અમે હાલ્યા અનંતની સવારીએ

24 February, 2019 12:54 PM IST  |  | હિતેન આનંદપરા

અમે હાલ્યા અનંતની સવારીએ

અર્ઝ કિયા હૈ

એક તરફ દેશવાસીઓનાં દિલમાં આગ ભભૂકે છે તો બીજી તરફ સ્વજનોની આંખોમાંથી આંસુ ખૂટતાં નથી. આ પ્રસંગ છે તેમની સંવેદનાનો મલાજો જાળવવાનો અને તેમની વેદનામાં તન-મન-ધનથી સહભાગી થવાનો. પાર્થ પ્રજાપતિની આ પીડા તો કોઈ બાપ જ સમજી શકે...

પુત્રની અર્થી ઉપાડે કઈ રીતે?

બાપ તો ભાંગીને ભૂક્કો થઈ ગયો

કઈ હદે મેં એને આરાધી હશે?

હું પીડાદેવીનો ભૂવો થઈ ગયો

કેટકેટલી આકરી તાલીમ પછી એક જવાન તૈયાર થતો હોય છે. સૈનિકની તોલે કોઈ નેતા કે નાગરિક ન આવે. આ લોકો મૂક બંદા છે જેઓ પોતાની જાનની આહુતિ આપીને દેશની હિફાજત કરી જાણે છે. જે આપણા નામ પર દુશ્મનને છેકો મૂકતાં અટકાવે છે તેમનાં નામ પણ તેમનાં મરણ પછી જ આપણી સામે આવતાં હોય છે. કોઈ નાત, જાત કે ધર્મના ભેદભાવ વગરનાં આ બધાં જ નામો સૈનિક ધર્મમાં એકાકાર થઈ જાય છે.

૪૪ સૈનિકની શહાદત કરુણ અને કરપીણ છે. આંખોમાં આંસુને બદલે ઍસિડ અંજાયો હોય એવી બળતરા ને હૈયામાં ધબકારાને બદલે સૂનકારા વાગતા હોય એવી હતાશા શહીદોના પરિવારજનો અનુભવી રહ્યા છે. કાયમ હજારી કહે છે એ વિડંબના તો આપણે સહેવી જ રહી...

ભગ્ન ચૂડી, ખાલી ખોળો ને બળેલી રાખડી

જડ બનેલી જિંદગી કઈ વાતનું માતમ કરે?

લાખ યત્નો આદરી આ આગને તો ઠારશું

પણ ધુમાડો જે થયો એ કઈ રીતે પાછો ફરે?

નાનાં બાળકો અને પત્નીને વિલાપ કરતાં છોડી અંતિમ સફરે ઊપડી જનાર સૈનિક હવે પાછો આવવાનો નથી. પુલવામાની ઘટના પછી કસૂરવાર એવા ગાઝી અને કામરાન નામના આતંકીઓને મારવામાં પણ આપણે ચાર સૈનિક ગુમાવ્યા. ૨૦૦૫થી ૨૦૧૭ દરમ્યાન વિવિધ ઘટનાઓમાં ૧૬૮૪ સૈનિક આપણે ગુમાવ્યા. અનિલ ચાવડા કહે છે એમ આ ગણતરી ભારે પડે છે...

વાત છે લોહી ઊડ્યું એ છાંટણાની

ત્યાં ગણતરી શું કરું હું આંકડાની?

એક માણસ નામની ફૂટી છે શીશી

ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની

સૈનિકની ચિતા પર રાજકીય રોટલીઓ શેકાવાનું બંધ થવું જોઈએ. કેટલાક નિમ્ન કક્ષાના નેતાઓ, રાજકીય પ્રવક્તાઓ, બુદ્ધિવાદીઓ આ દેશમાં ખુલ્લેઆમ વિહરે છે. આ બધા દેશની અંદર ફૂલેલા-ફાલેલા-ફાળકો થયેલા દુશ્મનો છે. જયચંદોની આ દેશને ક્યારેય ખોટ નથી પડી. દીપ્તિ વછરાજાનીનો શેર આપણને આપણા જનીનમાં મિસિંગ કોઈ તત્વ તરફ આંગળી ચીંધે છે...

તેલ દીવામાં હતું, દીવાસળી ભીની હતી!

બેઉ પક્ષોમાં શિવા ઈમાનદારી હોય તો?

મેહબૂબા મુફ્તીને પાકિસ્તાન પ્રત્યે મુક્ત સહાનુભૂતિ છે અને આતંકવાદીઓ પ્રત્યે વાત્સલ્યસભર માતૃભાવ છે. જે ઇસ્લામાબાદમાં હોવા હોઈએ એવા ઘણા આત્મા હિન્દુસ્તાનમાં છે. હુર્રિયતના નેતાઓએ આતંકવાદના બિઝનેસમાં કરોડોની સંપત્તિ ભેગી કરી છે. રક્તદાનના બદલે રક્તપાનની રાક્ષસી વૃત્તિ ધરાવતા આવા લોકોની સલામતી પાછી ખેંચાઈ એ સારું થયું. હવે રાહ જોઈએ કે આકસ્મિક હુમલામાં આ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવે. કેટલીક વાર જીવ બચાવવા માટે સડેલા અંગને કાપવું પડે. જનઆક્રોશની ભાવના ઈશિતા દવેની પંક્તિઓમાં વાંચી શકાશે...

તાર કાં તો માર રસ્તા બે જ છે

જીત કાં તો હાર રસ્તા બે જ છે

આમ તો ઊભો ના રહે રણક્ષેત્રમાં

મર નહીંતર માર રસ્તા બે જ છે

કોઈ પણ ઠરેલ સેના આવેશ કે આક્રંદમાં નહીં પણ લાંબું વિચારીને પોતાનો વ્યૂહ ઘડતી હોય છે. વિશ્વભરમાં પ્રોફેશનલ તરીકે જેની ગણના થાય છે એ ભારતીય સૈન્યદળ પણ પોતાની રીતે જ બદલો લેશે. આપણી પ્રારંભિક કક્ષાની અને ટૂંકી દૃષ્ટિની સલાહનો એને ખપ નથી. લોકલ ટ્રેનમાં બે મુસાફરો વચ્ચે ઝઘડો થાય અને ઊતર નીચે, તને જોઈ લઈશ એવી બડાશ સરહદ પર કામ ન આવે. બુઠ્ઠા ચપ્પુથી કોઈનું ખૂન કરવાની વાત તો દૂર રહી, શાક પણ કાપી ન શકાય. હેમંત ગોહિલ મર્મર કહે છે એટલો સમય તો આપણે ધાર કાઢવા વિતાવવો જ પડશે...

એક ઇચ્છાનેય ચાલો આજ મારી જોઈએ

આગ અંદર હોય એને સ્હેજ ઠારી જોઈએ

આંખ ને આંસુની વચ્ચે આજ ભીષણ યુદ્ધ છે

જીત માટે ચાલ, મનવા આજ હારી જોઈએ

વડા પ્રધાને સૈન્યને પૂરી છૂટ આપી છે. કોઈ પણ યુદ્ધ માત્ર સૈનિકની જવાંમર્દી પર જ નહીં, રાજકીય સંકલ્પશક્તિના આધારે જ લડાતું હોય છે. કુલદીપ કારિયાના શેરમાં તમને ધમકી નહીં, પણ સંકલ્પ દેખાશે...

સમજાવ સ્હેજ એને છેટા રહે નહીંતર

તારા વિચાર મારા હાથેથી ઠાર થાશે

દેશ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં વિકાસની ગાડી પાટે ચડી છે એને ખોરવી નાખવાના પ્રયાસ ભીતર અને બહારથી થાય છે. ૧૯૭૧માં યુદ્ધમાં ભાગ લઈ ચૂકેલા ભૂતપૂર્વ લેફ્ટનન્ટ જનરલ શંકર પ્રસાદના મત પ્રમાણે છેલ્લાં ૨૦-૨૫ વર્ષથી સુરક્ષા દળોના આધુનિકીકરણના કામમાં આપણે પાછળ રહી ગયા છીએ. યુદ્ધમાં નિર્ણાયક બની શકે એવાં રાફેલ જેવાં વિમાનો પર રાજકારણ ખેલી દેશને બે પગલાં પાછળ ધકેલવામાં જવાબદાર એવા બેજવાદાર નેતાઓથી લોકશાહી કણસે છે.

દેશ માટે જેમણે બલિદાન આપ્યું છે એ સવર્‍ સૈનિકોને નતમસ્તક શૂરવીરાંજલિ. આપણે તેમનો વર્તમાન ન સાચવી શક્યા, હવે તેમના પરિવારનું ભવિષ્ય સાચવી લઈએ. પોતાનાં યતીમ બાળકો-સ્વજનોને વીરુ પુરોહિતના શેર જેવું કોઈ આશ્વાસન કૉફિનમાં બંધ વીર સૈનિક આપી રહ્યો હશે...

નથી કૈં અંત મારો મૃત્યુની સાથે લખાયો

સતત ગુંજીશ ગુંબજમાં અને નક્કર થવાનો!

આ પણ વાંચો : પાકિસ્તાને પીઠ પાછળ ખંજર માર્યું, હવે એના કપાળ પર ગોળી મારવાની છે

ક્યા બાત હૈ

આપણા શહીદ જવાનોને અર્પણ

માટી ને માતાની મમતા મેલીને

અમે હાલ્યા અનંતની સવારીએ

હવે જોશો ના વાટ કોઅટારીએ

દેહ ભલે ચારણી શો કીધો પણ

વજ્જરની છાતી આ ક્યાંથી કોઈ ભાંગશે?

કાલ ફરી જોજોને એના પડકારે

કંઈ કેટલાય ભેરુઓ જાગશે!

ભડભડતી આગ થઈ ઝળહળતાં આજ

અમે વહાલાંનાં હૈડાંને ઠારીએ

જનમોજનમ આ જ ધરતી,

આ માતાના ખોળામાં પાછા અવતરશું

એક વાર નહીં - જોજો જનમોજનમ

એની માટીને મસ્તક પર ધરશું

ત્રણ ત્રણ રંગ અમે ઓઢીને અંગ પરે

ભવભવનાં ઋણ સૌ ઉતારીએ!

- નંદિતા ઠાકોર

columnists