ છે કે એને સાધવા માટે તમારે વધુ સશક્ત સાધનો, પ્રણાલીઓ, ટૅક્નિક, વિચારધારાઓ વિકસાવી પડે. એ રીતે ઉત્તરોત્તર પ્રગતિ થતી જાય. ચંદ્રયાન-૨માં ઈસરોએ ઘણી નવી ટૅક્નિકનો ઈસ્તમાલ કર્યો જે વિશ્વભરમાં પહેલી વાર ખપમાં લેવાઈ. વિજ્ઞાન આમ પણ પ્રયોગો કરતું અને સતત વિકસતું શાસ્ત્ર છે. પ્રવીણ શાહ સાહસની પુષ્ટિ કરે છે...

ઝંપલાવ્યું જ્યાં નદીમાં એક દિ

સાગરો સાતે મળ્યા છે એ પછી

ચંદ્રમા રિસાઈને બેસી ગયા

આભના તારા ગણ્યા છે એ પછી

ચાંદામામાને મળવાની ઉતાવળમાં ભાણેજ વિક્રમ લેન્ડર ભાવુક બની ગયું અને થોડાક અંતર માટે માર્ગથી ફંટાઈ  ઝડપથી ભેટી પડ્યું. નિર્ધારિત સોફ્ટ લેન્ડિંગમાં મુશ્કેલી આવવાને કારણે કોમામાં સરી પડ્યું. ઈસરોના નિષ્ણાત ડૉક્ટર્સ સિગ્નલોથી સારવાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડૉક્ટરે ૧૪ દિવસની મહેતલમાં સર્જરી પાર પાડવાની છે. અન્યથા વિક્રમ લેન્ડરે નવો જનમ લઈને પાછા આવવું પડશે. અત્યારે ઓર્બિટર એને બ્હાવરી માની જેમ ખોજતું હશે. જો એનામાં હિંદી ફિલ્મનો આત્મા પ્રવેશે તો ‘વિક્રમ, વિક્રમ, તુમ કહાં હો મેરે લાલ’ એવો મેલોડ્રામેટિક સંવાદ પણ બોલી નાખે. ઈસરોએ વિક્રમ સાથેનો સંપર્ક ખોયો એમાં આખો દેશ સંવેદનના એક વિસ્મયી ભાવવિશ્વમાં પ્રવેશી ગયો. આપણા સંતાન સાથે કોઈ દુર્ઘટના ઘટે અને આપણે હચમચી જઈએ, એવું કશુંક માત્ર વિજ્ઞાનીઓએ જ નહીં, દેશવાસીઓએ પણ અનુભવ્યું. આવો સામૂહિક પ્રભાવ એ સ્વયં એક વિરલ ઘટના છે. એની નોંધ લેવાવી જ જોઈએ. સુધીર પટેલ એવી જ આશા રાખે છે...

જે ઊઠ્યું તોફાન ભીતર, નોંધ એની ક્યાં મળે?

સહેજ બસ નયનો ઢળ્યાંની નોંધ તો લીધી હશે

રાતભર બળતો રહ્યો આ ચંદ્ર સૌની જાણ બહાર

ખટઘડીએ ઓગળ્યાની નોંધ તો લીધી હશે

ચંદ્રયાન-2 વિશે આખી દુનિયાએ નોંધ લીધી અને ઈસરોની પીઠ થાબડી. રશિયા, અમેરિકા, ચીન અને ઈઝરાયેલ જેવા દેશોએ પણ અગાઉના ચંદ્રમિશનમાં અનેક વાર ખત્તા ખાધી છે. નિષ્ફળતાને ઓઢી સોગિયું મોઢું કરીને બેસી રહે તો કોઈ દેશ આગળ જ ન આવે. ચાલતાં શીખે એ પહેલાં બાળક અનેક વાર પડે, તોય કેડો મૂકતું નથી, એટલે જ ચાલતાં શીખી શકે. અશોક જાની ‘આનંદ’ વાતનો અર્થ તારવે છે...

આ ચંદ્ર પૂર્ણિમાનો સંતાઈ ક્યાં ગયો છે?

જાણે અમાસ માફક તારાઓ ટમટમે છે

જીવનની આ સફરમાં બસ એટલું છે નક્કી

સૌને જ એ ગમે છે જે પ્રેમથી નમે છે

વિક્રમ લેન્ડર ફંટાયાની ઘટનાથી હતાશ થયેલા ઈસરોના અધ્યક્ષ કે. સિવાનને વડાપ્રધાન મોદીએ ગળે લગાડી ભાવસભર આશ્વાસન આપ્યું એ દૃશ્ય શાસક અને વૈજ્ઞાનિક વચ્ચેના સંબંધનું એક ઉત્તમ દૃશ્ય બની રહ્યું. વર્ષોની મહેનત પછી આંશિક નિષ્ફતાનાં આંસુ સરી આવ્યાં અને એક ઝલમલતી આશાએ એ આંસુ લૂછી નાખ્યાં. આ પ્રકારનું બોન્ડિંગ દેશની તસવીરને ઊજળી બનાવે છે. ગિરીશ પરમાર શક્તિને સાધે છે...

ચંદ્ર પણ કાળો થયો છે

કૈંક ગોટાળો થયો છે

પગ હજી મજબૂત છે હોં

શ્વાસ પગપાળો થયો છે

ચંદ્રયાન આમ તો મશીનોનું મિશન છે, પણ એમાં સંવેદના ઉમેરાઈ તેના કારણે એક યાદગાર ચહેરો નિર્માણ થયો. વસ્તુઓ પણ વહાલી લાગે ત્યારે સમજવું કે તમે સંવેદનાનું એક મહત્ત્વનું સોપાન સર કર્ય઼ું છે. ખલીલ ધનજતેવીનો શે’ર માત્ર પ્રિયતમાના સૌંદર્યની દૃષ્ટિએ જ નહીં, પણ આપણા આત્મવિશ્વાસની દૃષ્ટિએ પણ માણવા જેવો છે...

તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી?

આયનો લઈ આવ દેખાડું તને

ખલીલ! આકાશને તાક્યા ન કર

ચાલ છત પર ચંદ્ર દેખાડું તને

ફરી એક વાર મન થઈ આવે છે કે મનના બેકગ્રાઉન્ડમાં ધીમી તરજે વાગી રહેલાં કેટલાંક હિંદી ફિલ્મોનાં ગીતોનું ચાંદ-સ્મરણ કરીએ.

આ પણ વાંચો : એન્જિનિયરિંગ હૈ સદા કે લિએ, લેકિન...

ચાંદ સી મહેબૂબા હો મેરી, ચૌદહવી કા ચાંદ હો, રોજ અકેલી જાયે ચાંદ કટોરા લે ભિખારન રાત, ચાંદ છૂપા બાદલ મેં, બદલી સે નિકલા હૈ ચાંદ, યે વાદા કરો ચાંદ કે સામને, મુખડા ચાંદ કા ટુકડા, મૈંને ચાંદ ઔર સિતારોં કી તમન્ના કી થી, યે ચાંદ સા રોશન ચહેરા, મેરે સામનેવાલી ખિડકી મેં ઈક ચાંદ કા ટુકડા રહેતા હૈ, ગવાહ હૈ ચાંદ તારે ગવાહ હૈ, નીલે નીલે અંબર પર ચાંદ જબ આયે, ચહેરા હૈ યા ચાંદ ખિલા હૈ, ન યે ચાંદ હોગા ન તારે રહેંગે, ચાંદ જૈસે મુખડે પે બિંદિયા સિતારા, ચાંદ સિતારે ફૂલ ઔર ખુશબૂ યે તો સારે પુરાને હૈ, ચમકતે ચાંદ કો તૂટા હુઆ તારા બના ડાલા, દેખો વો ચાંદ છૂપ કે કરતા હૈ ક્યા ઈશારે, ધીરે ધીરે ચલ ચાંદ ગગન મેં, સૂરજ હુઆ મધ્ધમ ચાંદ જલને લગા, યે વાદા કરો ચાંદ કે સામને, ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો...

ક્યા બાત હૈ

આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો

કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

તારા રે નામનો છેડ્યો એકતારો

હું તારી મીરાં તું ગિરધર મારો

આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો

કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

આપણ બે અણજાણ્યા પરદેશી પંખી

આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી

જો જો વીંખાય નહીં સમણાનો માળો

કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

દોરંગી દુનિયાની કેડી કાંટાળી

વસમી છે વાટ કેમ ચાલો સંભાળી

લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો

કહી દો સૂરજને કે ઊગે નહી ઠાલો

- અવિનાશ વ્યાસ

columnists weekend guide