એકલી નારી સદા સુખી ખરેખર, તમને શું લાગે છે?

25 June, 2019 11:45 AM IST  |  મુંબઈ | અર્પણા શિરીષ

એકલી નારી સદા સુખી ખરેખર, તમને શું લાગે છે?

તબુ

કેટલીક વાર કહેવાય છે કે લગ્ન થાય એટલે સ્ત્રીઓ જીવનમાં ખુશી અનુભવે છે અને ત્યાર બાદ જો એ મા બને તો એનું જીવન એક કમ્પ્લીટ હૅપીનેસની વ્યાખ્યા પૂર્ણ કરે છે. જોકે તાજેતરમાં લંડન સ્કૂલ ઇકૉનૉમિક્સના સાયન્સના પ્રોફેસર પૉલ ડોલાએ તેમની ‘બુક હૅપ્પી એવર આફ્ટર’ માટે કરેલા સર્વેના રિપોર્ટ અનુસાર કહ્યું હતું કે, ‘લગ્નનો ફાયદો પુરુષોને સ્ત્રીઓ કરતાં વધુ થાય છે. સ્ત્રીઓની સરખામણીમાં પુરુષો વધુ માનસિક શાંતિ અનુભવે છે, તેઓ રિસ્ક લેતા થાય છે, વધુ પૈસા કમાવા માટે પ્રેરિત થાય છે તેમ જ વધુ જીવે છે, જ્યારે બીજી બાજુ સ્ત્રીઓ જો કુંવારી હોય તો એ વધુ જીવે છે.’

ઉદાહરણ આપતાં તેમણે કહ્યું હતું કે ‘૪0 વર્ષની સ્ત્રી જો કુંવારી હોય તો લોકો એમ માને છે કે તેનું નસીબ ખરાબ છે એટલે તેનાં લગ્ન નથી થયાં, કદાચ એક દિવસ તેની જિંદગીમાં કોઈ સારી વ્યક્તિ આવશે અને વધુ બદલાશે, પણ અહીં જો સારા ના બદલે કોઈ ખરાબ વ્યક્તિ આવી જાય તો બધું જ બદલાઈ જાય છે, કદાચ તે વધુ ખુશ અને સ્વસ્થ નથી રહી શકતી અને તેનું જીવન પણ ઘટી જાય છે. જો તમે પુરુષ હો તો તમારે નક્કી જ લગ્ન કરવાં જોઈએ, પણ સ્ત્રી હો તો લગ્નની ચિંતા ન કરો તો વધુ સારું.’

આપણી માનસિકતા પર આધાર

અહીં દરેક વ્યક્તિની ખુશ રહેવાની વ્યાખ્યા જુદી હોય છે. કેટલાકને એકલતા ગમે છે તો કેટલાકને લોકો વચ્ચે રહી વધુ જીવંત લાગે છે. જો સ્ત્રીઓની વાત કરીએ તો આપણા રોજબરોજના જીવનમાં કેટલી એવી સ્ત્રીઓ હશે જે લગ્ન બાદ વધુ ખુશ છું એવું જાહેરમાં કહેતી હશે. જોકે આ બધું જ આપણી માનસિકતા પર આધાર રાખે છે એ વિશે વધુ જણાવતાં સાઇકિયાટ્રિક કશીશ છાબરિયા કહે છે, ‘વુમન જ્યારે સુપર વુમન બનવાની ટ્રાય કરે ત્યારે તે થાકી જાય છે. બધુ હું મારી જાતે જ કરીશ એ સ્વભાવ સ્ત્રીઓને ડુબાડે છે. સ્ત્રીઓ ગમે ત્યારે અને ગમે તે હાલમાં ખુશ રહી શકે છે, પણ જો એને ખરેખર ખુશ રહેવું હોય તો. બધી જ વાતોનો જ્યારે ઈમોશનલ બર્ડન લેવા લાગે ત્યારે જિંદગી પણ બહુ જ સમાન લાગે છે અને પછી મેં લગ્ન શું કામ કર્યાં કે મેં બાળકને જન્મ કેમ આપ્યો એવા વિચારો આવવા સ્વાભાવિક છે.’

શું કરવું જોઈએ?

સ્ત્રીઓએ જો ખુશ રહેવું હોય તો સૌથી પહેલાં તો પોતાની અંદરની ગિલ્ટ ફીલિંગ કાઢી નાખવી જોઈએ એવું કહેતાં કશીશ છાબરિયા ઉમેરે છે, ‘જ્યાં મદદની જરૂર પડે ત્યાં મદદ લો, ઘરનું, બહારનું, બાળકોનું બધું જ કામ જો પોતાની રીતે એકલા હાથે કરવામાં મુશ્કેલી આવતી હોય તો કામવાળી રાખવામાં લોકો શું કહેશે એનો વિચાર કરવાની જરૂર નથી. લોકો તો આમ પણ હંમેશાં કેટલું પણ સારું કરશો તો વાંક કાઢવાના જ છે એટલે સૌથી પહેલાં પોતાનો વિચાર કરો. પોતાના માટે સમય કાઢો અને પોતાને મનગમતી ચીજો કરો. નિરાંતે બેસીને વિચારો કે બાળપણમાં કયો એવો શોખ હતો જે કરવાનો રહી ગયો છે, અને હવે તે કરો. ઉદાહરણ તરીકે જો ડાન્સ કરવાનો શોખ હોય અને મોકો ન મળ્યો હોય કે હજીયે જો ન મળતો હોય, તો ઘરમાં કોઈ ન હોય ત્યારે મ્યુઝિક લગાવીને ડાન્સ કરી લો. અથવા અંતે બાથરૂમમાં એકલાં હો ત્યારે ડાન્સ કરો, પણ કરો. અને એ પાંચ મિનિટના ડાન્સથી તમારો આખો દિવસ કેટલો સારો જશે એ નોટિસ કરજો. ટૂંકમાં જાતે ખુશ રહેશો તો બધાને ખુશ કરી શકશો. અને ખુશ રહીને કામ કરશો તો લગ્ન થયાં છે કે નહીં અથવા બાળક થયાં હશે, કોઈ પણ જિંદગી બોજ નહીં લાગે.’

સિંગલ રહેવામાં પણ છે ટેન્શન

જો એમ લાગતું હોય કે લગ્ન ન કરીને અથવા બાળકો ન હોય તો લાઇફમાં કોઈ ટેન્શન નથી થવાનું તો એ પણ સાચું નથી, એવું જણાવતાં કશીશ છાબરિયા ઉમેરે છે, ‘આજીવન સિંગલ રહેવું હોય તો મન મજબૂત હોવું જરૂરી છે, કારણ કે આગળ જઈને લાઇફમાં એકલાં પડી જવાની ભાવના સતાવે છે, જો વ્યક્તિ માનસિક રીતે મજબૂત ન હોય તો ડિપ્રેશનમાં સરી પડે છે. અહીં જો કોઈનો સાથ હોય તો લાઇફ સારી રીતે પસાર થઈ જાય છે. વાત ફક્ત સાથીદારની જ નથી, કેટલીયે એવી સિંગલ મધર હોય છે, જે જીવનમાં એક બાળક હોય તો પણ આનંદ અનુભવે છે. કેટલીક સ્ત્રીઓ એવી પણ હોય છે જે લગ્ન કરીને સાથી સાથે રહેવાને બદલે એ બાળક દત્તક લઈને સિંગલ મધર બની લાઇફને એન્જૉય કરે છે અને માટે જ સ્ત્રી લગ્ન વિના ખુશ છે કે લગ્ન કરીને ખુશ છે એ પૂર્ણપણે તેના વિચારો પર નિર્ભર કરે છે.’

હસબન્ડને દરેક ચીજમાં ઇન્વૉલ્વ કરો તો ખુશ રહેશો : દેવિશા ઝાટકિયા

મમ્મી બન્યા પછી ફેસબુક કૉમ્યુનિટી લીડર તરીકે પોતાને વ્યસ્ત રાખતી દેવિશા ઝાટકિયાનું કહેવું છે કે તે લગ્ન અને બાળક બન્ને પછી વધુ ખુશ છે, આ સંદર્ભમાં વધુ ઉમેરતાં તે કહે છે, ‘લગ્ન થયા પછી તેમ જ એક મા બન્યા પછી ખૂબ બધી વાતો શીખવા મળે છે. તમે બાળકને જુઓ એટલે તે મોટું થાય એની સાથે જ તમને રોજ નવી નવી અનુભૂતિઓ થાય છે અને નવી વાતો જાણવા મળે છે. અને એ રીતે પણ હું ખુશ છું. મને બાળકો ગમતા નથી, કે મને લગ્ન નથી કરવા, એવું કહીને જવાબદારી ટાળવી શક્ય નથી, પણ અહીં હું મને કોઈ વધુ સ્ટ્રેસ ના થાય એ માટે દરેક વસ્તુમાં મારા પતિને ઇન્વૉલ્વ કરવાનો પ્રયત્ન કરું છું. જે પણ કામ કરવું એ વિશે મારા હસબન્ડ ગૌરવને જાણકારી હોય છે અને જેટલું શક્ય બને એને મારા કામની અને મારી જવાબદારીઓની જાણકારી આપું છું જેથી એ મને મદદરૂપ થઈ શકે. અહીં એક પત્ની તરીકે કે એક માતા તરીકે તમે અંતર્યામી નથી બની જતાં, ક્યારેક કોઈ ચીજ ન ખબર હોય તો પણ એમાં કોઈ મોટી વાત નથી, ક્યારેક કામ અને પરિવારની જવાબદારીના પ્રેશરને લીધે રડવું આવે તો લડી લેવામાં પણ કોઈ વાંધો નથી. આ બધામાં તમે પોતાના માટે સમય કઈ રીતે કાઢો છો એ મહત્વનું છે. જો એ પોતાનો મી ટાઇમ કાઢતા આવડતું હોય તો લગ્ન થયાં હોય કે પછી બાળક હોય તો એ તમને જિંદગી સારી અને માણવા લાયક જ લાગશે.’

સમાજમાં લગ્ન ફરજિયાત ન હોવાં જોઈએ : રીમા સોની

એક મલ્ટિનૅશનલ કંપનીની ડિરેક્ટર અને કવર પાઇલટ લાઇસન્સ માટે ભણી રહેલી ૨૯ વર્ષની રીમા સોની લગ્નની તદ્દન ખિલાફ છે. તેનું કહેવું છે કે લગ્નને લીધે ખાસ કરીને આપણા દેશમાં તો સ્ત્રીઓને આગળ વધવામાં મુશ્કેલીઓ ઊભી થાય છે. વધુમાં તે ઉમેરે છે, ‘આપણો દેશ હજીયે પુરુષપ્રધાન છે એવું કહીએ તો ચાલે, એવામાં લગ્ન બાદ સ્ત્રીઓને ઘણી બધી ઍડજસ્ટમેન્ટ કરવી પડે છે અને જો કોઈ કરીઅર-ઓરિયેન્ટેડ સ્ત્રી હોય તો તેણે પોતાની કરીઅર અને સપનાં સાથે બાંધછોડ કરવી પડે એવું પણ બને છે. ઘણી વાર એવું પણ બને છે કે અમે બધી ફ્રેન્ડસ એન્જૉય કરતી હોય અને તેમનાં લગ્ન થયાં હોય કે જેમને બાળકો તેમણે ઘરે જલદી જવું પડે, પાર્ટી અધૂરી છોડવી પડે અને ત્યારે મને એવું લાગે કે હું લગ્ન ન કરીને ખુશ છું. કેટલીક સ્ત્રીઓને લગ્ન બાદ પરિવારના પ્રેશરના કારણે અથવા બાળક થયા બાદ કરીઅરને બાજુ પર પણ મૂકવી પડે છે. આવું મારી સાથે ન થાય એ માટે મારી લગ્ન કરવાની કોઈ ઇચ્છા નથી, પણ હા, જો કોઈ સ્ત્રી એવું માનતી હોય કે લગ્ન કે બાળક પછી પણ તેની કરીઅરમાં કે તેની પોતાની પર્સનલ લાઇફમાં કોઈ જ બાંધછોડ નહીં કરવી પડે કે તેની લાઇફ તે તેના પ્રમાણે જીવી શકશે તો તેણે અવશ્ય લગ્ન કરવાં જોઈએ. હું મારા વિચારોમાં ખૂબ જ ક્લિયર હોવાને લીધે મારાં મમ્મી-પપ્પાએ પણ મારા આ નિર્ણયમાં મારો પૂરેપૂરો સાથ આપ્યો છે અને ક્યારેય લગ્ન માટે દબાણ નથી કર્યું. અને માટે જ હું મારી જાતને લકી માનું છું.’

આ પણ વાંચો : કાયદાનો દુરુપયોગ થતો હોય ત્યારે એની સામે કવચની જોગવાઈ પણ જરૂરી

વુમન જ્યારે સુપરવુમન બનવાની ટ્રાય કરે ત્યારે તે થાકી જાય છે. બધું હું મારી જાતે જ કરીશ એ સ્વભાવ સ્ત્રીઓને ડુબાડે છે. સ્ત્રીઓ ગમે ત્યારે અને ગમે તે હાલમાં ખુશ રહી શકે છે, પણ જો તેને ખરેખર ખુશ રહેવું હોય તો.

- કશીશ છાબરિયા, સાઇકિયાટ્રિસ્ટ

columnists