ચાલો, થોડું બીજા માટે પણ જીવીએ...

14 October, 2019 02:15 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા

ચાલો, થોડું બીજા માટે પણ જીવીએ...

થોડું બીજા માટે પણ જીવીએ...

કેટલીક વાર સાવ અજાણ્યા માણસો આપણને જીવનનો અમૂલ્ય પાઠ ભણાવી જતા હોય છે, તેથી જ નવા-નવા માણસોને મળવાની પણ પોતાની જ એક અલગ મજા હોય છે. તાજેતરમાં એક પાર્ટીમાં એક દંપતીને મળવાનું થયું. મોઢામાં ચાંદીની ચમચી લઈને જન્મેલા કહી શકાય તેવા આ દંપતીમાંથી પત્નીએ હાલમાં લોકોને મદદ કરવાની એક નવી જ રીત શોધી કાઢી છે. તેમણે પોતાના ઘરની બહાર આવેલી ફુટપાથની પાળી પર એક નાનકડું બૉક્સ મૂકી રાખ્યું છે જેમાં તેઓ અવારનવાર સારી સ્થિતિવાળી, પરંતુ ઘરમાં સાવ જ નકામી પડી રહેલી વસ્તુઓ મૂકતાં રહે છે. પોતાના છોકરાઓ રમી-રમીને થાકી ગયા હોય એવાં રમકડાં, ખાલી ડબ્બા, પેન્સિલ બૉક્સ, ચોક કલર્સ, જૂનાં પગરખાં વગેરે ઘરમાં જે કંઈ સારું પણ વધારાનું હોય એવું તેઓ આ બૉક્સમાં મૂકતાં રહે છે. વળી આ બૉક્સ પર તેમણે ‘એક લઈ જાઓ’ વાક્ય હિન્દી, ગુજરાતી, મરાઠી તથા અંગ્રેજીમાં લખી રાખ્યું છે પરિણામે હવે આવતાં જતાં રસ્તા પરના ગરીબો એમાંથી પોતાને કે પોતાના પરિવારજનોને કામની હોય એવી કોઈ પણ એક વસ્તુ લઈ જઈ શકે છે.

તેમનું કહેવું હતું કે ‘દરેક ઘરમાં એવી અનેક વસ્તુઓ હોય જ છે જે સારી સ્થિતિમાં હોવાથી આપણે કાઢી નાખતા નથી, પરંતુ ખરેખર એનો ઉપયોગ પણ કરતા નથી. પણ એ જ વસ્તુ કોઈ ગરીબને આપી દેવામાં આવે તો તેઓ બિચારા જીવની જેમ એનો ઉપયોગ કરતા હોય છે. હું અવારનવાર આ બૉક્સમાં આવી વધારાની વસ્તુઓ મૂકતી રહું છું અને પછી તક મળે ત્યારે મારા રૂમની બારીમાંથી એને જોયાં કરું છું. આ અનુભવે મને તેમની માનસિકતા સમજવામાં બહુ મોટી મદદ કરી છે. સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે રસ્તે રઝળતા ગરીબોને ચોરી કરતાં એક સેકન્ડનો પણ સમય લાગતો નથી, પરંતુ મેં અનેક વાર મારી બારીમાંથી જોયું છે કે કોઈને એ બૉક્સમાંની બે વસ્તુ પોતાના કામની લાગી હોય, પરંતુ બૉક્સ પર ‘એક લઈ જાઓ’ લખ્યું હોવાથી તેઓ બે હાથમાં બે અલગ-અલગ વસ્તુ પકડી ક્યાંય સુધી કઈ લઈ જાય તો પોતાને વધુ કામ લાગે એનો વિચાર કર્યા કરતા હોય છે. વળી માથે છાપરું સુધ્ધાં ન હોવાથી આપણી જેમ વધારાનો સામાન ભેગો કરવામાં તો તેમને જરાય રસ હોતો નથી. તેથી પોતાના કામની ન હોય એવી એકેય વધારાની વસ્તુઓને તો તેઓ હાથ સુધ્ધાં લગાડતા નથી. એક વાર એક વૃદ્ધ એમાંથી એક ડબ્બો લઈ ગયા હતા. થોડા દિવસ બાદ મેં તેમને મારી જ ગલીના નાકે એ ડબ્બામાં કોઈએ આપેલું જમવાનું કાઢીને ખાતા જોયા. એવી જ રીતે એક વાર એક ગરીબ બાળક એ બૉક્સમાં તૂટેલી પેન્સિલના બે ટુકડા જોઈ એટલો ખુશ થઈ ગયો કે રીતસરનો કૂદકા મારવા લાગ્યો. તેને આવી રીતે ગેલમાં આવી ગયેલો જોઈ મારી આંખમાં પાણી આવી ગયાં. આપણે બધા કેટલીક વાર કોઈ બીજાનું સુખ જોઈ ઈર્ષ્યાથી બળી મરતા હોઈએ છીએ. આ માનવસહજ સ્વભાવ છે, તેથી હું કોઈને દોષ નથી આપતી; પરંતુ આ ગરીબોના પ્રતિભાવો જોઈ હવે મને અહેસાસ થાય છે કે આપણે બધા કેવા મૂરખ છીએ. ખરેખર તો ભગવાને આપણા પર કૃપા કરવામાં એકેય આંગળી બાકી રાખી નથી. તેથી હવે આ નાનકડી પહેલને પગલે મને અંદરખાને એટલી શાંતિ અને સંતોષનો અનુભવ થઈ રહ્યો છે કે એકાદ-બે દિવસ એ બૉક્સમાં કશુંક નવું ન મૂકું તો જીવનમાં કંઈક ખૂટતું હોવાનું લાગ્યા કરે છે.’

વાત કેટલી સાદી છે અને પહેલ કેટલી સરળ છતાં મને કેમ ક્યારેય આવું કશું કરવાનું ન સૂઝ્યું એ વિચારે મને રીતસરની મારી જાત પર શરમ આવી. મારા એક મિત્ર કાયમ મને કહેતા કે દરેક વ્યક્તિએ ફક્ત પોતાના માટે જ નહીં, બીજા માટે પણ થોડું જીવવું જોઈએ. તેમની આ વાત મને સાંભળવામાં તો બહુ સારી લાગતી, પરંતુ એનો અમલ કેવી રીતે કરવો એ બહુ સમજાતું નહીં. તેથી કેટલીક વાર હું તેમના એનજીઓ માટે તેમને પૈસા આપી સંતોષ માની લેતી, પરંતુ સાથે જ મનના કોઈ ખૂણામાં કાયમ એવું પણ થતું કે દુનિયામાં કામની કોઈ કમી નથી. આ ગરીબો કેમ મહેનત કરીને પોતાના માટે પૈસા નહીં કમાતા હોય? પરંતુ આ મહિલાની વાત સાંભળી લાગ્યું કે ખરેખર બીજા માટે જીવવું કંઈ એટલું અઘરું પણ નથી. જરૂર છે માત્ર થોડું આઉટ ઑફ ધ બૉક્સ વિચારવાની.

એ જ મહિલા સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે તેમના બિલ્ડિંગની નજીકમાં કોઈ એક સોસાયટી છે. એ સોસાયટીવાળાઓએ પોતાના કમ્પાઉન્ડની દીવાલ પર મેટલની બાસ્કેટ્સ જડી રાખી છે. એ બાસ્કેટ્સમાં સોસાયટીના સભ્યો પોતાના ઘરે જે કંઈ ભોજન બચ્યું હોય એ મૂકતાં રહે છે અને રસ્તે આવતાં જતાં ગરીબો એ બાસ્કેટ્સમાંથી પોતાને જે અને જેટલું જોઈતું હોય એટલું ભોજન લઈ જઈ શકે છે. એવી જ રીતે એક બીજી સોસાયટીએ પોતાના બિલ્ડિંગના વૉચમૅનની કૅબિનની બહાર એક કમ્યુનિટી ફ્રિજ મૂકી રાખ્યું છે. એ ફ્રિજમાં પણ લોકો આવી જ રીતે પોતાના ઘરે વધેલાં બ્રેડ, ઈંડાં, શાક, ફ્રૂટ્સ વગેરે મૂકી જાય છે અને આસપાસના ગરીબોને એમાંથી જે લેવું હોય એ લઈ જવાની છૂટ છે.

આ વાત સાંભળી મને મારી બહેનની એક ફ્રેન્ડ યાદ આવી ગઈ. એ મહિલાને ખાવાનું બનાવવાનો તથા લોકોને ખવડાવવાનો બહુ શોખ છે. તેનું એવું માનવું છે કે આપણે કોઈ બીજાને કંઈ પણ આપીએ એ તેને ઓછું જ પડવાનું. પૈસા આપો, કપડાં આપો, ઘરમાં કામ લાગે એવી કોઈ વસ્તુ આપો; પણ સામેવાળાને એ ઓછી જ પડવાની. ખાવાનું જ માત્ર એક એવી વસ્તુ છે જે તમે વધારે આપવા તૈયાર હો તો પણ વ્યક્તિ એટલું જ લેવાની જેટલું તે ખાઈ શકશે. તેથી અન્નદાન જેવું આ દુનિયામાં બીજું કોઈ દાન નથી.
આ બધી વાતો પર વિચાર કરતાં લાગ્યું કે વાસ્તવમાં તો લોકોને મદદરૂપ થવા માટે પ્રત્યેક પરિવારની, પ્રત્યેક સમાજની પોતાની એક પદ્ધતિસરની યોજના હોવી જ જોઈએ જેનો નિયમિત ધોરણે અમલ પણ થવો જ જોઈએ.

આ પણ જુઓઃ જુઓ તારક મહેતા... ફૅમ રીટા રિપોર્ટરની બેબી બમ્પમાં હોટ તસવીરો

કોઈ નબળી આર્થિક પરિસ્થિતિવાળા ઘરને આખા મહિનાનું રૅશન ભરી આપો, કોઈના બાળકની આખા વર્ષની ફી ભરી આપો, કોઈ અનાથાશ્રમમાં દર મહિને કેટલાક પૈસા આપો વગેરે. પરંતુ જ્યાં સુધી એ ન થઈ શકે ત્યાં સુધી વ્યક્તિગત ધોરણે આવું રૅન્ડમ ઍક્ટ ઑફ કાઇન્ડનેસ અનુસરવામાં પણ કશું ખોટું નથી, કારણ કે ઉદારતા ચેપી રોગ જેવી છે. તમારામાંથી કોઈ બીજાને, બીજામાંથી કોઈ ત્રીજાને લાગશે, એમ-એમ કરી આ વર્તુળ ક્યાં પૂરું થશે અને તમારું જ આપેલું ક્યાં, ક્યારે, કેવી રીતે, કેવા સંજોગોમાં તમને આવીને પાછું મળશે એ કહી શકાય નહીં. કદાચ તેથી જ તો લોકો નહીં કહેતા હોયને કે જે તમારું છે એ કોઈ તમારી પાસેથી છીનવી જવાનું નથી અને જે તમારું નથી એ કોઈ રીતે તમારી પાસે રહેવાનું નથી? જો એવું જ હોય તો
પછી આવોને થોડું બીજા માટે પણ હવે તો જીવી જ લઈએ...

sex and relationships columnists