લાકડી લઈને ફરે છે ગુર્જરી

23 February, 2020 03:29 PM IST  |  Mumbai | Hiten Anandpara

લાકડી લઈને ફરે છે ગુર્જરી

કૃષ્ણની લાકડીએ મધુરતા આપી અને ગાંધીજીની લાકડીએ મક્કમતા. મીરાબાઈના ભજનમાં આવે છેઃ લેને તારી લાકડી રે, લેને તારી કામળી, ગાયો ચરાવવા નહીં જાઉં માવલડી. રાકેશ હાંસલિયા નિર્જીવ લાગતી લાકડીમાં પ્રાણ પૂરે છે...

તેં વિચાર્યું કાંકરી રાખી હતી

મુઠ્ઠીમાં મેં પાંદડી રાખી હતી

લાકડી સમજી સદા તેં અવગણી

મેં તો સામે વાંસળી રાખી હતી

મહારાષ્ટ્રમાં સામસામે લાઠીના ખેલ ખેલવાની પરંપરા છે જેમાં સરતચૂક થાય તો ખોપડી ફાટી જવાની શક્યતા રહે. વાર્તાકાર કેતન મુનશીએ આ પ્રથાને વાર્તાવસ્તુ બનાવી ‘ફટકો’ નામની અતિસુંદર વાર્તા લખી. અંધ માણસના હાથમાંની લાકડી માવતરની ગરજ સારતી હોય એવું લાગે. નેહા પુરોહિત એની મહત્તા કરે છે...

ડગમગેલું મન અને અંધારપટ્ટ

લઈને રૂની કાખઘોડી ક્યાં જશું?

લાકડી થઈ અંધને સંભાળીએ

આંખ ગાંધારી શી ફોડી ક્યાં જશું?

ભરવાડ પોતાની લાઠીના ટેકે ઊભો-ઊભો ગાયોને ચારતા જોઈ રહ્યો હોય એ દૃશ્યમાં ભારોભાર ગ્રામ્યચેતનાનાં દર્શન થાય. આ જ લાઠી મેઘાણીએ આલેખેલી ચારણકન્યાના હાથમાં જોઈએ તો એમાં શૌર્ય ઊભરાતું જોવા મળે. કુમળી કન્યાનું જોર એમાં સામટું સમાઈ જાય. વિદર્ભના ભંડારા જિલ્લાના એક નાનકડા વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષની રૂપાલીનો કિસ્સો ચારણકન્યા જેવો જ છે. રાતે તે પોતાના ઘરમાં હતી ત્યારે બકરીઓનો અવાજ આવવા લાગ્યો. ઊંઘમાંથી બહાર આવીને જોયું તો વાડામાં વાઘ ઊભો હતો. બકરીનો શિકાર કરવાની તૈયારીમાં જ હતો. વાઘને ભગાડવા માટે રૂપાલીએ લાકડીથી વાઘ પર વાર કર્યો. એનાથી ગિન્નાઈને વાઘે રૂપાલી પર હુમલો કરી તેને લોહીલુહાણ કરી નાખી. બૂમો સાંભળી તેની મા આવી અને લડતમાં જોડાઈ. આખરે વાઘને ભગાડીને જ લાકડી મ્યાન થઈ. મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ના લઘુકાવ્યમાં અદ્ભુત કલ્પના ઝિલાઈ છે...

ધરતી પણ મા છેને!

એ લાકડી ઉગામે તોયે

શેરડી રૂપે!

નાનપણમાં જાદુઈ લાકડીની વાર્તા સાંભળી હશે. ચંદ્રકાન્ત શેઠ સર્જકીય ચેતનાને જાગૃત કરતી લાકડીની વાત નિબંધમાં નિરૂપતા લખે છેઃ ‘હાન્સ ઍન્ડરસનની જાદુઈ લાકડી મારા માથા પર ફરી ગઈ છે ને તેથી જ હવે હું નંદ સામવેદી નથી, હું ૧૫૦ રતલ વજન ધરાવતો હાડમાંસનો કોથળો નથી. હું પ્રાધ્યાપક કે રીડર નથી. હું નાગર કે હિન્દુ નથી. હું ફલાણા કે ઢીંકણાનો પતિ કે પિતા નથી. હું છું આ અનુભવ લખવા બેઠેલ ‘હું’. હું છું પેનથી આલેખાતી લીટીમાં સરકતી ચેતના. હું છું પીપળાના પાન પર થરકતી કીડી - હું છું કબૂતરના ઘુઘુકારમાં પડઘાતો અવાજ.’

ડૅનિશ લેખક હાન્સ ઍન્ડરસને સમૃદ્ધ બાળસાહિત્યની રચના કરી છે. પાણીમાં ડાંગ પછાડવાની ઉક્તિને આવરતાં ફિલિપ ક્લાર્ક કહે છે...

કોક સાંધે કોક તો તોડે મને

નામ સાથે કોઈ ના જોડે મને!

વાંક જળનો ક્યાં જરાએ હોય છે?

લાકડીની જેમ એ બોળે મને! 

પહેલાંના સમયમાં પાણીકળાની બોલબાલા હતી. લાકડીની મદદથી જ ભૂગર્ભમાં પાણી છે કે નહીં એની તપાસ કરવાનું તેનું કામ રહેતું. આવા જ પાણીકળા કહી શકાય એવા બિલ્ડર ગંગા નારાયણ શર્માની વાત વાંચવામાં આવી. પોતાનાં યંત્રો, લાકડીઓ અને નારિયેળની મદદથી જમીનના કયા ભાગની અંદર વધારે પાણી છે એની ચકાસણી તેઓ કરે છે. જમીનમાં સૌથી ઉપર પાણીનો સ્તર શોધવા માટે તેઓ અંગ્રેજી અક્ષર Y આકારની લાકડીનો ઉપયોગ કરે. લાકડીના બન્ને છેડાઓને હથેળીની વચ્ચે રાખીને એ સ્થળની ચારે બાજુ ચક્કર લગાવે. જે સ્થાને લાકડી પોતાની જાતે જોરજોરથી ફરવા લાગે એ સ્થળે તેઓ પાણી હોવાનો દાવો કરે છે. શર્માજી એને ડાઉઝિંગ ટેક્નિક કહે છે. પાણી એકવીસમી સદીની સમસ્યા પણ છે અને સમાધાન પણ છે. હેમેન શાહની ત્રિપદી વ્યક્તિત્વ અને વાસ્તવિકતાને સાંકળે છે...

આગળ વિકટ સફર છે

ચશ્માં ને લાકડી પર

ખરતું જતું નગર છે

મોટાં નગરોમાં થતાં આંદોલનો સ્થાનિક આવાગમન પર અસર પાડે એ સ્વાભાવિક છે. નાગરિકતા કાયદા વિરુદ્ધ શાહીન બાગમાં અખંડ પ્રદર્શન ચાલુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિરોધ-પ્રદર્શન એ જનતાનો અધિકાર છે, પણ જાહેર જગ્યાઓ પર થતાં પ્રદર્શનને કારણે જનજીવન ખોરવાય છે. વૃદ્ધાવસ્થા પણ આપણું જીવન ખોરવી નાખે. બ્રિજેશ પંચાલ ‘મધુર’ એક કડવું સત્ય ઉચ્ચારે છે... 

સાચવેલી મોતીની માળા વિખરતા જોઉં છું

મારી માને જ્યારે એક ખૂણામાં રડતા જોઉં છું

એ વખત આધાર નિરાધાર લાગે છે મને

લાકડી સાથેય જ્યાં વૃદ્ધોને પડતા જોઉં છું

આપણું સમૃદ્ધ સાહિત્ય પણ પડું-પડું થઈ રહ્યાની અનુભૂતિ ઘણી વાર થયા કરે છે. ભાષાને સ્મશાને પહોંચતાં કદાચ સદીઓ લાગે પણ સાહિત્ય તો દાયકાઓમાં સ્વાહા થઈ જાય એવી કરપીણ હકીકત સામે ઊભરી રહી છે. હકારાત્મક સ્વભાવ હોવા છતાં નકારાત્મક નિર્દેશો હચમચાવી મૂકે એવા છે. અદમ ટંકારવી વિદેશની સ્થિતિ બયાં કરે છે...

ક્યાંક વિન્ટર થઈને થીજી જાય છે

 ક્યાંક ઑટમ થઈ ખરે છે ગુર્જરી

આર્થરાઇટિસથી હવે પીડાય છે

લાકડી લઈને ફરે છે ગુર્જરી

ક્યા બાત હૈ

લાકડી

ભાઈ ભગવાનના નામે કંઈક આપો

ઘરડી બાઈ બોલી

દસ રૂપિયા આપી

મેં પૂછ્યુંઃ

માડી, તારા ઘરમાં કોઈ નથી?

છેને, દીકરા-વહુ બધાં જ છે

તો! તને કોઈ ટેકો નથી આપતું?

તે બોલીઃ

આપે છેને

ટેકા માટે આ

લાકડી!

- દિલીપ ઠક્કર ‘દિલદાર’

કાવ્યસંગ્રહઃ પગથિયાંની કેડી

columnists weekend guide